પાકિસ્તાનથી હાફિઝને લઈને ભારત માટે એક ખરાબ સમાચાર આવ્યા છે

    ૨૯-સપ્ટેમ્બર-૨૦૧૮


 

 
સઈદ પરના પ્રતિબંધો હટ્યા, ભારત માટે ખતરો વધ્યો

પાકિસ્તાનમાં ઈમરાન ખાન સત્તા પર આવશે તો પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓ અને લશ્કરનો પ્રભાવ વધશે તેવી આશંકા સાચી પડી રહી છે. ગયા અઠવાડિયે પાકિસ્તાની લશ્કરના વડા જનરલ કમર જાવેદ બાજવાએ ભારતને ધમકી આપેલી કે, અમે સીમા પર વહેલા લોહીનો બદલો લઈશું. આ વાત હજુ તાજી જ છે ત્યાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આતંકવાદી સરદાર હાફિઝ સઈદ પરના પ્રતિબંધો હટાવી દીધા.

ફરી આતંકવાદ ધમધમતો થશે 

ભારત સઈદને ભારતમાં કરાયેલા આતંકવાદી હુમલાઓ માટે સજા કરાવવા મથે છે ત્યારે જ પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા અને તેના ફલાહે ઈન્સાનિયત ફાઉન્ડેશન પરના પ્રતિબંધો હટાવી લીધા છે. આ ચુકાદાના કારણે આ બંને સંગઠન પાકિસ્તાનમાં સામાજિક કામ કરી શકશે. તેમને દાન મળશે ને લોકો મદદ કરી શકશે. સઈદનાં સંગઠનો ચેરિટીના બહાને આતંકવાદને પોષે છે એ જોતાં ફરી આતંકવાદ ધમધમતો થશે.

પાકિસ્તાનમાં કોઈની તાકાત નથી કે એ સઈદને હાથ લગાડી શકે

ભારત હોય કે બીજો કોઈ દેશ હોય, ન્યાયતંત્ર પર સત્તામાં બેઠેલા લોકોનો પ્રભાવ હોય જ છે. આ કેસમાં પણ એવું થયું જ છે ને ઈમરાનની સરકારે ઢીલ મૂકી તેમાં સઈદને રાહત મળી ગઈ. સઈદ પર માત્ર પાકિસ્તાન સરકારે જ નહીં પણ યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે પણ પ્રતિબંધ લગાવેલા. અમેરિકાના દબાણ હેઠળ આ પ્રતિબંધો લગાવાયેલા છતાં હટી ગયા.
આ ચુકાદાએ ફરી સાબિત કર્યું છે કે, કમ સે કમ પાકિસ્તાનમાં તો તે એટલો પાવરફુલ છે જ કે તેનું કોઈ કશું બગાડી ના શકે. તેનું કારણ એ છે કે, સઈદ માત્ર પાકિસ્તાનમાં જ પ્રભાવ નથી ધરાવતો પણ સઈદના છેડા મુસ્લિમ રાષ્ટ્રોના બીજા કટ્ટરવાદીઓને પણ અડકેલા છે. તેના કારણે તેને કશું પણ કરવા જાય તો એ આતંકવાદીઓ પાકિસ્તાનની ઔખાત બગાડી નાંખે. તેના કારણે પાકિસ્તાનમાં કોઈની તાકાત નથી કે એ સઈદને હાથ લગાડી શકે.

બધે કટ્ટરવાદીઓ અડિંગો જમાવીને બેઠા છે 

સઈદ કટ્ટરવાદીઓનો મસીહા છે તેથી પાકિસ્તાન સરકાર સઈદને હાથ લગાડે તો કટ્ટરવાદીઓ ભ઼ડકે ને સઈદની આતંકવાદની ફેક્ટરીની પેદાશ જેવા છોકરા રસ્તા પર આવી જાય. આ બધી બેલગામ પ્રજા પાકિસ્તાન સરકારની ઔખાત બગાડી નાંખે. તેના કારણે પણ તેને કોઈ હાથ અડકાડતું નથી. પાકિસ્તાનમાં વહીવટી તંત્ર હોય કે ન્યાયતંત્ર હોય, બધે કટ્ટરવાદીઓ અડિંગો જમાવીને બેઠા છે તેથી દેખાવ ખાતર પણ કોઈ સરકાર સઈદને કશું કરે તો એ લોકો તેને મુક્ત કરાવી દે છે.

સઈદની મુક્તિ ભારત માટે ખતરાની ઘંટી છે

સઈદની મુક્તિ ભારત માટે ખતરાની ઘંટી છે. સઈદ નજરકેદ હતો ત્યારે પણ તેના પર કોઈ પાબંદી નહોતી. એ પોતાનો દરબાર ભરતો ને જેને મળવું હોય તેમને મળતો પણ ખરો. હવે તેની સંસ્થા પર પ્રતિબંધ નથી ત્યારે એ પૂરી તાકાતથી મચી પડશે. તેની સંસ્થાને પણ છૂટથી દાન મળશે ને તેનો ઉપયોગ ભારત સામે જ થશે એ કહેવાની જરૂર નથી.