મહાભારતની ચરિત્રકથાઓના અજવાળે દિવાળી અને નૂતન વર્ષને આવકારીએ !

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |


 

ભારત ઉત્સવપ્રિય દેશ છે. ગુજરાત માટે તો દિવાળી અને નૂતનવર્ષ સૌથી મોટો તહેવાર. દિવાળી ઉંબરો છે જ્યાંથી વીતેલું વર્ષ અને આવનારા વર્ષને જોઈ શકાય છે. વાક બારસથી લઈને લાભ પાંચમ સુધીના તહેવારો આપણને નવો ઉન્મેષ આપે છે. તહેવારના દિવસોમાં કેટલીક પ્રાર્થનાઓ આપોઆપ ભગવાન સુધી પહોંચતી હોય છે, કારણ કે એમાં વીતેલા વર્ષનો હર્ષ અને આવનારા વર્ષને સહર્ષ ઊજવવાનો જુસ્સો હોય છે. અજવાળાનો ઉત્સવ આપણી ભીતરે અનેક પ્રકારના ઉજાસ પાથરે છે. દિવાળીના દીવાનું અજવાળું માત્ર વાતાવરણમાં નહીં આપણી ભીતરમાં પ્રગટતું અને પ્રસરતું હોય છે અને અજવાળું એટલે નવા વિચારો અને નવા જોમનું આહ્વાન.

દર વર્ષે દીપોત્સવ નિમિત્તે સંસ્કારસભર વાચનની શબ્દરંગોળી પીરસવી સાધનાસાપ્તાહિકની પરંપરા છે. આપણા ધર્મગ્રંથો, ઉપનિષદ કથાઓ વગેરેની કથાઓના દીવાઓ પ્રગટાવીને સમગ્ર સમાજમાં નવું અજવાળું પાથરવાની પરંપરામાં વર્ષે એક નૂતન પ્રયોગ કર્યો છે. મહાભારતની ચરિત્રકથાઓનું અજવાળું લઈને અમે લોકહૃદયમાં ઉજાસ પાથરવાનો પ્રયત્ન કર્યો છે.

મહાભારત મુનિ વેદવ્યાસે વર્ણવેલું અને ભગવાન શ્રી ગણેશે લખેલું મહાકાવ્ય છે. સ્વયં વેદવ્યાસજી ગ્રંથ માટે લખે છે કે, ‘યદિ હાસ્તિ તદન્યત્ર, યન્નેહાસ્તિ તત્ત ક્વચિત્અર્થાત્ મહાભારતમાં જે છે તે તમને સંસારમાં કોઈ ને કોઈ જગ્યાએ જોવા મળી જશે અને જે મહાભારતમાં નથી તમને સંસારમાં ક્યાંય જોવા નહીં મળે. મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણએ યુધ્ધના મેદાન વચ્ચે અર્જુનને ભગવદ્ ગીતા કહી. યુધ્ધના મેદાન વચ્ચે તત્ત્વદર્શી ઉપદેશ કહેવાયો હોય અને સમગ્ર વિશ્ર્વ માટે તે પથદર્શક બન્યો હોય તેવો પ્રથમ ગ્રંથ છે. મહાભારતમાં ૧૮ની સંખ્યાનું ખૂબ મહત્ત્વ છે. મહાભારત કુલ ૧૮ પર્વમાં લખાયું છે, શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ૧૮ અધ્યાય છે. મહાભારતનું યુદ્ધ કુલ ૧૮ દિવસો સુધી ચાલ્યું હતું, કૃષ્ણએ કુલ ૧૮ દિવસ સુધી અર્જુનને જ્ઞાન આપ્યું હતું, કૌરવો અને પાંડવોની સેના પણ ૧૮ અક્ષૌહિણી હતી, જેમાં ૧૧ કૌરવોની અને ૭ પાંડવોની હતી, યુદ્ધના મુખ્ય સૂત્રધારો પણ ૧૮ હતા.

