પ્રકરણ – ૨૮ : મારે એને ટુકડે ટુકડે મરતાં જોવી હતી, એકસામટી નહીં !

    ૧૧-સપ્ટેમ્બર-૨૦૧૮   

 

ઓરડામાં પીન ડ્રોપ સાયલન્સ પથરાઈ ગયું હતું. સૌના કાન એક જણના હોઠ પર મંડાઈ ગયા હતા. . ઝાલા, બીજા બે સીનિયર ઓફિસર, ગુલાલ, મલ્હાર, બે રાઈટર અને એક એડ્વોકેટ એમ આઠ જણની ટુકડી સામે યુવરાજ બેઠો હતો. પકડાઈ ચૂક્યો હતો, ગુલાલને બ્લેકમેઇલ કરીને પૈસા એણે પડાવ્યા હતા કબુલ પણ કરી લીધું હતું, અડધા પૈસા વાપરી નાંખ્યા હતા, બાકીના ક્યાં મૂક્યા છે પણ એણે થર્ડ ડિગ્રીના ઉપયોગ વગર કહી દીધું હતું. એના સાથી મનુએ પણ ગુનામાં ભાગીદાર હોવાનું કબુલી લીધુ હતુ. એને યુવરાજથી અલગ એક જેલમાં રાખવામાં આવ્યો હતો.

પણ ગુનો કબૂલ કરવા કરતાં ગુનો શા માટે કર્યો છે જાણવામાં બધાને વધારે રસ હતો. સૌથી વધુ ક્યુરિયોસિટી ગુલાલને હતી. જેને એણે જિંદગીમાં ક્યારેય જોયો નહોતો માણસે શું કામ એની જિંદગીને વેરવિખેર કરી નાંખી જાણવા આતુર હતી.

. ઝાલાએ યુવરાજને કહ્યું, ‘જે હોય સાચેસાચું કહી દે, હું તારી સજામાં માફી અપાવવાની કોશિશ કરીશ!’

જવાબમાં યુવરાજ ખંધુ હસ્યો, ‘હંઅ...! તમે શું મને સજામાં માફી અપાવવાના હતા ? મારે માફી જોઈતી પણ નથી. હું કહીશ. બધું સાચું કહીશ. પણ તમે એમ ના સમજતા કે તમે મારી પાસેથી ઓકાવ્યું છે. તમે મારા મોઢેથી બોલાવવાની વાત તો દૂર રહી, મારા હોઠ પણ ના ખોલાવી શકો. અને હા, તમે એમ પણ ના ધારતા કે તમે મને પકડી પાડ્યો છે. અરે, તમે તો મારા બાપની કાંખ ઘોડીનો સહારો લઈ, મારી બહેનની લાગણીને વટાવીને મને પકડાવા માટે મજબૂર કર્યો છે. તમે મને પકડ્યો નથી, હું પકડાયો છું . માઇન્ડ ઇટ! અને હજુ હું ધારું તો ગુલાલને બરબાદ કરી શકું એમ છું પણ મારી બહેને મને સમ આપ્યા છે એટલે.....’ ચૂપ થઈ ગયો. ઝાલાસાહેબ પણ કંઈ ના બોલ્યા. કોઈ કંઈ ના બોલ્યું....

થોડીવાર રહીને યુવરાજ બોલ્યો, ‘... મને ખબર છે કે તમને જાણવામાં રસ છે કે મેં આવું શું કામ કર્યું. મારે કહેવું છે એટલે કહું છું. તમારે જાણવું છું એટલે નહીં યાદ રાખજો.’ પછી એક ખોંખારો ખાઈને એણે બોલવાનું શરૂ કર્યુ, ‘તમારે કારણ જાણવું છે ને! તો સાંભળો.. ગુલાલ મારી મા અને મારી બહેનની હત્યારી છે એટલે મેં એની સાથે આવું કર્યું. હજુ જો મારી બહેને મને સમ ના આપ્યા હોત તો હું અહીં બેઠા બેઠા પણ એના એવા હાલ કરત કે આખી જિંદગી રોવત તો પણ પાર ના આવત.’ હોલમાં સોપો પડી ગયો. ગુલાલ ખુદ સ્તબ્ધ હતી. . ઝાલાએ મુત્સદ્દીગીરીથી વાત કરી, ‘માંડીને વાત કર તો ખ્યાલ આવે.’

