શ્રાવણમાસના મંગળાવારના વ્રતની કથા...

    ૨૧-ઓગસ્ટ-૨૦૧૮   

 
 
મંગળ વ્રત

વાર્તા :
 
હજારો વર્ષ પહેલાં નૈમિષારણ્ય નામનાં એક જંગલમાં અઠ્ઠાસી હજારો મુનિઓ ભેગા થયા અને બંને કર જોડી પુરાણોના જાણકાર એવા શ્રીસુતજીને કહેવા લાગ્યા, “હે મહાજ્ઞાની ! તમે અનેકાનેક રસદાયક જ્ઞાનવર્ધક પુરાણ કથાઓ સંભળાવી છે. હવે અમારી એક ઇચ્છા છે તે આપ પૂર્ણ કરો. અમારા પર કૃપા કરીને એવું કોઈ વ્રત અમને જણાવો. જે સર્વ મનોરથ પૂર્ણ કરનાર હોય. એ વર્ત કરવાથી જેને ત્યાં સંતાન ન હોય તેમને સંતાનની પ્રાપ્તિ થાય તથા બધા જીવોની આધિ, વ્યાધિ, ઉપાધિ દૂર થાય. હવે આ કળિયુગમાં ટૂંકું આયુષ્ય જીવનારા જીવો જન્મશે અને જો એટલાં ટૂંકા આયુષ્યમાં પણ જો તેમને રોગ અને શોક ઘેરી લેશે. તો તેઓ પ્રભુનું ધ્યાન ધરી શકશે નહીં.”
 
આમ ઋષિઓની વિનંતી સાંભળી મહાજ્ઞાની સુતજી કહેવા લાગ્યા, “હે મુનિઓ ! પુરાણ કાળમાં યુધિષ્ઠિર આવી જ વિનંતી ભગવાન શ્રીકૃષ્ણને કરી ત્યારે શ્રીકૃષ્ણે જે સુંદર વ્રતની કથા કહી હતી તે હું તમને કહું છું તમે કૃપા કરીને ધ્યાનથી સાંભળો.”
વાર્તા : રામપુર નામે એક ગામ હતું. ગામમાં નામદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પતિવ્રતા પત્નીનું નામ લક્ષ્મી હતું. બ્રાહ્મણના ઘરમાં ખૂબ જ સમૃદ્ધિ હતી. પરંતુ તેમના ઘેર હજુ સુધી પારણું બંધાયું ન હતું. તેથી પતિ-પત્ની બંને ખૂબ જ ઉદાસ રહેતા હતાં.
 
નામદેવની પત્ની લક્ષ્મી ખૂબ જ શ્રદ્ધાથી મહાબળવાન એવા હનુમાનજીની આરાધના કરતી. મંગળવારના દિવસે હનુમાનજીને નૈવેદ્ય ધરાવ્યા પછી જ પોતે જમતી. તેનામાં નામ પ્રમાણે જ ગુણ હતા.
 
એક મંગળવારે લક્ષ્મી મહેમાનોની આગતા સ્વાગતામાં હનુમાનજીને નૈવેદ્ય ધરાવી ન શકી તેથી તેના મનમાં ખૂબ જ દુઃખ થયું. એ ખૂબ જ પશ્ચાતાપ થવાને લીધે એણે એ દિવસે ખાધું નહીં અન ઉપવાસ કર્યો તેણે દૃઢ નિશ્ચય કર્યો કે આવતાં મંગળવારે નૈવેદ્ય ધરાવ્યા પછી જ ભોજન લઈશ, ત્યાં સુધી હું પાણીનું ટીપું પણ નહીં લઉં.
 
લક્ષ્મી, પતિ માટે રોજ ભોજન બનાવે છે, પણ પોતે જમતી નથી અન મનમાં ને મનમાં હનુમાનજીના ગુમ ગાન ગાતી રહે છે. અન્ન જળ વગર રહે છે. દિવસો વ્યતિત થઈ ગયા. લક્ષ્મીનાં શરીરમાં એટલી બધી અશક્તિ આવી ગઈ કે સાતમાં દિવસે એટલે કે મંગળવારની સવારે લક્ષ્મી બેભાન થઈ ઢળી પડી.
 
લક્ષ્મીની દૃઢ ભક્તિથી રામભક્ત હનુમાનજી તેના પર પ્રસન્ન થયા અને લક્ષ્મીને વરદાન માંગવું કહ્યું, ત્યારે લક્ષ્મીએ પોતાનું વાંઝિયાપણું ટાળવા એક સંતાનનું વરદાન માંગ્યું.
 
