પ્રકરણ – ૧૩ : સ્નિફર પ્રોગ્રામને કારણે આખરે કંપનીના સોફ્ટવેર ચોરનાર પકડાઈ ગયો

    ૨૭-ઓગસ્ટ-૨૦૧૮   



 

ગુલાલ ઘરે આવી ત્યારે રાતના અગિયાર વાગી ચૂક્યાં હતા. એના બંગલાની બહાર નિખિલની હોન્ડા સિટી અને અંતરાની સ્કૂટી પડી હતી. ડ્રોઇંગ‚રૂમમાં દાખલ થઈ સાથે નિખિલ અને અંતરા સોફામાંથી ઊભાં થઈ ગયાં અને કોશલ્યાબહેન એને વળગી પડ્યાં.

ક્યાં ગઈ હતી બેટા, અમારો જીવ અધ્ધર થઈ ગયો હતો.’

વાતાવરણ જોઈને જીવ તો ગુલાલનો અધ્ધર થઈ ગયો. એને થયું અંતરાએ ક્યાંક નિખિલને અને એની મમ્મીને મલ્હાર સ્કેન્ડલના બારામાં જાણ તો નહીં કરી દીધી હોય ને?

ક્યાંય નહીં મમ્મી, થોડા કામથી ગઈ હતી. નાહકની ચિંતા કરે છે તું પણ?’ એણે મમ્મીની આંખનાં ઝળઝળિયાં સાફ કરતાં કહ્યું પછી અંતરા સામે પ્રશ્ર્નાર્થની દૃષ્ટીએ જોયું. અંતરા આંખોથી જવાબ ના આપી શકી.

જસ્ટ મિનિટ!’ કહીને ગુલાલ બાથરૂમની દિશામાં આગળ વધી ગઈ. ત્યાં જઈને એણે અંતરાને બૂમ મારી,

અંતરા, પ્લીઝ! નેપકિન લાવ તો જરા! નેપકિન બહુ ગંદો છે.

અંતરા એના ઘરના ખૂણેખૂણાથી વાકેફ હતી. તરત કબાટમાંથી ધોયેલો સ્વચ્છ નેપકિન લઈને ગુલાલ પાસે ગઈ. ગુલાલ એને વળગી પડી, ‘શું છે બધું ? તું અને નિખિલ કેમ અહીં આવ્યાં છો? ક્યાંક તેં નિખિલને અને મમ્મીને બધું કહી તો નથી દીધું ને?’

ના, હવે! તો તું આઠ વાગ્યા સુધી ઘરે નહોતી આવી એટલે તારી મમ્મીએ તને કોલ કર્યો. ફોન પણ સ્વીચ ઓફ બતાવતો હતો એટલે એમને ચિંતા થઈ. એમણે મને અને નિખિલ સરને ફોન કરીને અહીં બોલાવી લીધાં. પણ તું ગઈ હતી ક્યાં તો કહે ?’ અંતરાએ અડધી સાચી અને અડધી ખોટી વાત કરી.

મલ્હારને એક કરોડ રૂપિયા આપવા ?’

વ્હોટ, આર યુ મેડ ? આપણે વાત થઈ હતી કે બાસ્ટર્ડને એક રૂપિયો પણ નથી આપવાનો. ઈવન યુ....’

બધું તને કાલે કહીશ. ચાલ અત્યારે.....’

બંને પાછાં ડ્રોઇંગરૂમમાં આવ્યાં. નિખિલે વાત કરી , ‘ગુલાલ, તું જ્યાં જાય ત્યાં, તારે કહીને તો જવું જોઈએ ને ! તારાં મમ્મીને તારી કેટલી ચિંતા છે તને ખબર છે. અને તારો મોબાઈલ તેં કેમ બંધ રાખ્યો છે?’

અરે, યાર! મોબાઈલ ક્યાંક પડી ગયો. ખબર નથી કે ક્યાં રહી ગયો છે! સોરી નિખિલ, સોરી મોમ ફરી આવું નહીં થાય.’

***

રાત્રે ગુલાલના મનમાં બેવડા વિચારો રમી રહ્યા હતા. એક તો એક કરોડ રૂપિયા પણ ગયા અને સાથે સાથે કરોડો ખર્ચતાંય પાછું ના મળે એવું શીલ પણ. એક એવો જખમ હતો જેને કોઈ મલમ રૂઝાવી શકે એમ નહોતો. એક સ્ત્રી હતી અને એક સ્ત્રી માટે, કુંવારી સ્ત્રી માટે વર્જીનીટીના કસમયે થયેલા ખંડન કરતાં કારમો બીજો કોઈ જખમ નથી હોતો.

