મલ્ટીપ્લેક્સોની ખુલ્લી લૂંટ... મહારાષ્ટ્ર સરકાર જાગી... હવે સૌ જાગે !

    ૨૮-જુલાઇ-૨૦૧૮

 
 
મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહોમાં ખાદ્યચીજો અને પાણી નિયમિત બજારભાવ પ્રમાણે જ વેચાવા જોઈએ તેવા બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્ર સરકારે સાધારણ સિનેરસિકોને મોટી રાહત આપતો નિર્ણય લીધો અને આદેશ આપ્યો હતો કે થિયેટરોમાં દર્શકોને બહારની ખાદ્યસામગ્રી લઈ જતા અટકાવી શકાય નહીં. દેશની ફિલ્મનગરી મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો છે. મોંઘીદાટ ટિકિટો ખરીદ્યા પછી ઉઘાડી લૂંટ જેવા ભાવ ખર્ચીને નાસ્તા-પાણી કરવા માટે પડતી ફરજમાંથી તેમને છુટકારો મળ્યો છે. મહારાષ્ટ્ર સરકારના આ આવકાર્ય નિર્ણય પછી હવે દેશનાં અન્ય રાજ્યોમાં પણ મલ્ટીપ્લેક્સની દાદાગીરી વિરોધી ગણગણાટ શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયા ઉપર લોકો પોતાની લાગણી અને માગણીને વ્યક્ત કરવા લાગ્યા છે. ત્યારે ગુજરાતના ફિલ્મરસિયાઓ પણ આમાંથી બાકાત નથી.
 
સુરતમાં તો આના માટે રીતસરની એક ઝુંબેશ ચાલી અને એક દિવસ માટે સિનેમાઘરોમાં ફિલ્મનો સામૂહિક બહિષ્કાર પણ કરવામાં આવ્યો જેમાં મહદ્અંશે સફળતા પણ મળી અને એ દિવસે થિયટરોમાં દર્શકોની સંખ્યા પાંખી જોવા મળી. જામનગરમાં પણ કેટલાક જાગૃત સમૂહો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે એકલ-દોકલ શહેરમાં દર્શકોની આવી જાગૃતિથી મલ્ટીપ્લેક્સ સંચાલકોનો મદ ઓછો થાય તેવી આશા કે અપેક્ષા રાખવી વધુ પડતી છે. સરકાર કે અદાલત તરફથી અધિકૃત આદેશ મળશે તો અને તો જ આ લોકો મચક આપશે. આનું દેખીતું કારણ છે. મલ્ટીપ્લેક્સ સિનેમાઓની કમાણીનું ગણિત છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન મલ્ટીપ્લેક્સ સિનેમાઓની કુલ કમાણીમાં ખાદ્યપદાર્થોનો હિસ્સો ૧૯ ટકાથી વધીને ૨૫ ટકા સુધી પહોંચી ગયો છે. તેની સામે ૨૦૧૨માં ૬૨ ટકા રહેલો ટિકિટની કમાણીનો હિસ્સો ૨૦૧૭માં ઘટીને ૫૬ ટકા થઈ ગયો છે. એક અંદાજ અનુસાર મલ્ટીપ્લેક્સમાં વેચાતી ખાણી-પીણીમાં નફાનો ગાળો ૭૫ ટકાથી પણ ઊંચો છે. ૨૦૧૨ થી ૨૦૧૭ના ગાળામાં સરેરાશ ટિકિટ ખર્ચ સામે નાસ્તા-પાણીનો ખર્ચ પણ ૨૮ ટકાથી વધીને ૪૧ ટકાએ પહોંચી ગયો છે.
 

 
 
 
મલ્ટીપ્લેક્સ સિનેમા ઉદ્યોગના આ આંકડા જ દર્શાવી જાય છે કે સોનાનાં ઈંડાં મૂકતી મરઘી મારવા કોઈ શાણો વેપારી રાજી થાય નહીં. એટલે એક વાત તો નક્કી છે કે લોકજાગૃતિ જ આ લોકોને ઢંઢોળી શકશે. આના માટે જનતા પાસે બે વિકલ્પ છે. એક તો સરકાર જાગે અને આદેશ આપે તેવા બુલંદ અવાજે માગણી ઉઠાવવી અથવા તો કોર્ટના દ્વારે ન્યાય માંગવો. સિનેમાઘરોમાં વસૂલાતા ગેરવાજબી ઊંચા ભાવો મુદ્દે ઘણા લોકો એવી દલીલ પણ કરે છે કે જો મોંઘા ભાવની મોજ પોસાતી ન હોય તો લોકોએ આવા મનોરંજનનો મોહ છોડી દેવો જોઈએ. આ વાત અમુક હદે વાજબી વાગે છે પણ તાર્કિક નથી. કોઈપણ સ્થાન ઉપર અસામાન્ય હદે ઊંચા ભાવ વસૂલવાની સત્તા કોઈને આપી શકાય નહીં. ન પોસાતું હોય તે આવા સ્થાન ઉપર ન જાય એ વાત જેટલી વાજબી છે તેટલો જ વાજબી સવાલ એ છે કે શું જેને પોસાય છે તેને જાણી જોઈને લૂંટનો ભોગ બનવા દેવાના ? ગુજરાતમાં આવા બેફામ ભાવ સામે સુરતથી સિનેમાઘરો વિરોધી અવાજ ઊઠ્યો છે અને હવે તેના પડઘા કેટલે સુધી સંભળાશે તે જોવું રહ્યું.