પિતાનું પ્રથમ કર્તવ્ય । તમે તમારા દિકરાને શિક્ષણ આપશો કે ધન-સંપત્તિ?

    ૧૧-ઓક્ટોબર-૨૦૧૯

 
 

એક પિતાનું પ્રથમ કર્તવ્ય

દક્ષિણ ભારતના મહાન સંત તિરુવલ્લુવરનો એક પ્રસંગ છે. તેઓ પોતાનાં પ્રવચનોથી લોકોની સમસ્યાઓ ઉકેલતા. એક દિવસ કોઈ મોટા નગર શેઠ તેમની પાસે આવ્યા અને કહ્યું, ‘બાપજી, મેં પાઈ પાઈ કરીને દીકરા માટે અપાર ધનસંપત્તિ ભેગી કરી, પરંતુ તે જ દીકરો મારા ધનને વ્યસનો સહિતની ખરાબ આદતોમાં વેડફી રહ્યો છે. હું ખૂબ જ ચિંતામાં છું. ખબર નહીં, ભગવાન મને કયાં કર્મોની સજા આપી રહ્યા છે.’ સંત તિરુવલ્લુવરે કહ્યું, ‘શેઠજી, તમારા પિતાએ તમારા માટે કેટલી સંપત્તિ વારસામાં છોડી હતી ?’
 
શેઠે જવાબ આપ્યો, ‘એ ખૂબ જ ગરીબ હતા, તેઓએ મારા માટે કાંઈ જ સંપત્તિ છોડી ન હતી.’
 
સંતે કહ્યું, ‘તમારા પિતાજીએ તમને વારસામાં ગરીબી આપી, છતાં તમે આજે આટલા ધનવાન છો અને તમે આટલી બધી સંપત્તિ ભેગી કર્યા છતાં તમે વિચારો છો કે તમારા દીકરાને ગરીબીમાં જીવન વિતાવવું પડશે ?’
 
શેઠે જવાબ આપ્યો, ‘તમારી વાત સાચી છે બાપજી, પરંતુ મારાથી ક્યાં ભૂલ રહી ગઈ કે મારો દીકરો વ્યસનોમાં જ ડૂબેલો રહે છે.’
 
સંત તિરુવલ્લવુરે કહ્યું, ‘તમે એમ વિચારીને ધન કમાવવામાં લાગી રહ્યા કે સંતાન માટે ધનના ઢગલા કરી દેવા માત્રથી એક પિતાનું કર્તવ્ય પૂર્ણ થઈ જાય છે. આ ચક્કરમાં તમે તમારા દીકરાના શિક્ષણ અને સંસ્કારો પર કાંઈ જ ધ્યાન ન આપ્યું. એક પિતાનું પોતાના પુત્ર પ્રત્યે સૌપ્રથમ કર્તવ્ય એ છે કે તે તેને સમાજમાં પ્રથમ હરોળમાં બેસવા લાયક બનાવે. બાકી તો બધું તે પોતાના બળે જ મેળવી લેશે.’
 
સંત તિરુવલ્લુરની વાણીથી શેઠની આંખો ખૂલી ગઈ અને તેઓએ પોતાના પુત્રને યોગ્ય રસ્તે લઈ આવવાની પ્રતિજ્ઞા લીધી.