આંધી મેં ભી જલતી રહી, ગાંધી તેરી મશાલ

    ૦૪-ઓક્ટોબર-૨૦૧૯   

 
 

સત્ય એ જ ધર્મ અને ધર્મ એ જ સત્ય

 
‘પરમ ધરમ શ્રુતિ બિદિત અહિંસા, ધરમ ન દૂસરા સત્ય સમાના’ જે વાત ગોસ્વામીજીએ કહી છે એ જ વાત ગાંધીજીએ પણ કહી છે. ‘સત્ય એ જ ધર્મ અને ધર્મ એ જ સત્ય’ આ વાત દરેક શાસ્ત્ર દોહરાવે છે. મને એક ભાઈએ કહ્યું કે ગાંધીજીની મર્યાદા કહોને. મેં કહ્યું કે ભૂલ શોધવાનું મારું કામ નથી, ફૂલ શોધવાનું મારું કામ છે. હું કટાક્ષકાર નથી, કથાકાર છું.
 

આત્મા અને મહાત્મા કદી મરે નહીં.

 
ગાંધીબાપુની દરેક વાત સાથે કદાચ હું સમ્મત ન પણ થાઉં, એ વાત અગત્યની નથી. એમણે દેશ માટે જે કર્યું છે, એ માટે સર્વસંમત થવું જ પડે અને વારંવાર વંદન કરવાં જ પડે. મોહનથી મહાત્માની સફર કંઈ એમ ને એમ નથી થઈ. અનેક પીડાના પડાવ આવ્યા છે. હું જયારે જોહનિસબર્ગમાં ગયો ત્યારે બાપુના સ્થાનનાં દર્શન કર્યાં. મને થયું કે બાપુની આ જગ્યાને વ્યવસ્થિત કરવી જોઈએ. સ્થાનિક લોકોએ તુરંત ઉત્સાહ બતાવ્યો. મંડેલાજીએ પણ સહકારની ખાતરી આપી. આફ્રિકાથી મહાત્માની મજલનો પ્રારંભ થયો હતો. આત્મા અને મહાત્મા કદી મરે નહીં. બાપુ વિચારો થકી આજે પણ જીવંત છે. એકવાર ગુજરાતી દંપતી ગોવા ફરવા ગયાં. ત્યાં પત્નીએ ઈશુની મૂર્તિને વંદન કર્યાં. તો પતિએ કહ્યું કે, ‘મને તો કદી પગે લાગતી રહે’ તો પત્નીએ કહ્યું કે, ‘તમે પહેલાં શૂળી ઉપર લટકી તો જાવ.’
 

હું બાપુની સેનામાં જઈશ

 
સાહેબ, સમાજ માટે જે નિછાવર થયા એના જ ચરણસ્પર્શ થાય છે.
 
મહાદેવભાઈ : આજે બાપુએ કહ્યું તે સાંભળ્યું ?
દુર્ગાબહેન : કેમ, આજે આપણે સાથે જ બેઠાં હતાં ને ?
મહાદેવભાઈ : તેં શું વિચાર કર્યો ?
દુર્ગાબહેન : વિચાર વળી શું કરવાનો ? બાપુ કહે તેમ કરવાનું.
મહાદેવભાઈ : મરવાની તૈયારી છે ?
દુર્ગાબહેન : તોપને મોંએ ચડવાનું થાય એટલે મરવું તો પડે જ ને, પણ બાબલા (નારાયણ)નું શું વિચાર્યું ? એમ કરો, હવે એ મોટો થયો. અત્યાર સુધી મેં ઉછેર્યો. હવે એને ભણવાની જરૂર નથી. તે તમે જ આપી શકો એટલે તમે અહીં રહેજો. હું બાપુની સેનામાં જઈશ.
 

 મહાત્મા ગાંધીજી અને મહાદેવભાઇ દેસાઈ
 

હું હિંસાનો વિરોધી છું અને કાયરતાનો પણ.. 

 
ગાંધીજીએ પરદેશી હુમલા વખતે અહિંસક લડાઈ લડવાનું નક્કી કર્યું, જેમાં તોપના નાળચા આગળ નીડર થઈ ઊભા રહેવાનું. જેમાં સૌપ્રથમ નામ દુર્ગાબહેને નોંધાવ્યું હતું. દુર્ગાબહેનને લોકો મહાદેવભાઈ દેસાઈનાં પત્ની તરીકે ઓળખે છે પણ સ્વાતંત્ર્યસેનાની તરીકે એમની આગવી ઓળખ હતી. દેશની આઝાદીના સમયે જે જુવાળ હતો એ તાજેતરમાં પુલવામામાં બનેલી ઘટના પછી જોવા મળ્યો. સૌપ્રથમ અને સૌથી ઉપર તિરંગાની શાન છે. કેવળ પત્રકાર પરિષદો ભરવાથી કે ડાહી ડાહી વાતો કરવાથી કે સોશિયલ મીડિયામાં દેશભક્તિનો દરિયો ઠાલવવાથી કામ નહીં બને. પરમહિતકારી પગલાંની તાતી જરૂર છે. જો કે હું હિંસાનો વિરોધી છું અને કાયરતાનો પણ... વ્યક્તિગત રીતે હું શસ્ત્રમાત્રનો વિરોધી છું. હું શસ્ત્ર નહીં પણ શાસ્ત્રનો માણસ છું. રામચરિતમાનસમાં નારદના કલ્યાણ માટે અસ્તિત્વએ એક જુદો નિર્ણય કર્યો હતો. નારદ ગાળો પણ બોલે છે. ત્યારે ત્વરિત નિર્ણય લેવાયો હતો. પુલવામામાં શહીદ થયેલા જવાનોનાં બાળકોનું નિવેદન અખબારમાં વાંચ્યું અને શેર લોહી ચડી ગયું. એમને પણ સૈન્યમાં જોડાઈને દેશની સેવા કરવી છે. એ બાળકોને મારી વ્યાસપીઠ નમન કરે છે. હું ઇચ્છું છું કે દીવાલ તૂટવી જોઈએ પણ આપણી દીવાલમાં કોઈ વારંવાર બાકોરાં પાડી જાય ત્યારે દરવાજાની બહાર નીકળવું પડે. નિવેદન અને નારાબાજીથી આગળ વધી કંઈ નક્કર, નિર્ણયાત્મક ઘટવું જોઈએ.
 
शर्त ये कहेती है कि जुबां से कुछ नहीं बोलू,
दिखावे के लिए हँस लू, तसल्ली के लिए रो लू |
मेरी आँखों ने देखा है, मेरे कानोने सूना है,
शराफत ये कहेती है कि किसी का राज़ ना खोलू |
 
- जमिल हापुडी
 
મને અબુ ધાબીમાં કહેવામાં આવ્યું હતું કે
 
Bapu, I love to listen to you speaking about Tribhuvandada. Whenever you speak about you and Dada it brings tears to my eyes. The tears teachs me about true Guru-Shishya. If you have time you please, speak about the samvaad between you and Dada.
 
સારા કામ માટે તો સમય હોય જ છે. હોવો પણ જોઈએ. એકવાર નાદાન અવસ્થામાં મેં ચોરી કરી હતી જેમાં કોઈ દુર્વિચાર ન હતો અને ચોરી પણ શુભની હતી. અમારા તલગાજરડાના રામજી મંદિરમાંથી ગણેશની એક નાની મૂર્તિ ચોરી હતી. એ બાલગણેશ મને બહુ ગમતા હતા. ખરીદી શકું એટલી સધ્ધરતા ન હતી. પૂજામાં રાખવા માટે મૂર્તિ લઈ લીધી પણ પછી ચેન પડે નહીં. મેં આ વાત દાદાને કહી. દાદાએ કહ્યું કે ચોરી કબૂલી છે એ સારી વાત છે. કોઈને કહેવાથી અંદરનો વલોપાત નીકળી જાય છે. મેં દાદાને કહ્યું કે આપ ક્ષમા આપો તો હું એ મૂર્તિ મંદિરમાં પાછી મૂકી આવું. મૂર્તિ મંદિરમાં મૂકવા ગયો તો મણિબાએ આખી વાત જાણ્યા પછી મૂર્તિ મને ભેટમાં આપી. એ પછી મારો અજંપો જતો રહ્યો અને પ્રસન્નતામાં પરિવર્તિત થયો. અગાઉ ગણેશ ઘરમાં આવ્યા છતાં બેચેની હતી. ચોરી એ ચોરી છે. ચોરેલા તો ગણેશ પણ પ્રસન્નતા આપી શકે નહીં. કોઈ અયોગ્ય વસ્તુ ભૂલથી થઈ જાય તો એને કબૂલી લેવી રહી. ગાંધીજીનું ઉદાહરણ જગજાહેર છે. જિંદગીભર કોઈ ભૂલ છુપાવી રાખવી એ પણ એક ચોરી છે. અજ્ઞાનતા અને નાદાનીને વશ થઈને જેમાં કોઈ અશુદ્ધ હેતુ નથી હોતો એવી અવસ્થામાં કોઈ ચોરી કરી લે તો એ પ્રશંસનીય તો નથી જ પણ ક્ષમ્ય જરૂર છે. આપણે ચોર પણ ચોરી ન શકે એવી વિદ્યાનો વ્યાસંગ કરવો જોઈએ. ગાંધીજીએ પણ બાળપણમાં ચોરી કરી હતી, પણ એમની કબૂલાત એમને મહાન બનાવે છે.
 

 
 

સ્વર્ગમાં કેવું લાગી રહ્યું છે ? 

 
એક પત્રકારે ગાંધીજીને સવાલ પૂછયો મૃત્યુ પછી તમને સ્વર્ગ મળશે, એની તમને ખાતરી છે?
 
ગાંધીજીએ હસતાં હસતાં કહ્યું કે સ્વર્ગની ખાતરી નથી પણ જો સ્વર્ગ મળશે તો ત્યાં સવાલ પૂછવાવાળા પત્રકાર જરૂર મળશે અને પૂછશે કે સ્વર્ગમાં કેવું લાગી રહ્યું છે ?
 
આજે પત્રકારો ક્યાંય પણ કોઈ પણ સવાલ પૂછતા હોય છે. અકસ્માતમાં ઘાયલ વ્યક્તિ સામે કેમેરો રાખીને પૂછે છે કે કેવું લાગી રહ્યું છે ?
અરે ભાઈ, લાગ્યું હોય ત્યારે કેવું લાગે ? વેદના જ થાય...
 
રામચરિત માનસનાં સાત સોપાન છે. એ સાતેયમાં મહાત્માનાં લક્ષણો કહ્યાં છે. પવિત્રતા ગાંધીજીનું યજ્ઞોપવીત છે. બાપુમાં મને ચારેય વર્ણ પ્રત્યક્ષ દેખાય છે. ચારેય વર્ણ માટે તેમણે કાર્ય કર્યું છે. ચારેય વર્ણની કુશળતા એમનામાં છે. ગાંધીજીમાં બ્રાહ્મણ જેવી પવિત્રતા, ક્ષત્રિય જેવી હિંમત, વૈશ્ય જેવી બુદ્ધિ અને શૂદ્ર જેવી મહેનત હતી. મોહનના સમયમાં મોહનદાસ હોત તો વિભૂતિયોગમાં એ જરૂર લખત કે સત્ય અને અહિંસામાં હું ગાંધી છું. મારું જીવન એ જ મારો સંદેશ... કેવી અદ્ભુત વાત...વકતૃત્વ એ જ કર્તૃત્વ...
 
જમાને મેં કભી ઐસે કઈ નાદાન હોતે હૈં,
વહાં લે જાતે હૈં કશ્તી, જહાં તૂફાન હોતે હૈં.
 
ઓશોએ કહ્યું છે કે પાંચ હજાર સાલ પહેલાં પથ્થર હતો, આજે અણુ છે. પથ્થરનો વિકાસ થયો પણ મારવાવાળા માનસનો કોઈ વિકાસ થયો નહીં. હિંસાથી હિંસા ન માટે. માફ કરી દેનારો મહાન છે. બાપુની મૂળભૂત વિચારધારા આ છે. વિશ્ર્વમાં કેટલાં યુદ્ધ થયાં, તોય કંઈ પરિણામ આવ્યું ? તો એકવાર તો પ્રેમપ્રયોગ કરો, બળપ્રયોગ વધુ ટકી શક્યા નથી. ગાંધીજીમાં નિખાલસતા છે, એ બાલકાંડની છે. રમેશ પારેખ કહે છે તેમ બેઠ કબીરા બારીએ, સબકા લટકા દેખ, સબ અપની ધૂન મેં ચલે, બામણ, મુલ્લા શેખ. હું મારી બારીએથી બાપુને જોવાનો પ્રયત્ન કરું છું. શક્ય છે કે પૂરું ચિત્ર ન પણ મળે.... વિકટ પરિસ્થિતિમાં પણ અડગ ઊભો રહે એ સાચો ભડવીર. બીજી ગોળમેજી પરિષદ વખતે મેઘાણીભાઈએ બાપુની અદ્દલ સંવેદના પ્રગટ કરી હતી. સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. ગાંધીજીની પ્રશાંતમુદ્રાનું આભામંડળ કોઈને પણ આકર્ષિત કર્યા વગર ન રહે. આ દિવ્ય ભવ્ય ચેતનાને વંદન.
 
***
 
આલેખન : હરદ્વાર ગોસ્વામી