અશ્ર્વત્થામા : જન્મતાની સાથે અશ્વ જેવો અવાજ કરનાર

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |
 
 
એવું કહેવાય છે જે મહાભારતમાં નથી એ વિશ્ર્વમાં બીજે ક્યાંય નથી. કથા અને ઉપકથાઓમાં વહેતા મહાભારતમાં અનેક પાત્રો છે. દરેક પાત્રના પોતાના રંગ છે. એ રંગ સ્પષ્ટ કળી શકાય એવું ના પણ બને. મહાભારતનાં પાત્રો અજબ-ગજબ છે. સીધાં લાગતાં પાત્રો છે તો સામેવાળાને સીધાં કરી નાખતાં પાત્રો પણ છે. શક્તિ અને આસક્તિના ત્રાજવે ઝૂલતાં પાત્રો છે તો સ્નેહ અને કુનેહ સાથે સમન્વય કરતાં પાત્રો પણ છે.
 
આવું જ એક પાત્ર છે : અશ્ર્વત્થામા.
 
અશ્ર્વત્થામા અનેક રીતે વિરલ પાત્ર છે. અશ્ર્વત્થામા, બલિ રાજા, વેદ વ્યાસ, શ્રી હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને માર્કંડેય ઋષિ આ સાત પુરુષોની ચિરંજીવીમાં ગણના થાય છે. આ સાત પાત્રો અમર પાત્રો છે. જુઓ આ શ્ર્લોક :
 
अश्वत्थामा बलिर्व्यासो
हनूमांश्च विभीषणः |
कृपः परशुरामश्च सप्तैते चिरजीविनः ॥
सप्तैतन् संस्मरेत्रित्यं
मार्कण्डेयमथाष्टंमम् |
जीवेद् वर्षशतं साग्रमपमृत्युविवर्जितः ॥
 
તેમનું નિત્ય સવારે સ્મરણ કરવાથી અકાળ મૃત્યુ થતું નથી અને આયુષ્ય એકસો વર્ષથી ઉપર થાય છે.
 
તેમાં એક છે અશ્ર્વત્થામા (સંસ્કૃત : अश्वत्थामन्), જેઓ પાંડવો અને કૌરવોના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર છે.
 
અશ્ર્વત્થામા મહાન યોદ્ધા હતા. એવું કહેવાય છે કે તેઓ ભગવાન શંકરનો અંશાવતાર હતા.
 
અશ્ર્વત્થામાનાં માતા કૃપિ ધર્મજ્ઞ હતાં. અશ્ર્વત્થામાના જન્મ પછી તરત જ અશ્ર્વત્થામાએ અશ્ર્વ જેવા અવાજમાં રુદન કર્યું. એ વખતે આકાશવાણી થઈ, તેથી તેમનું નામ પડ્યું અશ્ર્વત્થામા. જેનો અર્થ થાય છે ઘોડા જેવો અવાજ. તેમના મસ્તકમાં જન્મથી જ એક અમૂલ્ય મણિ હતો જે તેમને દૈત્ય, દાનવ, શસ્ત્ર, વ્યાધિ, દેવતા, નાગ વગેરેથી સુરક્ષિત રાખતો હતો. અશ્ર્વત્થામા અગિયાર રુદ્ર તેમજ આઠ અમર પૈકીના એક અવતાર માનવામાં આવે છે.
 
તેઓ ૬૪ કળા અને ૧૮ વિદ્યાના જાણકાર હતા.
 
એક વખત બાળ અશ્ર્વત્થામાને દૂધ પીવું હતું. તેની સુવિધા નહોતી. લોટમાં પાણી નાખીને તેમને દૂધ અપાયું. એ પછી પત્નીની સલાહ માનીને દ્રોણ પોતાના બાળ મિત્ર રાજા દ્રુપદ પાસે એક ગાય લેવા ગયા. જોકે તેમને તિરસ્કાર મળ્યો. દ્રોણના મનમાં તેનો ખટકો રહી ગયો. કૌરવો અને પાંડવોને ધનુર્વિદ્યા શીખવાડ્યા પછી પોતાના શિષ્યો પાસે ગુરુ દ્રોણે દ્રુપદ રાજાને બંદી બનાવ્યા હતા. એ પછી દ્રુપદ રાજાએ તપ કરીને દ્રોણને મારવા માટે પુત્રરત્નની પ્રાપ્તિ કરી હતી. મહાભારતના ભીષણ યુદ્ધમાં દ્રુપદના દીકરા ધૃષ્ટદ્યુમ્નના હાથે તેઓ મરાયા હતા.
 