કહું છું, બધું કહું છું! નાહકની ઉતાવળ કરો છો. હું કાંઈ ભાગી થોડો જવાનો છું !’ યુવરાજે વિકૃત સ્મિત આપતાં કહ્યું, પછી થોડીવાર ચૂપ રહ્યો અને જાણે ભૂતકાળમાં કંઈ જોઈને બોલી રહ્યો હોય એમ બોલવા લાગ્યો, ‘સાહેબ, અમારુ પાંચ જણનું કુટુંબ ! બા-બાપુ, બે બહેનો અને હું. મારી મોટી બહેન ગંગા અને નાની બહેન નયના મને જીવથીયે વધારે વ્હાલી.’

ગંગા તો બરાબર પણ નયના કોણ ?’ . ઝાલાએ તરત પુછ્યુ.

નયના એટલે મારી નેનકી. એને લાડમાં અમે નેનકી કહીએ છીએ. નેનકી જેની દુહાઈની સીડી બનાવી તમે મને પકડ્યો છે !’ યુવરાજે કટાક્ષ કર્યો અને આગળ બોલવા લાગ્યો, ‘મારી બેય બહેનો મારો પ્રાણ હતી. એને ઉજરડોય પડે તો હું રડી ઊઠતો. પણ છોકરીએ - ગુલાલે એને મારી પાસેથી છીનવી લીધી. મારી બહેન મારા ગામના જયદેવસિંહને પ્રેમ કરતી હતી. જયદેવ આઈ.આઈ.ટી.માં પહેલા દિવસે આવ્યો ત્યારે એની સાથે ગુલાલ અને એના મિત્રોએ રેગિંગ કર્યું અને એણે આત્મહત્યા કરી લીધી તો બધાને ખબર છે પણ પાછળથી શું થયું તમને ખબર નહીં હોય. વખતે મારી બહેન ગંગા પણ જયદેવસિંહ સાથે અમદાવાદ આવી હતી. એની સામે એના પ્રેમીને ઘાઘરો અને પોલકું પહેરાવીને નચાવવામાં આવ્યો, ડાન્સ કરાવવામાં આવ્યો. જયદેવ ગંગા સામે મોં ના બતાવી શકયો. એણે આત્મહત્યા કરી લીધી. મારી બહેન આઘાતની મારી જડ બની ગઈ. ઘરે આવીને બીજા દિવસે એણે પણ ગળે ફાંસો ખાઈ લીધો. મરતાં મરતાં એક ચિઠ્ઠી મૂકી ગઈ હતી. ચિઠ્ઠી ફક્ત મારા માટે હતી. એણે લખ્યુ હતુ, ભાઈ, મને માફ કરજો. મને ખબર છે કે તમે મને ખૂબ પ્રેમ કરો છો. પણ હું જાઉં છું. મારાથી હવે જીવી શકાય એમ નથી. બીજી માફી માગી લઉં કે મેં તમારાથી એક વાત છુપાવી છે. હું જયદેવસિંહને પ્રેમ કરતી હતી. ખૂબ પ્રેમ. એટલો બધો પ્રેમ કે એના વગર હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ પડતો હતો. પણ હવે જયદેવ દુનિયામાં નથી એટલે મારે પણ નથી જીવવું. ભાઈ, એક કામ કરશો ? મારો બદલો લેશો ? જયદેવે ભલે આત્મહત્યા કરી હોય પણ ખરેખર તો એની હત્યા કરવામાં આવી છે. કોલેજમાં એની સાથે બહુ ખરાબ થયું. અટકી શકયુ હોત પણ એક છોકરીને કારણે બધું થયું. એનું નામ ગુલાલ હતું. એના મિત્રોએ એને પૂછ્યું હતું કે જયદેવસિંહ સાથે આવું કરાય કે ના કરાય. એણે ના પાડી હોત તો કદાચ આજે જયદેવ જીવતો હોત અને હું પણ. બસ, છેલ્લી એક આશા છે છોકરીને બરબાદ કરી દેવી છે. ક્યાં રહે છે .... કોની છોકરી છે કાંઈ ખબર નથી. બસ, એટલી ખબર છે કે તમારી લાડકી બહેનનો જીવ એણે લીધો છે. ભાઈ, તમે જ્યાં સુધી બદલો નહીં લો ત્યાં સુધી મને ચેન નહીં મળે.... તમારી લાડકી બહેન, ગંગા...’