રેડિયો મિર્ચી પર ગીત ચાલતું હતું, ‘લાગા ચૂનરીમેં દાગ... ચૂનરીમેં દાગ છુપાઉં કૈસે, ઘર જાઉં કૈસે! લાગા ચૂનરીમેં દાગ. બાબુલ સે નજરે મિલાઉં કૈસે....’ ગુલાલની આંખ એના બેડરૂમમાં લટકતી એના બાબુલની તસવીર પર પડી. જાણે પપ્પાની નજર એની ચુંદડી પર પડેલા દાગને તાકી રહી છે. એણે નજર ચોરી લીધી. રાતભર આંખમાંથી ટપકતાં આંસુના જળમાં ડૂમાનો ડિટરજન્ટ ભેળવીને છાતીના વોશિંગ મશીનમાં એની દાગવાળી ચુંદડી ધોતી રહી. પણ ક્યાં કપડાં પર પડેલો દાગ હતો ? તો જીવનના રેશમી તાકા પર પડેલો દાગ હતો. અને જીંદગીના કાપડ પર પડેલા બધા દાગ જિદ્દી હોય છે, કભી નહીં જાતે.

***

ગુલાલ, તે ફ્રોડને પૈસા આપીને બહુ મોટી ભૂલ કરી છે.’ બીજા દિવસે ઓફિસમાં અંતરા ગુલાલને ખખડાવી રહી હતી. આજે ખરેખર બોસ અને કર્મચારીનો સંબંધ ભુલી ગઈ હતી. ખુરશીની સામે બેઠી હતી ગુલાલ માત્ર અંતરાની ફ્રેન્ડ હતી. બેસ્ટ ફ્રેન્ડ.

અંતરા, તું સમજવાની કોશિશ કર. આવા લોકો પૈસાના ભુખ્યા હોય છે. એમને પૈસા આપી દો એટલે વાત પતે, નહીંતર ગમે તે કરી શકે છે. મને પૈસાની ચિંતા નથી. ભગવાને બાબતે સુખ આપ્યું છે. હું ગમે તેટલા પૈસાના ભોગે પણ મુશ્કેલીમાંથી છૂટવા માંગતી હતી. પૈસા ગયા પણ શાંતી થઈ ગઈ.’

તો પછી તેં મને જાણ કેમ ના કરી ? એને પૈસા આપવા એકલી શા માટે ગઈ ? તને ખબર છે તું કેટલું મોટું જોખમ લઈને ગઈ હતી?’

અંતરા, જોખમ હતું એટલે મેં તને ના કહ્યું.’

ઓહ, તો તું મને હજુ તારાથી અલગ ગણે છે ?’

એવું નથી યાર! ચાલ છોડ, સોરી... બસ! હવે આવું નહીં થાય.’

.કે.’ નેકસ્ટ ટાઈમ ધ્યાન રાખજે. નહીંતર આપણી ફ્રેન્ડશિપ પૂરી સમજજે.’

સારું બાબા, ધ્યાન રાખીશ. હવે મને એક વાત કહે. આપણી ઓફિસમાં તો બાબતની કોઈ ચર્ચા નથી થતીને ? તું આખો દિવસ સ્ટાફ જોડે હોય છે એટલે તને ખબર હોય .’

ના, ના ! સ્ટાફમાં કોઈને ક્યાંથી ખબર પડે !’ અંતરા જુઠ્ઠું બોલી. એકદમ જુઠ્ઠું. કારણ કે સાચી વાત હતી કે કોણ જાણે કેમ પણ ઓફિસમાં પણ ગુલાલ સાથે ઘટેલી ઘટનાની કાનાકૂસી થતી હતી. સ્ટાફને ખબર પડી ગઈ હતી કે ગુલાલ સાથે કંઈક ખરાબ બન્યુ છે. અને અમુકને તો પણ ખબર હતી કે શું ખરાબ બન્યું છે. પણ અંતરા ગુલાલને વાત કરીને વધારે ચિંતા અને શરમમાં મૂકવા નહોતી માંગતી.

