ગાંધી અને સરદાર સંબંધોનું એક વિરલ વ્યાકરણ

    ૦૯-ઓક્ટોબર-૨૦૧૯

 
 
વર્ષ ૧૯૧૫ના વર્ષની વસંતઋતુની એક સાંજે દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફરેલા ‘વીર ગાંધી’એ અમદાવાદમાં મુકામ કરીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવાનું નક્કી કર્યું ત્યારે તેમણે લોકસંપર્ક શરૂ કર્યો. પોતાની વાત સમજાવવા તેમણે અમદાવાદની જાણીતી ગુજરાત ક્લબમાં પ્રવચન ગોઠવ્યું. આ સમયે બ્રિજ રમતાં વકીલ શ્રી ગણેશ વાસુદેવ માવલંકર અને શ્રી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ બેરિસ્ટર વચ્ચે સંવાદ થયો.
 
શ્રી માવલંકર, "વલ્લભભાઈ, આ ગાંધી થોડા સમય પહેલાં અહીં આવ્યા છે. દેશને સ્વરાજ કેમ મળે તેની વાત કરવા અહીં આવ્યા છે. ચાલો, ‘તેમને સાંભળવા જઈએ.’ શ્રી વલ્લલભાઈ (હસતાં હસતાં) ‘માવલંકર, તમે ત્યાં શું સાંભળશો ? ઘઉંમાંથી કાંકરા વીણવાથી કે પાયખાનાં સાફ કરવાથી સ્વરાજ મળે તેવી ગાંડીઘેલી વાતો સાંભળવા કરતાં હું બ્રિજની રમતનો આનંદ લઉં છું તે ચાલુ રાખવા માંગું છું.
 
વર્ષ ૧૯૧૭, સામાજિક અને રાજકીય સુધારા માટે કાર્યરત ગુજરાત પરિષદના ગોધરામાં ભરાયેલ અધિવેશનના મુખ્ય મહેમાનો હતા, લોકમાન્ય ટિળક, મહમદઅલી જિન્હા અને મોહનદાસ કરમચંદ ગાંધી. નિમંત્રણ પત્રમાં સહી હતી, શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક અને શ્રી વલ્લભભાઈ પટેલ.
 
પરિષદમાં આવતાં લોકમાન્ય ટિળકને અડધો કલાક મોડું થયું તે અંગે સ્વાગતમાં ગાંધીએ કહ્યું કે, ‘હવે સ્વરાજ અડધો કલાક મોડું આવશે, કારણ કે લોકમાન્ય મોડા પડ્યા છે ! અંગ્રેજીમાં છટાદાર ભાષણ માટે ખ્યાતનામ મહમદ અલી જિન્હાને બોલતાં રોકીને કહ્યું, ‘આપ ગુજરાતી છો, ગુજરાતીમાં જ બોલીએ. શા માટે અંગ્રેજીની ગુલામી કરીએ ? લોકમાન્યને પણ મરાઠીમાં બોલવા વિનંતી કરી. શ્રી વલ્લભભાઈએ આ જોયું અને બ્રિટિશ સમ્રાટના આભાર-અભિનંદનના ઠરાવનો નીડરતાપૂર્વક વિરોધ કરતાં ગાંધીને સાંભળીને તેમને ખાતરી થઈ કે આ માણસ નોખી માટીનો બનેલો છે. તેના વિચાર, વાણી અને વર્તનમાં એકવાક્યતા છે. શ્રી વલ્લભભાઈએ ગાંધીજીનો સંપર્ક વધાર્યો. વકીલો તરીકે સાથે કામ કરતા શ્રી મહાદેવ દેસાઈ, નરહરિ પરીખ, શ્રી માવલંકર વગેરેએ ગાંધી સાથે જોડાઈને કામ કર્યું હતું. આ સહુ ૩૦ વર્ષ આસપાસના યુવાનો હતા. ૪૨ વર્ષના પ્રૌઢ, વિધુર, અઢળક કમાણી કરતા આ બેરિસ્ટર તેમની કુશાગ્ર બુદ્ધિ, હિંમત અને સ્પષ્ટવક્તા તરીકે જાણીતા હતા. ગરીબીમાંથી સ્વપુરુષાર્થે તેમણે કાયદાક્ષેત્રે આગવી નામના મેળવી હતી. પાશ્ર્ચાત્ય પોશાક, વૈભવી રહેણીકરણી, મિત્રવર્તુળ સાથે મોજ કરતાં આ વકીલ ગાંધી સાથે જોડાય તેવી કલ્પના પણ થઈ શકે તેમ ન હતું. ગાંધીજીના જીવનમાં ૧૯૧૭નું વર્ષ વિશેષ મહત્ત્વનું છે. ચંપારણ, વિરમગામ અને ખેડાના ત્રણ સત્યાગ્રહો દ્વારા તેમણે દેશવાસીઓમાં એક નૂતન ચેતના પ્રગટાવી. ખેડા સત્યાગ્રહના સંચાલનમાં જોડાવા આવેલા વલ્લભભાઈને જોઈને "આ અતડા લાગતા ભાઈ શું કરી શકશે ? તેવી ગાંધીજીની શંકા વચ્ચે વલ્લભભાઈએ જે રીતે ખેડા સત્યાગ્રહ સફળ બનાવ્યો તે જોઈને ગાંધીજીના મુખેથી ઉદ્ગારો સરી પડ્યા : ‘મને વલ્લભભાઈ ન મળ્યા હોત તો હું આટલું કામ ન કરી શક્યો હોત.
 