બોલતાં બોલતાં યુવરાજને શ્વાસ ચડી ગયો હતો. ઉપર તાકી રહ્યો, પછી બોલ્યો, ‘હવે મારી બહેન તૃપ્ત થઈ ગઈ છે !’

પણ તેં બધું કર્યું કેવી રીતે ?’ ઝાલાસાહેબે ફરી પ્રશ્ર્ન કર્યો.

સાહેબ, એની પાછળ વર્ષોની મહેનત છે. હું ગામડાની શાળામાં બારમું ધોરણ ભણેલો. કોમ્પ્યુટર ક્યારેય જોયેલું પણ નહીં. એકવાર અમદાવાદ આવ્યો. ગુલાલ વિશે તપાસ કરી. ગુલાલ વિશે તમામ વિગતો તો મળી ગઈ પણ પણ ખબર પડી ગઈ કે મારા જેવા માણસ માટે એની સાથે સામી છાતીએ લડવું અઘરું નહીં, અશક્ય હતું. એને મારવી હોય તો એવો વાર કરવો પડે કે એને ખબર પણ ના પડે કે વાર કોણે કર્યો અને શાના વડે કર્યો. મેં બહુ વિચાર્યું. મહિનાઓ સુધી વિચાર્યું. પણ કંઈ સૂઝ્યું નહીં. એવામાં એક દિવસ છાપામાં સમાચાર વાંચ્યા કે ઇન્ટરનેટ પર કોઈ છોકરાએ એક છોકરીની નગ્ન તસવીરો મૂકી દીધી. યુવતીએ બદનામીના ડરથી આત્મહત્યા કરી લીધી. છોકરો હજુ પકડાયો નહોતો. બસ, ત્યારે મને થઈ ગયું કે વાર કરવો તો આવો કરવો. પણ માટે મારે કોમ્પ્યુટરનું નોલેજ લેવું જરૂરી હતું. હું ભણવાને બહાને મુંબઈ ગયો. ત્યાં સતત એક વર્ષ હું કોમ્પ્યુટર અને સાયબરની દુનિયાને સમજતો રહ્યો, શીખતો રહ્યો. અને મારા ઝનૂને મને એક વર્ષમાં સાયબરનો કીડો બનાવી દીધો. ત્યાં મને મનુ મળી ગયો. મેં એને મારી વાત કરી. એણે મને સાથ આપવાનું નક્કી કરી લીધું. બસ, પછી શું એક ખખડધજ કોમ્પ્યુટર લઈ આવ્યા અને ગુલાલ માટે જાળ બિછાવી. ગુલાલ ભૂલી ગઈ હતી કે સાયબર જગત છે, અહીં બધું અંગત છે છતાં બધું જાહેર. પહેલાં મેં જેમ્સના નામે એને ફસાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ ગુલાલ જુદી માટીની હતી. પણ એક દિવસ અચાનક એના અને મલ્હારના ચેટિંગ મને જોવા મળ્યા અને પછી તો મેં બંનેનું મેઈલ અને પાસવર્ડ હેક કરીને એવો ઉપયોગ કર્યો કે ગુલાલ બરબાદ થઈને રહી...’

