વિદેશની ધરતી પર દેશને બદનામ કરનારું રાહુલ ઉવાચ બંધ ક્યારે થશે?!

    ૦૧-સપ્ટેમ્બર-૨૦૧૮

 
 
# પાર્ટ-ટાઈમ પોલિટિશ્યન રાહુલબાબાએ હમણાં તેમની વિદેશ-યાત્રા દરમિયાન પોતાનું નબળું પોત પ્રકાશ્યું અને વિદેશમાં ભારતની બેઈજ્જતી કરી.
 
# રાહુલજી, આપ આર.એસ.એસ. વિરુદ્ધ ચાહે એટલું વિષ-વિમન કરતા રહો. રા.સ્વ. સંઘ તેના ૯૩ વર્ષના યશસ્વી કાર્યકાળમાં માતૃભૂમિ ભારતમાતાના કણ-કણ અને જન-જન પ્રત્યેના સ્નેહ અને સમર્પણ ભાવથી જન-જનના હૃદય-સિંહાસન પર આરૂઢ છે.
 
# વિદેશની ધરતી ઉપરથી આ પ્રકારની વાણી-વૈખરીનો દુષ્પ્રયોગ કરીને રાહુલ ગાંધીએ, સાર્વજનિક જીવનની તમામ મર્યાદાઓ-‘લક્ષણરેખા’નું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે !
 
# રાહુલજીની આ વાણી, એક વિશિષ્ટ પ્રકારનો વિકૃત સેક્યુલર-સનેપાત છે.
 
# રાહુલબાબા, આપે સ્વયં ૨૦૧૪ની ચૂંટણી પહેલાં ’Times Now’ ટી.વી. ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અર્ણબ ગોસ્વામી સમક્ષ કબૂલાત કરેલી કે : "૧૯૮૪ના શીખોના સામૂહિક નરસંહારમાં કોંગ્રેસમેન દોષિત હતા. જેમાંથી કેટલાંકને સજા પણ થઈ છે !
 
રાહુલ ગાંધી ઉવાચ : ‘આર.એસ.એસ., મુસ્લિમ બ્રધરહુડ જેવી હિંસા-નફરત ફેલાવનારી સંસ્થા છે !’ આથી વધુ વિધિ-વક્રતા, વિડંબના અને મુર્ખામીની પરાકાષ્ટા બીજી કઈ હોઈ શકે ? પરંતુ રાહુલ ગાંધીના આ પાગલપનમાં પણ એક સોચી-સમજી ચાલ છુપાયેલી છે ! There is a method in madness ! એ વાત તો જાણીતી છે કે, ચાલાક ચોર ભીડમાં જાતે જ ‘ચોર-ચોર’ની બુમ પાડી છટકવા પ્રયાસ કરતો હોય છે ! એટલે જ કહેવત બની : ‘ચોર મચાએ શોર !’ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - આર.આર.એસ. એક એવી અનન્ય-અપૂર્વ સંસ્થા છે, વિશ્ર્વનું સહુથી વિશાળ, સ્વૈચ્છિક-સ્વયંસેવી-સંગઠન છે. ૧૯૨૫માં સ્થપાયેલ સંઘની પ્રશંસા સ્વયં મહાત્મા ગાંધીજીએ કરી છે. સરદાર પટેલે પણ સંઘ-સ્વયંસેવકોની નિષ્ઠા, અનુશાસનને ધ્યાનમાં લઈ, સંઘને સ્વરાજના એ પરોઢમાં કોંગ્રેસમાં વિલીનીકરણનું નિમંત્રણ પાઠવ્યું હતું. ૧૯૬૨ના સામ્યવાદી ચીની આક્રમણ વેળાએ, સરહદ પર લડતા આપણા વીર-જવાનોને મદદ પહોંચાડવામાં અને યુદ્ધકાળમાં આંતરિક-સુરક્ષા, નાગરિક-યાતાયાત નિયંત્રણ જેવી મહત્ત્વની કામગીરીમાં સંઘ-સ્વયંસેવકોની અત્યંત પ્રશંસનીય કામગીરીથી પ્રભાવિત થઈ, તત્કાલીન પ્રધાનમંત્રી-સ્વયં પં. જવાહરલાલ નહેરુજીએ સંઘના સ્વયંસેવકોને, તેમના પૂર્ણ-ગણવેશમાં, ૨૬ જાન્યુઆરી, ૧૯૬૩ના પ્રજાસત્તાક-દિનની નવી દિલ્હીના રાજપથ પર યોજાતી રાષ્ટ્રીય-પરેડમાં સામેલ થવા સાદર નિમંત્રણ પાઠવેલું. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે પણ સદ્ગત પ્રધાનમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીએ પણ સરસંઘચાલક શ્રી ગુરુજી ગોળવલકરજીનો અને સંઘ-સ્વયંસેવકોનો સક્રિય સહયોગ આવકાર્યો હતો. પરંતુ આ બધી ઐતિહાસિક હકીકતોની રાહુલ ગાંધીને મન કોઈ કિંમત નથી ! આવી વાતો રાહુલ ગાંધીને કરવી એ ‘રોગ નંબર ઉપર’ ફોન-કોલ કરવા જેવી વિફલ-વંધ્ય બાબત બની રહે તેમ છે !
 
