એક છાયાને છાંયડો થતાં કેટલી વાર લાગે ?

    ૧૩-સપ્ટેમ્બર-૨૦૧૮   


 

 
એક ઝેરોક્ષાયેલું ઝોકું અને શાંતિની પરબ એ છાયાની ઓળખ છે

વહેલી સવારે વિહ્વળતા અનુભવવી અઘરી છે. હું એવું નથી કહેતો કે બધાં રાક્ષસી પરિબળો મોડી રાત સુધી ધમાલ કરીને ઊંઘી ગયાં છે એની પૃથ્વીને એક પ્રકારની નિરાંત છે. કારણ વહેલી સવાર સુધી દીકરીએ વાંચ્યું છે તેવું જણાવતી બારીની આંખ ખાસ્સી સૂઝેલી છે. પણ અહીં તો હું નિદ્રાના એક દુર્ગમ કિલ્લાને અતિક્રમીને બેઠો છું. મારી સામે એક અંધારાનું શાંત સરોવર બેઠું છે એનું કાળું મૃગજળ હમણાં જ ઊડી જશે, પણ એની કશી અજુકતી ચહલપહલ નથી. કોઈને છેતરવાની તમન્ના નથી એટલે રસ્તા પર આવીને કોઈને ભોળવવાની ચેષ્ટા પણ જોવા મળતી નથી. એ તો માત્ર ‘છે’. એક ભુલાઈ ગયેલો શ્ર્લોક હોય તેમ પડી રહ્યું છે. કદાચ ઝાડ નીચે છાયાનાં ચિત્રો દોરીને જશે, એ પછીથી સૂરજ અને ઝાડ સાથે બેસીને વાંચશે અને પાથરશે. છાયા એ અંધારકુળની ક્ધયા હોવા છતાં પૃથ્વી પર સૂરજની હાજરીમાં રહેવાનું હોય છે, સૂરજથી અવળી દિશામાં વિકસવાનું અને વિલસવાનું હોય છે. પણ એના ડીએનએમાં જે શાંતિના હસ્તાક્ષરો હોય છે તે જ એની ઓળખ છે. એને બધા ‘શાંતિની પરબ’ એવું કહેતા નથી પણ આવીને શાંતિ જ પીતા હોય છે. આ પીવાની ક્રિયા એટલી સૂક્ષ્મ હોય છે એટલે ‘શાંતિ પામે છે’ કે ‘શાંતિ મેળવે છે’ એવો લોકવ્યવહાર છે. છાયા જ્યારે છાંયડો બને છે ત્યારે એની સામાજિકતા વધે છે.

બધે માલિકીપણું દાખવવું છે

હું જ્યાં છાયા રચાઈ જવાની છે તેવા વૃક્ષતળિયે મારી નજરની એક નાજુક જાળ ફેલાવું છું. મ્યુનિસિપલ કાઉન્સિલરની ગ્રાન્ટમાંથી નંખાયેલા બાંકડા પરનું લખાણ વાંચી શકાતું નથી. આવી નિરક્ષર ક્ષણો એક આહલાદ ઊભો કરે છે. મનુષ્યને બધે માલિકીપણું દાખવવું છે અને આ બાંકડા એનું પ્રમાણ છે એવું છાયા-વિસ્તાર કહેતો નથી. પણ ઢોરને આરામવાની આટલી જગા ઓછી થઈ છે એની ખબર સૌથી નીચે નમેલી ડાળને હોય તેવું લાગે છે.

વૃક્ષનું મૌન અને પવનના હીંચકાઓ  

એક વૃક્ષની છાયાની ભાષાને આજે વાંચવી છે. પહેલો શબ્દ ‘નિરાંત’ ઊઠે છે. આ એક જ મહોલ્લાના વૃક્ષ નીચે રહેવું શક્ય નથી, મન તો સમયના અને અવકાશના હજારો કિલોમીટર દૂર ફરવા નીકળી પડે છે. બે પ્રેમીઓની ગુફતેગુ એ આ છાયાનો શૃંગાર છે. બને તેટલી સમીપતા અનુભવતા બે જીવ છાયાના છત્રપણાને પોંખે છે. આમાં વૃક્ષનું મૌન અને પવનના હીંચકાઓ અનોખાં ગીત ઉમેરે છે. અહીં જાગતાં જાગતાં સપનાં જોતાં એ યુવાન હૈયાં અજાણપણે જ એક નજાકતભર્યા ભવિષ્યનો લેપ કરે છે. આવી છાયાના ફરફરતા વાળ જોવા માટે તો કો’ક કદમ્બ સુધી જવું પડે.
 