***

સમય કોઈ ટીનએજ છોકરીના વિસ્તરતા જતા બદનની ઝડપે પસાર થઈ રહ્યો હતો. ગુલાલ ખરેખર મુશ્કેલીમાંથી છૂટી ગઈ હતી. એક કરોડ રૂપિયા લઈને મલ્હાર જાણે હવામાં ઓગળી ગયો હતો. એક મહિનો એકદમ સુખરૂપ પસાર થઈ ગયો હતો. મલ્હાર તરફથી કોઈ મેસેજ, કોઈ કોન્ટેક્ટ નહોતો. ગુલાલ ફરીવાર એની રૂટીની જિંદગીમાં વ્યસ્ત થતી જતી હતી. બસ ચેટિંગ, નેટીંગ અને મેઈલીંગથી દૂર ભાગતી હતી. ફેઈસબુક એને હવે ફણીધર જેવું લાગતું હતું, ચેટિંગ બોક્સ ચીટિંગ બોક્સ લાગતું હતું અને મેઈલથી બોક્સમાં ખંધા મેલ શિકારી બનીને ઊભેલા દેખાતા હતા.

પણ મને-કમને પણ એણે એનું મેઈલ ચાલુ રાખવું પડ્યું હતું. ચાલુ તો રાખ્યુ હતું પણ એનું અકાઉન્ટ એણે બદલ્યું નહોતું, કારણ કે એને અંદર અંદર થોડોક ડર હતો કે રખેને કદાચ મલ્હાર નામનું વાવાઝોડું ફરી પાછું ઊછળે અને એની પાસે મેઈલ એડ્રેસ ના હોય તો તો શોધતો શોધતો ઘરે કે ઓફિસે આવી જાય. અને એવું થાય તો વધારે મુસીબત ઊભી થાય. કરતાં મેઈલથી પતે તો વધારે સારું.

***

લગભગ દોઢેક મહિના પછીનો એક દિવસ. ગુલાલ એની .સી. કેબિનમાં બેઠી બેઠી તાશનાં પત્તાંની સોલીટેઅર ગેમ રમી રહી હતી. સ્પીકર પર સોંગ ચાલી રહ્યું હતું, ‘જિંદગી કૈસી હૈ પહેલી હાયે.... કભી યે હસાયે કભી યે રૂલાયે.’ ત્યાં ઇન્ટરકોમની રીંગ વાગી.

હેલ્લો....’

ગુલાલ, નિખિલ હિઅર! ઈમિડિએટલી કમ ટુ કોન્ફરન્સ હોલ.!’

યા....’ ગુલાલ નિખિલના અવાજમાં રહેલી ઉતાવળ પારખી ગઈ હતી એટલે એક પણ પ્રશ્ર્ન પૂછ્યા વગર કોન્ફરન્સ હોલમાં દોડી. વખતે સોંગ પણ ચાલુ હતું, તાશનાં પત્તાંની એની ગેમ પણ અને મિનિમાઈઝ રાખેલું એનું જી-મેઈલ અકાઉન્ટ પણ.

બીજી મિનિટે કોન્ફરન્સ હોલમાં હતી. હોલમાં નિખિલ ઉપરાંત અનિકેત અને નયનેશ પણ હતા.

ગુલાલ, આપણો સાયબર ચોર પકડાઈ ગયો છે.’ નિખિલે સીધી મુદ્દાની વાત કરી.

વેરી ગુડ! કઈ રીતે?’

અનિકેત અને નયનેશની મહેનતના લીધે. એમણે આપણા તમામ સ્ટાફ મેમ્બર્સના કોમ્પ્યુટરમાં સ્નિફર નામનો એક પ્રોગ્રામ નાંખ્યો હતો. પ્રોગ્રામ દ્વારા સ્ટાફના તમામ લોકોના -મેઈલ આઈ.ડી.નો પાસવર્ડ એમને મળી ગયો. એના આધારે આખા સ્ટાફના મેઈલ્સ પર નજર રાખતા હતા. આપણે એમ સમજતાં હતાં કે આપણા ચાર સિવાય પણ કોઈને ખબર છે અને ચેતી ગયો છે એટલે હવે સોફટવેર્સની ચોરી નથી થતી. પણ એકચ્યુઅલી બીમારીના કારણે એક મહિનાની રજા પર હતા એટલે ચોરી નહોતી થતી. પણ ઘરે પડ્યાં પડ્યાં પણ એણે કામ ચાલુ રાખ્યુ હતું. ગઈ કાલે મારા હાથમાં એનો મેઈલ આવી ગયો. એણે નેટ ઇન્ડિયા નામની કંપનીને મેઈલ કર્યો હતો કે, હમણાં હું બીમાર છું એટલે તમારા માટે સોફ્ટવેરની કોઈ વ્યવસ્થા થઈ શકે એમ નથી. અને હજુ ઓફિસ જતાં મારે વીસેક દિવસ થાય એમ છે. જઈને પણ દસેક દિવસ પછી મેળ પડે. માટે આપને એક મહીના પછી સારુ સોફ્ટવેર મળી શકે. પણ હવે તમારે ભાવ વધારવો પડશે. ચોરી કરીને મેળવવાનું છે. જાનનું જોખમ છે. તમે ડબલ રૂપિયા આપવા તૈયાર હો તો હવે આપણે ડિલ કરીશું...’