પ્રસન્ન થયેલાં હનુમાનજીએ “તથાસ્તુ” કહેતા કહ્યું તારો મનોરથ ફળશે. તારી ઇચ્છા પૂર્ણ થશે અને તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે અને તે કન્યાના આઠ અંગો રોજ થોડું થોડું સોનું આપશે.
 
લક્ષ્મીની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. એણે આ વાત પોતાના પતિને કરી પણ નામદેવ કન્યાની વાતથી થોડો દુઃખી થયો પણ કન્યાના આઠ અંગ દરરોજ સોનું આપશે. તે વાત જાણી તેને ઘણો જ આનંદ થયો.
 
નવ મહિના પૂરાં થતાં લક્ષ્મીએ એક અતિશય તેજવાન એવી કન્યાને જન્મ આપ્યો. એના અંગો સોનું આપતા હતા તેથી તેનું નામ હેમવતી રાખવામાં આવ્યું. હેમવતીએ પૂર્વ જન્મમાં ખૂબ જ ભક્તિભાવ પૂર્વક મંગળવારનું વ્રત કર્યું હતું.
આમ આ તેજસ્વી કન્યાના અંગો સોનું આપતા હતા તેથી તેનો પિતા નામદેવ જોતજોતામાં ખૂબ જ ધનિક બની ગયો અને ધનિક બનવાની સાથે સાથે તેનામાં અભિમાન પણ વધતું ગયું.
 
આમ અતિશય સ્વરૂપવાન એવી અપ્સરા સરીખી હેમવતી દશ વર્ષની થઈ ત્યારે તેની માતા લક્ષ્મીને તેના લગ્નની ચિંતા થવા માંડી, પણ નામદેવને કોઈ જ ચિંતા નથી. કેમ કે તેના આઠેય અંગો સોનું આપતા હતા. લક્ષ્મીએ પોતાના પતિને વિનંતી કરી, “હે સ્વામી ! હવે હેમવતી માટે કોઈ યોગ્ય વર શોધો. શાસ્ત્રમાં પણ લખ્યું છે કે દશ વર્ષ પછી દીકરી રજસ્વાલા થઈ જાય છે અને કન્યાદાનથી આ લોકમાં સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે.”
 
પરંતુ નામદેવ તો પત્નીની વાત એક કાનેથી સાંભળી અને બીજા કાને કાઢી નાખી. કેમ કે નામદેવને તો સોનાનો લોભ વધતો જતો હતો. લક્ષ્મીએ ફરી વખત વિનંતી કરી, ‘હે સ્વામી ! લોભને થોભ નથી. જો અગિયારમાં વર્ષે જો દીકરીનાં લગ્ન ન કરી દેવામાં આવે તો તેના પિતા અને ભાઈ નરકમાં જાય છે.’
 
લક્ષ્મીના આ રીતના ખૂબ જ આગ્રહથી નામદેવે પોતાના સેવકને હેમવતી માટે યોગ્ય વર શોધવાને માટે મોકલ્યો.
સેવક ફરતો શામપુર નામના ગામમાં આવ્યો. ત્યાં તો તેણે એક સર્વગુણ સંપન્ન બ્રાહ્મણ યુવકને જોય. તેનું નામ જયદત્ત હતું. સેવક એ યુવકને લઈને નામદેવ પાસે આવ્યો. નામદેવને તે જમાઈ તરીકે યોગ્ય લાગ્યો. હેમવતીના ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યાં. નામદેવે કન્યાદાનમાં પુષ્કળ ધન આપ્યું.
 
નામદેવને દીકરી સાસરે જાય તેનું ખૂબ જ દુઃખ હતું. કારણ કે તેને સોનું મળતું બંધ થઈ જાય અને તેથી તેની લોભી જીવ વ્યાકુળ બની ગયો. એ વિચરવા લાગ્યો કે આજ સુધી જે ધન ભેગું થયું હતું એ તો દીકરીના લગ્નમાં ખર્ચાઈ ગયું. હવે કોઈ એવી યુક્તિ કરવી જોઈએ કે કન્યા મારા ઘરમાં જ રહે અને મને રોજ સોનું મળતું રહે.
 
સોનાનો મોહ ભયાવહ છે. સોનાનાં લોભમાં આંધળાં થઈ ગયેલાં નામદેવે પોતાના જમાઈને મારી નાખવાનું નક્કી કર્યું. જેથી દીકરી પોતાના ઘેર જ રહે અને સાસરે ન જાય.
 