મહાભારત માત્ર રાજા-રાણી, રાજકુમાર-રાજકુમારી, નાયક-ખલનાયકોની કથા નથી. તો વ્યાપક અને વિશાળ છે. તેના રચયિતા કહે છે કે, ‘મહાભારત ધર્મ, અર્થ, કામ અને મોક્ષની કથા છે. કથાની સાર્થકતા મોક્ષ મેળવવાથી થાય છે અને એને સનાતન ધર્મ પ્રમાણે માનવજીવનનું પરમ લક્ષ્ય માનવામાં આવ્યું છે. મહાકાવ્ય પર વૈદિક ધર્મનો આધાર ટક્યો છે. મહાભારત એટલું વિશાળ અને વિરાટ છે કે તેના એક એક પાત્રની લાંબી લાંબી કથાઓ છે. નાયક હોય કે ખલનાયક પણ મહાભારતનાં પાત્રોનું જીવન આપણને મનુષ્યજીવનમાં શું કરાય અને શું ના કરાય તેવી અદ્ભુત મર્યાદાઓ શીખવે છે. કહેવાય છે કે મહાભારતના અંતથી કળિયુગનો પ્રારંભ થયો. આપણે કળીયુગમાં જીવી રહ્યા છીએ, અનેક સુખ સાથે દુ: અને સરળતા / સહજતા સાથે સમસ્યાઓ પણ છે. એનાથી ઉગરવા માટે મહાભારત ઉત્તમ ગ્રંથ છે. જીવનમાં સદ્ગુણોનું સિંચન અને વ્યવહારુ જીવનશૈલી માટે વિશેષાંકમાં ્રસ્તુત કરેલી ચરિત્રકથાઓ ખૂબ ઉપયોગી થઈ પડશે, કારણ કે તેમાંથી પ્રગટતું અજવાળું શાશ્ર્વત છે. મહાભારતના રચયિતા વેદવ્યાસથી માંડીને શ્રીકૃષ્ણ, ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, પાંડુરાજા, દ્રોણ, પાંડવો, કૌરવો, કુંતીમાતા, ગાંધારી, દ્રૌપદી, જયદ્રથ, અશ્ર્વત્થામા, જરાસંધ, બર્બરિક, વિકર્ણ, વિદુરજી, પરીક્ષિત જેવાં જાણ્યાં-અજાણ્યાં મહાભારતનાં પાત્રોની ચરિત્રકથાઓ અહીં પ્રસ્તુત કરી છે. ચરિત્રકથાઓ ચારિત્ર્ય ઘડશે, સંસ્કારોનું અજવાળું પાથરશે અને આપણા સમગ્ર અસ્તિત્વને સદાયે ઝળાંહળાં કરી દેશે. એક લોકવાયકા છે કે મહાભારત ગ્રંથ ઘરમાં રાખવાથી માત્ર ઝગડાળુ ઘર થઈ જાય, જે અંધશ્રધ્ધામાં પરિણમી છે તેમાંથી જરૂર છુટકારો મળશે.

વિક્રમ સંવત ૨૦૭૫નો ઉંબરો ઓળંગીને વિક્રમ સંવત ૨૦૭૬ના નવા વર્ષમાં આપણી આંગળી ઝાલીને દોરી જતી દિવાળીને અમે મહાભારતની વિશેષ ચરિત્રકથાઓને અક્ષત અને કંકુથી પોંખીએ છીએ. દિવાળી અને નૂતન વર્ષના પ્રકાશપર્વે વિશેષાંક પ્રકાશિત કરતાં અમે અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. વખતની વાક બારસ આપણી વાણીને સમૃદ્ધ બનાવે, ધનતેરસ આપણને સંપન્ન બનાવે, દિવાળી ખરા અર્થમાં સુખના દીવા પ્રગટાવનારી બને, બેસતા વર્ષનું પ્રભાત જીવનને નવપલ્લવિત કરે અને લાભ-પાંચમે આપણે કાર્યની સાથે કર્તવ્ય-કર્મમાં જોડાઈ હૃદયને પુલકિત કરવાનું પણ મુહૂર્ત કરીએ. મહાભારતની ચરિત્રકથાઓ થકી આપના જીવનમાં સુખ, શાંતિ, સમજદારી, સંસ્કાર અને સમૃદ્ધિના પંચદીપ પ્રગટે તેવી શુભેચ્છાઓ સાથે દિવાળી અને નૂતન વર્ષનાં અભિનંદન.