આર. કે. સ્ટુડિયો શા માટે બંધ થવાનો છે? આ રહ્યાં કારણો!!?

    ૧૫-સપ્ટેમ્બર-૨૦૧૮   

 
 
‘આગ’થી આગ સુધી. ભારતીય સિનેમાના ગ્રેટેસ્ટ શોમેન. ફિલ્મોદ્યોગની ફર્સ્ટ ફેમિલીના વડવા અને ફિલ્મ મેકિંગ, મ્યુઝિક અને રોમાન્સના માંધાતા રાજ કપૂરે સ્થાપેલા આર.કે. સ્ટુડિયોના બંને છેડે આગ છે. આર.કે. ફિલ્મ્સના બેનર તળે બનેલી પહેલી ફિલ્મ ‘આગ’ હતી અને ગયા વર્ષે મુંબઈના ચેમ્બુરના સ્થિત આર.કે. સ્ટુડિયોમાં ટી.વી. રિયાલિટી શો સુપર ડાન્સર-ટુના સેટ પર લાગેલી આગ બાદ હવે આ સ્ટુડિયો અસ્તિત્વના અંત તરફ આગળ વધી રહ્યો છે. ફિનિક્સ પક્ષી રાખમાંથી ફરી ઊભું થાય છે, પણ વાસ્તવિક જીવનમાં દર વખતે આવું થતું નથી. એમ કહી રાજ કપૂરના પુત્ર રિશિ કપૂરે દંતકથા સમાન સ્ટુડિયો પર પરદો પાડવાની જાહેરાત કરી છે. આર. કે. ફિલ્મના સ્થાપનાના સાત દાયકા બાદ અને આર.કે. એટલે રાજ કપૂરના અવસાનના ત્રણ દસક બાદ આર.કે. સ્ટુડિયો બંધ થવાનો છે અને બે એકરના પ્લોટ પર કદાચ કમર્શિયલ બિલ્ડિંગ બની જશે. મુંબઈના જૂના સિંગલ સ્ક્રીન સિનેમાઘરોની જગ્યા મલ્ટિપ્લેક્સ અને મોલ લઈ રહ્યા છે, તો સ્ટુડિયોના સ્થાને પણ વ્યાવસાયિક ઇમારતો ઊભી થઈ રહી છે. જે સિનેમા અને સ્ટુડિયો બચ્યા છે, એનો આનંદ માણવો કે બંધ થઈ ગયેલા થિયેટર્સ અને સ્ટુડિયોને યાદ કરીને શોક કરવો એની દ્વિધામાં સિનેરસિકો પડી ગયા છે.

કારણો અનેક છે

રાજ કપૂર વિશે લોકો જેટલું જાણે છે એના કરતાં અડધું પણ આર.કે. સ્ટુડિયો વિશે નહીં જાણતા હોય, પણ જૂની પેઢી માટે આર. કે. સ્ટુડિયોનું ગજબનું આકર્ષણ હતું. આજે તો સ્ટુડિયો એટલે ફિલ્મનિર્માણ કંપની અને ખાસ તો ફિલ્મના બિઝનેસમાં કૂદી પડેલી કોર્પોરેટ કંપનીઓ. પણ એક કાળમાં સ્ટુડિયો એટલે એવી જગ્યા જેમાં કલાકાર અને દિગ્દર્શક પ્રવેશતા અને તૈયાર ફિલ્મ બનાવીને બહાર નીકળતા. સ્ટુડિયોના માલિક હોવું એ ગર્વની વાત હતી અને પોતાની ઇચ્છા પ્રમાણે પોતાની ફિલ્મ બનાવવી હોય તો સ્ટુડિયો જ‚રી ગણાતો. એક કાળમાં મુંબઈમાં પચાસથી વધુ નાના-મોટા સ્ટુડિયો હતા. આજે તેમની સંખ્યા ગણવા માટે એક હાથના વેઢા પૂરતા થઈ રહે એમ છે. આર.કે. સ્ટુડિયોનું મહત્ત્વ અનેક કારણોસર મોટું હતું. આ સ્ટુડિયોના ભવ્ય ભૂતકાળ વિશે વાત કરતા પહેલાં તેને બંધ કરવાની નોબત શા માટે આવી છે એ જાણી લઈએ. મુંબઈમાં ફિલ્મ સ્ટુડિયોઝ બંધ થઈ રહ્યા છે. તેનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે બોલીવૂડની ફિલ્મો હવે સ્ટુડિયોમાં ફિલ્માવવામાં આવતી નથી. એક જમાનામાં ફિલ્મનું વિદેશી લોકેશન પર શૂટિંગ કરવું એ વિશિષ્ટતા ગણાતી અને કલાકાર-કસબીઓ પણ વિદેશમાં શૂટિંગને વર્ક એન્ડ પ્લેઝરનું કોમ્બિનેશન ગણતા. હવે, મોટા ભાગની ફિલ્મ આઉટડોરમાં શૂટ થાય છે. રિયલ લોકેશન્સ કે બંગલાઓમાં શૂટ થાય છે. આથી સ્ટુડિયોની મહત્તા ઘટી છે. બીજું ગોરેગાંવ ફિલ્મ સિટીમાં વિવિધ ફ્લોર્સ અને મંદિર, કોર્ટ જેવા તૈયાર સેટ છે અને હવે તો નાની જગ્યાઓમાં પણ સેટ ઊભા કરી શૂટિંગ કરી લેવાય છે. વળી, ચેમ્બુર મુંબઈમાં ભૌગોલિક દૃષ્ટિએ જ્યાં છે, એ સ્થળ પણ ફિલ્મી દુનિયાના લોકો માટે દૂર પડી જાય છે. અંધેરી, ગોરેગાંવની આસપાસ બોલીવૂડની દુનિયા સમેટાઈ ગઈ છે અને ત્યાંથી છેક ચેમ્બુર આવવું-જવું મુંબઈના ટ્રાફિકમાં બહુ જફાનું કામ છે.
 

