સેક્યુલરિઝમ - ગાંધીનું અને નહેરુનું - ગુણવંત શાહ

    ૦૯-ઓક્ટોબર-૨૦૧૯

 
 
સેક્યુલર લોકતંત્ર ન હોય એવા દેશના નાગરિક થવા કરતાં હું આફ્રિકાના જંગલમાં વાનર તરીકે જીવવાનું પસંદ કરું. સેક્યુલર લોકતંત્ર ન હોય એવા સમાજમાં માનવતાની ખિલવણી અધૂરી રહી જાય છે. ખ્રિસ્તી સમાજોએ સેક્યુલર લોકતંત્ર વર્ષોથી અપનાવેલું છે. ઇસ્લામી સમાજો આ બાબતે ખાસા પાછળ રહી ગયા છે. ભારતના સેક્યુલર લોકતંત્ર પર ઇસ્લામી વિશ્ર્વની આ મર્યાદાની અવળી અસર પડી છે. ગાંધીજીના સેક્યુલરિઝમનું કાળજું સર્વધર્મ-સમભાવ છે. ગાંધીજી હિંદુ હતા અને વળી હિંદુ ધર્મ પ્રત્યે ઊંડો આદર ધરાવનારા હતા. એમનું ઉદાત્ત હિંદુત્વ જ કદાચ માનવતાનું બીજું નામ હતું. શું કોઈ હિંદુધર્મી મનુષ્ય ‘સેક્યુલર’ હોઈ શકે ? શું કોઈ ઇસ્લામધર્મી કે ખ્રિસ્તીધર્મી કે બૌદ્ધધર્મી કે જૈનધર્મી કે શીખધર્મી નાગરિક ‘સેક્યુલર’ હોઈ શકે ? જો આ પ્રશ્ર્નોનો જવાબ ‘ના’ હોય તો સેક્યુલરિઝમની ભવ્ય ઇમારત એક જ કલાકમાં જમીનદોસ્ત થઈ જાય. આ વાત ન સમજાય તો ગાંધીજી પણ ‘સેક્યુલર’ મટી જાય.
 
ભારતમાં ‘સેક્યુલરિઝમ’ શબ્દ એટલી હદે પ્રદૂષિત થયો છે કે સાચા સેક્યુલરિઝમને દીવો લઈને શોધવા જવું પડે તેમ છે. ખાસ યાદ રાખવા જેવું છે કે ભારતની લગભગ ૯૯ ટકા પ્રજા આસ્તિક છે. હિંદુ નાસ્તિક હોય તોય ‘હિંદુ’ મટી નથી જતો, કારણ કે ભારતવર્ષમાં નાસ્તિકતાની પરંપરા રામ, કપિલ અને કૃષ્ણ જેટલી પુરાતન છે. ઇસ્લામમાં નાસ્તિકતાને કોઈ જ સ્થાન નથી. જેને એક જ એવા અલ્લાહમાં આસ્થા ન હોય તે ‘મુસલમાન’ નથી ગણાતો. ખ્રિસ્તીઓમાં નાસ્તિકો ખરા, પરંતુ તેમની સંખ્યા પણ પ્રમાણમાં ઓછી છે. કેટલાક ખ્રિસ્તી નાગરિકો ચર્ચમાં નથી જતા, પરંતુ તેઓ નાસ્તિક નથી. બૌદ્ધો અને જૈનોની પરંપરા નિરીશ્ર્વરવાદી હોવા છતાં તેઓ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. શાસ્ત્રીય દૃષ્ટિએ આ બન્ને ધર્મના લોકો આસ્તિક નથી, પરંતુ એ ટેક્નિકલી છે. આ દેશનો હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી નાગરિક કોઈ પણ અણધારી આપત્તિના સમયે ઉદ્ગાર કાઢે છે : ‘જેવી માલિકની મરજી!’ આ ‘માલિક’ શબ્દ ભારતના ૯૯ ટકા જેટલા આસ્તિક હતા, તેમણે ‘આત્મકથા’ની પ્રસ્તાવનામાં ઈશ્ર્વરને ‘શ્ર્વાસોચ્છ્વાસના સ્વામી’ તરીકે ઓળખાવ્યો છે. મૃત્યુની છેલ્લી ક્ષણે પણ એમના શબ્દો હતા : ‘હે રામ !’ એમની સર્વધર્મ પ્રાર્થનામાં રામધૂન ગવાતી તે સાથે અન્ય ધર્મોના ઉપદેશનો પાઠ પણ થતો.’
 
સ્વરાજ મળ્યું અને બંધારણ અમલમાં આવ્યું પછી ભારતમાં પંડિત નહેરુના વિચારોની અસરને કારણે ‘સેક્યુલર’ શબ્દ વધારે પ્રચલિત બન્યો અને બે વિચારપ્રવાહો વહેતા થયા :
 
(૧) આસ્તિકતાથી રસાયેલા સર્વધર્મ - સમભાવમાં ઝબોળાયેલું ગાંધીપ્રણીત સેક્યુલરિઝમ.
 
(૨) નિરીશ્ર્વરવાદી વિચારથી રંગાયેલા સર્વધર્મ-અભાવ અને સમાજવાદી વિચારોથી પ્રભાવિત થયેલું નહેરુપ્રણીત સેક્યુલરિઝમ.
 