 
 
ઇતિહાસ જ્યારે કરવટ બદલે છે ત્યારે જે ઘટનાઓ આકાર લે છે તે પ્રારબ્ધનું પરિણામ છે કે પુરુષાર્થનું તે નક્કી કરવું મુશ્કેલ છે. ગાંધીજીના અંતરંગ વર્તુળમાં જોડાયેલા વલ્લભભાઈ ગાંધીજીથી ઉંમરમાં માત્ર છ વર્ષ નાના પણ આજીવન તેમણે ગાંધીજીને બાપુ તરીકે સંબોધ્યા અને માન્યા તેનાથી ભારતના આઝાદી જંગમાં નવાં સમીકરણો રચાયાં. ગાંધીના આદર્શોનો વાસ્તવિક અને અસરકારક અમલ શક્ય છે તેનું નિદર્શન એકવાર નહીં પણ અનેકવાર કરી દેખાડનારા સરદાર ૩૦ વર્ષ સુધી ગાંધી સાથે ખભેખભા મિલાવી ચાલ્યા. ગાંધીના ‘અંધ અનુયાયી’ના બિરુદથી ગાંધીનો ‘એક જ દેખતો અનુયાયી’ની ઓળખ પામનાર વલ્લભભાઈ એટલે ગાંધીમાર્ગના એક મક્કમ ડગલે ચાલેલા તેજસ્વી અને સમર્પિત શિષ્ય. સરદાર પટેલે ગાંધીને જે રીતે સમજ્યા, અન્યને સમજાવ્યા અને તેના માર્ગદર્શન હેઠળ ખેડા, રાસ, નાગપુર (ઝંડા સત્યાગ્રહ) બારડોલી, દાંડીકૂચ અને હિન્દ છોડોની ચળવળમાં સરદારનું પ્રદાન શબ્દોમાં મૂલવી ન શકાય. કોંગ્રેસ પાર્ટીના સંચાલનમાં ૧૯૨૧થી ૧૯૫૦ સુધી સરદાર પટેલે ચાવીરૂપ ભૂમિકા ભજવી. અનેક સાથે મતભેદો, ઘર્ષણ અને અવઢવ વચ્ચે સરદારે અદ્ભુત ગાંધી નિષ્ઠાનાં દર્શન કરાવ્યાં.
 
આ બંને મહાપુરુષો ગુજરાતના. વ્યવસાયે બેરિસ્ટર પણ તેમના વ્યક્તિત્વનો વિરોધાભાસ આંખે ઊડીને વળગે તેવો. ગાંધીજી સાથે જોડાયેલા સરદાર તમામ કોંગ્રેસીઓમાં સૌૈથી સાદા, સંયમી, ત્યાગી, નીડર અને કુશળ સંગઠક સાબિત થયા. ગાંધી અને સરદાર વચ્ચેની આત્મીયતા એવી અદ્ભુત કે મોટા ગજાના બે નેતાઓ વચ્ચે આવો સ્નેહાદરનો સંબંધ કલ્પી પણ ન શકીએ. ગાંધીજીને પરમપૂજ્ય માનતા સરદાર ગાંધી માટે મહાદેવ દેસાઈને પૂછે કે અલ્યા ડોસા કેમ છે ? શું કરે છે ? ૧૯૩૦માં ગાંધી, વલ્લભભાઈ અને મહાદેવભાઈના યરવડા જેલનો કારાવાસ એટલે વલ્લભભાઈના વ્યક્તિત્વનો પૂર્ણ નિખાર. ગાંધીને સવારે દાતણ તૈયાર કરી આપવાથી માંડીને નાનામાં નાની બાબતની કાળજી કરતા સરદાર માટે ગાંધીએ કહ્યું, ‘મને વલ્લભભાઈના અનેક ગુણો અંગે માહિતી હતી પણ જેલમાં તેમણે મારી જે રીતે કાળજી લીધી તે જોઈને મને મારી માતા યાદ આવી ગઈ.’ આ દેશના લોખંડી પુરુષ મનાતા વલ્લભભાઈની ગાંધી પ્રત્યેની લાગણીનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે સાચો સંબંધ કોને કહેવાય ?
 