 
 

સ્ટુડિયો એટલે ધોળો હાથી

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આર.કે. સ્ટુડિયોમાં આગ લાગ્યા બાદ સ્ટુડિયોનો ખાસ્સો એવો હિસ્સો, નરગિસ અને વૈજયંતિમાલાથી લઈને ઐશ્ર્વર્યા રાય જેવી આર. કે.ની ફિલ્મોની હીરોઈનોએ પહેરેલાં કોસ્ચ્યુમ્સ, ‘મેરા નામ જોકર’માં રાજ કપૂરે પહેરેલું જોકરનું માસ્ક, ‘આવારા’ અને ‘સંગમ’માં જોવા મળેલો પિયાનો, પબ્લિસિટી મટીરિયલ અને બીજી ઘણી બધી ચીજો બળીને ખાખ થઈ ગઈ હતી. કપૂર ખાનદાને સ્ટુડિયોને નવેસરથી બાંધવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં પણ આજના કાળમાં ફિલ્મ સ્ટુડિયોની જાળવણીનું કામ ‘ધોળા હાથી’ને પાળવા સમાન છે. સ્ટુડિયો કાઢી નાખવાના નિર્ણય વિશે રિશિ કપૂરે આપેલી દલીલ બહુ વ્યવહારુ છે, ‘અમારી વચ્ચેનું (ભાઈઓ રણધીર, રિશિ અને રાજીવ) જોડાણ દૃઢ છે, પણ અમારા સંતાનો અને તેમના સંતાનો વિશે કંઈ કહી શકાય નહીં. ધારો કે આગળની પેઢીના સભ્યો વચ્ચે મતભેદ સર્જાયો તો ? સ્ટુડિયો તેમના માટે મિલકત બની જશે અને કોર્ટના ખટલામાં બધું જ અટવાઈ જશે. પારિવારિક કલહમાંથી માત્ર વકીલોને જ લાભ થશે. તમને લાગે છે પોતાના સંતાનોને આ રીતે લડતાં જોઈને મારા પિતાને ગમ્યું હોત ?’ રિશિની આ દલીલને વ્યવહારુ ઠરાવતું બીજું કારણ એ પણ છે કે, આજકાલ ફિલ્મ મેકિંગની રીતરસમો બદલાઈ છે. બે એકરના પ્લોટ પર સ્ટુડિયો સુવિધાઓ સાથે ફિલ્મ સાથે સંકળાયેલા લોકોના વાહનોના પાર્કિંગ માટે વિશાળ જગ્યા તથા બીજી સુવિધાઓ માગે છે, જે આપવાનું શક્ય નથી.