જોકે દ્રોણ ગુરુને મારવામાં પાંડવોને કપટ કરવું પડ્યું હતું અને તેમાં અશ્ર્વત્થામાને નિમિત્ત બનાવાયા હતા.
 
દ્રોણ કૌરવસેનાના મુખ્ય સેનાપતિ બન્યા પછી તેમણે ભીષણ યુદ્ધ કર્યું. તેમણે સહસ્ર યોદ્ધાઓનો સંહાર કર્યો. રક્તની નદીઓ વહેવા માંડી. આ તબક્કે જો દ્રોણાચાર્યને અટકાવવામાં ના આવે તો પાંડવસેનાનો ખાત્મો થઈ જાય. પાંડવ છાવણીએ એક યુક્તિ કરી. ગદાધારી ભીમે ‘અશ્ર્વત્થામા’ નામના હાથીનો વધ કર્યો. કૌરવ સેના સુધી ‘અશ્ર્વત્થામા હણાયો, અશ્ર્વત્થામા હણાયો’ એવા સમાચાર પહોંચાડવામાં આવ્યા. ગુરુ દ્રોણ આ સમાચાર સાંભળીને આકુળવ્યાકુળ બની ગયા.
 
ગુરુ દ્રોણને ધર્મરાજ યુધિષ્ઠિર પર ભરોસો હતો. તેમણે યુધિષ્ઠિરને પૂછ્યું કે શું અશ્ર્વત્થામા ખરેખર હણાયો છે ? યુધિષ્ઠિરે જવાબ આપ્યો, ‘અશ્ર્વત્થામા હતા:’ યુધિષ્ઠિર આટલું બોલ્યા ત્યાં તો પાંડવસેનાએ ગગનભેદી શંખનાદ કર્યો. તેના પ્રચંડ ધ્વનિમાં યુધિષ્ઠિર દ્વારા ધીમેથી બોલાયેલા શબ્દો દબાઈ ગયા. યુધિષ્ઠિરે ઉચ્ચાર્યું હતું, ‘નરો વા કુંજ રો વા’ મતલબ કે ‘એ નામનો હાથી (કુંજ) કે નર...’ પણ, ત્યાં સુધીમાં ગુરુ દ્રોણ માનસિક રીતે પડી ભાંગ્યા. તેમણે શસ્ત્રત્યાગ કર્યો. આ તકનો લાભ લઈ ધૃષ્ટદ્યુમ્ને ગુરૂદ્રોણનો વધ કર્યો.
 
એ પછી યુદ્ધમાં દુર્યોધન પડ્યો એ સમાચાર અશ્ર્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્યને મળ્યા. તેઓ દુર્યોધન પાસે ગયા. પિતા દ્રોણનું છળકપટથી મૃત્યુ થયું હતું તેના પ્રતિશોધની આગ તો અશ્ર્વત્થામાના હૈયામાં સળગતી જ હતી. તેમણે દુર્યોધન સમક્ષ પ્રતિજ્ઞા કરી કે પોતે પાંડવોને એમની દુષ્ટતાનો બરાબર બદલો આપશે. દુર્યોધને અશ્ર્વત્થામાને સેનાપતિપદે નીમ્યા.
 
અશ્ર્વત્થામાએ પાંડવોનો નાશ કરવાના ઘણા વિચાર કર્યા, પણ એ સરળ નહોતું. ત્રણે ભેરુઓએ જંગલમાં એક ઝાડ તળે રાતવાસો કર્યો. અશ્ર્વત્થામાને પોતે લીધેલી પ્રતિજ્ઞાના કારણે ઊંઘ ના આવી.
 
એટલામાં એક બનાવ બન્યો. વડના ઝાડ પર સેંકડો કાગડા સૂતા હતા ત્યાં એક ઘુવડ આવી ચડ્યું. દિવસે કાગડા ઘુવડને મારી નાખે, પણ રાત્રે કાગડાઓનું શું જોર? દિવસનું ઝેર યાદ કરી ઘુવડે છાનામાના કાગડાઓને મારી નાખ્યા. અશ્ર્વત્થામાને વિચાર આવ્યો કે પાંડવોની છાવણીમાં રાતોરાત જઈ એમને ઊંઘમાં જ મારી નાખવા જોઈએ. તેમણે વિચાર્યું કે પ્રકૃતિના આ નિયમ અનુસાર જે જ્યારે શક્તિમાન હોય ત્યારે આક્રમણ કરે તે ઉચિત જ છે.
 
