પ્રકરણ – ૩૧: ગુલાલ હવે મારા બિસ્તરમાં પડેલાં ગુલાબોમાં રહી ગયેલો એક માત્ર કાંટો છે. એને કાઢ્યા વગર છૂટકો જ નથી...

    ૧૪-સપ્ટેમ્બર-૨૦૧૮   



 

ફેબ્રુઆરી મહિનાની ઠંડીએ અમદાવાદને ઠંડુંગાર બનાવી દીધું હતું. છેક બપોરે બારેક વાગે સૂરજ બિચારો માંડ માંડ એનું મોં બતાવી શકતો હતો. અને ત્રણ વાગે બીતો બીતો બહાર આવતો. આખી રાત આકાશમાંથી જાણે બરફ વરસ્યો હતો. સવારનો કૂણો તડકો પણ બરફના ચોસલામાંથી બનાવેલા ખંજર જેવો ધારદાર લાગતો હતો. બપોરના સાડા ત્રણ થયા હતા. અમદાવાદની એક આલિશાન હોટેલના રૂમમાં એક સ્ત્રી ડ્રેસીંગ ટેબલ સામે ઉભી રહીને તૈયાર થઈ રહી હતી. આમ તો ઘરેથી તૈયાર થઈને આવી હતી પણ અહીં આવી ફરીથી કપડા બદલ્યા. ફરીથી એણે ફેઈસ વોશથી મોં ધોયું હતું, બોડી સ્પ્રે છાંટ્યું હતું અને લાલઘૂમ હોઠને ડાર્ક પીન્ક લિપસ્ટિકથી વધારે રંગીન બનાવ્યા.

એણે સ્ક્રીન ફીટ જિન્સ અને ટી - શર્ટ પહેરી હતી. કાનમાં ઈમિટેશન ઈયરીંગ્સ અને હાથમાં બ્રેસલેટ પહેર્યું હતું. એને તૈયાર થતાં થતાં એક વિખ્યાત અંગ્રેજ ફિલસૂફનું સેન્ટેન્સ યાદ આવી, ‘ વેલ ડ્રેસ્ડ વુમન ઈઝ ક્લોઝ્ડ ટુ બી નેકેડ.’ એને હસવું આવી ગયુ. થિંકર્સ પણ ગજબના ભેજાબાજ હોય છે. શાશ્ર્વત સત્ય જેવી વાત કહી નાંખતા હોય છે. સ્ત્રી સૌથી વધું શણગાર સજે ત્યારે સમજી લેવું કે બહુ જલદી શણગાર ઉતરવાના છે. એણે આઈનામાં ક્યાંય સુધી પોતાનું શણગારેલું પ્રતિબિંબ જોયા કર્યું.

ત્યાં ડોરબેલ વાગી. ‘કોણ ?’ સ્ત્રીએ પૂછ્યું.

હું.’ મલ્હારે એકદમ ધીમેથી કહ્યું. સ્ત્રીએ તરજ ફટાક દઈને ડોર ઓપન કરી નાંખ્યુ અને મલ્હારને અંદર ખેંચીને પાછું બંધ કરી નાંખ્યું. સ્ત્રી એને વળગી પડી, ‘મલ્હાર ! તારા વગર ગાંડી થઈ ગઈ હતી. કેટલા દિવસે મળ્યો તું.’ પછી શબ્દોનો સૂરજ આથમી ગયો અને સ્પર્શનો ચંદ્રમાં ઊગ્યો. લાંબા સમયના અંતરાલ બાદ મળેલાં બે દેહ બરફના ચોસલા જેમ એકબીજામાં ઓગળતા રહ્યાં.

ઉન્માદનું વાવાઝોડું કલાકે શાંત પડ્યું. મલ્હાર બોલ્યો, ડાર્લિંગ, મને લાગે છે હવે મારે નીકળવું જોઈએ.’

કેમ, ગરજ સરી એટલે વૈદ્ય વેરી ?’

ગરજ ક્યાં સરી છે, હું એવો રોગી છું કે આજીવન તારી દવાનો કોર્સ કરું તો બચી શકું.’

જુઠ્ઠા, તું બહુ બદમાશ છે. આવું બોલી બોલીને મને ફસાવી છે તેં. અને એવું હોય તો મહિના સુધી પેલી ગુલાલ જોડે શા માટે પડ્યો રહ્યો ? ત્યારે દવા યાદ ના આવી તને ?’