આર. કે. સ્ટુડિયોના નિર્માણની કથા

આર. કે. સ્ટુડિયો રાજ કપૂરે ૧૯૫૦માં બનાવવાની શ‚આત ત્યારે કરી જ્યારે તેમની ફિલ્મ ‘બરસાત’એ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો. આર. કે. સ્ટુડિયોમાં ‘આવારા’ની ડ્રીમ સિક્વન્સના શૂટિંગથી શ‚ થયેલી પરંપરા રાજ કપૂરે છેક ‘રામ તેરી ગંગા મેલી’ સુધી જાળવી રાખી. ‘આવારા’નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આર. કે. સ્ટુડિયોની ઈંટો જ તાજી હતી અને દીવાલોની ઊંચાઈ માંડ દસેક ફૂટ હતી. આર. કે. સ્ટુડિયોના એમ્બ્લેમમાં ‘બરસાત’નો કપૂર-નરગિસનો પ્રખ્યાત પોઝ છે અને આ સ્ટુડિયોના નિર્માણમાં પણ નરગિસનો ફાળો હતો. સમજોને કે નરગિસ સ્ટુડિયોનાં ભાગીદાર હતાં. એવો ઉલ્લેખ કપૂર ખાનદાન પર મધુ જૈને લખેલા પુસ્તક ‘કપૂર્સ : ફર્સ્ટ ફેમિલી ઓફ ઇન્ડિયન સિનેમા’માં મળે છે. આ જોડીએ સાથે મળીને કુલ છ ફિલ્મો દર્શકોને આપી હતી. એવું પણ કહેવાય છે કે, આર.કે. સ્ટુડિયોના નિર્માણ દરમિયાન નાણાં ખૂટી પડ્યાં ત્યારે નરગિસે પોતાના સોનાનાં કંગન વેચી નાખ્યાં હતાં. આ ઉપરાંત આર.કે. ફિલ્મ સિવાયની અન્ય પ્રોડ્ક્શનની ફિલ્મોના નિર્માતાઓ પાસેથી નાણાં લીધાં હતાં. આર.કે. સ્ટુડિયો પર જોખમ અને તવાઈ ભૂતકાળમાં પણ આવ્યાં છે. પોતાની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘મેરા નામ જોકર’ બોક્સ ઓફિસ પર મોળી પુરવાર થઈ ત્યારે આર.કે. સ્ટુડિયો ગિરવે મૂકવાની ફરજ રાજ કપૂરને પડી હતી. જો કે એ પછી આવેલી ‘બોબી’ સફળ રહી અને નુકસાન સરભર થઈ ગયું. પણ ‘મેરા નામ જોકર’ અને ‘બોબી’ વચ્ચેનો ગાળો રાજ કપૂર માટે કસોટીભર્યો હતો. આ સમયમાં કપૂર ખાનદાનના પિતામહ પૃથ્વીરાજ કપૂરની તબિયત ગંભીર હતી અને અમેરિકામાં તેમની સારવાર ચાલી રહી હતી. બધી બાજુથી રાજ કપૂર ભીંસમાં હતા અને પિતાની સારવાર દરમિયાન તેઓ અમેરિકામાં બીના રામાણીના ફ્લેટમાં રહ્યા હતા. ૧૯૮૨માં ફરી એક વાર આર. કે. સ્ટુડિયો મુશ્કેલીમાં આવી પડ્યો હતો. ‘પ્રેમરોગ’ની રિલીઝ પૂર્વે આર્થિક સંકડામણ રાજ કપૂરને ફરી ઘેરી વળી. એક મુલાકાતમાં રાજસા’બે ત્યારે પેટછૂટી વાત કરી હતી કે જો ‘પ્રેમરોગ’ નહીં ચાલે તો આર.કે. સ્ટુડિયોમાં હવે પછી ફિલ્મ બનાવવાનું તેમના માટે શક્ય નહીં બને.
 

 
 

આર.કે. સ્ટુડિયોમાં મહેફિલ જામતી

આર.કે. સ્ટુડિયોમાંની રાજ કપૂરની કોટેજ અને રાજ કપૂરની હોળી આ બે બાબતો વખણાતી. સ્ટુડિયોમાં રાજ કપૂરની એક ટિપિકલ ઓફિસ હતી. પણ, રાજસા’બ ત્યાં ઓછા અને કોટેજમાં વધુ મળતા. કોટેજમાં જમીન પર પાથરેલાં ગાદલાઓ પર રાજસા’બ પલાંઠી વાળી બેસતા અને ફિલ્મની સ્ક્રિપ્ટથી માંડી ગીત-સંગીતની ચર્ચાઓ થતી, ત્યારે મહેફિલ જેવો માહોલ જામતો. કોટેજની દીવાલ પર પિતા પૃથ્વીરાજ કપૂર, ‘આવારા’ની નરગિસ, ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’માંની પદ્મિનીની તો ‘સંગમ’ની વૈજયંતિમાલાની તસવીર દીવાલ પર શોભતી અને વિશ્ર્વના દરેક ધર્મના દેવી-દેવતાઓની છબિ પણ ખરી. આર.કે.ની હોળી વિશે તો આખો લેખ લખાઈ શકે એમ છે. પણ, કોઈ જાતના કેમ્પની વાડાબંધી કે ઊંચનીચના ભેદભાવ વિના ઊજવાતી આર.કે.ની હોળી ખરા અર્થમાં સૌને સાથે બાંધતી હતી. મસ્તીમાં આવી જઈ રાજસા’બ ઢોલકી બજાવતા હોય એ તસવીર જોઈને જ એ વખતના માહોલનો ખ્યાલ આવે છે. આમ તો આર.કે. સ્ટુડિયોમાં વર્ષોથી ગણેશોત્સવ ઊજવાય છે અને વિઘ્નહર્તાની વિસર્જનયાત્રામાં કપૂર ખાનદાન સહભાગી થાય છે, પણ છેલ્લાં ચાર-પાંચ વર્ષથી રણબીર પણ તેમાં સહભાગી થતો હોવાથી આ ઇવેન્ટ પણ આર.કે. સ્ટુડિયોમાં ઉમેરાઈ છે. હવે ગણપતિના આગમનને થોડાં જ દિવસો છે, ત્યાં જ સ્ટુડિયો બંધ થવાની જાહેરાત બાદ વિઘ્નહર્તાને છેલ્લી વિદાયના સમાચાર પણ આવ્યા છે. શશિ કપૂરના સંતાનોએ જેમ પોતાનાં માતા-પિતાની યાદ સમા પૃથ્વી થિયેટરને જાળવી રાખ્યું છે... કાશ, એવું કંઈક આર.કે. સ્ટુડિયો માટે પણ થઈ શકે તો...?