ધૃતરાષ્ટ્ર : માતાના દોષને કારણે જન્માંધ, દશ હજાર હાથીઓનું બળ ધરાવનાર, પુત્રમોહવશ મહાભારતના યુદ્ધના લાચાર સાક્ષી

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |


 

મહાભારત લોકનો ગ્રંથ છે. તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પુરુષાર્થની વાતો સંતુલિત રીતે વર્ણવવામાં આવી છે. અહીં આપણે ધૃતરાષ્ટ્રને જાણવા, સમજવાનો પ્રયત્ન કરીશું.

 

ધૃતરાષ્ટ્ર બે શબ્દોનું સંયોજન છે. એક ધૃત અને બીજો રાષ્ટ્ર. સંસ્કૃત શબ્દ છે. ધૃ કર્મણિ વિભક્તિનો શબ્દ છે. ધૃતનો અર્થ થાય છે ધારણ કરવું, રાખવું, યોજન કરવું, વહન કરવું વગેરે. રાષ્ટ્ર એટલે રાજ્ય. બંને શબ્દોને ભેગા કરીએ ધૃતરાષ્ટ્ર એક શબ્દ બને. આખા શબ્દનો અર્થ સારો રાજા અથવા તો રાજ્યનું વહન કરનારા રાજા, રાજ્યનું રક્ષણ કરનાર એવો થાય છે.

 

ધૃતરાષ્ટ્ર. આપણને સૌને ખબર છે કે મહાભારતનાં અનેક પાત્રોમાં મહત્ત્વનું અને મુખ્ય પાત્રોમાંનું પણ એક પાત્ર. ધૃતરાષ્ટ્ર નામ સાંભળતાં મનમાં ઘૃણાનો ભાવ જન્મે. ધૃતરાષ્ટ્ર એટલે શાંતનુ રાજાના પૌત્ર. ધૃતરાષ્ટ્રના જન્મની કથા કંઈક આવી છે. હસ્તિનાપુર રાજ્યના રાજા વિચિત્રવીર્ય ક્ષય રોગને કારણે મૃત્યુ પામ્યા. નિર્વંશ મૃત્યુ પામ્યા. એમના મરણ પછી એમની માતા સત્યવતીએ એમના પૂર્વ પુત્ર મહર્ષિ વ્યાસ જે કૃષ્ણ દ્વૈપાયનના નામે પણ ઓળખાય છે તેમને આજ્ઞા કરી કે તેઓ વિચિત્રવીર્યની પત્નીઓને વીર્યદાન કરે. માતાની આજ્ઞાનું માત્ર પાલન કરવા માટે વ્યાસમુનિએ વિચિત્રવીર્યની બંને પત્ની અંબિકા અને અંબાલિકાને ગર્ભદાન કર્યું. જો કે વ્યાસજીએ માતાને કહ્યું કે બંને રાણીઓએ પુત્રપ્રાપ્તિ માટે હું કહું એવું વ્રત કરવું પડશે. માતાને ઉતાવળ હતી. વ્રતની ના પાડી. અંબિકા સાથે મહર્ષિ વ્યાસે નિયોગ કર્યો. નિયોગ સમયે અંબિકાએ આંખો મીંચી દીધી હતી. પુત્રનો જન્મ થયો. વ્યાસજીએ વરદાન આપ્યું કે, પુત્રમાં દસ હજાર હાથીઓનું બળ હશે, તે અસાધારણ બુદ્ધિમાન થશે, રાજર્ષિઓમાં શ્રેષ્ઠ હશે, પરંતુ તેની માતાના દોષને કારણે તે જન્મથી અંધ રહેશે. આમ ધૃતરાષ્ટ્ર જન્માંધ હતા.

 

 
 

ધૃતરાષ્ટ્રના અંધ હોવાની બીજી પણ એક વાત પ્રચલિત છે. ધૃતરાષ્ટ્રે પોતાના પૂર્વજન્મમાં નદીમાં જલક્રીડા કરતા હંસો તથા તેનાં બચ્ચાંઓની આંખો ફોડીને તેમને મારી નંખાવ્યાં હતાં. હંસોએ રાજાને શાપ આપ્યો હતો કે તમે અમારી આંખો ફોડી છે, અમને અંધ બનાવ્યાં છે. એટલે હવે પછીના જન્મે તમે અંધ બનશો.

 

તેઓ હંસ નામના ગંધર્વનો અંશાવતાર હતા. ગાંધાર નરેશ સુબલનાં પુત્રી ગાંધારી સાથે એમનાં લગ્ન થયા. પતિ અંધ હોવાથી ગાંધારીએ આંખે પાટા બાંધી આજીવન અંધાપો સ્વીકાર્યો હતો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કલિના અંશરૂપે દુર્યોધન તથા પૌલસ્ત્યના અંશરૂપે બીજા ૯૯ એમ ૧૦૦ પુત્રો તથા દુ:શલા નામે પુત્રી જન્મી હતી. ધૃતરાષ્ટ્રના પુત્રો કુરુવંશના નામે કૌરવો કહેવાયા. ધૃતરાષ્ટ્ર શરીરે અંધ હતા તેમ પુત્રના મોહમાં પણ અંધ હતા. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. ધૃતરાષ્ટ્ર તેમના પુત્રો ખાસ કરીને દુર્યોધનને આંધળો પ્રેમ કરતા હતા.

 

મહર્ષિ વ્યાસે એમને અસાધારણ બુદ્ધિમાનનું વરદાન આપ્યું હતું. પરંતુ બુદ્ધિ તો સારાં-ખોટાં ગમે તે કામ કરવા પ્રેરે. એટલે પ્રજ્ઞા અને બુદ્ધિમાં ફેર છે. એવું કહેવાય છે કે સૌ પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુશબ્દ ધૃતરાષ્ટ્ર માટે પ્રયોજાયો હતો. જો કે ધૃતરાષ્ટ્રનું જીવન-કવન જોતાં તેમણે પ્રજ્ઞા કરતાં બુદ્ધિને વધારે પ્રાધાન્ય આપ્યું છે એવું લાગે છે. ધૃતરાષ્ટ્ર આંખથી અંધ હતા તો કાનથી બહેરા પણ હશે. તો એમને ભરીસભામાં દ્રૌપદીની ચીસો પણ સંભાળાઈ નહોતી.

 

જો કે આવું વારંવાર બન્યું છે. આંખો તો બંધ હતી અને કાનને પણ બંધ કરી દીધા હોય. ગાંધારી કે વિદુરની સલાહ એમણે કયારેય સાંભળી નથી. ધૃતરાષ્ટ્ર દ્યુતસભાના અધ્યક્ષ હતા. યુધિષ્ઠિર દ્યુત રમવામાં નિષ્ણાત. તેઓ અઠંગ જુગારી હતા છતાં શકુનિના કપટના કારણે હાર્યા.

 

કપટી શકુનિને ધૃતરાષ્ટ્ર ઓળખતા હતા. અહીં ગાંધારી પાસે ધૃતરાષ્ટ્ર ઝાંખા લાગે છે. પુત્રનું અતિ લાલન-પાલન એને બગાડે દીવા જેવી સ્પષ્ટ વાત છે. અતિ સર્વત્ર વર્જ્યતે. તે ગમે ત્યાં હોય.

 

મહાભારતમાં કુલ અઢાર પર્વો છે. પર્વોમાં કેટલાંક પેટા પર્વો પણ છે. એમાં ભીષ્મ પર્વમાં શ્રીમદ્ ભગવદ્ગીતા પર્વ છે, જે ભીષ્મ પર્વના તેરમા અધ્યાયથી શરૂ થઈ બેંતાળીસમા અધ્યાયમાં સમાપ્ત થાય છે.

 

धृतराष्ट्र उवाच :

धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः |

मामकाः पाण्डवाश्चैव

किमकुर्वत सउजय॥

 

શ્ર્લોકનો ભવાર્થ : ધૃતરાષ્ટ્ર બોલ્યા : હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઇચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ?

 

પોતાના તથા પોતાના નાના ભાઈના પુત્રો એક કુળના, એક કુટુંબના ગણાય. છતાં પોતાના પુત્રોને કુરુ વંશના અને મારા કહ્યા. એટલે સગા નાના ભાઈના પુત્રો અને પોતાના પુત્રો માટે એમના મનમાં જે ભેદભાવ હતો તે અહીં છતો થાય છે. મારું-તારું ભેદભાવ રાજાના મનમાં હોવો જોઈએ. રાજા માટે તો બધા સરખા.

 

શ્ર્લોક દ્વારા આપણને ધૃતરાષ્ટ્રનું વ્યકિતત્વ સમજાય છે.

 

અંધ વ્યક્તિ જોઈ શકતી નથી પરંતુ તે અનુભવી શકે, સારું-નરસું પારખી શકે છે. સંસારના વિવેક-અવિવેકને પણ પારખી શકે છે સમજી શકે છે, પરંતુ ધૃતરાષ્ટ્ર તો જાણે કઈ માટીના ઘડાયેલા હતા ! તેઓ જન્માંધ હતા, તો કાને હાથ મૂકીને તેને બંધ કરી દીધાં અને બુદ્ધિના બારણે તાળું મારી દીધું હતું. ધૃતરાષ્ટ્ર માટે તો પાંડવો અને કૌરવો બેય સરખા હોવા જોઈએ. તેઓ પાંડવોના મોટાબાપુ હતા અને રાજા પણ હતા. બંને હોવાના નાતે તેમણે પાંડવો સાથે ન્યાય કરવાનો હતો પરંતુ એમણે હસ્તિનાપુરના બે ભાગ કરીને બિનઉપજાઉ અને ભૌગોલિક રીતે પ્રતિકૂળ એવું ખાંડવપ્રસ્થ પાંડવોને આપ્યું હતું. અહીં ધૃતરાષ્ટ્ર રાજા તરીકે અને વડીલ તરીકે બંને સંબંધોમાં ઊણા ઊતર્યા.

