ભીષ્મ : માતા ગંગાના પુત્ર, આજીવન બ્રહ્મચારી, ઇચ્છામૃત્યુધારી અને મક્કમતાના પર્યાય સમાન મહાભારતના પિતામહ

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |



 
ગંગાપુત્ર ભીષ્મ એટલે મક્કમ મનોબળ ધરાવતા યોદ્ધા કે જેમને શ્રીવિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામ પણ યુદ્ધમાં હરાવી નહોતા શક્યા. અડગ બ્રહ્મચર્યના પ્રભાવથી તે દેવો જેવા દેદીપ્યમાન દેખાતા, એટલે દેવવ્રત તરીકે ઓળખાયા.
 
હસ્તિનાપુરના રાજા શાંતનુ ભરવંશના પ્રતાપી રાજા હતા. એક દિવસ શાંતનુ ગંગાકિનારે સાંજ વિતાવી રહ્યા હતા ત્યારે માનવ સ્વરૂપે કાંઠે ભ્રમણ કરી રહેલાં ગંગાજી તેમને મળ્યાં. ગંગાજીને જોતાં જ શાંતનુ તેમના પ્રેમમાં પડ્યા અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ગંગાજીએ વસુઓને શ્રાપમાંથી મુક્ત કરાવવા એ પ્રસ્તાવ સ્વીકારી લીધો, પણ એક શરત રાખી કે તેમના કોઈ જ નિર્ણય બાબતે શાંતનુએ સવાલ કરવાનો નહીં. શાંતનુએ એ પ્રસ્તાવ સ્વીકારી લીધો.તે પછી કાળક્રમે ગંગાજીએ સાત સંતાનોને જન્મ આપ્યો. સાતેય સંતાનોને તેમણે ગંગામાં પધરાવી દીધા. સાત વસુઓ એ રીતે શ્રાપમુક્ત થઈને સ્વર્ગે સિધાવ્યા. આઠમા વસુ તરીકે દેવવ્રતનો જન્મ થયો ત્યારે નિયતિ લખાઈ ગઈ હતી એ પ્રમાણે રાજા શાંતનુએ ગંગાજીને અટકાવ્યાં. ગંગાજીએ વચન યાદ અપાવીને કહ્યું કે આ આઠમું સંતાન તેમની યોગ્ય વયે તમને મળી જશે, મારા નિર્ણયમાં સંદેહ કર્યો હોવાથી વચન પ્રમાણે હું હવે આપને મુક્ત કરું છું.
 
 ગંગાજી નાનકડા દેવવ્રતને લઈને અદૃશ્ય થયાં. ગંગા માતાએ દેવવ્રતને ઉછેરીને મોટા કર્યા. બૃહસ્પતિ પાસે ચારે વેદ તથા ધનુર્વેદ ભણાવ્યા. દેવોના રાજા ઇન્દ્રએ એને પોતાનાં અસ્ત્રશસ્ત્ર આપ્યાં. પરશુરામ પાસે ધનુર્વિદ્યા ભણાવીને ચોવીશ વર્ષે બધી જ રીતે કુશળ બની ગયેલા દેવવ્રતને ગંગાએ શાંતનુને પાછા સોંપ્યા. શાંતનુએ દેવવ્રતનો આવકાર કરીને તેમને હસ્તિનાપુરના યુવરાજ બનાવ્યા. દેવવ્રતે હસ્તિનાપુરની સીમાઓ સુરક્ષિત કરી, સીમાડાઓ વિસ્તાર્યા અને રાજ્ય-વ્યવસ્થા બહેતર બનાવી. સમગ્ર ચિંતામાંથી મુક્ત થયેલા શાંતનુનો એક દિવસ મત્સ્યગંધા એટલે કે સત્યવતી નામની ક્ધયા સાથે ભેટો થયો. સત્યવતીના પ્રેમમાં પડેલા શાંતનુએ સત્યવતીના પિતા પાસે સત્યવતી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પણ તેના પિતાએ સત્યવતીના સંતાનોના ભવિષ્યનો વિચાર કરીને એ પ્રસ્તાવ નકારી દીધો.
 