છાયામાં જ્યારે પ્રતીક્ષા પ્રવેશે ત્યારે એક શબરીની આંખો સામે આવે છે. વૃદ્ધ અને ઊંડી ઊતરી ગયેલી આંખો. આવી છાયામાં કો’ક અલી ડોસો ટપાલીની રાહ જોતો હોય છે. કો’ક મા એના મોબાઇલ પર નેટવર્ક શોધતી શોધતી આવી ચઢે છે અને પછી સાસરે ગયેલી દીકરી સાથે વાત માંડે છે.

બાંકડાઓ આવી બપોરે બોલકણા બની જતા હોય છે.  

ઉનાળાના બપોરે આ છાયા પૂરી સંસારી થઈ જાય છે. ક્યારેક આવીને બેસતા શ્રમિકો સાથે વાતે વળગે છે તો ક્યારેક સામેના ઘેર ચાલતા એરકન્ડિશનરનાં વાચાળ નસકોરાંને અવગણવાનો ડોળ કરતી હોય છે. એકાદ નિવૃત્ત વૃદ્ધના અર્ધ-ઊંઘીલા ઝોકાથી ઝેરોક્ષાયેલું ઘર બની જાય છે. બાંકડાઓ આવી બપોરે બોલકણા બની જતા હોય છે. અને જો બપોરની શાંતિ પામીને બે ખિસકોલીઓ ઊંઘવાનો પ્રયત્ન કરતી હોય તો આવતી-જતી ગાડીઓનાં હોર્ન જાણે ચાંચ મારી મારીને આ છાયાને જગાડતા હોય છે.
 
પણ આષાઢની વાદળછાયી બપોરે તો એને એના ઉનાળાના વૈભવને યાદ કરવાનો હોય છે. ગૌરીવ્રત રાખનારી દીકરીનાં ખેતર સાચવવા અહીં ભાષાનો ચાડિયો ઊભો હોય છે.

છાયામાં બેસવા દેવાનો નિર્ણય વૃક્ષે કરી લીધો છે 

હું મારી સવારની છાયા ઘડાતી હોય તેવી ક્ષણોમાં પાછો ફરું છું, એની કોમળ સરહદો પર એક વૃદ્ધાએ હમણાં જ દાણા નાંખ્યા છે, હવે કબૂતર અને ચકલીઓ આ છાયાની સરહદ દોરશે. એટલે જ તો સવારના નાસ્તા માટે નીકળેલી ગાય અહીં રોકાઈ નથી, કે નથી પેલી શ્રમિકવધૂએ એના ટીફીનને કશે ગોઠવ્યું. છાયાને તો ઝાડનું અવલંબન છે, એના વારસામાં ચાંદની અને પવનના ચરુ મુકાઈ ગયા છે. બે કઠિયારા આવે તો પણ છાયામાં બેસવા દેવાનો નિર્ણય વૃક્ષે કરી લીધો છે, આ નિર્ણયથી છલકાતું આભિજાત્ય વાંચવા હું તત્પર બની ઊઠ્યો છું. ઉપરથી આકાશે પણ નીચી નજરથી છાયાકૃતિને મંજૂરી આપી છે, પૃથ્વીએ આસન પાથર્યું છે, પક્ષીઓએ શરણાઈ વગાડી છે, શાળાનાં બાળકોની સ્કૂલ બેગમાંથી ભાગી છૂટેલું અજવાળું અહીં આવીને છુપાયું છે.
 
હું કોઈ છાયાશાસ્ત્રી પાસે ભવિષ્ય જોવડાવવાનો વિચાર માંડી વાળું છું...