બારડોલી સત્યાગ્રહના સફળ સુકાની સરદારને દેશભરના આગેવાનોએ ખોબલે ખોબલે ફૂલ વેરીને વધાવ્યા ત્યારે સરદારની સ્પષ્ટતા હતી, ‘જે સફળતા મળી છે તેનો સાચો યશ મહાત્મારૂપી રાજવૈદ્યને જાય છે. આ દેશના સૈકા જૂના ગુલામીના હઠીલા રોગની દવા તેમણે આપી છે. હું તો તેનાં ઓસડિયાં ઘસીને તમને પીવડાવવાવાળો ઓસડિયો જ છું.’ દાંડી માર્ચ પહેલાં જ પકડી લેવાયેલા સરદારને ગાંધીજી કૂચ દરમિયાન દરરોજ યાદ કરે છે. જેલની પોતાની ડાયરીમાં સરદાર સતત ગાંધીજીની અને કૂચની ચિંતા કરે છે. ગોળમેજી પરિષદ માટે ઇંગ્લેન્ડ અને યુરોપ ગયેલા ગાંધીજીના પ્રતિનિધિ તરીકે દેશની સ્થિતિ પર ચાંપતી નજર રાખે છે. ૧૯૩૭માં યોજાયેલી ચૂંટણીઓ અને પ્રાંતિક સરકારોના સંચાલનનો પૂરો દોર સરદાર સંભાળે છે. કોંગ્રેસ પક્ષના પ્રમુખ થવાની વારંવાર ઇચ્છા કરતા જવાહરલાલને જગ્યા કરી આપતા સરદાર પક્ષમાં સંપૂર્ણ સહયોગ કરે છે. ગાંધીની ઇચ્છા એ જ મારી પસંદગી એવી અકલ્પ્ય શિસ્તના પાલક સરદાર અન્ય પાસે પણ તેવી કડકાઈ સાથે કામ લે છે.
 

 
 
ત્રીસ વર્ષના સહ-રાજકીય જીવનમાં ગાંધી સરદાર વચ્ચે મતભેદો જ‚ર થયા હશે. ૧૯૧૭ના ખેડા સત્યાગ્રહના અમુક પ્રસંગો ગાંધીજીને નારાજ કરે છે પણ તે અંગે મહાત્મા મોટું મન રાખીને સૌને સાથે રાખે છે. ગાંધી-ઈરવીન કરારમાં બારડોલીના ખેડૂતોને જમીન પરત ન મળતાં સરદાર ખૂબ જ ખિન્ન થાય છે. ગાંધીજી સમક્ષ આક્રોશ ઠાલવે છે. મુસ્લિમ લીગ અને ખાસ કરીને મહમદઅલી જિન્હા સાથે ગાંધીજી ધીરજથી અને ઉદારતાથી કામ લે છે. જ્યારે સરદાર તડ અને ફડ કરીને ઉકેલ લાવવાનો અભિપ્રાય ધરાવે છે. આઝાદી પ્રસંગે વિભાજનના મુદ્દે જ્યારે ગાંધી સમગ્ર કોંગ્રેસથી અલગ થાય છે ત્યારે તેમના મનમાં નહેરુ-સરદાર માટે દુ:ખ થાય છે. સરદાર પોતાની વાત અને કારણો ગાંધીજીને સમજાવવા ભરપૂર પ્રયાસો કરે છે. અંગત નિષ્ઠા જાળવીને પોતાને જે સાચું લાગે તે માર્ગે ચાલવામાં તે ગાંધીથી વિખૂટા પડે છે પણ તાત્ત્વિક દૃષ્ટિએ તે ગાંધીવિચારનો અમલ કરે છે. મહાત્મા કહે એટલે સાચું એમ નહીં પણ વિચારણા બાદ જે સત્ય હોય તેને વળગી રહેવું તે ગાંધીવિચારનો સાર છે - અર્ક છે. પાકિસ્તાનને ‚રૂ. ૫૫ કરોડની ચુકવણી માટે નૈતિક આગ્રહ રાખતા ગાંધી ઉપવાસથી ક્ષીણ થયેલા અવાજે એટલું જ કહે છે કે, ‘હું જાણું છું તે વલ્લભભાઈ આ નથી.’ સરદાર અશ્રુઓ રોકી શકતા નથી. ત્રીસ-ત્રીસ વર્ષોના ત્યાગ અને સમર્પણ સમયની ખુમારી સરદારમાં પ્રગટ થાય છે. તે ગાંધીની નૈતિકતા સામે ઝૂકી જાય છે.
 
