ઉત્તરા : અભિમન્યુની પત્ની

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
 
પાંડવોના વનવાસ દરમિયાન અર્જુન બૃહન્નલા નામે ઉત્તરાને ગીત-સંગીત અને નૃત્ય શીખવી રહ્યા હતા. જ્યારે મહારાજ વિરાટને જાણ થઈ કે તેમના પુત્ર ઉત્તરે કૌરવ પક્ષના સૈન્યને હરાવી ગાયોના ધણને મુક્ત કરાવ્યું છે ત્યારે તેઓ આનંદિત થઈ ઉત્તરની પ્રશંસા કરવા લાગ્યા. આ સમયે તેમના પાસા ગોઠવવાનું કામ કરનાર યુધિષ્ઠિરે આ વિજય માટે બૃહન્નલા (અર્જુન)ની પ્રશંસા કરતાં, રાજા વિરાટે ગુસ્સામાં પોતાના પાસાનો ઘા યુધિષ્ઠિર પર કર્યો અને યુધિષ્ઠિરના નાક પર વાગતાં તેમના નાકમાંથી લોહીની ધારા ફૂટી, પરંતુ જ્યારે વિરાટને આના ત્રીજા દિવસે ખબર પડી કે તેઓએ જેને કંકને સામાન્ય બ્રાહ્મણ સમજ્યો હતો તે તો ધર્મરાજ યુધિષ્ઠિર છે અને જે બૃહન્નલાને નપુંસક સમજતો હતો તે ધનુધારી અર્જુન છે.
 
તેઓએ પોતાના આ વર્તાવ માટે માફી માંગી અને પોતાની પુત્રી ઉત્તરાનો વિવાહ અર્જુન સાથે કરવાની અરજ કરી. ત્યારે અર્જુને કહ્યું, રાજન, મેં ઉત્તરાને બૃહન્નલાના ‚પમાં જ વર્ષ દરમિયાન નૃત્ય સંગીત શીખવ્યું છે. એટલે હું તમારી પુત્રીનો ગુરુ થાઉં ત્યારે જો હું તેની સાથે વિવાહ કરીશ તો લોકો ઉત્તરા અને મારા ચારિત્ર્ય પર શંકા કરશે, જે ગુરુ-શિષ્યની પરંપરાનું અપમાન હશે. રાજકુમારી ઉત્તરા મારી પુત્રી સમાન છે માટે હું મારા પુત્ર અભિમન્યુ માટે તમારી પુત્રીનો સ્વીકાર કરું છું. ભગવાન શ્રીકૃષ્ણના ભાણિયાનો જમાઈ તરીકે સ્વીકાર કરવો એ તમારા માટે ગૌરવની વાત થશે અને આમ ઉત્તરા અને અભિમન્યુનો વિવાહ સંપન્ન થયો.
 
જે સમયે અભિમન્યુ યુદ્ધમાં હણાયો ત્યારે ઉત્તરા ગર્ભવતી હતી. મહાભારતના યુદ્ધ દરમિયાન પાંડવ કુળના વિનાશ માટે અશ્ર્વત્થામાએ પાંડવોના તમામ પુત્રોની હત્યા કરી ત્યારે પાંડવોના વંશની એક માત્ર આશા ગર્ભવતી ઉત્તરા હતી. જ્યારે અશ્ર્વત્થામાને ઉત્તરા ગર્ભવતી હોવાની જાણ થઈ ત્યારે તેણે પાંડવ કુળની એ અંતિમ નિશાનીને મિટાવી દેવા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. ઉત્તરાનો ગર્ભ બચાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણ સૂક્ષ્મ રૂપ ધરી તેના ગર્ભમાં પ્રવેશી ગયા. પરંતુ બ્રહ્માસ્ત્રની અસરથી બાળક મૃત જનમ્યું. અને પછી ભગવાન શ્રીકૃષ્ણે તેમની દિવ્યશક્તિથી બાળકને જીવિત કર્યું. તે પુત્ર એટલે રાજા પરિક્ષિત.