ગાંધીજીના ગયા પછી પ્રથમ પ્રકારના સેક્યુલરિઝમની મુદ્રા ઝંખવાણી પડતી ગઈ અને બીજા પ્રકારનું સેક્યુલરિઝમ સમાજવાદની છાયામાં બોલકણું બનતું ગયું. બીજા પ્રકારનું સેક્યુલરિઝમ ભારતીય ભાવાવરણ બહુ માફક આવતું ન હતું છતાં કેટલાક ઉચ્ચ કક્ષાના બૌદ્ધિકોએ એને બે રીતે અપનાવી લીધું : વિચારનિષ્ઠા તરીકે અને ફેશન તરીકે લોર્ડ ભીખુ પારેખ જેવા બૌદ્ધિકોની વિચારનિષ્ઠામાં ક્યાંય ફેશનનું તત્ત્વ ન જણાય. તેઓ પોતે હિંદુ તરીકે સ્વ-ઓળખ જાળવી રાખીને પરિશુદ્ધ સેક્યુલર લોકતંત્રના હિમાયતી રહી શક્યા અને નહેરુભક્ત હોવા છતાં નહેરુછાપ સેક્યુલરિઝમમાં પડેલાં મોટાં મોટાં ગાબડાંની કડવી આલોચના કરી શક્યા. આ સિદ્ધિ એવી કે એમાં વૈચારિક પ્રામાણિકતાની સુગંધ વરતાય.
 
જે લોકોએ પંડિત નહેરુની છાયામાં ધર્મશૂન્ય સેક્યુલરિઝમનો સ્વીકાર કર્યો તે બધા લોકો કંઈ અંગત જીવનમાં ધાર્મિક બાહ્યાચાર છોડનારા અને નાસ્તિક ન હતા. પશ્ર્ચિમ બંગાળના કેટલાય (માર્ક્સવાદી) સામ્યવાદીઓ દુર્ગાપૂજામાં જોડાતા રહ્યા છે. ઘણાખરા કોંગ્રેસી હિંદુઓ પરિવારમાં અને ધાર્મિક સ્થાનકોમાં બધી જ ધાર્મિક પૂજાવિધિમાં જોડાતા રહ્યા. કોંગ્રેસી મુસલમાનો રોજા રાખે કે નમાજ પઢે કે હજ કરવા જાય તેમાં ક્યાંય નિરીશ્ર્વરવાદી સેક્યુલરિઝમ જોવા પણ ન મળે. કોંગ્રેસના શાસન દરમિયાન આપણા લોકતાંત્રિક સેક્યુલરિઝમની એક અત્યંત ગંદી છબી પ્રગટ થતી રહી છે. વોટબેન્કને પનારે પડેલા એ સેક્યુલરિઝમમાં બે બાબતોને કારણે પ્રદૂષણ પેઠું :
 
(૧) ભારતના મુસલમાનો નારાજ થાય એવી કોઈ પણ વાત સ્પષ્ટ શબ્દોમાં કહી ન શકાય.
 
(૨) હિંદુઓની લાગણી દુભાય તો બહુ વાંધો નહીં.
 
આવું સેક્યુલરિઝમ દેશને વર્ષોથી નુકસાન કરતું રહ્યું છે.
 
ગાંધીજીની અહિંસામાં કાયરતાને સ્થાન ન હતું. તેઓએ હિંદુઓને કડવી વાતો કહેવામાં કોઈ પણ પ્રકારની દિલચોરી કરી નથી. હા, તેઓ મુસલમાનો પ્રત્યે ભલાઈ બતાવવામાં વધારાનો માઈલ ચાલવા માટે ઉત્સુક હતા, કારણ કે તેઓ મહાત્મા હતા અને માનવતાવાદી હતા. એમને મુસ્લિમ વોટબેન્કની ગરજ ન હતી. બને તેટલી વિવેકપૂર્ણ વાણીમાં તેમણે મુસલમાનોને પણ કેટલીક કડવી વાતો સ્પષ્ટપણે કહી છે. એમના ગયા પછી ગાંધીજનોએ એવી હિંમત બતાવવામાં ભારે કંજૂસાઈ કરી છે. આવી કંજૂસાઈ ન કરનારા બે મહાનુભાવો હતા : (૧) સરદાર પટેલ અને (૨) આચાર્ય કૃપલાણી. ગાંધીજનોએ સર્વધર્મ-સમભાવની જ્યોત વિનોબાજી દ્વારા પૂરી નિષ્ઠાથી જલતી રાખી છે. આ બાબતે ગાંધીજનોની વૈચારિક પ્રામાણિકતા પર શંકા રાખી શકાય તેમ નથી, પરંતુ તેઓ એક બાબતે ફુલ્લી નાપાસ થયા. તેઓ મુસલમાનોને બે કડવી વાતો કહેવા માટેની નિર્ભયતા અને તટસ્થતા કેળવી ન શક્યા. આમ કરવાથી તેઓની ભલાઈને કે સ્વીકૃતિને આંચ ન આવી, પરંતુ સત્ય નંદવાયું તેથી એમનું તેજ ક્ષીણ થયું. તેઓને સતત એક જ કલ્પિત ભય સતાવતો રહ્યો : ‘આવું કહીએ તો આપણા મુસલમાન ભાઈઓને માઠું નહીં લાગે?’
 