એ વાતની જાણ થઈ પછી દેવવ્રતે રાજ્યનો અધિકાર સત્યવતીના પુત્રોને આપવાની પ્રતિજ્ઞા કરી. પણ સત્યવતીના પિતાએ સંદેહ વ્યક્ત કર્યો કે દેવવ્રત તેનો અધિકાર જતો કરે છે, પરંતુ દેવવ્રતના સંતાનો ભવિષ્યમાં ફરીથી હસ્તિનાપુર ઉપર અધિકાર નહીં કરે તેની શું ખાતરી?
 
 
એ પળ દેવવ્રત માટે ભીષ્મ બનવાની ઘડી હતી. દેવવ્રતે એ જ પળે ભીષ્મપ્રતિજ્ઞા કરી કે તે આજીવન બ્રહ્મચર્યનું પાલન કરશે. લગ્ન નહીં કરે અને ક્યારેય રાજ્ય ઉપર અધિકાર સાબિત નહીં કરે. હસ્તિનાપુરના સિંહાસન ઉપર બેસનારા રાજાને હંમેશા વફાદાર રહેશે. એ પળ માત્ર દેવવ્રતમાંથી ભીષ્મ બનવાની જ પળ ન હતી, મહાભારતની કથામાં આવેલો એ અણધાર્યો અને મહત્ત્વપૂર્ણ વળાંક પણ હતો.
 
 
જો આ પ્રસંગ બન્યો ન હોત તો? તો કદાચ ભીષ્મને કાશીની રાજકુમારી અંબાનો શ્રાપ ન લાગ્યો હોત... તો કદાચ વેદવ્યાસની મંત્રશક્તિથી ધૃતરાષ્ટ્ર, પાંડવ અને વિદુર એમ ત્રણ ભરતવંશી રાજકુમારોનો જન્મ ન થયો હોત,.. તો કદાચ અંધ ધૃતરાષ્ટ્રને સિંહાસનનો અને પુત્રનો મોહ ન થયો હોત.. તો કદાચ પાંડવોએ વનગમન ન કરવું પડ્યું હોત... તો કદાચ કુરુક્ષેત્રનું યુદ્ધ ન થયું હોત... તો કદાચ કૃષ્ણના શ્રીમુખે ગીતાનું જ્ઞાન ન મળ્યું હોત... તો કદાચ મહાભારત નામના વિશ્ર્વમાં અજોડ, મહાન ગ્રંથની રચના પણ ન થઈ હોત...
 
***
 
શાંતનુને મત્સ્યગંધાથી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય એમ બે પુત્રો થયા. શાંતનુ પછી ચિત્રાંગદને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું. એનું પણ માંદગીમાં મૃત્યુ થયું. પછી સત્યવતીના નાના પુત્ર વિચિત્રવીર્યને રાજગાદી મળી. વિચિત્રવીર્ય માટે ભીષ્મએ કાશીના રાજાની ત્રણ ક્ધયા અંબા, અંબિકા અને અંબાલિકાનું સ્વયંવરમાંથી અપહરણ કર્યું. અંબિકા અને અંબાલિકાએ તો વિચિત્રવીર્ય સાથે લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો, પણ અંબાને એ પ્રસ્તાવ મંજૂર ન હતો. તે મનોમન રાજા શલ્યને વરી ચૂકી હતી.
 
 
અંબાની ઇચ્છા જાણ્યા પછી ભીષ્મએ તેને શલ્ય પાસે મોકલી દીધી, પણ શલ્યએ તેની સાથે લગ્ન ન કર્યાં. એ સમયના નિયમો પ્રમાણે શલ્ય સ્વયંવરમાં ભીષ્મ સામે પરાજિત થયો હતો અને પરાજિત થયેલો યોદ્ધો સ્વયંવરની એ કન્યાને વરી શકતો ન હતો. આખરે અંબાએ ભીષ્મ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પણ ભીષ્મ તો પ્રતિજ્ઞાબદ્ધ હતા. ભીષ્મએ અંબા સાથે લગ્ન ન કર્યાં તો અંબા ભગવાન પરશુરામ પાસે મદદ માટે ગઈ.
 