મેં તને ફસાવ્યો છે કે તેં મને ?’ મલ્હારથી બોલાઈ ગયું. પછી એણે તરત વાત બદલી નાંખી, ‘ડાર્લિંગ, ચાલ હું જાઉં. હું ગુલાલને કીધા વગર આવ્યો છું. વધારે વાર થઈ જશે તો નાહકનો એને શક જશે.’

ગુલાલનું નામ સાંભળતા સ્ત્રી પાછી વિફરી, ‘બસ, તને ગુલાલની પડી છે. એનું નામ ના લે મારી પાસે ! મને એની જલન થાય છે.’

તું કેવી વાહિયાત વાત કરે છે ? હું પ્રેમ તો તને કરું છું. એની સાથે તો માત્ર એક સોદો છે અને પણ તારા કહેવાથી કર્યો છે. અને હવે તું એમ કહે છે કે હું એનું નામ પણ ના લઉં.’

હા, ભલે સોદો રહ્યો. પણ ત્યારે મને ખબર નહોતી કે આવું થશે. મને જલન થાય છે યાર. મને એની ઈર્ષા આવે છે. પત્ની તો હું છું તારી. તું એની સાથે વાત કરે, હરેફરે અને સૂવે મને નથી ગમતું.’

વ્હોટ ? તો શું હું એને છૂટાછેડા આપી દઉં ? તું ના ભૂલતી કે બધું તારા પ્લાન મુજબ કર્યું છે. તેં કહ્યું હતું કે હું ગુલાલ સાથે પરણી જાઉં તો તને કોઈ વાંધો નથી. બસ, શરત એટલી હતી કે મારે તારી સાથે સંબંધ રાખવો પડશે !’ મલ્હાર બોલ્યો. અચાનક સ્ત્રીનો ચહેરો બદલાયો, બોલી, ‘ તો કહેવાનું હોય. બાકી મારે તારી પાસે કામ કરાવવું હતું, થઈ ગયું. હવે તારે ગુલાલની સાથે સંબંધ ફાડવો પડશે.’

તું મારી સાથે ગેઈમ કરે છે.’

તને મેળવવા હું તારી સાથે તો શું મારી જાત સાથેય ગેઈમ કરી શકું છું.’ મલ્હાર ચૂપ થઈ ગયો. કશું બોલી ના શક્યો. સ્ત્રી આગળ બોલી, ‘મલ્હાર, મારી વાત ધ્યાનથી સાંભળ. ગુલાલ હવે મારા બિસ્તરમાં પડેલા ગુલાબોમાં રહી ગયેલો એક માત્ર કાંટો છે. એને કાઢ્યા વગર છૂટકો નથી. આપણે એને પતાવી દેવી પડશે. તારે એક કામ કરવાનું છે. આજથી ગુલાલ સાથે સંબંધ બંધ. કારણ પૂછે તો કહી દેવાનું કે મને તારા પર શક છે કે નિખિલ સાથે તારું લફરું છે. બસ આવું બે મહિના ચાલશે એટલે પાગલ થઈ જશે. અને પછી આપણે એને અકસ્માતમાં ઉડાવી દઈશું. બસ, પછી તારી અને મારી વચ્ચે કોઈ નહીં હોય. હું, તું, દોલત અને આપણો પ્રેમ !’

આર યુ મેડ ?’ મલ્હાર ઉશ્કેરાઈ ગયો, ‘આવી ગાંડા જેવી વાત ના કર. આપણા સ્વાર્થ માટે આપણે ગુલાલનો જીવ ના લઈ શકીએ. મેં તને કહ્યું ને કે હું તને ભરપૂર પ્રેમ આપતો રહીશ. બસ પછી શું...’

તું સમજતો કેમ નથી ? તને અને ગુલાલને વાત કરતાં જોઉં છું તોય હું સળગી જાઉં છું. એણે તો મારા રસ્તામાંથી ખસવું પડશે. બસ, સો વાતની એક વાત.’

અને હું જો એમ કરવાની ના પાડું તો ? અને તને પણ એમ ના કરવા દઉં તો ?’ હવે મલ્હારનો ચહેરો ફર્યો.

તું એમ ના સમજતો કે મેં કાચી ગોટીઓ ખેલી છે. તને બદનામ અને બદમાશ સાબિત કરી શકે એવા ત્રણે-ત્રણ હુકમના એક્કા મારી પાસે છે, સમજ્યો ?’

મને મારી પરવા નથી ?’

ગુલાલની તો છે ને ? જો તું મારો સાથ નહીં આપે તો ગુલાલ ગઈ સમજજે. મારા કેમેરા બધે ગોઠવેલા છે. જો તેં ગુલાલ સાથે શરીરસંબંધ બાંધ્યો તો સમજી લેજે, બીજા દિવસે ગુલાલ દુનિયામાં નહીં હોય. અને એનો આરોપ પણ તારા પર આવશે. અને હા, આપણા પ્લાનની વાત કોઈને કરવાની ગુસ્તાખી પણ ના કરતો. આમ તારા મોઢામાંથી શબ્દો છૂટશે અને આમ ગુલાલના કપાળ પર ગોળી.’

મલ્હાર ખુરશીમાં ફસડાઈ પડ્યો. ભૂકંપના આંચકામાં કડડડ ભુસ્સ થઈ જતા મકાન જેમ ધરાશાયી થઈ ગયો. પેલી સ્ત્રી ખડખડાટ હસતી રહી અને ચૂપ બનીને જોતો રહ્યો. અત્યારે એને જબરદસ્ત પસ્તાવો થઈ રહ્યો હતો. એના ખુદના કરેલાં એને વાગી રહ્યાં હતાં. ગુલાલ સાથેના ચેટિંગથી લઈને લગ્ન સુધીના સેટિંગ સુધીનું બધું વેલ પ્લાન્ડ હતું. એક એક ઘટના લખીને તૈયાર કરવામાં આવી હતી અને મલ્હાર એને ભજવી રહ્યો હતો. ગુલાલ સાથે એને ક્યારેય પ્રેમ તો હતો નહીં. એણે એક યોજના અંતર્ગત એની સાથે લગ્ન કર્યાં હતાં. પણ હવે એને લાગતું હતું કે ફસાઈ ગયો છે. કદાચ ગુલાલ તરફથી મળેલો નિસ્વાર્થ પ્રેમ એને હવે એની સાથે વિશ્વાસઘાત કરતાં રોકી રહ્યો હતો. એના હૃદયમાં કેટલીયે વાતો ઘુંટાઈ રહી હતી. પ્લાન કોણે કર્યો ? શા માટે કર્યો? પ્લાન શું હતો? કયારે શરૂ કર્યો? બધું કહેવા માટે તડપી રહ્યો હતો પણ એને કોઈ પૂછતું નહોતુ. અને પૂછે તો પણ થોડો કહી શકવાનો હતો ? કારણ કે શબ્દો પછી શબ્દો મટીને ગુલાલના કપાળે ફૂટતી ગોળી બની જવાના હતા.

સ્ત્રીના અટ્ટહાસ્યના બેકગ્રાઉન્ડ મ્યુઝિક વચ્ચે પણ એના દિમાગે કંઈક નક્કી કરી લીધુ. ખુરશીમાંથી ઊભો થયો, અને પેલી સ્ત્રી પાસે ગયો, ‘ડાર્લિંગ, આઈ એમ સોરી. હું ભાવાવેશમાં આવી ગયો હતો. આખરે તું મારો પહેલો પ્રેમ છે. તને જલન થાય સ્વાભાવિક છે. તું કહે એમ કરવા હું તૈયાર છું.’ સ્ત્રીએ એને બાંહોમાં ભરી લીધો. ફરીવાર ઓરડો ઉન્માદથી ભરાઈ ગયો.

***

સાંજના સવા થયા હતા. ગુલાલ એની કેબિનમાં બેઠી બેઠી ઓફિસનું રૂટીન કામ કરી રહી હતી. જૂના મેઈલ અને બ્લેકમેઈલની વાતો ભૂલી ચૂકી હતી. અત્યારે એને યુવરાજ કે એના મેઈલ યાદ પણ નહોતા. મસ્તીથી કામ કરી રહી હતી અને જિંદગી જીવી રહી હતી. એણે અંતરાના ઈન્ટકોમ પર રીંગ મારી. ફોન બીજા કોઈએ ઉપાડ્યો, ‘ક્યાં ગઈ અંતરા?’

મેડમ, એની તબિયત સારી નથી એટલે બે વાગે નીકળી ગઈ છે.’

મને કહ્યું પણ નહીં ?’

મેડમ, કહેવા આવી હતી પણ તમે નિખિલ સર સાથે મીટિંગમાં હતા.’