યાદ રાખવું પડશે કે આવા વલણમાં રહેલી કાયરતાને કારણે મારા જેવા કેટલાય સેક્યુલર હિંદુઓનો આદર તેઓ ગુમાવી બેઠા. ખાસ કરીને ગોધરાની દુર્ઘટના પછી ઘણાખરા ગાંધીજનો અમ્પાયર મટીને એક ટીમના ખેલાડી જેવા બની ગયા. પોતાની કાયરતા ઢાંકવા માટે એ સજ્જનોએ હિંદુ-મુસ્લિમ એકતાની એવી એવી વાતો કરી, જેમાં લઘુમતીનું જાણે કોઈ કર્તૃત્વ જ ન હોય. એમની એક તરફી (યુનિલેટરલ) ઉદારતામાં ક્યાંય મુસ્લિમ ભાઈઓનું દિલ ન દુખાય તેની કાળજી રાખવામાં સત્યની ઉપેક્ષા કરવાની કુટેવને ગાંધીપ્રણીત સર્વધર્મ-સમભાવનો પોશાક પહેરાવી દેવામાં આવ્યો. એમના આવા વલણને કારણે ક્યારેક તો ગોધરામાં ટ્રેનના ડબ્બામાં આગ લાગી તેમાં જીવતેજીવત બળી મરેલા ૫૮ હિંદુઓને ઇન્સાનનો દરજ્જો પણ ન મળ્યો ! ૨૦૦૨, માર્ચ પછીના ‘ભૂમિપુત્ર’ના અંકો જોઈ જવામાં આવે તો આ વાતની ખાતરી થશે. સંનિષ્ઠ અને આદરણીય ગાંધીજનોને વોટબેન્કની જરૂર ન હતી, છતાંય તેઓ તટસ્થ અને સત્યસ્થ ન બની શક્યા. ગાંધીજી આવી નબળાઈ બતાવે ખરા ?
 
ગાંધીજીનાં કેટલાંક વિધાનો અહીં પ્રસ્તુત છે, જેમાં ગાંધીજી સચ્ચાઈને છોડ્યા વિના બિનહિંદુઓને પણ ક્યારેક કડવી વાતો સંભળાવી શકતા હતા તેવી પ્રતીતિ થાય. પાંચ ઊંડા શ્ર્વાસ લઈને એમનાં વિધાનો સાંભળો :
 
(૧)
હું મુસલમાન મિત્રો તરફથી જોવા ઇચ્છું તે તો એ છે કે જેને આજની દુનિયાનો શુદ્ધ લોકમત દયાધર્મ ઉપર કુહાડારૂપ ગણી સર્વથા નિંદ્ય સમજે છે તેને તેના કશાં મૂળ કે પ્રમાણ ન શોધવા બેસતાં વગર સંકોચે વખોડી કાઢે. ઇસ્લામને નામે બચાવ કરવામાં આવતા રિવાજો વિશે હું મારો પ્રામાણિક અભિપ્રાય જાહેર કરું એટલી જ વાત ઉપરથી ‘આખી ઇસ્લામી દુનિયામાં મારો મોભો’ જો શૂન્યવત્ થઈ જનારો હોય તો તેવા મોભાને એક દિવસ સારુ પણ હું કાણી કોડીની કિંમતે પણ ન ખરીદું.
(નવજીવન, ૨-૪-૧૯૨૫), મો. ક. ગાંધી
 
(૨)
સહુને પોતપોતાનો ધર્મ સર્વથી શ્રેષ્ઠ લાગે છે તેથી જ તેમાં તે રહે છે. તે ન્યાયે હિન્દુ ધર્મ મને તો સર્વથી શ્રેષ્ઠ લાગે છે. તેથી બાળક જેમ માતાને વળગી રહે છે તેમ હું મારા ધર્મને વળગી રહું છું, પણ બાળકો જેમ પરમાતાનો તિરસ્કાર નથી કરતા તેમ હું પણ પરધર્મોનો તિરસ્કાર નથી કરતો. મારા ધર્મ પ્રત્યેનો મારો પ્રેમ બીજાઓના પોતાના ધર્મ પ્રત્યેના પ્રેમને સમજતાં મને શીખવે છે.
(નવજીવન, ૫-૧૦-૧૯૨૪), મો. ક. ગાંધી
 
(૩)
મારી મુશ્કેલીઓ ઊંડી હતી. ઈસુ ખ્રિસ્ત એ જ એક ઈશ્ર્વરના પુત્ર છે અને તેને જે માને તે જ તરે, એ વાત મને ગળે ન ઊતરે. ઈશ્ર્વરને જો પુત્રો હોઈ શકે તો આપણે બધા તેના પુત્રો છીએ. ઈસુ જો ઈશ્ર્વરસમ હોય, ઈશ્ર્વર જ હોય તો મનુષ્યમાત્ર ઈશ્ર્વરસમ છે, ઈશ્ર્વર થઈ શકે. વળી ખ્રિસ્તી માન્યતા મુજબ મનુષ્યને જ આત્મા છે, બીજા જીવોને નથી, ને દેહના નાશની સાથે તેમનો સર્વથા નાશ થઈ જાય છે ત્યારે મારી માન્યતા આથી વિરુદ્ધ હતી. સિદ્ધાંતની દૃષ્ટિએ ખ્રિસ્તી સિદ્ધાંતોમાં મેં અલૌકિકતા ન ભાળી. ત્યાગની દૃષ્ટિએ હિંદુધર્મીઓનો ત્યાગ મને ચડિયાતો જણાયો. ખ્રિસ્તી ધર્મને હું સંપૂર્ણ અથવા સર્વોપરી ધર્મ તરીકે સ્વીકારી ન શક્યો.
(આત્મકથા, પાન ૧૨૬-૨૭) મો. ક. ગાંધી
 
(૪)
રામાયણ તો આપણો ખોરાક છે, એની ભાષા એટલી મીઠી છે કે હું એનાથી કદી ધરાતો જ નથી.
(બાપુના કારાવાસની કહાણી, લે. સુશીલા નૈયર,
પાન ૭૫), મો. ક. ગાંધી
 
(૫)
આ બુદ્ધિયુગમાં દરેક ધર્મની કોઈ પણ કલમને વિશ્ર્વમાન્ય કરાવવી હોય તો તેને તર્કની અને ન્યાયની આકરી કસોટીમાંથી પસાર કરવી જોઈએ. ભૂલને દુનિયાના કોઈ પણ શાસ્ત્રનો ટેકો હોય તો પણ તે અપવાદરૂપ ન ગણાય.
(યંગ ઇન્ડિયા, ૨૬-૨-૧૯૨૫), મો. ક. ગાંધી
 

***

 
ઉપરનાં વિધાનો વાંચીને ત્રણ લાગણીઓ આપણને થાય છે :
 
(૧) ગાંધીજીને ‘હિંદુ’ હોવામાં કોઈ નાનમ નથી. તેઓ પોતાની હિંદુ સ્વ-ઓળખ (આઇડેન્ટિટી) માટે સભાન હતા.
 
(૨) અન્ય ધર્મોની મર્યાદા બતાવતી વખતે તેમના મનમાં કોઈ પણ પ્રકારનો ભય ન હતો. પોતાની વાત તેઓ સત્યની છાયામાં સ્પષ્ટ શબ્દોમાં પ્રગટ કરતા રહ્યા.
 
(૩) અમુક વાત કરીશ તો અન્યધર્મી લોકો નારાજ થશે અને મારા અંગે ગેરસમજ થશે તેવી ગ્રંથિથી તેઓ મુક્ત હતા.
 
એમનાં ઉપરોક્ત વિધાનોમાં ક્યાંય સેક્યુલરિઝમની આજની સંકલ્પનામાં ગોબો પડ્યો ખરો ? કોઈ હિંદુ, હિંદુ તરીકે અને મુસલમાન, મુસલમાન તરીકે જીવે અને સૌ સર્વધર્મ-સમભાવ જાળવે તેમાં સેક્યુલરિઝમને ક્યાંય આંચ આવે ખરી ? મૃત્યુનો ભય તો સૌને સતાવે છે, પરંતુ સાચો અભિપ્રાય સ્પષ્ટપણે પ્રગટ ન કરવામાં રહેલો ભય સત્યની ઉપાસનામાં બાધક છે. ગાંધીજી આવી કાયરતાને કદી પણ ટેકો ન આપે. કાયરતા અનેક રીતે પ્રગટ થતી હોય છે. નિમ્ન કક્ષાની કાયરતાનો એક પ્રકાર સ્પષ્ટ અભિપ્રાય આપવાનું ટાળીને ગોળ ગોળ બોલવું તે છે. આવા સજ્જનો ગાંધીજીને અન્યાય કરનારા છે. એમને અહિંસા સાથે શી લેવા-દેવા ?
 
મારા આવા વિવાદાસ્પદ અવલોકનના ટેકામાં એક ઉદાહરણ અસ્થાને ન ગણાય. તુષાર ગાંધીએ એક મોટો ગ્રંથ લખ્યો 'Let's Kill Gandhi' ગાંધીજી નોઆખલીમાં પદયાત્રા કરી રહ્યા હતા. હિંદુઓની કતલ થઈ પછીની પરિસ્થિતિ ભારે બિહામણી હતી. મહાત્મા ત્યાં પહોંચી ગયા અને ઉઘાડે પગે એક ગામથી બીજે ગામ પગે ચાલીને જવા લાગ્યા. એક સવારે તેઓ ભાટિયાલપુર નામના ગામે પહોંચ્યા. સ્થાનિક હિંદુઓ અને મુસ્લિમોને મળીને શાંતિ સમિતિ રચી હતી. મુસ્લિમ નાગરિકોએ એક નિવેદન પર સહી કરી હતી, જેમાં બની ગયેલા જંગલી પ્રસંગોની નિંદા કરવામાં આવી હતી અને હિંદુ પડોશીઓને પુનર્વસવાટમાં તમામ મદદની ખાતરી આપવામાં આવી હતી. ગાંધીજીએ પ્રાર્થનાસભામાં જે વાત કહી તેમાં જે નિર્ભયતા પ્રગટ થઈ તેનો જોટો જડે તેમ નથી. લેખકના અંગ્રેજી શબ્દો સાંભળો : That evening addressing the prayer meeting, Gandhi Spoke on the subject of purdah, which opened him to severe criticism. He asked the women to discard it as an out-moded custom. He was treated with the choicest abuse by Muslim fanatics from as far away as Bombay and Madras. His actions were dubbed as an unwarrented intrusion on the part of an unbeliver and an attempt to corrupt pure Islamic traditions ! (Page - 299)
 
નોઆખલીની હિંસાહોળી પછી જે પ્રાર્થનાસભા થઈ તેમાં સ્ત્રીઓને બુરખો ફગાવી દેવાની આટલી ખુલ્લી હિમાયત તો મહાત્મા જ કરી શકે. એવી હિમાયત કરી તેને પરિણામે સ્થાનિક મુસ્લિમોએ તો એમને મણમણની ગાળ દીધી જ, પરંતુ મુંબઈ અને મદ્રાસના મુસ્લિમ કટ્ટરપંથીઓએ પણ ઉગ્ર ભાષામાં વિરોધ કર્યો. કોઈપણ મહામાનવની નિયતિ આવી જ હોય છે.
 
ગાંધીજીના ગયા પછી મુસ્લિમો અંગે સાચી વાત કહેવાની હિંમત બે મહાનુભાવોએ બતાવી; સરદાર વલ્લભભાઈ પટેલે અને આચાર્ય કૃપલાનીએ. પંડિત નહે‚એ સેક્યુલરિઝમ અપનાવ્યું તે લગભગ ધર્મશૂન્ય હતું. એમાં સમાજવાદ અને સામ્યવાદ સાથે જોડાયેલી નાસ્તિકતાનો પ્રભાવ પણ ઓછો ન હતો. એવા સેક્યુલરિઝમનું વૈચારિક મૂલ્ય ઓછું નથી, પરંતુ એમાં વૈચારિક પ્રામાણિકતા હતી ખરી ? નહેરુ સર્વધર્મ-સમભાવથી રસાયેલા ગાંધીપ્રણીત સેક્યુલરિઝમ સાથે અસંમત હોય તો તેમાં કશું ખોટું નથી. પ્રશ્ર્ન એ છે કે પોતાની સમાજવાદી મુદ્રા સાથે સુમેળ ધરાવતા ધર્મશૂન્ય સેક્યુલરિઝમ માટે પણ નહે‚ ખરેખર પ્રતિબદ્ધ હતા ખરા ? જવાબ સ્પષ્ટ ‘ના’ છે.
 

 
 
હવે સાંભળો.
 
૧૯૫૫ની સાલમાં એક ઐતિહાસિક દુર્ઘટના બની. કાશ્મીરની સમસ્યા વડાપ્રધાન માટે સરદર્દ બની રહી હતી. એવે સમયે ‘હિન્દુ કોડ બિલ’ તૈયાર કરવામાં આવ્યું અને હિન્દુ મેરેજ એક્ટમાં પણ સુધારો કરવાનું પગલું લેવાયું. એ વખતે આચાર્ય કૃપલાની જેવા ગાંધીજને લોકસભામાં એક વાજબી પ્રશ્ર્ન ઉઠાવ્યો : ‘માત્ર હિન્દુ કોડ બિલ શા માટે ? મુસ્લિમ કોડ બિલ કેમ નહીં ?’ પંડિત નહેરુનો જવાબ હતો કે મુસ્લિમો હજી સુધારા માટે તૈયાર ન હતા. આચાર્ય કૃપલાનીજીએ એવા જવાબની મશ્કરી કરીને કહ્યું :
 
‘કેવળ હિન્દુ મહાસભા જ કોમવાદી નથી, ખરેખર તો સરકાર પોતે કોમવાદી છે. સરકાર ભલે ગમે તે કહે. તે કોમવાદી પગલું ભરી રહી છે. હું તમારા પર (નહેરુ પર) આક્ષેપ મૂકું છું કે તમે કોમવાદી છો, કારણ કે તમે કેવળ હિન્દુઓ માટે એકપત્નીત્વનો કાયદો લાવી રહ્યા છો. લખી રાખો કે મુસ્લિમ કોમ તો એ માટે તૈયાર છે, પરંતુ તમારી પાસે જ એમ કરવા માટે પૂરતી હિંમત નથી. પાકિસ્તાનના વડાપ્રધાને બીજી પત્ની કરી ત્યારે તે સમાજમાં જે અવાજ ઊઠ્યો તે હિન્દુ અવાજ ન હતો. તમારે છૂટાછેડા માટે જે પ્રાવધાન હિન્દુઓ માટે કરવું હોય તે કરો, પરંતુ તેવું પ્રાવધાન કેથલિક સમાજ માટે પણ કરો.’
(ધનંજય મહાપાત્ર,
‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’, તા. ૧૭-૮-૨૦૧૦)
 
બરાબર ૫૦ વર્ષ પછી ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા શાહબાનો કેસનો ફેંસલો અપાયો અને સેક્શન ૧૨૫મી (ક્રિમિનલ પ્રોસિજર કોડ) કલમ પ્રમાણે નિર્ણય જાહેર થયો કે કોમના પરંપરાગત કાયદા હેઠળ મુસ્લિમ સ્ત્રીઓને સાવ અસહાય દશામાં છોડી દેવાનું પગલું વાજબી નથી. એ વખતે વડાપ્રધાન રાજીવ ગાંધીએ મુસ્લિમ વીમેન્સ બિલ લોકસભામાં પસાર (Act 1986) કરાવ્યું અને સરકારની કાયરતા છતી કરી. શું આ પગલું સેક્યુલર હતું ? ગાંધીજીએ એ પગલાને ટેકો આપ્યો હોત ખરો ? હિન્દુઓ છેક મૂર્ખ ન હતા. એમને આ પગલા પાછળ રહેલું વોટબેન્કીય રાજકારણ સમજાઈ ગયું. સુપ્રીમ કોર્ટમાં ત્યાર પછી પણ આવા જ કેસ આવ્યા. ૨૦૦૭માં ઈકબાલબાનો કેસ આવ્યો અને ૨૦૦૯માં શાહબાનો કેસ આવ્યો. એ બંને વખતે સુપ્રીમ કોર્ટે ફરીથી સેક્શન ક્રિમિનલ પ્રોસિજર કોડની સેક્શન ૧૨૫મી કલમ આગળ કરી અને ચુકાદો આપ્યો કે મુસ્લિમ સ્ત્રીને ગેરલાભ થવા ન દેવાય.
 
હવે વાત આગળ ચાલે છે. તા. ૪-૯-૨૦૦૯ને દિવસે સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું : 'Even if a Muslim woman has been divorced, she would be entitled to claim maintenance from her husband under section 125. CrPC after the expiry of the period of iddat as long as she does not marry.' ખરી વાત એ છે કે નહેરુથી માંડીને તે મનમોહન સિંઘ સુધીના વડાપ્રધાનોમાંથી કોઈએ પણ યુનિફોર્મ સિવિલ કોડ જેવા સો ટચના સેક્યુલર કાયદા માટે હિંમત બતાવી નથી. ૧૯૮૫માં શાહબાનો કેસ અંગેના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું :
 
કોમન સિવિલ કોડ રાષ્ટ્રીય એકતા માટે મદદરૂપ થશે, કારણ તેનાથી જુદી જુદી વફાદારી ધરાવતા અને પરસ્પર ઘર્ષણ પેદા કરનારા કાયદાઓ દૂર થઈ જશે.
 
ધર્માધારિત અનામતની વાતો કરવાનું કેવળ વોટબેન્ક માટે શરૂ થયું છે. લઘુમતીને સહાયભૂત થવાની વાત ભારતીય લોકતંત્રની શોભા ગણાય. એ માટે જો અર્થ-સામાજિક માપદંડનો સ્વીકાર થાય તો મુસ્લિમોને જરૂર લાભ થાય. એ લાભના તેઓ સૌથી યોગ્ય અધિકારી ગણાય, કારણ કે શૈક્ષણિક અને આર્થિક પછાતપણાની દૃષ્ટિએ તેઓની સ્થિતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સમાજો કરતાંય વધારે કંગાળ છે. ગાંધીજી એમને ધર્મને આધારે અનામતનો લાભ આપવાનું સ્વીકારે ખરા ? ભારતના ભાગલા ધર્મને આધારે થયા હતા. શું હજી વધારે ભાગલા કરવા તરફ જવું છે ?
 
ગાંધીજીના ગયા પછી નહેરુની છાયામાં એક એવું પ્રદૂષિત સેક્યુલરિઝમ શરૂ થયું, જેમાં તર્ક અને ઔચિત્યનો અભાવ હતો. રફિઝ ઝકરિયા કુરાનના આલિમ હતા અને ખરા અર્થમાં સેક્યુલર ચિંતક હતા. એમના શબ્દો હતા :
 
સેક્યુલરિઝમ કા ક્યા કહેના !
હર હિંદી હૈ ઉસકા મતવાલા,
સમજે ના સમજે,
હર લીડર હૈ ઉસકા રખવાલા !
હર પાર્ટી કા હૈ વહ પ્યારા
પર કોઈ નહીં ઉસકા અપના
ઢોંગ રચાઓ, બાતેં બનાઓ
મતલબ હૈ ફૂસલાના !
 
નહેરુ સેન્ટર (મુંબઈ)માં ઓગસ્ટ, ૨૦૦૧માં લોર્ડ ભીખુ પારેખે આપેલા પ્રવચનનો વિષય હતો : Nehru and Secularism. એ પ્રવચનની પરિમાર્જિત આવૃત્તિ મને ભીખુભાઈએ બ્રિટનથી પ્રેમપૂર્વક મોકલી આપી હતી. એમના જ શબ્દો સાર‚પે અહીં પ્રસ્તુત છે.
 
(૧) નહેરુના સેક્યુલરિઝમની કેટલીક મર્યાદાઓ હતી. ધર્મની જે જાહેર લોકોની માટેની ભૂમિકા છે. તેના એકપક્ષી અને સંકુચિત દૃષ્ટિબિંદુ પર એ આધારિત હતી.
 
(૨) નહેરુની સરકાર હિંદુઓ માટે હિન્દુ સરકાર તરીકે અને બિનહિંદુ લોકો માટે સેક્યુલર સરકાર તરીકે કામ કરતી રહી.
 