સામેથી એમનો જવાબ પણ આવી ગયો, ‘શ્યોર, પણ તમે ઉતાવળ રાખજો.’

ઓહ માય ગોડ. પણ રજા પર છે કોણ ?

આપણા મેનેજર મિ. એન. એમ. ઝિંઝુવાડિયા.

વ્હોટ, તો બહુ સીધા અને પ્રમાણિક માણસ હોય એવું બીહેવ કરતા હતા.’

જમાનાની તો ખૂબી છે. મેડમ! જો દિખતા હૈ વો હોતા નહીં ઔર જો હોતા હૈ વો દિખતા નહીં.

ગુલાલે એક કન્ફેશન કર્યું, ‘સાચું કહું, હવે તમારી સાથે એક વાત શેર કરવી છે. મેં તમારી એપોઇન્ટમેન્ટની વાત અંતરાને કરી હતી. તમે કહ્યું ને કે કોઈ ચોથું પણ જાણે છે ત્યારે મને થોડો ડર લાગેલો. પણ મારો વિશ્વાસ જીતી ગયો. અંતરા એવું કરે નહીં.’

ગુલાલની વાત સાંભળી નિખિલે પણ એની એક વાતની કબૂલાત કરી, ‘મેં પણ મારા એક મિત્રને માહિતી આપી હતી. હું પણ થોડો મૂંઝાઈ ગયો હતો. પણ આખરે આપણે જેના પર વિશ્વાસ મૂક્યો સાચો ઠર્યો.’

હા, પણ વિશ્વાસઘાત કરીને મેનેજરે દગો કર્યો એનું શું કરવાનું ?’ અનિકેતે પૂછ્યું. ‘અત્યારે એનું -મેઈલ આઈડી ચાલુ છે. ડીલ કરી રહ્યો છે. અમારી પાસે પુરાવા પણ પૂરતા છે અને રંગે હાથે પકડાઈ જાય એમ પણ છે.’

તો વાર શેની, ફટાફટ પોલીસને લઈને એના ઘેર પહોંચી જઈએ.’

ઘટનાના કલાક પછી અનિકેત, નયનેશ, નિખિલ અને ગુલાલ . જાડેજા એન્ડ ટુકડી સાથે મેનેજર મિ. એન. એમ ઝિંઝુવાડિયાના ઘેર હતાં. ગુલાલને ગુસ્સો બહુ ચડ્યો હતો, જતા વેંત એણે ઝિંઝુવાડિયાના ગાલે સણસણતો તમાચો ઝીંકી દીધો, ‘યુ બાસ્ટર્ડ, જે થાળીમાં ખાધું એમાં થૂંક્યો ?’

નિખિલ, અનિકેત, નયનેશ અને ઇન્સ્પેક્ટરે ગુલાલને સંભાળી. નિખિલને તો ખબર હતી કે સાઇબર ક્રિમિનલ પર ગુલાલ આટલી ગુસ્સે કેમ થઈ ગઈ પણ અનિકેત, નયનેશ અને ઇન્સ્પેક્ટર ના સમજી શક્યા.

પત્ની, યુવાન પુત્ર અને બે યુવાન પુત્રીઓની સામે ગુલાલે તમાચો ઝીંકી દેતાં ઝિંઝુવાડિયાની છાતી ચિરાઈ ગઈ. પોલીસ એમને હાથકડી પહેરાવીને લઈ ગઈ ત્યારે લાલઘુમ આંખે ગુલાલને જોઈ રહ્યો હતો.

ક્રમશ: