શિશુપાલ : 100મી ગાળે વધ

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
શિશુપાલ કૃષ્ણની ફોઈનો પુત્ર હતો. જ્યારે શિશુપાલનો જન્મ થયો ત્યારે તેને ત્રણ નેત્ર તથા ચાર ભુજાઓ હતી. તે ગધેડાની જેમ રડી રહ્યો હતો.
 
માતા-પિતા તેનાથી ડરીને તેનો પરિત્યાગ કરી દેવા માંગતાં હતાં, પરંતુ ત્યારે આકાશવાણી થઈ કે બાળક બહુ વીર થશે તથા તેના મૃત્યુનું કારણ તે વ્યક્તિ હશે જેના ખોળામાં જવાથી બાળક પોતાના ભાલ સ્થિત નેત્ર તથા બે ભુજાઓનો પરિત્યાગ કરશે.
આ આકાશવાણી અને તેના જન્મના વિષયમાં જાણીને અનેક વીર રાજા તેને જોવા આવ્યા હતા. શિશુપાલના પિતાએ તમામ વીરો અને રાજાઓના ખોળામાં બાળક આપ્યું.
 
અંતમાં શિશુપાલ શ્રીકૃષ્ણના ખોળામાં જતાં તેની બે ભુજાઓ પૃથ્વી પર પડી ગઈ તથા લલાટવર્તી નેત્ર લલાટમાં વિલીન થઈ ગયું. આથી શિશુપાલની માતાએ દુ:ખી થઈને શ્રીકૃષ્ણ પાસે તેના પ્રાણોની રક્ષાની માંગ કરી. શ્રીકૃષ્ણએ કહ્યું કે હું તારી ૯૯ ગાળોને ક્ષમા કરવાનું વચન આપું છું.
 
એક વખતની વાત છે જરાસંધનો વધ કર્યા પછી શ્રીકૃષ્ણ, અર્જુન અને ભીમ ઇન્દ્રપ્રસ્થ પાછા આવી જાય છે, ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે રાજસૂર્ય યજ્ઞની તૈયારી કરે છે. આ યજ્ઞમાં શ્રીકૃષ્ણને વિશેષ માન-પાન મળતાં શિશુપાલ આવેશમાં આવી શ્રીકૃષ્ણને ગાયો ચરાવતો ગોવાળિયો, કાગડો, ગીધડ, કુળ-જાતિ વિનાનો જરાસંઘથી ડરીને સમુદ્રમાં છુપાઈ જનારો કાયર કહી સંબોધે છે.
આ સાંભળીને શિશુપાલને મારી નાંખવા માટે પાંડવ, મત્સ્ય, કેકય અને સુચયવર્ષા નરપતિ ક્રોધિત થઈને હાથમાં હથિયાર ઉઠાવી લે છે, પરંતુ શ્રીકૃષ્ણ તે બધાને રોકે છે, છતાં શિશુપાલને કોઈ ફરક પડતો નથી. અને તે શ્રીકૃષ્ણને ગાળો આપવાનું ચાલુ રાખે છે ત્યારે શ્રીકૃષ્ણએ જોરથી કહ્યું કે, ‘બસ શિશુપાલ મે તારી ૯૯ ગાળોને ક્ષમા કરવાનું વચન આપ્યું હતું એટલા માટે અત્યાર સુધી તું જીવે છે. હવે તારી તમામ ગાળો પૂરી થઈ ગઈ છે.’ પરંતુ શિશુપાલ પર શ્રીકૃષ્ણની ચેતવણીની કોઈ અસર ન થઈ અને તે કાળવશ થઈ પોતાની તલવાર કાઢી શ્રીકૃષ્ણને ફરીથી ગાળો આપે છે.
 
શિશુપાલના મુખમાંથી ગાળ નીકળતાં શ્રીકૃષ્ણ પોતાનું સુદર્શન ચક્ર છોડે છે. અને પલક ઝપકતાં જ શિશુપાલનું માથું કપાઈને પડી જાય છે. તેના શરીરમાંથી એક જ્યોતિ નીકળીને ભગવાન શ્રીકૃષ્ણની અંદર સમાઈ જાય છે.