બૃહદ્રથ : તપસ્વી ચંડકૌશિકના આશીર્વાદથી જરા નામની રાક્ષસીથી રક્ષાયેલા મહાભારતના વિવાદાસ્પદ પાત્ર

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |
 
 
 
મગધ દેશમાં બૃહદ્રથ નામે મહાપરાક્રમી સમ્રાટ હતો. આ સમ્રાટ કાશીરાજની સ્વરૂપ સંપત્તિવાળી બે પુત્રીઓને પરણ્યો હતો. રાણીઓનાંય રૂપ ઓસરી ગયા. રાજાએ ઘણાં વ્રત-તપ-યજ્ઞ-હોમ કર્યા, પરંતુ પુત્રકામના ફળી નહીં.
 
એકવાર રાજાએ સાંભળ્યું કે ગૌતમ-ગોત્રમાં ઉત્પન્ન થયેલા મહાત્મા કાક્ષીવાનના તપસ્વી પુત્ર ચંડકૌશિક એના નગરને પાદર પધાર્યા છે ત્યારે બૃહદ્રથે તેમને પુત્ર પ્રાપ્તિ માટે વિનંતી કરી. તેમણે રાજાને એક કેરી આપી અને તેમની પત્નીને ખવડાવવા કહ્યું.
 
રાજાએ કેરી લીધી. હરખાતો હરખાતો પોતાને મહેલે પહોંચ્યો. પછી એણે કેરીના બે સરખા ભાગ કર્યા. બન્ને પ્રિય રાણીઓને એણે અર્ધી કેરી ખાવા આપી.
 
અને ઋષિ ચંડકૌશિકના આશીર્વાદ ફળ્યા ! રાજા બૃહદ્રથની રાણીઓને પ્રસવ થયો, પરંતુ.. પરંતુ એક એક રાણીએ બાળકની એક એક ફાડને જન્મ આપ્યો. અર્ધુ ચીરિયું એક રાણીને જન્મ્યું, અર્ધુ ચીરિયું બીજીને. દરેક ચીરિયામાં એક આંખ, એક હાથ, એક પડખું, એક પગ... અર્ધુ મુખ, અર્ધ મસ્તક !
 
પોતાની આવી સંતતિ જોઈને રાણીઓ કંપી ઊઠી. અને માનવદેહની એ બે ફાડોને ચકલામાં ફેંકી દેવામાં આવી, પણ આ જ વેળા જરા નામની એક રાક્ષસી ત્યાંથી પસાર થઈ. આ રાક્ષસી ભોજન માટે સતત મૃતદેહો શોધ્યા કરતી. એણે ચોકમાં બે કુમળાં કુમળાં અડધિયાં દીઠાં. એ રાજી થઈ ગઈ. જલદી જલદી એણે બેય અડધિયાં ભેગાં કર્યા અને મોંમાં મૂકવા ઉઠાવ્યાં. ત્યાં તો... ત્યાં તો એ અડધિયાં સંધાઈ ગયાં અને બાળક રડવા લાગ્યો !
 
આ તો ચંડકૌશિક જેવા પ્રખર ઋષિના તપોબળ વડે જન્મેલો કુમાર હતો. એનું રુદન પણ એકદમ બુલંદ હતું. વળી અચાનક જાણે એનાં અંગો વજ્રનાં હોય એમ વજનદાર બની ગયાં. જરા રાક્ષસી એને ભોંય પરથી ઉઠાવવામાં સમર્થ ન બની !
 
કુમારના આકરા રુદનના અવાજથી રાજમહેલ ચોંકી ઊઠ્યો. સાંભળનારાં દાસદાસી બધાં ગભરાઈ ગયાં. બધાં થરથર કાંપવા લાગ્યાં. પરંતુ રાજા બૃહદ્રથની રાણીઓને પ્રેરણા થઈ કે આ તો અમારા સંતાનનો સ્વર છે. એ સફાળી દોડી અને ચોકમાં પહોંચી. એમણે પોતાના પ્રસવેલાં બે અડધિયાંને સંધાઈ ગયેલાં દીઠાં. બેયને એ સંતાન પર હેત ઊભરાયું. બંનેના સ્તનોમાંથી દૂધનાં ઝરણાં ફૂટવા લાગ્યાં. એણે દોડીને બાળકને તેડી લીધો. એને દૂધે નવડાવી નાખ્યો.
 
ચોંકી ગયેલી જરા રાક્ષસીને હવે ભાન થયું કે શું બની રહ્યું છે. પ્રથમ તો એને લાગ્યું કે મારો ખોરાક છીનવાઈ રહ્યો છે. પરંતુ પછી એક બીજો જ ખ્યાલ આવ્યો. એણે આ બાળકને ન ખાવાનું ઠરાવ્યું.
 
નગરચોકની આ રડારોળ અને માણસોનાં ટોળાનો ગોકીરો સાંભળીને રાજા બૃહદ્રથ પણ દોડી આવ્યો. એણે જોયું કે પોતાની બે રાણીઓ એક બાળકને વારાફરતી ધવડાવી રહી છે, અને પ્રાણીઓને આરોગવાનો જેનો ધર્મ છે એવી એક રાક્ષસી આ દૃશ્યને પ્રસન્નતાથી જોઈ રહી છે. રાજા જલદી એ રાક્ષસીને નમન કરી રહ્યો. એણે પ્રાર્થના કરી, ‘હે કલ્યાણકારિણી ! તમે કોણ છો ? મનુષ્યસંતતિને જોઈને આટલાં પ્રસન્ન છો, એ જોઈને અમને આનંદાશ્ર્ચર્ય થાય છે.’
 
જવાબમાં રાક્ષસીએ કહ્યું, ‘હું જરા નામની રાક્ષસી છું. સ્વયં બ્રહ્માજીએ મારું સર્જન કર્યું છે. વળી, પિતામહ બ્રહ્માએ જોગવાઈ કરી છે કે દરેક ઘરની અંદરની દીવાલો પર બાળકોથી ઘેરાયેલી એવી મારી આકૃતિ દોરે. જે ઘરમાં આવી આકૃતિ હોય ત્યાં નાનાં સંતાનોને નહીં મારવાની પ્રતિજ્ઞા મેં કરી છે. તમારા ઘરના ઓરડાઓમાં પણ આવી પ્રકૃતિ છે. એથી નાના બાળકને હું નહીં મારુ.’
 
આમ, આ બાળક જીવી ગયો. એના શરીરનાં બે ફાડિયાંને જરા નામની રાક્ષસીએ સાંધ્યા, એથી એનું નામ જરાસંધ ઠર્યું.
 
***
 
(યશવંત મહેતાનાં પુસ્તકમાંથી સંકલિત)