કાચના ઘરમાં રહેનાર કોંગ્રેસ
 
પાર્ટ-ટાઈમ પોલિટિશ્યન રાહુલબાબાએ હમણાં તેમની વિદેશ-યાત્રા દરમિયાન પોત પ્રકાશ્યું છે. સંઘ, ભાજપા, મોદીજી ઉપર અનાપશનાપ આક્ષેપોની ઝડી વરસાવતી વેળાએ રાહુલ ગાંધી એ કડવું-વરવું સત્ય વિસરી ગયા લાગે છે : ‘જિસ કે મકાન શીશે કે હોતે હૈ, વો લોગ દુસરો કે મકાનો પર પથ્થર નહીં ફેંકા કરતે !’ શ્રીમાન રાહુલ ગાંધી, આપશ્રી અને આપની કોંગ્રેસ પાર્ટી - જે હવે લાલ-બાલ-પાલની, ભારતીય સ્વાતંત્ર્ય-આંદોલનની રાષ્ટ્રવાદી પાર્ટી રહી નથી. પરંતુ આપણાં સહુના કમનસીબે સ્વરાજ-લડતની વડેરી પાર્ટી, વર્ષો વીતવા સાથે છેલ્લાં વર્ષોમાં કેવળ ઇટલીઅન-કોંગ્રેસ કે નહેરુ-ગાંધી પરિવારની પ્રાઈવેટ લિમિટેડ કંપની માત્ર બની રહી છે... એ વિશે આપને શું કહેવું છે ?
 
રા.સ્વ.સંઘ દેશભક્તોનું સંગઠન
 
રાહુલજી, આપ આર.એસ.એસ. વિરુદ્ધ ચાહે એટલું વિષ-વિમન કરતા રહો. રા.સ્વ. સંઘ તેના ૯૩ વર્ષના યશસ્વી કાર્યકાળમાં માતૃભૂમિ ભારતમાતાના કણ-કણ અને જન-જન પ્રત્યેના સ્નેહ અને સમર્પણ ભાવથી જન-જનના હૃદય-સિંહાસન પર આ‚ઢ છે. નિરંતર વોટબેન્ક પોલિટીક્સ ખેલતા રાહુલ ગાંધી જેવા વામણા રાજકારણીની લઘુ-ફૂટપટ્ટીથી, સંઘ જેવી સ્વદેશપ્રીતિથી છલકાતી સંગઠનાની ઊંચાઈ અને ઊંડાણનો તાગ મેળવવો અશક્યવત્ છે !
 
૧૯૫૧માં ભારતીય જનસંઘ અને ૧૯૮૦થી ભારતીય જનતા પાર્ટી રૂપે, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના નેતૃત્વમાં જે રાષ્ટ્રવાદી-રાજકીય જનઆંદોલનના શ્રી ગણેશ થયા અને આજે પૂર્ણબહુમતવાળી શ્રી મોદીજીની સરકાર સંભવ બની છે, એના પાયાના પથ્થર‚પે સંઘમાંથી જ આવેલાં પં. દીનદયાળજી, પ્રો. બલરાજ મધોકજી, અટલજી, અડવાણીજી જેવા અનેકોના અતિમૂલ્યવાન યૌવનવર્ષોની ત્યાગ-તપસ્યાનું આ પરિણામ છે એ રખે ભૂલાય ! આવી રાષ્ટ્રભાવથી ઓતપ્રોત સંગઠનાને સમજવા,જાણવા-માણવા માટે રાહુલજી, આપ આપના ઇટાલિયન-ચશ્મા ઉતારીને વાંચવા પ્રયત્ન કરશો તો સત્ય સમજાઈ રહેશે !
 
રાહુલ ગાંધીએ તેમના જર્મની અને બ્રિટનના પ્રવાસ દરમિયાન વિવિધ ફોરમો સમક્ષ જે વેણ ઉચ્ચાર્યાં છે, તેનાથી ભારતવર્ષની બેઇજ્જતી કરવાના તમામ વિક્રમો તુટી ગયાં છે ! સ્વદેશમાં-ઘરઆંગણાની વાત જુદી છે. વિદેશની ધરતી ઉપરથી આ પ્રકારની વાણી-વૈખરીનો દુષ્પ્રયોગ કરીને રાહુલ ગાંધીએ, સાર્વજનિક જીવનની તમામ મર્યાદાઓ-‘લક્ષણરેખા’નું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે !
 
