તો ચાલો, રમીએ, ભજીએ, શોધીએ, ગાઈએ, વાંચીએ,કૃષ્ણને...જય શ્રીકૃષ્ણ.

    ૦૧-સપ્ટેમ્બર-૨૦૧૮   

 
 
 
જય શ્રીકૃષ્ણ
 
યસ, ઇચ્છા તો એવી જ છે. શ્રીકૃષ્ણને શોધવા છે. એ અહીં જ છે, સીસીડીમાં આપણી સાથે કૉફી પીવા આવે એવા ભગવાન છે. એમણે અર્જુનને મદદ કરી હતી, દ્રૌપદીને કરી હતી. અનેકોને કરી હતી અને કરે છે. એનું સરનામું કાયમી નથી અને છે. એણે તો એવું કહ્યું છે, મદ્ભક્તા: યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ, ભારત | 
 
મારા ભક્તો જ્યાં મને ગાય છે ત્યાં હું હોઉં છું.
ગાવું એટલે શું ભજન જ ?
કે દિલથી જે ગવાય તે...
 
મને શ્રદ્ધા બેઠી છે એટલે થયું કે તમારી સાથે શેર કરું, મારા વિચારોને અને મારા કૃષ્ણને. પણ એનો અર્થ એ નથી કે એ મને મળી ગયો છે, એ એક દિવસ મીરાંને, રાધાને, અર્જુનને, સત્યભામાને, ગોપીને નરસિંહ મહેતાને અને કેટલા બધાને મળ્યો હતો. આપણને એવી રીતે મળે તેવું કરવું છે. આ નવલકથા નથી, પણ કથા છે. આ એક અર્થમાં સત્સંગ નથી પણ બીજા અર્થમાં છે. આ શોધ છે. આ બોધ છે. આ ધોધ છે.
 
આ મીરાંની શોધ છે.
આ રાધાની શોધ છે.
આ નરસિંહ અને સુરદાસની શોધ છે.
આ અર્જુન અને ઉદ્ધવને થયેલો બોધ છે.
 
આ વ્યાસ અને વાલ્મીકિને થયેલો બોધ છે, આ શ્રી વલ્લભભાચાર્ય અને રામાનુજાચાર્યને થયેલો બોધ છે. સૌથી અગત્યની તો પ્રેમવર્ષા છે, એ રીતે આ ધોધ છે. કૃષ્ણ મારો વરસાદ છે. એ વર્ષાધારા છે, અને માર નથી, એ ધોધમાર છે. આપણે છત્રી વિના એને મળવા જવું છે, આપણે મંદિરમાં મળવું છે પણ મંદિર બહાર પણ મળવું છે. એને ભાષા થકી મળવું છે પણ એક એવા સ્ટેજે પહોંચીને મળવું છે જ્યાં ભાષા ના હોય. આ શોધ મારી અને તમારી છે, આ ઇ-કૃષ્ણસભા છે, તમારે અને મારે સાથે સહયાત્રા કરવાની છે. કૃષ્ણ આપણી સાથે ગેડીદડો રમવા આવે તેવું શક્ય છે. એ આપણાં વસ્ત્ર ચોરી જાય એવું બને, એ આપણને ખભે હાથ દઈને કહે કે, ‘યુદ્ધ કર, હું તારી સાથે જ છું.’ આ બધું શક્ય છે, આ બધું હાથવગું છે, કારણ આ જગતમાં એવું કશું નથી જેમાં કૃષ્ણ નથી.
તો ચાલો, 
રમીએ, ભજીએ, શોધીએ, ગાઈએ, વાંચીએ,
કૃષ્ણને.
જય શ્રીકૃષ્ણ.