જ્યારે ડો. કલામે કહ્યું, મારે એક નહી પણ ત્રણ ત્રણ બાળકો છે

    ૧૫-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામનો આજે એટલે કે ૧૫ ઓક્ટોબરે જન્મદિવસ છે. ભારતના મિસાઈલ મેન તરીકે ઓળખાતા ડો. કલામ ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ હતા. તેઓની લોકચાહના એટલી બધી હતી કે, તેઓને પીપલ્સ પ્રેસિડેન્ટ પણ કહેવામાં આવતા. ડો. કલામનું જીવન જોઈએ તો તેમના જીવનનો પ્રત્યેક ભાગ કોઈને કોઈ પ્રેરણા આપે તેવો રહ્યો હતો. તેઓએ એ સાબિત કરી દીધું હતું કે વ્યક્તિ પોતાના કાર્યો જ્ઞાન અને વ્યવહારથી મહાન બને છે. નહી કે ધન સંપત્તિ કે દેખાવથી.
 
ડો. કલામને બાળકો ખૂબ જ પસંદ હતા માટે જ તેઓને જ્યારે પણ તક મળતી બાળકો પાસે પહોંચી જતા. એક પ્રસંગે તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં બાળકો સાથે મસ્તી કરી રહ્યા હતા. તેવામાં જ માધ્યમ કર્મીઓની નજર તેમના પર પડી. કુંવારા અબ્દુલ કલામનો બાળકો પ્રત્યે આટલી હદનો લગાવ જોઈ પત્રકારોથી રહેવાયું નહીં. એક પત્રકારે ડો. કલામને પૂછી લીધું, તમને બાળકો આટલા બધા પ્રિય છે તો પછી તમારા ખુદના બાળકો કેમ નથી ? ત્યારે ડો. કલામે જવાબ આપ્યો તમારી ભૂલ થાય છે શ્રીમાન. કોણે કહ્યું મારા બાળકો નથી ? મારે એક નહીં ત્રણ ત્રણ બાળકો છે. આ સાંભળી પત્રકાર સ્તબ્ધ થઈ ગયા. તેની સ્તબ્ધતા પારખી કલામે કહ્યું, તમારે મારા બાળકોના નામ નથી જાણવા ? મારે પૃથ્વી, અગ્નિ અને બ્રહ્માંસ એમ ત્રણ પુત્રો છે.
 
આવા હાજર જવાબી એવા આપણા પીપલ્સ પ્રેસિડેન્ટનું 27 જુલાઈ, 2015ના રોજ આકસ્મિક નિધન થયું તે દિવસે તેઓ શિલોંગના પ્રવાસ દરમિયાન ભારતીય પ્રબંધન સંસ્થાનમાં લેક્ચર આપી રહ્યા હતા અને ભાષણ દરમિયાન 6.35 મિનિટે તેઓ સભામંચ પર જ ફસડાઈ પડ્યા અને સાંજે 7.45 વાગ્યે તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા.