અભિમન્યુ : માતા શુભદ્રના ગર્ભમાં જ યુદ્ધના ચક્રવ્યુહનું જ્ઞાન મેળવનાર યોદ્ધા

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |
 
 
 
મહાભારતનું અમર પાત્ર એટલે અભિમન્યુ. નાની ઉંમરમાં જ મહાભારતના ભીષણ યુદ્ધમાં લડતાં લડતાં વીરગતિ પ્રાપ્ત કરનાર અભિમન્યુ અર્જુનનો પુત્ર હતો. ભગવાન શ્રીકૃષ્ણનાં બહેન સુભદ્રા તેનાં માતા હતાં. મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે તેમ મહારાક્રમી પિતા અર્જુનનો પુત્ર પણ યુદ્ધકળામાં નિપુણ હતો.
 
મહાભારતના યુદ્ધનો તેરમો દિવસ હતો. પાંડવોના સૈન્યની વિજયકૂચ જારી હતી. જ્યારે કૌરવસેના હત્પ્રભ બની ગઈ હતી. દુર્યોધન આકુળ-વ્યાકુળ થઈને દ્રોણાચાર્ય પાસે જઈને તેમને મહેણાં મારવાનું શરૂ કરે છે. સામે અનેક યોદ્ધાઓ સાંભળે તેમ દુર્યોધન કહે છે, ‘અમે તો તમારે ભરોસે યુદ્ધમાં વિજયની આશા રાખતા હતા, પરંતુ તમારી નજરમાં તો અમે શત્રુઓ જ છીએ. પાંડવો તમને પ્રિય છે એટલે જ તમે અમારા પક્ષમાં રહી અમારા સૈન્યનો કચ્ચરઘાણ કઢાવો છો. જો તમે અમને વિજયી જોવા માગતા હોવ તો આટલા નજીક આવેલા યુધિષ્ઠિરને પકડવો તમારે માટે રમત વાત હતી.’
 
દ્રોણાચાર્ય કહે છે, ‘જ્યાં સુધી અર્જુન રણભૂમિ પર હાજર છે ત્યાં સુધી આ અશક્ય છે. અર્જુનને યુદ્ધભૂમિમાંથી દૂર ખસેડો તો હું યુધિષ્ઠિરને હરાવી શકું.’
 
આ વખતે ત્રિગર્તના રાજા સુષર્માએ અર્જુનને દૂર લઈ જવાનું બીડું ઝડપ્યું અને અર્જુનને તેની સાથે લડતાં લડતાં મુખ્ય રણભૂમિથી દૂર લઈ ગયો.
 
આ બાજુ સેનાપતિ દ્રોણાચાર્યે ચક્રવ્યૂહ નામનો વ્યૂહ બનાવ્યો. યુધિષ્ઠિરને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ખૂબ દુ:ખી થયા કારણ કે પાંડવપક્ષે એક માત્ર અર્જુન, કૃષ્ણ, પ્રદ્યુમ્ન અને અભિમન્યુ ચક્રવ્યૂહ ભેદવાનું જાણતા હતા. પણ બધા મુખ્ય રણભૂમિથી દૂર હતા.
 
યુધિષ્ઠિર નિરાશ થઈને ચિંતાતુર બન્યા ત્યારે પંદર વર્ષનો અભિમન્યુ તેમની પાસે આવ્યો અને કહ્યું, ‘મહારાજ, તમે ચિંતા શા માટે કરો છો ? જો હું કાલે એકલો જ ચક્રવ્યૂહમાં પ્રવેશ કરીને કૌરવોને ન મારું તો અર્જુનનો પુત્ર અને શ્રીકૃષ્ણનો ભાણેજ નહીં.’ ભીમ, દ્યુષ્ટદ્યુમ્ન સાત્યકિ વગેરે યોદ્ધાઓ પણ તેની પડખે ઊભા રહેવાની બાંહેધરી આપે છે.
 
આ જોઈ યુધિષ્ઠિરે અભિમન્યુને પૂછ્યું, ‘બેટા, તું આ કઠિન ચક્રવ્યૂહ ભેદવાનું રહસ્ય કેવી રીતે જાણે છે ?’
 
અભિમન્યુએ કહ્યું, ‘હું જ્યારે માતા સુભદ્રાના ગર્ભમાં હતો ત્યારે માતા સુભદ્રાને પિતાજીએ યુદ્ધના ચક્રવ્યૂહનું વર્ણન કર્યું હતું. છ કોઠાનું યુદ્ધ કેવી રીતે જીતી શકાય તેની વાત કરી હતી. આગળની વાત શરૂ થતાં જ મારી માતાને ઊંઘ આવી ગઈ તેથી પિતાજીએ આગળનું વર્ણન કર્યું નહીં. તેથી ચક્રવ્યૂહના સાત પ્રવેશ-કવચ ભેદવાનું મને આવડે છે પરંતુ સાતમો કોઠો વીંધવાની વિદ્યા મને આવડતી નથી. તરત જ ભીમે કહ્યું, ‘સાતમો કોઠો હું મારી ગદાથી તોડી નાખીશ.’ યુધિષ્ઠિર ઇચ્છતા હતા કે બાળ અભિમન્યુને ચક્રવ્યૂહમાં મોકલવામાં ન આવે પરંતુ આ સિવાય છૂટકો પણ નહોતો.
 
અભિમન્યુ યુદ્ધમેદાનમાં જાય છે ત્યાં તેના રથનો વયોવૃદ્ધ સારથિ તેને છળકપટ અને જોખમથી સાવચેત કરે છે. સામે દ્રોણ જેવા યોદ્ધા છે તે પણ સમજાવે છે ત્યારે અભિમન્યુ કહે છે, ‘હું એક ક્ષત્રિય બાળક છું અને અર્જુનનો પુત્ર છું. કૃષ્ણ મારા મામા છે. આટલું જ મારા પરાક્રમ માટે પર્યાપ્ત છે. દ્રોણ ગમે તેવા હોય, આજે હું તેમને મારા પરાક્રમનો સ્વાદ ચખાડીશ.’
 
અભિમન્યુએ ચક્રવ્યૂહમાં જોરદાર ભંગાણ પાડ્યું. કૌરવસેનાના યોદ્ધાઓ જીવ બચાવવા નાસભાગ કરવા લાગ્યા. દુર્યોધન અભિમન્યુની સામે આવ્યો. અશ્ર્વત્થામા, કૃપાચાર્ય, કર્ણ, કૃતવર્મા, શકુનિ, બૃહદબલ, શલ્ય, ભૂરિશ્રવા, વૃતસેન જેવા યોદ્ધાઓ દુર્યોધનને બચાવવા તેની પડખે આવ્યા. અભિમન્યુએ એકલે હાથે સેનાને હંફાવી અને દુર્યોધનના રથ, સારથિ અને ઘોડાઓનો નાશ કરી દીધો. કર્ણ જેવો મહારથી પણ અભિમન્યુના બાણથી ધ્રૂજવા લાગ્યો. તેનું કવચ પણ અભિમન્યુએ ભેદી નાખ્યું.
 
શલ્ય અને અશ્મક નામના બે યોદ્ધાઓને અભિમન્યુએ બાંધી નાખ્યા એટલે દુશાસન અભિમન્યુની સામે આવ્યો. તેને જોતાં જ અભિમન્યુથી રહેવાયું નહીં. તેણે કહ્યું, ‘સારું થયું તમે પોતે જ મારી સામે આવ્યા. હું તમને શોધતો હતો. હસ્તિનાપુરની ભરીસભામાં તમે જે પરાક્રમ કર્યું હતું તેનો પુરસ્કાર આપવા હું આવ્યો છું. આજે માતા દ્રૌપદી, કાકા ભીમ અને પિતા અર્જુનનું ઋણ હું ચૂકવીશ.’
 
દુશાસનને બાણવર્ષાથી વીંધી નાખ્યો. તેનો સારથિ તેને યુદ્ધભૂમિમાંથી બહાર લઈ જાય છે. આ જોઈ પાંડવો તથા દ્રૌપદીના પુત્રો, પાંચાલો, વિરાટ વગેરે ગગનભેદી નારા લગાવી જયનાદ કરવા માંડ્યા. આ જોઈ દુર્યોધને કર્ણ પાસે પોતાની લાચારી બતાવી. દુશાસનનું વેર લેવા કર્ણ અભિમન્યુની સામે ધસી આવ્યો. અભિમન્યુ આજે મરણિયો બની ગયો હતો. કર્ણ અને જયદ્રથ સિવાય બધા નાસભાગ કરવા લાગ્યા.
 
વીર અભિમન્યુ એકલે હાથે દુર્યોધનના સૈન્યનો સામનો કરી રહ્યો હતો. જયદ્રથે અભિમન્યુને બાણોથી વીંધીને પાછો પાડ્યો. અભિમન્યુના બાણથી જયદ્રથનો પુત્ર વીંધાઈને મૃત્યુ પામ્યો. આ જોઈ દુર્યોધન આકુળ-વ્યાકુળ થઈ ગયો. તે જોરથી બૂમો પાડવા લાગ્યો. "અર્જુનપુત્રને પકડીને તેને ખતમ કરી નાખો. તેની બૂમો સાંભળી દ્રોણ, અશ્ર્વત્થામા, કર્ણ, બૃહદબલ અને કૃતવર્મા જેવા છ મહારથીઓ યુદ્ધના નિયમ વિરુદ્ધ અભિમન્યુ પર ત્રાટક્યા. દ્રોણે કહ્યું, ‘જ્યાં સુધી તેના હાથમાં ધનુષબાણ છે ત્યાં સુધી તેને હરાવવો અશક્ય છે.’ તેના રથના ઘોડાઓને મારી નાખવામાં આવ્યા. કર્ણે તેનું ધનુષ્ય તોડી નાખ્યું છતાં પણ અભિમન્યુ રથ પરથી કૂદીને શત્રુઓ પર પ્રહાર કરવા લાગ્યો. છ દુશ્મનોએ તેને ઘેરી લીધો હતો. બધા એક સાથે તેના પર બાણવર્ષા કરી રહ્યા હતા. તેના શરીરમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી. આખો દિવસ એકલો લડતાં લડતાં તે થાકી પણ ગયો હતો. તેનું કવચ અને મુગટ પણ નીચે પડી ગયાં. અભિમન્યુએ રથનું પૈડું કાઢીને તેના વડે દુશ્મનો પર પ્રહાર કરવા માંડ્યો, પરંતુ લડતાં લડતાં તે રથમાંથી નીચે પડ્યો. આ તકનો લાભ ઉઠાવીને દુશાસનના પુત્રે તેના ખુલ્લા માથામાં ગદાનો પાછળથી જોરદાર પ્રહાર કર્યો. અભિમન્યુ લોહીથી લથપથ ખાબોચિયામાં ફસડાઈ પામ્યો. એક વીર યોદ્ધાને છાજે એ રીતે છ-છ મહારથીઓને હંફાવીને તે વીરગતિને પામ્યો.
 
મહર્ષિ વેદવ્યાસે તેને અંજલિ આપતાં લખેલું. અભિમન્યુ ભયંકર સાહસ કરી રહ્યો છે. તે તેની જાણ બહાર નહોતું. ચક્રવ્યૂહ ભેદમાં તે પોતે ભેદાઈ જશે એની તેને ખબર નહોતી એવું નહોતું. તેના અનુભવી સારથિએ તેને પ્રથમ જ ચેતવ્યો હતો પરંતુ તેના મનમાં એક જ વાત રમતી હતી. અનુકૂળ સંજોગોમાં તો વૈશ્ય પણ લડે. હું તો ક્ષત્રિય છું અને સાચો ક્ષત્રિય તો એ કહેવાય કે જે પ્રતિકૂળ સંજોગોમાં પણ પીછેહઠ ન કરે. વળી હું તો કૃષ્ણનો ભાણેજ અને ગાંડિવધારી અર્જુનનો પુત્ર છું. મારું વર્તન આ બન્ને મહાવીરોને છાજે એવું હોવું જોઈએ. અભિમન્યુ વીરગતિ પામતાં પાંડવોની સેના વેરણછેરણ થવા લાગી ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, ‘વીર અભિમન્યુએ મૃત્યુને પસંદ કર્યું પણ પીછેહઠ ન કરી. તમે કેમ ભૂલી જાઓ છો કે આવા વીરો આપણી પાસે છે તો વિજય આપણો નિશ્ર્ચિત છે.’
 
સૂર્યાસ્ત થતાં યુદ્ધ બંધ થયું ત્યારે શોકની કાલિમા યુધિષ્ઠિરને ઘેરી વળી. તે વિચારવા લાગ્યા, ‘ગાંડિવધારી અર્જુન આવીને પૂછશે તો હું શું જવાબ આપીશ? એક બાળકને તમે ભૂખ્યા વરુઓની બોડમાં ધકેલી દીધો, તમારા આટલા મહારથીઓમાંથી તેને કોઈ બચાવી ન શક્યું. તેના મામા કૃષ્ણ પૂછશે કે મારા પુત્ર અનિરુદ્ધ કરતાં પણ વહાલા અભિમન્યુનો કેમ ભોગ આપ્યો ત્યારે હું શું જવાબ આપીશ.?’ ધર્મરાજ યુધિષ્ઠિરની આવી શોકાતુર હાલત જોઈ સ્વયં ભગવાન વેદવ્યાસ યુદ્ધની રણભૂમિ પર આવીને યુધિષ્ઠિરને સાંત્વના આપતાં કહે છે, મૃત્યુ તો દરેકને માટે અનિવાર્ય છે. પછી તે જ્ઞાની હોય, દાની હોય, માની હોય કે પરાક્રમી. રાજા ભગીરથ, શિબિ, દિલીપ, માંધાતા, યયાતિ, અંબરિષ, ભરત, પૃથુ જેવા યુગપુરુષોને પણ કાળે છોડ્યા નથી. અભિમન્યુ તો ધર્મ માટે પ્રાણ આપીને ઇતિહાસમાં અમર થઈ ગયો છે.