મહારાષ્ટ્ર: પરસ્પર અવિશ્વાસની ધરી પર ત્રિપક્ષીય યુતિ! સરકાર રચાય તો પણ કેટલી ચાલે?

    ૨૦-નવેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
શિવસેના-એનસીપી કૉંગ્રેસના વિધાનસભા અધ્યક્ષ બને તેમ ન ઈચ્છે તે સ્વાભાવિક છે. તો કૉંગ્રેસને શિવસેના અને શરદ પવારના રાજકારણ પર ભરોસો નથી. વળી પ્રખર હિન્દુત્વના એજન્ડાને વરેલી શિવસેનાને ટેકાથી કૉંગ્રેસની સેક્યુલર મતબૅન્કને પણ ફટકો પડે તેવી તેની ચિંતા છે. આવા સંજોગોમાં આ સરકાર રચાય તો પણ પાંચ વર્ષ ચાલી શકવાની નથી.
 

તદ્દન વિરોધી વિચારધારાવાળા પક્ષોના નવા જાગેલા સ્નેહ પાછળ આવું કહી શકાય ખરું? 

 
સામાન્ય રીતે ત્રિશંકુ વિધાનસભા કે સંસદમાં ચૂંટણી પછી ગઠબંધનો થતાં હોય છે. એવા વખતે આપણે જનતાને સ્પષ્ટ રીતે દોષ દઈ શકીએ કે તેમણે ખંડિત જનાદેશ આપ્યો તેથી વિરોધી વિચારધારાવાળા પક્ષોએ ગઠબંધન કર્યું અને સત્તામાં આવ્યા. ૧૯૯૬માં આવી જ રીતે દેવેગોવડા વડા પ્રધાન બન્યા હતા. હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પક્ષનું ગઠબંધન આવું જ કહી શકાય, પરંતુ મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ એ તદ્દન વિરોધી વિચારધારાવાળા પક્ષોના નવા જાગેલા સ્નેહ પાછળ આવું કહી શકાય ખરું?
 

મહારાષ્ટ્રમાં આનાથી ઉલટું જોવા મળ્યું

 
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા તેમજ અન્ય પેટા ચૂંટણીનાં પરિણામો ૨૪ ઑક્ટોબરે આવ્યાં. હરિયાણામાં પ્રશ્નપત્ર અઘરું લાગતું હતું અને મહારાષ્ટ્રમાં સહેલું લાગતું હતું. હરિયાણામાં એવું લાગતું હતું કે ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના નેતૃત્વમાં કૉંગ્રેસ તિકડમ કરીને સત્તામાં આવી જશે. પરંતુ દુષ્યંત ચૌટાલા અને તેમના પિતા અજય ચૌટાલાની સાફ વાત હતી કે તેમના પક્ષ (તેમના દાદા દેવીલાલનું રાજકારણ અને પક્ષ) કૉંગ્રેસના વિરોધમાં જન્મ્યો છે. આથી કૉંગ્રેસને ટેકો આપવાનો પ્રશ્ન જ નથી. આ રીતે અહીં સત્તા માટે સિદ્ધાંતો સાથે બાંધછોડ જોવા ન મળી, પરંતુ મહારાષ્ટ્રમાં આનાથી ઉલટું જોવા મળ્યું.
 

 
 

સ્પષ્ટ છે કે જનતા ઈચ્છતી હતી કે આ બંને પક્ષ ફરી એક વાર સત્તાનાં સૂત્રો સંભાળે

 
મહારાષ્ટ્રમાં ૨૮૮ વિધાનસભા બેઠકોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ૧૦૫ બેઠકો પર વિજેતા બન્યો. ૧૫૨ બેઠકો પર તે લડેલો. આમ, તેનો સ્ટ્રાઇક રૅટ ૭૦ ટકા બેઠકો પર જીતવાની રીતે સારો રહ્યો. આની સામે શિવસેના ૧૨૪ બેઠકો પર લડેલી અને તે માત્ર ૫૬ બેઠકો પર જ જીતી શકી. આમ તેનો સ્ટ્રાઇક રેટ બહુ ઓછો રહ્યો. આ બંને પક્ષોએ તેમનાં દાયકાઓ જૂના ગઠબંધનની જેમ આ ચૂંટણી પહેલાં પણ ગઠબંધન કરેલું. આ બંને અને રામદાસ આઠવલેના આરપીઆઈ વગેરેનું ગઠબંધન ચૂંટણી પહેલાં હતું અને ચૂંટણી સભાઓ પણ બંને પક્ષના વડાઓએ સાથે ગજવેલી. પરિણામોમાં ભાજપ-શિવસેના એ બે પક્ષોને જ કુલ ૧૬૧ બેઠકો મળી ગઈ હતી. સ્પષ્ટ છે કે જનતા ઈચ્છતી હતી કે આ બંને પક્ષ ફરી એક વાર સત્તાનાં સૂત્રો સંભાળે.
 
પરંતુ પરિણામો આવ્યા પછી શિવસેનાના સૂર અચાનક બદલાયા. તેણે ભાજપને ૫૦-૫૦ ફૉર્મ્યૂલાની વાત યાદ અપાવી. કહ્યું કે મુખ્ય પ્રધાન અઢી-અઢી વર્ષે બદલાય. ભાજપે આ માગણી સ્પષ્ટ રીતે નકારી કાઢી. ૨૪ ઑક્ટોબરથી માંડીને અનેક દિવસો સુધી શિવસેના, ખાસ તો તેના પ્રવક્તા સંજય રાઉત દ્વારા ભાજપના વરિષ્ઠ નેતાઓ પર પ્રહારો થતા રહ્યા. ‘સામના’માં લેખો લખાતા રહ્યા. ભાજપના નેતાઓ સ્પષ્ટ રીતે આશા દર્શાવતા રહ્યા કે કોકડું ઉકેલાઈ જશે. તેઓ શિવસેના પર ખાસ પ્રહારો કરવાનું ટાળતા રહ્યા.
 
આખરે પંદર દિવસ પછી મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડનવીસ ત્યાગપત્ર દેવા ગયા અને ત્યારે તેમણે પોતાના પક્ષ વતી જવાબો આપ્યા. તેમણે કહ્યું કે “મહારાષ્ટ્રએ લોકસભા અને વિધાનસભામાં ભાજપ-શિવસેનાની મહાયુતિની તરફેણમાં જનાદેશ આપ્યો. અમે ૧૬૦ કરતાં વધુ બેઠકો જીત્યા. ભાજપ ૧૦૫ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો. પરંતુ પરિણામોના દિવસે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમના વિકલ્પો ખુલ્લા છે. આ અમારા માટે આઘાતજનક વાત હતી.”
તેમણે કહ્યું કે “હા, બેઠકમાં એક વાર મુખ્ય પ્રધાન વારા ફરતી બંને પક્ષના હોય તેવી વાત ઊઠેલી પરંતુ તેના પર કોઈ સમાધાન થયું નહોતું. મારી હાજરીમાં આવું થયું નહોતું.”
 

 
 

સરકાર રચવાનું ટાળ્યું 

 
આ ઘટનાક્રમ પછી શિવસેનાએ સંકેત આપ્યો કે તે એનસીપી અને કૉંગ્રેસ સાથે સરકાર બનાવી શકે છે! ૯ નવેમ્બરે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ભાજપને સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવા આમંત્રણ આપ્યું પરંતુ શિવસેનાનો ટેકો તેની પાસે ન હોવાથી તેણે સરકાર રચવાનું ટાળ્યું. ૧૦ નવેમ્બરે રાજ્યપાલે બીજા સૌથી મોટા પક્ષ શિવસેનાને આમંત્રણ આપ્યું. તેને દાવો કરવા માટે ૨૪ કલાકનો સમય પણ આપ્યો. અત્યાર સુધી શિવસેના તેની પાસે ૧૬૪ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરતી હતી. તો પછી રાજનીતિની માગણી કહે છે કે તેણે સમર્થનપત્રો તૈયાર રાખવા જોઈતા હતા, પરંતુ તે એનસીપી કે કૉંગ્રેસ કોઈની પાસેથી સમર્થનપત્રો મેળવી શકી નહીં.
 