 
પરશુરામે ભીષ્મને યુદ્ધ માટે લલકાર્યા. શ્રીવિષ્ણુનો છઠ્ઠો અવતાર ભગવાન પરશુરામ ભીષ્મના ગુરુ હતા. ગુરુની આજ્ઞાને ભીષ્મ અવગણી ન શક્યા. બંને વચ્ચે ૨૩ દિવસ સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું, પણ બંને અજય યોદ્ધા હતા. ભગવાન શંકર સિવાય આ બંનેનો કોઈ જ મુકાબલો કરી શકે તેમ ન હતું. આખરે પરશુરામે અંબાને કહ્યું કે ભીષ્મને જીતી શકાશે નહીં. ભગવાન શંકર જ મદદ કરી શકશે. અંબાએ ભગવાન શંકરને પ્રસન્ન કરીને ભીષ્મના મૃત્યુનું કારણ બનવાનું વરદાન મેળવ્યું.
 
 
પાંડવો અને કૌરવો વચ્ચે ધર્મયુદ્ધ થયું ત્યારે સિંહાસનને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા હોવાથી ભીષ્મ ઇચ્છવા છતાં પાંડવો વતી લડી ન શક્યા. એ જાણતા હોવા છતાં કે અધર્મ સાથે રહીને યુદ્ધ લડવું પડે છે, તે છતાં લડ્યા. પાંચમાંથી એક પણ પાંડવનો વધ ન કરવાની શરતે રણે ચડેલા ભીષ્મએ ૧૮ દિવસના મહાયુદ્ધમાં ૧૦-૧૦ દિવસ સુધી કૌરવોના સેનાપતિ રહીને અપ્રતિમ શૌર્ય બતાવ્યું. કુરુક્ષેત્રમાં અનેક મહારથીઓ હતા, પણ એકેય ભીષ્મને જીતી શકે તેમ ન હતો. કૃષ્ણ એક માત્ર એવા યોદ્ધા હતા, જે ભીષ્મ સામે યુદ્ધ કરી શકે તેમ હતા, પરંતુ કૃષ્ણએ યુદ્ધમાં હથિયાર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા કરી હતી.
 
આખરે ૧૦મા દિવસે કૃષ્ણના કહેવાથી પાંડવો ભીષ્મ પિતા પાસે જ તેમના મૃત્યુનું રહસ્ય જાણવા ગયા અને ભીષ્મએ હસતાં હસતાં એ રહસ્ય બતાવ્યું પણ ખરું. પિતા શાંતનુ પાસેથી ઇચ્છામૃત્યુનું વરદાન મેળવી ચૂકેલા ભીષ્મને કુરુક્ષેત્રના મેદાનમાં બાણશય્યા ઉપર સુવડાવી દેવામાં તો અર્જુનને આખરે સફળતા મળી, પણ મૃત્યુનો સ્વીકાર તો એમણે ઇચ્છાપ્રમાણે જ કર્યો. આમ તો ઉત્તરાયણ પહેલાં તેમણે ઈચ્છામૃત્યુ ધારણ કરવાનું હતું પરંતુ કમુર્હૂતા હોવાથી ઉત્તરાયણ સુધી તેમના પ્રાણ ટકાવી રાખ્યા અને મકરસંક્રાંતિના દિવસે ઈચ્છામૃત્યુને વર્યા. હસ્તિનાપુરના સીમાડા બધી જ દિશામાંથી સુરક્ષિત થયા તે પછી અને મુહૂર્ત પ્રમાણે જ શ્ર્વાસ છોડવાનો વૈભવ તો ખુદ ઈશ્ર્વરને ય નથી મળતો, પણ હા, મક્કમ મનોબળ ધરાવતા ભીષ્મને ચોક્કસ મળ્યો હતો.