યુવરાજે પછીની એક એક વિગત, એક એક ક્ષણની ઘટના પોલીસ સમક્ષ રજૂ કરી દીધી. પહેલીવારના ચેટિંગ બોક્સથી લઈને પાસવર્ડ હેક, મુંબઈમાં વિડિયો શુટિંગ, બ્લેકમેઇલ, કરોડ રૂપિયાની ઉઘરાણી, ફરી મેઈલ અને પકડાઈ ગયો ત્યાં સુધી એણે વિગતવાર બધી વાતો કરી અને કબૂલી લીધી.

ઊઠતી વખતે . ઝાલાએ એને પૂછ્યું, ‘તું કહે છે કે તારે બદલો લેવા ગુલાલને બરબાદ કરવી હતી. તો પછી તેં એક કરોડ રૂપિયા શા માટે લીધા ? તેં તરત વિડિયો વાઈરલ કરી દીધો હોત તો ગુલાલ વધારે બરબાદ થાત! પણ કદાચ પછી તારો આશય ફરી ગયો હશે. આખરે પૈસામાં ભરાયો તું એમ ને ?’

ના, સાહેબ ના! તમે નહીં સમજો. જો મેં તરત વિડિયો વાઈરલ કરી દીધો હોત તો કાં તો ગુલાલ આત્મહત્યા કરી લેત કાં તો પછી થોડો સમય વાત થાત અને પછી ભુલાઈ જાત. હું એને હેરાન ના કરી શકત. મારે એને માનસિક રીતે એટલો બધો ત્રાસ આપવો હતો કે રિબાઈ રિબાઈને મરે. મેં નક્કી કર્યું હતું કે મહિને બે મહિને એને ઇન્ટરનેટ પર વિડિયો મૂકી દેવાની ઘમકી આપીને એને આર્થિક રીતે પણ પાયમાલ કરતા જવું અને માનસિક રીતે પણ તોડતા જવું. હું પકડાયો ના હોત તો ગેઈમ બહુ લાંબી ચાલત. મારે એને ટુકડે ટુકડે મરતાં જોવી હતી... એકસામટી નહીં... પણ ખેર, એક બહેન માટે મેં કર્યું અને બીજી બહેન માટે જેલમાં જાઉં છું.’ પછી એણે ગુલાલ સામે જોતા કહ્યું, ‘મેડમ, આભાર માનજો મારી બહેનનો. તમે મારી એક બહેનને બરબાદ કરી તોયે મારી બીજી બહેને તમને બચાવી લીધાં. એણે જો મને સમ ના આપ્યા હોત તો હું તમારું જીવવું હરામ કરી દેત. શું સમજ્યાં ?’

ગુલાલને ખબર નહોતી પડતી કે શું બોલવું. રેગિંગ જેવી એક સામાન્ય બાબતનો રેલો અહીં સુધી આવશે એનો એને અંદાજ પણ નહોતો. એને પણ ખબર નહોતી કે એની મજા અને મજાક કોઈની જીંદગીને બરબાદ કરી ગઈ હતી. ઊભી થઈ અને યુવરાજ પાસે ગઈ. એની આંખમાં આંખ પરોવીને કહ્યું, ‘તેં જે કર્યું બરાબર હતું કે ખોટું હતું મને ખબર નથી. મને એટલી ખબર છે કે મેં જે કર્યું હતું ખોટું હતું. હું તારી માફી માગું છું. મને તારી ગંગા સમજીને માફ કરી દે ભાઈ!’ ગુલાલ બે હાથ જોડીને યુવરાજ સામે ઊભી રહી ગઈ. હવે યુવરાજને ખબર નહોતી પડતી કે શું બોલવું? એક આકાશી મૌન હોલમાં છવાઈ ગયું. બધા કંઈ પણ બોલ્યા વગર ઘણું બધું કહીને છૂટાં પડ્યાં.

. ઝાલાએ યુવરાજને જેલમાં મોકલી આપ્યો. હવે એના અને મનુ પર કેસ ચાલવાનો હતો.