અને ૧૨ નવેમ્બરે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લદાઈ ગયું 

 
આથી રાજ્યપાલે ૧૧ નવેમ્બરે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષને આમંત્રણ આપ્યું. તેને પણ ૨૪ કલાકનો સમય આપ્યો. પરંતુ તે દિવસે એનસીપી નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે કહ્યું કે રાત સુધીમાં અમારી પાસે ધારાસભ્યોના હસ્તાક્ષરવાળો પત્ર આવે તેવી શક્યતા નથી. બપોરે એનસીપીના નેતાઓ રાજ્યપાલને મળવા ગયા અને વધુ સમય માગ્યો. આથી સરકાર રચાવાની કોઈ શક્યતા ન જણાતાં રાજ્યપાલે રાષ્ટ્રપતિશાસનની ભલામણ કરતો અહેવાલ આપ્યો. કેન્દ્રીય મંત્રીમંડળે તેને સ્વીકાર્યો અને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસનની ભલામણ રાષ્ટ્રપતિને કરી. રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી. આમ, ૧૨ નવેમ્બરે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લદાઈ ગયું.
 

કૉંગ્રેસે કલમ ૩૫૬નો સૌથી વધુ દુરુપયોગ કર્યો છે 

 
આની સામે કૉંગ્રેસ અને શિવસેનાએ ગામ ગજવ્યું કે રાષ્ટ્રપતિ શાસન લાદીને મોદી સરકારે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. આના જવાબમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્પષ્ટતા કરી કે શિવ સેનાને અને પછી એનસીપીને સરકાર રચવા રાજ્યપાલે બોલાવ્યા હતા. પરંતુ કોઈની પાસે બહુમતીનો દાવો લેખિતમાં નહોતો તેથી આ પગલું લીધું છે. વળી રાષ્ટ્રપતિશાસન છ મહિના સુધી હોય છે. આથી સરકાર રચવી હોય તો આ છ મહિનામાં શિવસેના-એનસીપી-કૉંગ્રેસ પોતાનો દાવો રજૂ કરી તેમ કરી શકે છે. આમાં બંધારણનું ઉલ્લંઘન ક્યાં આવ્યું? તેમણે કહ્યું કે હકીકતે તો રાષ્ટ્રપતિશાસનનો સૌથી વધુ ભોગ તો ભાજપ બન્યો છે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસે કલમ ૩૫૬નો સૌથી વધુ દુરુપયોગ કર્યો છે. ઈન્દિરા ગાંધીએ એકલાએ ૫૦ સરકારોને આ રીતે બરખાસ્ત કરી હતી.
 
૨૪ નવેમ્બરથી અત્યાર સુધીમાં શિવસેના-એનસીપી, એનસીપી-કૉંગ્રેસ, શિવસેના-કૉંગ્રેસ વચ્ચે અનેક વાર ટેલિફૉનિક મંત્રણા, ઉદ્ધવ ઠાકરે-શરદ પવાર વચ્ચે પ્રત્યક્ષ મંત્રણા, શરદ પવાર-સોનિયા ગાંધી વચ્ચે પ્રત્યક્ષ મંત્રણાઓ થઈ ચૂકી હતી. દરેક પક્ષના ધારાસભ્યોની, કૉંગ્રેસ કારોબારી સમિતિની અનેક બેઠકો પણ મળી ચૂકી હતી. દરેક પક્ષ જાણે એકબીજા સાથે રમત રમી રહ્યો હતો.
 

કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વને ગઠબંધન વિરુદ્ધ અભિપ્રાય આપ્યા 

 
શિવસેના સાથે જવામાં કૉંગ્રેસ મૂંઝાઈ રહી હતી, કારણકે શિવસેના હિન્દુત્વવાદી વિચારધારાવાળો પક્ષ. વીર સાવરકર, છત્રપતિ શિવાજીની વાતો કરનારો પક્ષ. જેના નેતા બાળ ઠાકરેએ કથિત ઢાંચો તોડવામાં શિવસૈનિક હોય તો તેમાં ગર્વ અનુભવવાની વાત કરી હોય, રામમંદિર બાંધવા માટે બાળ ઠાકરે-ઉદ્ધવ ઠાકરે પણ તરફેણ કરતા હોય તેની સાથે કૉંગ્રેસ બેસે તો? મુસ્લિમો-ખ્રિસ્તીઓના મતો ગુમાવવા પડે. કૉંગ્રેસના કેરળ, આંધ્ર પ્રદેશ, વગેરે રાજ્યોના નેતાઓએ પણ કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વને ગઠબંધન વિરુદ્ધ અભિપ્રાય આપ્યા.
 