(૩) બિનહિન્દુઓની બાબતે પણ નહેરુ સરકારને પૂરેપૂરી સેક્યુલર રહેવામાં મુશ્કેલી પડી.
 
(૪) પોતાની સરકાર હિંદુ સરકાર ન ગણાઈ જાય તેવા ભયને કારણ એને સતત એવું લાગ્યું કે કશુંક એવું કંઈ પણ ન કરવું, જેથી લઘુમતીને એવો ભય લાગે કે હિંદુઓનું (ભારતમાં) વર્ચસ્વ છે.
 
(૫) શું મહાત્મા ગાંધીને સરકારી સન્માન સાથે અંતિમ વિદાય આપી શકાય? તે ધાર્મિક ગણાય કે સેક્યુલર ?
 
(૬) ઘણા સેક્યુલરિસ્ટોમાં એવી લાગણી હતી કે હિંદુ મંત્રોચ્ચાર બિનસેક્યુલર ગણાય.
 
(૭) પર્સનલ કાયદાઓમાં નહેરુએ ધાર્મિક પાયા પર આધારિત પ્રાવધાનો અને છૂટછાટો બિનહિંદુઓ માટે સ્વીકારી લીધા હતા.
 
બધી વાતોનો સાર એ છે કે નહેરુનું સર્વધર્મ-અભાવ જેવા રંગે રંગાયેલું સેક્યુલરિઝમ મહાત્મા ગાંધીના સર્વધર્મ-સમભાવ જેવું સ્વચ્છ ન હતું એ એટલી હદે પ્રદૂષિત હતું કે એમાં હિંદુ પ્રજાના સહજ ભાવાવરણને પણ સ્થાન ન હતું. આ પ્રશ્ર્નની ચર્ચા માટે આબુની શિવકુટીમાં આદરણીય વિમલા ઠકાર સાથે (સંજય ભાવસારની હાજરીમાં) તા. ૧૭-૯-૨૦૦૨ને દિવસે થઈ હતી. વિમલાજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે : જે દેશમાં એંશી ટકા વસતી હિંદુઓની હોય તે દેશમાં ‘હિંદુ ઈથોસ’ હોય એ સ્વાભાવિક છે. મહાત્મા ગાંધીના સમગ્ર જીવનમાં ‘હિંદુ ઇથોસ’નો પ્રભાવ જોવા મળે છે. એમણે રેંટિયા પર કાંતવાની સ્થૂળ ક્રિયાને ‘કાંતણયજ્ઞ’ કહ્યો. એમણે યરવડા જેલને ‘યરવડા મંદિર’નો દરજ્જો આપ્યો. એમણે ‘રઘુપતિ રાઘવ રાજારામ’ની ધૂનને પોતાની સર્વધર્મ પ્રાર્થનાસભામાં સ્થાન આપ્યું. એમણે દાંડીકૂચને ‘દાંડીયાત્રા’ કહી. એમણે પોતાના કર્મસ્થાનને આશ્રમ ગણાવીને હિંદુ ધર્મની પુરાતન સંકલ્પનાને સમૃદ્ધ કરી. સાબરમતી આશ્રમમાં તેમના નિવાસનું નામ હતું :
‘હૃદયકુંજ’. આ શબ્દ તુલસીદાસની રામસ્તુતિમાંથી મળેલો છે :
 
ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મન રંજનમ્
મમ હૃદયકુંજ નિવાસ કુરુ કામાદિ ખલ-દલગંજનમ્ ॥
 
જો સેક્યુલરિઝમને ધર્મશૂન્ય રાખીને નહેરુને જ અનુસરવાનો આગ્રહ સેવવામાં આવે તો મહાત્મા ગાંધીજીને હિંદુત્વના રખેવાળ ગણવાની તૈયારી રાખવી પડે. ખરી વાત એ છે કે ગાંધીજીનું હિંદુત્વ તો માનવતાનું જ બીજું નામ હતું. એક હિંદુ સારો ‘હિંદુ’ બને કે એક મુસલમાન સાચો ‘મુસલમાન’ બને તો તે જરૂર ભારતનો અને વિશ્ર્વનો નિરુપદ્રવી નાગરિક બની શકે. જો નાસ્તિકતા પર આધારિત (સામ્યવાદી કે સમાજવાદી) સેક્યુલરિઝમ ધર્મશૂન્યતાના આદર્શ દ્વારા શાંતિમય અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકે તેમ હોત તો રશિયામાં અને ચીનમાં ક્રાંતિને નામે અસંખ્ય માણસોની કતલ થઈ ન હોત. વર્ષો બાદ આજે રશિયામાં ચર્ચ ધમધમતાં થયા અને ચીનમાં ક્ધફ્યુશિયસનાં મંદિરો ફરીથી નિર્માણ પામ્યાં.
 

 
 
પંડિત નહેરુ નાસ્તિક હતા, પરંતુ ભારતના મહાન સાંસ્કૃતિક વારસા માટે ગૌરવ અનુભવનારા મહાન વિચારક અને દર્શક હતા. એમનું પુસ્તક Discovery of India વાંચીએ તો સમજાય કે તેઓની વિશ્ર્વદૃષ્ટિ પણ ભારતીય જીવનદૃષ્ટિથી રંગાયેલી હતી. તેમણે મૃત્યુ પહેલાં જે વીલ તૈયાર કર્યું હતું. તેમાં એમનો ગંગા નદી પ્રત્યેનો અહોભાવ અદ્ભુત રીતે પ્રગટ થયો છે. એમણે સેક્યુલરિઝમને યુરોપીય દૃષ્ટિથી જોયું તેમાં ભારતીય સુગંધનો અભાવ હતો. એમના સમાજવાદમાં પણ ભારતીય સુગંધનો અભાવ વરતાય છે. જો એમણે સેક્યુલરિઝમ ને બદલે સર્વધર્મ સમભાવ પર અને સમાજવાદને બદલે સર્વોદય જેવા બે શબ્દો પર ભાર મૂક્યો હોત તો કદાચ ઇતિહાસ થોડો જુદો હોત.
 
પંડિત નહેરુના તથાકથિત સેક્યુલરિઝમને એમની હયાતીમાં અને પછી ઇન્દિરા-રાજીવના કાર્યકાળમાં જે લઘુમતી કેન્દ્રી આયામ પ્રાપ્ત થયો તેથી દેશમાં કોમી વૈમનસ્ય વધતું જ રહ્યું છે. આ બાબતે પંડિતજી અને એમના વંશજો દ્વારા સરદાર પટેલને જે સ્થૂળ અને સૂક્ષ્મ અન્યાય થયો તેની વાત અહીં કરવી નથી. સરદાર અંદરથી ઈશ્ર્વરભક્ત હતા, પરંતુ એમણે ક્યારેય અંધશ્રદ્ધાનો આશરો લીધો ન હતો. પંડિત નહેરુની આખરી માંદગી વખતે બધા જ અંધશ્રદ્ધાળુ કર્મકાંડો થયા હતા. ઇન્દિરાજી માટે શ્રી કમલા ત્રિપાઠીએ સંકટમોચન માટે હોમહવન પણ કરાવ્યા હતા. ઇન્દિરાજી તો જ્યાં જાય ત્યાં દરગાહ અને મઠની મુલાકાત લેવાનું ચૂકતાં ન હતાં. સરદારે આવું કશુંય કર્યું ન હતું. તેઓએ આર.એસ.એસ. પર પ્રતિબંધ મૂક્યો હતો અને મુસલમાનોને પણ બે સ્પષ્ટ વાતો કહેવાનો ગુનો કર્યો હતો. તેઓ ખરા અર્થમાં સેક્યુલર શાસક હતા. આ બાબતે નહેરુએ એમને ખૂબ અન્યાય કર્યો હતો. મૌલાના આઝાદે પોતાના પુસ્તક India wins Freedomમાં જે આક્ષેપો સરદાર પટેલ પર મૂક્યા હતા તેના જવાબો કૃપલાણીજીએ વિગતવાર આપ્યા હતા. ચક્રવર્તી રાજગોપાલાચારી અને જયપ્રકાશ નારાયણે પણ સરદારને થયેલા અન્યાય અંગે પેટછૂટી વાતો પાછળથી કરી છે. આગળનાં પાનાં પર કેટલીક વાતો થઈ ગઈ છે તેથી અહીં અસ્થાને છે.
 
મારી અત્યંત ઊંડી શ્રદ્ધા સર્વધર્મ-સમભાવમાં રહેલી છે. હિંદુ ધર્મમાં રહેલી અંધશ્રદ્ધાળુ મર્યાદાઓ સામે અવાજ ઉઠાવવામાં મેં કદી પણ પાછી પાની નથી કરી. એ જ રીતે ઇસ્લામમાં જામી પડેલી ઝનૂનમૂલક મર્યાદાઓની ઝાટકણી કાઢવામાં મેં કોઈ કસર નથી છોડી. મારી અતૂટ શ્રદ્ધા છે કે જે તે ધર્મમાં કાળક્રમે જામી પડેલા કચરાને દૂર કરવા માટે તે ધર્મમાં જ એવાં પરિબળો પેદાં થવાં જોઈએ જેથી કચરો સાફ થાય. ગેરસમજ થશે તેવા ભયને કારણે મેં મારા વિચારો પ્રગટ કરવામાં ગાંધીજનો બતાવે તેવો ભય બતાવ્યો નથી. એ માટે સાંભળવી પડેલી ગાળને મેં પુષ્પવર્ષા ગણી છે. ગુજરાતના લોકોને મારી આ અવળચંડાઈનો પૂરો પરિચય છે. આ બાબતે મારા પર ગાંધીજીના આશીર્વાદ છે, એવા મારા ભ્રમને હું જીવનભર જાળવી રાખવા માંગું છું.
 
અમર્ત્ય સેનના પુસ્તક The Idea of Justiceમાં લુડવિંગ વિટ્જેન્સ્ટીનનું એક વિધાન મને ગમી ગયું છે :
 
જો કશુંક કહેવું જ હોય
તો તે રોકડું પરખાવી શકાય
અને જો કહેવાની ત્રેવડ ન હોય
તો મૂગા મરવું સારું !
 
આર્નોલ્ડ
 
લેખક - ગુણવંત શાહ