***

મલ્હાર, જિંદગી પણ ગજબની છે, નહીં ? રોમાંચના ઘૂંઘટમાં ખંજરની અણી જેવી ?’ યુવરાજ અને મનુના કેસમાંથી પરવારી ગુલાલ અને મલ્હાર ઊંટડિયા મહાદેવનાં દર્શને ગયાં હતાં. સાંજનો સમય હતો. અંધારું ધીમે ધીમે પૃથ્વીને એની આગોશમાં લઈ રહ્યું હતું. અને પૃથ્વી બાળકોના સૂવાનો ઇન્તજાર કરતી સ્ત્રી જેમ એને ધીરજ રાખવાનું કહી રહી હતી. પણ એનીયે જાણ બહાર એની આગોશમાં વેરાઈ રહી હતી.

મલ્હારે ગુલાલને આગોશમાં લેતાં કહ્યું, ‘જિંદગી નહીં, લોકો ગજબના છે. અગરબતીના પેકેટમાં લક્ષ્મીબોંબ જેવા.’

૫ણ આપણે હવે ચિંતા નથી. ખંજરની અણી પણ ખાઈ લીધી અને લક્ષ્મી બોંબનો ધડાકો પણ ખમી લીધો.’

હા, હવે તો બસ રોમાંચનો ઘૂંઘટ ઉઠાવવાનો અને અગરબતીની સુવાસ માણવાની.’

તો હું સાડી પહેરીશ તો તું ઘૂંઘટ ઉઠાવીશને. હું તને ચોખ્ખું કહી દઉં છું. લગ્નના એક દિવસ પૂરતી હું સાડી પહેરીશ.... પછી ક્યારેય નહીં.’

તું સાડી નહીં પહેર તો વધારે સારું. મારે ઘૂંઘટ ઉઠાવવાની મજૂરી ઓછી. રોજ રૂમમાં આવીને વાદળાં નહીં હટાવવા પડે. સીધો ચંદ્રમાં ચૂમવા મળશે.’ યુવરાજે શૃંગારિક છેડછાડ કરી.

ગુલાલ શરમાઈ ગઈ, ‘શરમ વગરના !’

લગભગ કલાક સુધી નદીની રેતીમાં બેંનેએ રોમાંસ-રોમાંસ રમ્યા કર્યું. ત્યાં મલ્હારના ખિસ્સામાં પડેલો મોબાઈલ વાયબ્રેટ થયો. એણે રીંગ નહોતી રાખી. એને શક હતો એવું થયું હતું - કદાચ ફોન….

ઊભો થયો. ગુલાલને ટચલી આંગળી બતાવીને દૂર આવેલા સુલભ શૌચાલય તરફ ચાલવા લાગ્યો. ગુલાલ ગંદું મોં કરીને હસતી હસતી ત્યાં બેસી રહી. અઠવાડિયા પછી મલ્હાર સાથે એનાં લગ્ન હતાં. વિચારી રહી, બસ, હવે જિંદગી સ્વર્ગ, સ્વર્ગ અને સ્વર્ગ બની રહેશે. જીવનમાં હવે કોઈ દુ:ખો નહીં આવે. કોઈ ખંજરની અણી જેવી ઘટના કે કોઈ લક્ષ્મીબોંબ જેવો ધડાકો નહીં થાય. મલ્હાર સાથે રોમાંસના સુંવાળા રસ્તા પર સુવાસ માણતાં માણતાં જીવવાનું હતું.

પણ ખોટી હતી. બ્લેક-મેઈલની સાયબર ગેઈમ યુવરાજથી પૂર્ણ નહોતી થતી, હવે શરૂ થતી હતી. હવે તો એની જિંદગીમાં લક્ષ્મીબોંબ કરતાંયે મોટો ધડાકો થવાનો હતો. એક એવો ધડાકો જેની એણે તો શું દુનિયાની કોઈ વ્યક્તિએ કલ્પના નહીં કરી હોય....

ક્રમશ: