માત્ર હિમાલય નહીં, આપણું સ્વાભિમાન દૂષિત થઈ પીગળી રહ્યું છે

    ૨૯-સપ્ટેમ્બર-૨૦૧૮   

દેશની ૬૫ ટકા આબાદીનો આધાર હિમાલય જ છે 

હિમાલય આપણું ગૌરવ, આપણું ભાલ, સ્વાભિમાન અને પ્રાણ છે. જીવનના મૂળભૂત આધારો - જળ, વાયુ અને મૃદા હિમાલયની દેન છે. એક રીપોર્ટ મુજબ દેશની ૬૫ ટકા આબાદીનો આધાર હિમાલય જ છે, એના દ્વારા જ એ ફળીભૂત થાય છે. જો હિમાલય પ્રભાવિત થાય તો દેશ પણ પ્રભાવિત થયા વિના ના રહે. આજે હિમાલય પ્રદૂષણથી પ્રભાવિત છે. વિકાસના નામે અંધાધૂંધ નિર્માણ, પ્રવાસના નામે બેફામ ગંદકી, વાહનોના ધુમાડાને કારણે પીગળતા ગ્લેશિયર્સ વગેરેથી હિમાલયને આડઅસર થઈ છે. હિમાલયનું પર્યાવરણ એ હદે બગડ્યું છે કે વર્તમાનમાં હિમાલય વિશ્ર્વનો ૧૩ ટકા કાર્બન ઉત્સર્જિત કરે છે. જે ગ્લેશિયર આસપાસ જોરથી બૂમ પાડવા પર પણ પ્રતિબંધ હતો ત્યાં ભારે-ભરખમ મશીનોની ઘરઘરાટી, રાસાયણિક વિસ્ફોટોના ધડાકા સંભળાઈ રહ્યા છે. હિમાલય થથરી રહ્યો છે, ગૌ-મુખ ગ્લેશિયાર પીગળી રહ્યું છે. હિમાલય સંબંધિત અનેક ખતરાઓ આંખ સામે છે છતાં લોકો ઉપભોગવાદની વૃત્તિ ત્યજતા નથી. આ વૃત્તિના કારણે પ્રાકૃતિક આપદાઓનું જોખમ વધ્યું છે, હિમાલયની ગોદમાં રહેનારા લોકો સતત ભય અને ડરમાં જીવે છે.

ભૂંકપથી હંમેશાં ઘેરાયેલા હિમાલયને વધારે જોખમ ઊભું થયું છે.

ભારતમાં ટ્રાફિકથી થનારા વાયુ પ્રદૂષણની અસર માત્ર શહેરો સુધી સીમિત નથી રહી, સમુદ્રની સપાટીથી ૪૦૦૦ મીટર ઉપર હિમાલયમાં પણ જોવા મળે છે. પૃથ્વીના ઇતિહાસ સંબંધિત આંકડાઓ તપાસતાં ચોંકાવનારાં તથ્યો સામે આવે છે. વૈજ્ઞાનિક અધ્યયનો મુજબ ૫૦ કરોડ વર્ષ પહેલાં હિમાલયમાં કાર્બન ડાયોકસાઈડની માત્રા ૭૫૦૦ પાર્ટ પર મિલિયન હતી, ૪૦ કરોડ વર્ષ પહેલાં ૩૦૦૦ પાર્ટ પર મિલિયન થઈ અને અત્યારે સાવ ઘટીને ૪૨૦ પાર્ટ પર મિલિયન થઈ ગઈ છે. જળવિદ્યુત પરિયોજનાઓ માટે સુરંગ બનાવાતાં ભૂંકપથી હંમેશાં ઘેરાયેલા હિમાલયને વધારે જોખમ ઊભું થયું છે. હિમાલયમાંથી નીકળતી નદીઓની જળધારાઓનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય તેનોય મોટો ખતરો ઊભો થયો છે. પર્યાવરણ વિનાશનો સૌથી વધુ પ્રભાવ હિમાલય પર જ પડે છે, કારણ કે એ અત્યંત સંવેદનશીલ છે. ભૂકંપ, પૂર વગેરે એનાં જીવતાજાગતાં પ્રમાણો છે. ઉત્તરાખંડનું પૂર એક સચોટ પુરાવો. વિશેષજ્ઞો મુજબ હિમાલય ક્ષેત્રમાંથી નીકળતી નદીઓ અને જંગલોને બહુ જ જલદી બચાવવામાં નહીં આવે તો સમગ્ર દેશ મુશ્કેલીમાં મુકાશે.

હિમાલયનું પ્રદૂષણ

હિમાલય ક્ષેત્રમાં ૧૬ નેશનલ પાર્ક અને ૬૦ જેટલી વાઈલ્ડ લાઇફ સેન્ચ્યુરીઝ આવેલી છે. તે બધાંનું રક્ષણ જરૂરી છે. એક જનહિત યાચિકાના જવાબમાં ઉત્તરાખંડ હાઈકોર્ટે ગુરુ ગ્રંથ સાહિબની વાણીનો ઉલ્લેખ કરતાં રાજ્ય સરકારને કહ્યું કે, હવા, પાણી, ધરતી અને આકાશ ભગવાનનું ઘર - મંદિર છે. એને નુકસાન ના થાય. સરકાર દ્વારા હિમાલય વિસ્તારના પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે યોગ્ય સર્વે થાય, જાળવણી માટે કમિટી બનાવવામાં આવે. બુગ્યાલો (મેદાની ગોચર-વિસ્તાર)માં પર્યટકોની અવર-જવર ૨૦૦થી ન વધે, કોઈને ત્યાં રાત્રીરોકાણ માટે છૂટ નહીં, ઔષધીય વનસ્પતિને નુકસાન નહીં વગેરે બાબતે ગંભરતાથી વિચારી હિમાલયનું પ્રદૂષણ અને અન્ય મુશ્કેલીઓ ઘટાડી છ મહિનાની અંદર એને રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કરે.

હિમાલય ટૂરિઝમ, એડવેન્ચર ટૂરિઝમ  

હિમાલય ટૂરિઝમનું પ્રમાણ વધ્યું છે. માત્ર ફરવા માટે જતા યાત્રીઓ ઉપરાંત, રિલિજિયસ ટૂરિઝમ, એડવેન્ચર ટૂરિઝમ વગેરે દ્વારા અનેક લોકોની અવર-જવરથી હિમાલય યેનકેન પ્રકારે દૂષિત-પ્રદૂષિત થઈ રહ્યો છે. હિમાલય પર ઠેર ઠેર પાણીની બોટલો, નાસ્તાનાં ખાલી પેકેટ, પાઉચ, કચરો-કાગળો વગેરે જોવા મળે છે. એક સુંદર સ્થાન કદ‚પુરું બની રહ્યું છે. માત્ર હિમાલય નહીં, આપણું સ્વાભિમાન પણ દૂષિત થઈ પીગળી રહ્યું છે.
 
સંયુક્ત રાષ્ટ્રે હિમાલય પર પ્રદૂષણ અને પીગળતા ગ્લેશિયર્સનો મુદ્દો ખૂબ ગંભીરતાથી લેતાં ચેતવણી ઉચ્ચારી છે કે, સ્થાનિક પ્રદૂષણ હિમાલયને વધારે પીગળાવે છે. હિમાલય પર ખતરો બહુ મોટો છે. એને જલદી નહીં રોકવામાં આવે તો અનર્થ થશે. અમેરિકન એજન્સી નાસા મુજબ પણ સ્થાનિક પ્રદૂષણનું જ આ પરિણામ છે.

હિમાલય,  વૈકલ્પિક ઉર્જા, સરાહનીય

સરકારે વૈકલ્પિક ઉર્જા જેવી કે પવન ઉર્જા, સૌર ઉર્જા, હાઈડ્રોપાવર ક્ષેત્રે ઘણું કાર્ય કર્યું છે. તેની પ્રગતિ અત્યંત સરાહનીય છે. પરંતુ નોર્થ ઇન્ડિયામાં શિયાળાનાં સમયે ઉદ્ભવતો ફોગ અને સુપ્રિમ કોર્ટ પણ ચિંતામાં આવી જાય છે. એને સુધારવાનું અત્યંત આવશ્યક છે. કાર્બન ડાયોક્સાઈડની વધતી માત્રા વિશ્ર્વમાં સૌથી મોટી સમસ્યા છે. આલપ્સ પીગળી રહ્યાં છે, અલાસ્કાનાં પર્વતો પીગળી રહ્યાં છે અને હિમાલય પણ પીગળી રહ્યો છે. ભારત સરકારે આ બાબતે ખૂબ પ્રતિબદ્ધ હોવા છતાં રાજ્ય સરકારને સાથે રાખીને પર્યાવરણ બચાવવાની તાતી જરૂરિયાત છે.

હિમાલયની સુંદરતા ક્ષણે ક્ષણે વધે, 

આ સ્થિતિમાં વૈજ્ઞાનિક, પર્યાવરણવિદ્ અને સમાજવિજ્ઞાની સૌ માને છે કે હિમાલયની સુરક્ષા માટે સરકારે આ ક્ષેત્રમાં જળ, જમીન અને જંગલને બચાવવા માટે, હિમાલયનાં ગ્લેશિયરોને પીગળતા અટકાવવા માટે, સ્વચ્છતા જાળવવા અને અંધાધૂંધ નિર્માણ અટકાવવા માટે પર્વતીય ક્ષેત્રના વર્તમાન મોડેલને બદલીને વધારે અસરકારક મોડેલ રજૂ કરવું જરૂરી છે. માત્ર સરકાર પર આધાર ના રાખતાં નાગરિકોએ પ્રદૂષણ પર નિયંત્રણ કરવું, હિમાલયના પ્રવાસે જતા યાત્રીઓએ ગંદકી ન કરી પવિત્રતા જાળવવી, નહીંતર જે સ્થિતિ આવતાં લાખો વર્ષ લાગ્યાં છે એ સ્થિતિ આવનારાં ૫૦ કે ૧૦૦ વર્ષમાં જ આવી જશે. હિમાલય ગળી જશે અને સાથે સાથે આપણું સ્વાભિમાન પણ. મહાકવિ ભાસે સદીઓ પહેલાં તેમના એક શ્ર્લોકમાં પ્રકૃતિ માટે કહ્યું હતું, પ્રકૃતિ નિત્ય નૂતન હોય છે. તેની સુંદરતા ક્ષણે ક્ષણે બદલાય છે. એ બદલાતી સુંદરતા જોવી એક લહાવો છે.
મહાકવિ ભાસની આ વાણીને આપણે હિમાલયની સુંદરતા બાબતે ખોટી ઠેરવીને ક્ષણે ક્ષણે એની કદરૂપતા વધારી રહ્યાં છીએ. આશા રાખીએ કે હિમાલયની સુંદરતા ક્ષણે ક્ષણે વધે, સદીઓ સુધી, પરાપર્વ સુધી એ ઉન્નત અને સુંદર રહે.