વિનમ્રતા વિના સ્વાભિમાનનું કોઈ અસ્તિત્વ નથી

    ૧૩-સપ્ટેમ્બર-૨૦૧૮   


 

 
પાથેય - અબ્રાહમ લિંકન - એક પ્રસંગ

 
અબ્રાહમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ પોતાના ગામની પાસેના ગામમાં જનસભાને સંબોધન કરવાના હતા. ભીડ ખૂબ જ હતી. અબ્રાહમ લિંકને જેવું ભાષણ શરૂ કર્યું કે તરત જ ભીડમાંથી એક મહિલા ઊભી થઈ. આશ્ર્ચર્યજનક શબ્દોમાં તેણે કહ્યું, ‘અરે, આ ક્યારે રાષ્ટ્રપતિ બની
 
ગયો ? આ તો અમારા ગામના મોચીનો દીકરો છે. લિંકનના કાને આ શબ્દો પડ્યા બાદ તેઓએ ખૂબ જ વિનમ્ર શબ્દોમાં કહ્યું, ‘જી શ્રીમતીજી ! તમે બિલકુલ સાચું કહ્યું, હું તે જ મોચીનો દીકરો છું. તમે અહીં ઉપસ્થિત લોકોને મારા ભૂતકાળથી પરિચિત કરાવી ખૂબ જ સારું કામ કર્યું છે. હવે તમે મને એ કહો કે, મારા પિતાજીએ તમારા ચપ્પલ તો બરાબર ઠીક કર્યા હતા ને ? અમારા કામથી તમને કોઈ ફરિયાદ તો નથી ને ?’ મહિલાએ કહ્યું કે તમારા પિતાએ પૂરી કુશળતાથી અને ઈમાનદારીપૂર્વક પોતાનું કામ કર્યું હતું. અમારે ક્યારેય પણ ફરિયાદ કરવી પડી ન હતી.
 
આ સાંભળ્યા બાદ લિંકને કહ્યું, ‘બરોબર એ જ નિષ્ઠાથી હું રાષ્ટ્રપતિ તરીકેની ફરજ નિભાવીશ. હું તમામ લોકોને વચન આપું છું કે જે રીતે મારા મોચી પિતાના કામથી કોઈની ક્યારેય ફરિયાદ નથી થઈ તે રીતે મારી કોશિશ રહેશે કે મારા કામ પ્રત્યે પણ કોઈને ક્યારેય ફરિયાદ કરવી નહીં પડે. આજે પણ અબ્રાહમ લિંકનની ગણના અમેરિકાના ઇતિહાસમાં સૌથી સફળ રાષ્ટ્રપતિઓમાં થાય છે. એક નેતા, એક રાજકારણી, એક શાસક કેટલી હદે ઉદાર અને સહિષ્ણુ હોવો જોઈએ તે લિંકનના જીવનની આ ઘટના શીખવી જાય છે. આ મહાન રાજકારણી શીખવે છે કે, વિનમ્રતા વિના સ્વાભિમાનનું કોઈ અસ્તિત્વ નથી.’