૧૯૮૪ : સામૂહિક મોબ લિંચિંગ
 
રાહુલ ગાંધીને એ વાતનું પુન: સ્મરણ કરાવીએ કે, ૧૯૮૪ના શીખ-બંધુ-ભગિનીઓના વ્યાપક સામૂહિક નરસંહાર કરનાર એ શયતાનો કોણ હતા ? રાહુલજી, ‘જબ બડા પેડ ગિરતા હૈ, તો ધરતી થોડી હિલતી હૈ !’ જેવા સ્પષ્ટ ઉચ્ચારણો આપના સદ્ગત પિતાશ્રી રાજીવ ગાંધીએ જ કર્યા હતાં એ યાદ છે ને ?! આ સંદર્ભમાં જસ્ટિસ નાણાવટીનો અહેવાલ સંસદમાં ૨૦૦૫માં પ્રસ્તુત થયો ત્યારે, જો કોંગ્રેસપાર્ટી શિખોના સામૂહિક નરસંહાર માટે દોષિત નહોતી, તો પછી તત્કાલિન પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહજીએ શા માટે દેશજનતાની માફી માગી ? રાહુલબાબા, આપે સ્વયં ૨૦૧૪ની ચૂંટણી પહેલાં ’Times Now’ ટી.વી. ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અર્ણબ ગોસ્વામી સમક્ષ કબૂલાત કરેલી કે : "૧૯૮૪ના શીખોના સામૂહિક નરસંહારમાં કોંગ્રેસમેન દોષિત હતા. જેમાંથી કેટલાંકને સજા પણ થઈ છે !
 
કટોકટી-રાજ યાદ કરીએ...
 
૧૯૭૫-૭૭ની કટોકટીરાજની આપખુદશાહી પ્રેસની આઝાદીને ગળેટૂંપો દેવાની ઇન્દિરાઈ જુલ્મશાહી, સર્વોચ્ચ અદાલતમાં કહ્યાગરાં જુનિયર ન્યાયમૂર્તિઓને બઢતી આપવા જેવા કુકૃત્યો, ‘મિસા’ જેવા જુલ્મી કાનૂન અંતર્ગત વિરોધીઓને કારાવાસમાં ધકેલવાની ગુસ્તાખીનો જવાબ દેશજનતાએ ૧૯૭૭માં, ગાય-વાછરડા - ઇન્દિરા-સંજય ગાંધી સહિત સમગ્ર કોંગ્રેસ (આઈ)ને જાકારો આપીને લોકતંત્રમાં પોતાની અવિચલ નિષ્ઠા પ્રગટ કરી આપી છે ! તો સત્તાના ગેરબંધારણીય કેન્દ્રિયકરણનું કૃકત્ય, યુપીએના કુશાસનના દાયકામાં સ્વયં સોનિયાજીના હાથમાં રિમોટ કંટ્રોલની દુર્ઘટનાથી છતું થયું છે, એ રખે ભુલાય !
 
રાહુલજી, આપની દાદીમા ઇન્દિરાજીએ ૧૯૭૫-૭૭માં સમગ્ર દેશને જેલખાનામાં ફેરવી નાખેલો. પરંતુ આપને કદાચ ભારતીય ઇતિહાસ અને હિન્દુ-સંસ્કૃતિની પરંપરા વિશે વિશેષ જાણકારી નહીં હોય. એટલે યાદ અપાવીએ કે, જેમ ઇન્દિરાઈ-કટોકટી વિરુદ્ધ જેલમાં ધકેલાયેલા વિપક્ષો દ્વારા જ જનતંત્રની સુરક્ષા-સંવર્ધનરૂપ પ્રયાસના ભાગરૂપે, એ ઇન્દિરાજીની જેલમાંથી જ જનતાપાર્ટીરૂપે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો ! પરંતુ રાહુલજી, આપની કુલ-પરંપરા કદાચ મામા-કંસમાંથી પ્રેરણા લઈ રહી છે. પરિણામે આજે આપની અને આપની પરિવારવાદી પાર્ટીની મનોદશા મામા કંસના અંતિમે દિવસોની યાદ અપાવી રહી છે. કંસને અંતિમ દિવસોમાં જેમ સર્વત્ર શ્રીકૃષ્ણનો જ ખોપ સતાવતો હતો.. એ જ રીતે આજે પણ જાણે વિનાશકાળે વિપરીત બુદ્ધિની કહેવત જેમ રાહુલજી, આપને પણ યત્ર-તત્ર-સર્વત્ર... મોદીજી, ભાજપા અને આર.એસ.એસ. જ દેખાય છે ! આ એક વિશિષ્ટ પ્રકારનો વિકૃત સેક્યુલર-સનેપાત છે અને તેમાંથી ઉગરવા આપની પાર્ટીને અને આપને મનો-સ્વાસ્થ્ય લાભની તાકીદની જરૂર છે, એવું આપની બૌખલાહટ જોતા સમજાઈ રહે છે !
 
- પ્રા. હર્ષદ યાજ્ઞિક