ગાંધી અને સરદારની સરખામણી કરવાનું દુષ્કર કાર્ય છે તેને ન્યાય આપવો કઠિન છે. ૧૯૪૯માં ગાંધીને શ્રદ્ધાંજલિ આપતાં કોઈ વક્તા વિધાન કરે છે કે, ‘સરદારે તો સેંકડો રજવાડાંને ચપટી વગાડતાં મિટાવી દીધાં. તેમનું કાર્ય ગાંધીજી કરતાં પણ મહાન છે.’ અસ્વસ્થ તબિયતના કારણે આંખ મીંચીને સાંભળતા સરદારે તેમની ભાષામાં જે જવાબ આપ્યો તે ઇતિહાસ માટે અંતિમ વાક્ય છે. સરદારના શબ્દો... ‘હમણાં કોઈ ભાઈએ મારી તુલના ગાંધીજી સાથે કરી. મને કહેવા દો કે મારામાં મહાત્માનો એક અંશ માત્ર હોત તો મેં કર્યું છે તે કરતાં હજારગણું કાર્ય કરી શક્યો હોત. તમારે જાણવું જોઈએ કે હું તેમની સાથે જોડાયો ત્યારે મારી ધીકતી વકીલાત હતી, આવક હતી, સુખચેન હતાં. તમારામાંથી કોઈ એમ તો નહીં માને કે હું કોઈ અણસમજુ ભલોભોળો છું કે મારું સઘળું છોડીને અડધા વારની પોતડી પહેરેલા આ માણસ પાછળ ચાલી નીકળું. મેં તેના સાથે જોડાતા પહેલાં ખૂબ વિચાર કર્યો હતો. મને જ્યારે ખાતરી થઈ કે હું તેમના માર્ગે ચાલીશ તો સ્વરાજ લાવવામાં નિમિત્ત બનીશ ત્યારે જ હું તેમની સાથે જોડાયો. આ દિવસે મનથી મેં યજ્ઞ કર્યો હતો જેમાં મેં મારા સઘળા અરમાન, સંબંધો, સંપત્તિ અને સુખની આહુતિ આપી હતી.’
 
"આપણે આપણી ચામડીના જોડા બનાવી તેને પહેરાવીએ તો પણ તેનું ઋણ ન ચૂકવી શકાય. "ગાંધીજી પાસેથી જે શીખવાનું હતું તે મેં શીખી લીધું છે તે મહાત્મા છે. હું નથી પણ હું સ્વપ્ને પણ તેનો દ્રોહ ન કરું.
 

 
 
"ગાંધી પ્રત્યે સરદારની અનન્ય નિષ્ઠા અને ગાંધીજીનો સરદાર પ્રતિ અતૂટ વિશ્ર્વાસ એ પાયા પર રચાયેલ આ આત્મીય સંબંધનો આપણે જેટલો આદર કરીએ તેટલો ઓછો છે. આઝાદી આંદોલનમાં જેમણે સુખ, સંપત્તિ, જીવન ન્યોછાવર કર્યાં છે તેનો મલાજો આપણે નહીં જાળવીએ તો કોણ જાળવશે ? તમામ અફવાઓ, પૂર્વગ્રહો અને ગેરસમજણોથી ઉપર ઊઠીને આપણા પૂર્વજોના સમર્પણ અને બલિદાનને હૃદયપૂર્વક વંદન કરીએ.
 
યરવડા જેલમાં ગાંધીજીએ અનુભવ્યું કે સરદાર હંમેશા મોજમાં રહે છે અને આખો દિવસ અમને હસાવી હસાવીને પેટ દુ:ખી જાય તેવું કરે છે. આપણે સુખ-સવલત માણતાં માણતાં કાલ્પનિક વાર્તાઓ વાંચી દુ:ખી થવાના બદલે ગાંધી-સરદારના ગુણો, નીડરતા, દેશપ્રેમ, સાદગી, સમર્પણ, સંવેદના, ન્યાય અને ત્યાગનો વિચાર કરીએ તો ગાંધીની સાર્ધ શતાબ્દીએ સૌ સ્વાતંત્ર્ય-સેનાનીઓને કોટિ કોટિ વંદન કરી કહીએ, ‘તમારા ત્યાગ બલિદાન થકી અમે સ્વતંત્રતાનો શ્ર્વાસ લઈએ છીએ તેનું ઋણ સ્વીકારીએ છીએ.’
 
ગાંધી અને સરદાર સ્વાતંત્ર્ય સંગ્રામનાં બે મહાન પાત્રો છે, તેમનાં વ્યક્તિત્વ વિરલ છે. અનેક વિરોધાભાસ વચ્ચે દેશ અને તેની પ્રજા માટે સહયોગ કરનાર ગાંધી સરદારની જોડી આપણો સહિયારો અમૂલ્ય વારસો છે.
 
- પ્રવીણ ક. લહેરી