 

શ્રીમદ્ ભાગવત પુરાણના દસમ-સ્કંધમાંના ૪૯મા અધ્યાયના પૂર્વાર્ધમાં એક પ્રસંગનું વર્ણન છે. એમાં બળદેવજી અને શ્રીકૃષ્ણ અક્રૂરજીને હસ્તિનાપુર મોકલે છે. અક્રૂરજી હસ્તિનાપુર આવે છે. માસ-મહિનો રાજમહેલમાં રોકાય છે. ધૃતરાષ્ટ્રનું વર્તન નિહાળે છે. તેમના આંધળા પુત્રપ્રેમનો અનુભવ કરે છે. પોતાના અને પોતાના નાના ભાઈના પુત્રો વચ્ચે ભેદભાવ રાખે છે તે સ્પષ્ટ રીતે અક્રૂરજીને દેખાય છે, સમજાય છે. પોતાનો કાર્યકાળ પૂરો થાય છે અને મથુરા જવા રવાના થાય છે પહેલાં અક્રૂરજી ધૃતરાષ્ટ્રને સલાહ આપે છે : હે કુરુવંશના રાજા, ધર્મમાર્ગથી પૃથ્વીનું પાલન કરશો, પ્રજાને સદાચારથી રાજી રાખશો અને સંબંધોમાં સમષ્ટિથી વર્તશો તો તમને કલ્યાણ અને કીર્તિ પ્રાપ્ત થશે.

 

અક્રૂરજી એમને આધ્યાત્મિક જ્ઞાન આપતાં કહે છે કે, જગતમાં કદી કોઈની સાથે નિરંતર સહવાસ રહેતો નથી. પોતાના દેહની સાથે પણ. જીવ એકલો જન્મે છે, એકલો પાપ અને પુણ્ય ભોગવે છે. સ્વધર્મથી વિમુખ અને જેનું પ્રયોજન સિદ્ધ થયું નથી એવો તે માણસ પોતે કરેલા પાપને સાથે લઈને નરકમાં પડે છે. માટે હે રાજા! દેહને તથા લોકને સ્વપ્નની પેઠે અનિત્ય જાણીને બુદ્ધિથી મનને વશ રાખતાં શાંતિ ધરી સમષ્ટિ રાખો.

 

ધૃતરાષ્ટ્ર વ્યાસજીના પુત્ર હોવાને નાતે એમને જ્ઞાન હતું. એટલે અક્રૂરજીને જવાબ આપે છે કે, ઈશ્ર્વરે જે ધાર્યું હશે તેને ફેરવવા કોઈ પુરુષ સમર્થ છે ? ઈશ્ર્વરની લીલા અદ્ભુત છે. આપણા તર્કમાં આવે એવા માર્ગવાળા જગતને સર્જીને કર્મોનાં ફળ આપે છે તે પરમાત્માને હું પ્રણામ કરું છું. એટલે કે જાણતો હોવા છતાં બધું પરમાત્મા પર ઢોળીને પોતે લાચાર, નિર્દોષ છે કહી છટકી જાય છે.

મહાભારત યુદ્ધમાં ભીમ દ્વારા તમામ કૌરવોના વધથી ધૃતરાષ્ટ્રને ભીમ પ્રત્યે ભારે રોષ હતો. તે કોઈપણ ભોગે ભીમને મારી નાખવા માંગતા હતા. ધૃતરાષ્ટ્રમાં ૧૦ હજાર હાથીઓનું બળ હતું. યુદ્ધ બાદ પાડ્યો. શ્રીકૃષ્ણ સાથે ધૃતરાષ્ટ્રને મળવા જાય છે. ત્યારે ધૃતરાષ્ટ્ર ભીમને ભેટવાની ઇચ્છા વ્યક્ત કરે છે. ધૃતરાષ્ટ્રના ઇરાદા જાણી ચૂકેલ શ્રીકૃષ્ણ ભીમને બદલે લોખંડની પ્રતિમા આગળ કરી દે છે. ધૃતરાષ્ટ્ર લોઢાની મતિને પોતાના બાહુબળથી ચૂરેચૂરા કરી નાખે છે. જો કે તેનો પછતાવો થતા તે ઘૂંટણીએ પડી ચોધાર આંસુએ રડે છે. કહેવાય છે કે યુધિષ્ઠિરના રાજ્યાભિષેક બાદ ધૃતરાષ્ટ્ર કુંતી-ગાંધારી સાથે વનમાં ચાલ્યા જાય છે. જ્યાં દવ લાગવાથી તેમનું મૃત્યુ થાય છે.

- અનિતા તન્ના