દિવસોના દિવસો વીતતા ગયા. વાત આગળ ન વધી. એક વાત એવી પણ આવી કે શિવસેના ભાજપ સાથે પહેલાં તમામ જગ્યાએ ગઠબંધન તોડે. ૧૧ નવેમ્બરે શિવસેનાના પ્રતિનિધિ એવા કેન્દ્રીય પ્રધાન અરવિંદ સાવંતે ત્યાગપત્ર પણ આપી દીધો.
૧૭ નવેમ્બરે તો વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે શિવસેનાએ સંસદના ૧૮ નવેમ્બરથી શરૂ થતા શીતકાલીન સત્ર પહેલાંની એનડીએની બેઠકમાં ભાગ પણ ન લીધો અને હવે તે વિપક્ષમાં બેસશે.
 
શિવસેના-એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધનમાં કોકડું કેમ ગૂંચવાઈ રહ્યું છે? ચર્ચા એવી હતી કે કૉંગ્રેસ વિધાનસભાના અધ્યક્ષનું પદ ઈચ્છે છે. આપણે જાણીએ જ છીએ કે કૉંગ્રેસના વિધાનસભાના અધ્યક્ષોએ અત્યાર સુધી કેવી ભૂંડી ભૂમિકા ભજવી છે? ગુજરાતમાં ઉપાધ્યક્ષ ચંદુભાઈ ડાભીએ સુરેશ મહેતા સરકાર વખતે ભજવેલી ભૂમિકા જો યાદ ન હોય તો તાજેતરમાં કર્ણાટકમાં અનેક દિવસો સુધી જે ખેલ ચાલ્યો તેમાં કૉંગ્રેસના અધ્યક્ષ કે. આર. રમેશકુમારની ભૂમિકા તો યાદ જ હોવી જોઈએ. આથી જ સ્વાભાવિક શિવસેના-એનસીપી કૉંગ્રેસના અધ્યક્ષ માટે ખચકાતા હોય.
 

 
 

કૉંગ્રેસને શિવસેના અને એનસીપી પર ભરોસો નહીં! 

 
બીજી તરફ, એક ચર્ચા એવી પણ થઈ કે એનસીપી ઈચ્છતી હતી કે કૉંગ્રેસ બહારથી સમર્થન ન આપે અને સત્તામાં જોડાય. સત્તામાં જોડાય એટલે તેનાં સ્થાપિત હિતો ઊભાં થાય. સરકારના દરેક નિર્ણયમાં તેની પણ ભાગીદારી થાય. એટલે કૉંગ્રેસ સરળતાથી સરકારના નિર્ણયો પર પોતાના હાથ ખંખેરી શકે નહીં. કૉંગ્રેસમાં અનેક વર્ષો રહી ચૂકેલા હોવાથી શરદ પવારથી વધુ કૉંગ્રેસને કોણ જાણતું હોય? આ બાબતે પણ ઘણી મડાગાંઠ ચાલી. બીજી તરફ, કૉંગ્રેસને શિવસેના અને એનસીપી પર ભરોસો નહીં!
 

કૉંગ્રેસના હાથમાં જ સત્તાનાં આડકતરાં સૂત્રો રહે તે માટે તે જરૂર ઈચ્છે કે... 

 
શિવસેનાનો હિન્દુત્વનો એજન્ડા તો ખરો જ, પરંતુ જે પક્ષ પોતાના દાયકાઓ જૂના સાથી પક્ષને સત્તા માટે તડકે મૂકી શકે, તે ફરી એ જ સત્તા માટે એ જ જૂના સાથી પક્ષનો હાથ નહીં પકડે તેની કોઈ ખાતરી ખરી? આવી ચિંતા કૉંગ્રેસને હોય તે સ્વાભાવિક છે. વળી, કૉંગ્રેસની એ વર્ષો જૂની પરંપરા (!) રહી છે કે તે જ્યારે નાના ભાઈ તરીકે સત્તામાં હોય ત્યારે એકેય સરકાર એક વર્ષથી વધુ ચાલી નથી. ચરણસિંહ, ચંદ્રશેખર, દેવેગોવડા, ઈન્દ્રકુમાર ગુજરાલ, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ, કુમારસ્વામીની સરકાર વગેરે આનાં ઉદાહરણો છે. આથી જો કૉંગ્રેસ ટેકો પાછો ખેંચી લે તો પણ વિધાનસભામાં અધ્યક્ષ તરીકે કૉંગ્રેસના હાથમાં જ સત્તાનાં આડકતરાં સૂત્રો રહે તે માટે તે જરૂર ઈચ્છે કે તેના નેતા જ વિધાનસભાના અધ્યક્ષ બને.
 