વહેલી સવારે જયદત્ત હેમવતીને લઈને શામપુર જવા માટે નીકળ્યો. રસ્તામાં એક વૃક્ષ પાછળ છુપાયેલો નામદેવે પોતાના જમાઈની પીઠમાં ખંજર હુલાવી દીધું. જયદત્ત, “હે રામ” કરતો ત્યાં જ ઢળી પડ્યો અને થોડી વાર તરફડીને મૃત્યું પામ્યો.
હેમવતી કાળું કલ્પાંત કરવા લાગી. થોડીવારે ઝાડની પાછળથી નામદેવ બહાર આવ્યો. દીકરી… તારા ભાગ્યમાં વૈધવ્ય લખ્યું હશે, માટે જ પરણ્યાના પહેલા દિવસે લુટારાએ તારા પતિનું ખૂન કરી નાખ્યું છે. ગામના એક ખેડૂતે મને ખબર આપ્યા કે હું તરત જ દોડતો આવ્યો છું અને હવે તું ઘેર ચાલ.. દીકરી પ્રભુની ઇચ્છા બળવના છે. ઇશ્વરની જેવી મરજી… વિધાતાના લખ્યા લેખ મિથ્યા થતાં નથી. તું પિયરમાં સુખેથી ભગવાનનું ભજન કર અને પ્રભુ ભક્તિમાં જીવન વ્યતિત કર.
પિતાના કપટથી અજાણ હેમવતી આંસુ લુંછતા લુંછતા બોલી હે પિતાજી પોતાના પતિ વિનાનું સ્ત્રીનું જીવન નકામું છે. હું મારા પતિની સાથે જ ચિતાએ ચઢીશ.
 
આ સાંભળીને નામદેવ પસ્તાવો કરવા લાગ્યો અને તેને થયું કે મેં જમાઈને મારી તો નાખ્યો પણ કાંઈ વળ્યું નહીં. કેમ કે દીકરી તો પતિની પાછળ સતી થવા તૈયાર થઈ છે, અને તેથી હવે મને ધન મળવાનું નથી અને દીકરી પણ ખોઈશ. હું તો બેઉ બાજુથી માર્યો.
 
નામદેવે ગામમાં જઈને પોતાના જમાઈની હત્યાની વાત કરી. બધા આભડવા લાગ્યા. હેમવતી માથું પછાડતી કલ્પાંત કરતી હતી. બધા સ્મશાને આવી પહોંચ્યા. ચિતા તૈયાર કરવામાં આવી. હેમવતીએ પતિનું માથું ખોળામાં લીધું. ચિતાને અગ્નિ દેવામાં આવ્યો એ સમયે મંગલદેવ પ્રગટ થયાં અને કહ્યું.
 
“હે પુત્રી ! તું આટલી નાની ઉંમરમાં પણ આમ પતિવ્રતા ધર્મનું પાલન કરી રહી છે. તે જોઈ હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું. હું તને વરદાન આપું છું કે તારો પતિ સજીવન થશે અને એટલું જ નહીં અજર-અમર અને ખૂબ વિદ્વાન થશે અને આ ઉપરાંત તારે જે માગવું હોય તે ખુશીથી માંગ.”
 
હેમવતી બોલી, “હે ગ્રહોના દેવ ! જો તમે મારા પર પ્રસન્ન થયા હોવ તો જે કોઈ મંગળવારે પ્રાતઃકાળે લાલ રંગના ફૂલો, ચંદનથી તમારું પૂજન કરે અને સ્તુતિ કરે તેના સર્વ રોગ-દોગ દૂર રહે. પોતાના આપ્રજનોથી તેનો કદી વિયોગ ન થાય. શત્રનો ભય ન રહે તેની સુખી સમૃદ્ધિ વધતી રહે એવું કરો. જે સ્ત્રી હૃદયના ભક્તિ ભાવથી તમારું વ્રત કરે તેનો ચૂડી-ચાંદલો અખંડ રહે અને તેજસ્વી પુત્રોની માતા બને.”
 
“તથાસ્તુ” કહીને મંગળદેવ અંતધ્યાન થયા.
જયદત્ત જીવિત થયો હેમવતી હસ્ષના આંસુ વહાવતી પતિની સાથે સાસરે ગઈ અને ત્યાં સુખ-શાંતિથી રહેવા લાગી. એની સમૃદ્ધિ જોઈ નગરીના અસંખ્ય સ્ત્રી-પુરુષો મંગળવારનું વ્રત કરવા લાગ્યાં.
હે મંગળદેવ ! જેવાં તમે હેમવતીને ફળ્યાં તેમ મંગળવારનું વ્રત કરનાર સર્વને ફળજો.
 
II જય મંગળ II