અશ્ર્વત્થામાએ શિવજીની અર્ચના કરી અને પોતાનું શરીર શિવજીને અર્પણ કર્યું. શિવજીએ તેમને વરદાન આપ્યું કે તે રાત્રે જે તેની સાથે લડશે તે મૃત્યુ પામશે. એ પછી અશ્ર્વત્થામાએ પાંડવોની છાવણી પર હુમલો કર્યો. શ્રી કૃષ્ણએ તકેદારી રાખી પાંડવોને ગંગાકિનારે ખસેડ્યા હતા. અશ્ર્વત્થામાએ મધ્યરાત્રે હુમલો કર્યો અને ભૂલથી દ્રૌપદી અને પાંડવોના પાંચ પુત્રોને મારી નાખ્યા.
પાંડવોને ખબર પડતાં તેમણે અશ્ર્વત્થામાનો પીછો કર્યો. અર્જુન સાથે સામનો થયો. લડાઈ દરમિયાન અશ્ર્વત્થામાએ અત્યંત શક્તિશાળી એવા બ્રહ્મશિરા શસ્ત્રનો ઉપયોગ કર્યો. અર્જુને પણ તે જ શસ્ત્ર વાપર્યું. વિશ્ર્વ વિનાશના ભયને પામી ઋષિમુનિઓએ બન્નેને પોતપોતાનાં શસ્રો પાછા ખેંચી લેવા સમજાવ્યા. અર્જુન તે કરી શક્યા, પણ અશ્ર્વત્થામા તેમ ન કરી શકયા. તેમને કોઈ એક નિશાન સાધવાનું કહેવામાં આવ્યું. અશ્ર્વત્થામાએ શસ્ત્રને પાંડવ સ્ત્રીઓના ગર્ભ તરફ તાકયું, જેમાં અર્જુનની પુત્રવધૂ ઉત્તરા એક હતાં. એ સમયે ઉત્તરા અભિમન્યુના બાળક પરીક્ષિતને ગર્ભમાં સેવતાં હતાં જે ભવિષ્યમાં સર્વ પાંડવ કુળનો વારસદાર હતો.
 
બ્રહ્માસ્ત્રએ સફળતાથી ગર્ભમાં રહેલા નવજાતને બાળી નાખ્યું, પણ કૃષ્ણએ તેને જીવિત કર્યું અને અશ્ર્વત્થામાને શાપ આપ્યો કે તે કુષ્ટ રોગથી પીડાશે અને વિશ્ર્વમાં કાયમ માટે તિરસ્કૃત અવસ્થામાં ભટકશે. સમયગાળાની જુદી જુદી કથાઓ છે. કોઈ ૩૦૦૦ વર્ષ કહે છે, કોઈ ૬૦૦૦ વર્ષ કહે છે. કોઈ કાયમ માટે જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં સુધી કહે છે.
 
એક કથા પ્રમાણે અશ્ર્વત્થામાને કળિયુગના અંત સુધી ભટકવાનો શ્રાપ મળ્યો હતો.
 
અત્યારે અશ્ર્વત્થામા કયાં છે ?
તેની પણ જુદી જુદી કથાઓ છે.
 
(૧) એવી માન્યતા છે કે મધ્ય પ્રદેશના બુરહાનપુર શહેરથી ૨૦ કિલોમીટર દૂર અસીરગઢ કિલ્લો છે. જેમાં ભગવાન શિવનું પ્રાચીન મંદિર છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અશ્ર્વત્થામા દરરોજ આ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવા આવે છે. જે વ્યક્તિ અશ્ર્વત્થામાને જોઈ લે છે તે વ્યક્તિ ગાંડી થઈ જાય છે.
 
(૨) અન્ય વાયકા અનુસાર તે હજી પણ પૃથ્વી પર આંધી અને વાવાઝોડા સ્વરૂપે ભટકે છે.
 
(૩) એક માન્યતા પ્રમાણે તેઓ ગિરનાર પર્વતમાં વસે છે. ક્યારેક લોકોને જોવા મળે છે.
આમ અશ્ર્વત્થામા મહાભારતનું એક અજોડ અને વિરલ પાત્ર છે, તો સાથે સાથે અમર પાત્ર પણ છે.