ઈન્દિરા ગાંધી અને કલમ ૩૫૬નો દુરુપયોગ  

 
રહી વાત એનસીપીની તો એનસીપીનો જન્મ જ શરદ પવાર, પી. એ. સંગ્મા અને તારીક અનવરે સોનિયા ગાંધીના વિદેશી કુળના વિરોધમાં કરેલો છે. ૧૯૭૮ની શરૂઆતમાં શરદ પવાર ઈન્દિરા ગાંધીને છોડીને પોતાના ગુરુ યશવંતરાવ ચવ્હાણની પાછળ કૉંગ્રેસ (યુ)માં જોડાયેલા. ચૂંટણી પછી ઈન્દિરાવાળી કૉંગ્રેસ આઈ અને કૉંગ્રેસ યુએ ગઠબંધન કરી સત્તા મેળવીને જનતા પક્ષને સરકારની બહાર રાખેલો. જુલાઈ ૧૯૭૮માં આ જ શરદ પવારે કૉંગ્રેસ (યૂ) ત્યાગી જનતા પક્ષના સહયોગથી યુતિ સરકાર બનાવી અને તેઓ મહારાષ્ટ્રના સૌથી યુવાન મુખ્ય પ્રધાન બની ગયા હતા. જોકે ઈન્દિરા ગાંધી સત્તામાં ૧૯૮૦માં પાછાં ફર્યાં એટલે આ સરકારને કલમ ૩૫૬નો દુરુપયોગ કરીને બરખાસ્ત કરી દીધી હતી (તે વખતે નવ રાજ્યોમાં એક સામટું રાષ્ટ્રપતિશાસન લાદી દેવાયું હતું.)
 
આ શરદ પવારે વર્ષ ૨૦૧૪માં ભાજપ અને શિવસેના અલગ લડેલા ત્યારે પણ શિવસેનાએ શરૂઆતમાં સરકારમાં જોડાવા ના પાડી હતી તે વખતે વિધાનસભામાં ભાજપને ટેકો આપતા ભાજપે બહુમતી પૂરવાર કરી દીધી હતી. આમ, શરદ પવારની સત્તાકાંક્ષી રાજનીતિને સોનિયા ગાંધીથી વધુ સારી રીતે કોણ જાણતું હોય?
 
પરંતુ આ સિવાય પણ આ લખાય છે ત્યારે ૧૮ નવેમ્બરની સવારે સરકાર રચાવાના કોઈ વાવડ નથી. એનું કારણ છે કે આ ત્રણેય પક્ષના ધારાસભ્યોએ પોતાની સહી સમર્થનપત્રમાં કરી નથી. મહારાષ્ટ્રના અગ્રણી દૈનિક ‘લોકમત’ના દાવા અનુસાર, શિવસેનાના છ ધારાસભ્યો કૉંગ્રેસ સાથે જવા તૈયાર નથી. સ્વાભાવિક છે કે જે હિન્દુત્વની રાજનીતિ પર અત્યાર સુધી ચાલ્યા હોય, રામમંદિર માટે લડ્યા હોય અને હવે તે રામમંદિરનો વિરોધ કરનાર, રામ સેતુ માટે શ્રી રામને કાલ્પનિક ગણાવનાર કૉંગ્રેસ સાથે જવાનું તેવી અવઢવ હશે. તો કૉંગ્રેસ અને એનસીપીના ધારાસભ્યો દ્વારા સહી ન કરાવાનું કારણ તેમની પ્રધાન પદ કે અન્ય કોઈ ‘કિંમત’ની લાલસા છે.
 
આવા સંજોગોમાં, આ સંઘ સરકાર રચે તો પણ પાંચ વર્ષની મુદ્દત રૂપી કાશીએ પહોંચવાનો નથી જ!
 
- જયવંત પંડ્યા