સાપુતારા ગુજરાત કા તારા હે…આ મોસમ છે સાપુતારામાં ફરવાની…જુવો તસવીર ઝલક…

    ૧૬-ઓગસ્ટ-૨૦૧૮   

 
 
સાપુતારા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું એક આલહાદક સ્થળ. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે.
 

 
 
વર્ષની ત્રણેય મોસમી ઋતુ અનુસાર વિવિધ ફેસ્ટિવલના આયોજન માટે સાપુતારા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે. હાલ અહિ ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વાર “સાપુતારા મોનાસૂન ફેસ્ટીવલ” ૨૦૧૮નું આયોજન થયું છે. વર્ષ દરમિયાન અહિ અલગ અલગ ફેસ્ટીવલ ચાલે છે.
 

 
 
જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશવિદેશના સહેલાણીઓ ખાસ સાપુતારાના ગિરિમથકમાં પ્રવાસની મઝા માણવા આવી રહ્યાં છે. ગુજરાતમાં પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ સ્થળોએ પ્રવાસીઓને આકર્ષવા માટે ખાસ ફેસ્ટિવલનું આયોજન કરે છે.
 

 
 
અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. અહિં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. જોકે પ્રવાસનનો સારો એવો વિકાસ થવાથી અહિના સ્થાનીક આદિવાસીઓને પ્રવાસનને લગતી સારી રોજગારી મળી રહે છે.
 

 
 
ગુજરાતના બીજા પ્રવાસન સ્થળ કરતાં સાપુતારા ખુબજ આકર્ષણ જગાવતું સ્થળ છે, પ્રવાસીઓને રહેવા માટે સુવિધા સજ્જ હોટલ છે, ફરવા માટેના સારા બાગબગીચા છે, પર્વતોની ખીણ, પ્રદેશોમાં રોપવેની અદ્યતન સુવિધા છે, તો ગિરિમથક ઉપરથી ખુલ્લા મેદાનમાં આકાશી સફરનો રોમાંચક અનુભવ કરી આપતી પેરા ગ્લાયડીંગની સુવિધા ઉપલબ્ધ છે. સુંદર લેક અને લેકમાં બોટિંગની સુવિધા છે.
 

 
 
 
“સાપુતારા ગુજરાત કા તારા હે” આ વાક્ય ગુજરાત ટુરિજમની એક જાહેરાતમાં અમિતાભ બચ્ચન બોલે છે…હાલ અહિં પહોંચો એટલે તમને લાગે કે જાહેરાત હોવા છતા બચ્ચન ખોટું નહોતા બોલ્યા….સાબિતિ માટે આ રહ્યાં તાજેતરના સાપુતારાની કેટલીક તસવીર…..