.કે.’ ગુલાલે ફોન મુકી દીધો. ફરી એના રૂટીન કામમાં પરોવાઈ ગઈ. લગભગ બધા મેઈલ્સ ચેક થઈ ગયા હતા. કોમ્પ્યુટર શટડાઉન કરવાની તૈયારી કરતી હતી ત્યાંજ એના ઈનબોક્સમાં એક મેઈલ બ્લીંક થયો. કોઈ જાણીતા માણસનો નહોતો. સબજેક્ટમાંહાય ડાર્લિંગએવું લખેલું જોઈને એને આશ્ર્ચર્ય થયું. એણે તરત મેઈલ ઓપન કર્યો. એક જૂની અને જાણીતી ભાષા એસિડ બનીને એની આંખમાં રેડાતી ગઈ. જેમ જેમ શબ્દો એની આંખમાં ઊતરતા ગયા એમ એમ એના શરીરનું લોહી રીતસરનું બળતું ગયું. છતાં એની નજર મેઈલના અક્ષરો પર ફરી રહી હતી,

હાય.. ડાર્લિંગ કેમ છો?’ મજામાં !

ઓહ, કદાચ તું મને ભૂલી ગઈ હોઈશ. જોકે એમાં તારો વાંક નથી. વાંક મારો છે. હું તને મેઈલ કરવાનું ભૂલી ગયો હતો. લે હજુ ઓળખાણ ના પડી ? હું તારો સગો, તારો વ્હાલો, તારો પ્રેમી, તારો દુશ્મન. તારો યુવરાજ !

એક ગુડ ન્યૂઝ છે તારા માટે. હું કેટલાયે દિવસોથી જેલમાંથી ભાગી ગયો છું. કદાચ તારા પિતાતુલ્ય ઝાલા સાહેબે તને જણાવ્યું નહીં હોય. ખેર, ભલે એમની ફરજ ચૂકે પણ મારાથી ના ચુકાય. એટલે તને મેઈલ કરી રહ્યો છુ. હવે, કામની વાત પર આવુ. ગુલાલ, તને તો ખબર છે કે મેં મારી બહેનના મોતનો બદલો લેવા તારી સાથે સાયબર ખેલ ખેલ્યો હતો. મે પોલીસ સમક્ષ ભલે કહ્યું કે મારી બહેને મને સમ આપ્યા છે એટલે હું હવે બધું ભુલી જઈશ. પણ યુ નો, ગુલાલ હું તને ક્યારેય માફ નહીં કરી શકું. મારે તને પૂરેપૂરી બરબાદ કરવી છે. પૈસા તો મારી પાસે ઘણા છે. પણ મારી બહેન પ્રેમીના વિયોગમાં તડપી તડપીને મરી હતી એમ મારે પણ તને પ્રેમીનો વિયોગ બતાવવો છે. પૈસાની મારે કોઈ જરૂર નથી. બસ, તારે એક કામ કરવાનું છે. તારે તારા પતિ કમ પ્રેમી મલ્હાર સાથે શરીરસંબંધ બંધ કરી દેવાનો છે. મારા કેમેરા ચારે તરફ છે ગુલાલ. જો તું મારી વાત નહીં માને તો હું તારો વિડિયો વાઈરલ કરી દઈશ અને તારા મલ્હારને પણ ખતમ કરી નાંખીશ. યાદ રાખજે, મને જરાય કમ ના સમજીશ. હું બહુ ઝનૂની છુ. જે દિવસ તે મલ્હાર સાથે સંબંધ બાંધ્યો દિવસ મલ્હારનો પૃથ્વી પર આખરી દિવસ હશે.

હવે જ્યાં સુધી તું એનાથી દૂર રહીશ ત્યાં સુધી જીવશે. છે ને બદલો લેવાની જબરદસ્ત સ્ટાઈલ. આને કહેવાય ચીટ ભી મેરી ઓર પટ્ટ ભી મેરી. હવે તને ખબર પડશે કે પ્રેમીથી દૂર રહેવું કેટલું વસમું હોય છે. પણ તું રહે. તું જેટલા દિવસ દૂર રહીશ એટલા દિવસ મારી બહેનના આત્માને શાંતિ મળશે... હા.... હા.... હા...... સાલું પૂરેપરો વિલન થઈ ગયો તોયે મને વિલનની જેમ હસતા ના આવડ્યું તે ના આવડ્યુ. ચાલ બાય. રોમાન્સ વિનાની મેરેજ લાઇફ મુબારક. યુવરાજ.’

લેટર પૂરો થયો ત્યારે ગુલાલનું પચાસ ટકા લોહી ચુસાઈ ગયું હતું. ખુરશીમાં ઢગલો થઈ ગઈ.

ક્રમશઃ