ઉત્તરકાશીની રામકથા - નવ દિવસીય કથાની નવ વાત ગાંઠે બાંધીએ તો જીવનમાં કોઈ ગાંઠ રહે નહીં...

    ૨૦-નવેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
 
 
સર્જકયાત્રાનો સંઘ ઉત્તરકાશીની ઊંચાઈ પર । ઉત્તરકાશીમાં ગુજરાતી સાહિત્યની દિવાળી ઉજવાણી...
 
મહાભારતમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર નીતિશ ભારદ્વાજ એક કાર્યક્રમમાં મને મળ્યા. એમણે શુદ્ધ ગુજરાતીમાં વાત કરી.. મને આશ્ચર્ય થયું...
મેં નીતિશભાઈને પૂછ્યું 'કૃષ્ણને ગુજરાતી આવડે છે ?'
એમણે કહ્યું કે 'દ્વારકામાં રહ્યા હોય તો ગુજરાતી તો આવડે જ ને...!'
ઉત્તરકાશીની રામકથા દરમિયાન મોરારિબાપુએ આ પ્રસંગ કહ્યો હતો.
 
પૂ. મોરારિબાપુની ઉત્તરકાશીની રામકથા દરમિયાન ૨૫૦ સર્જકોને લઈ જવામાં આવ્યા હતા. જેમાં 5 સ્ટાર ફેસિલિટી અને 10 સ્ટાર ઈમોશન હતા. આમ તો અંદાજિત ૪૦૦ જેટલા સર્જકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેટલાક સર્જકો કોઈક કારણોસર આવી શક્યા ન હતા. બાપુનો સાહિત્યપ્રેમ જગવિખ્યાત છે અને તેઓ સાહિત્ય, સંવેદના અને સમતાનો ત્રિવેણીસંગમ છે. રામ એમના ઇષ્ટ છે. રામમંદિરનો ચુકાદો આવ્યો ત્યારે પહેલી અપીલ શાંતિ રાખવાની કરી હતી. ગોધરાકાંડ વખતે પણ બાપુ શાંતિનો સંદેશો લઈ નીકળી પડ્યા હતા, માનસ થકી માણસ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ તો લોકો દ્વારા ક્યારનું ય એમને મળી ચૂક્યું છે.
 
ગુજરાતી ભાષાની કોઇ સાહિત્યિક સંસ્થા ન કરી શકે એવું માતબર મોભાદાર કાર્ય પૂ. મોરારિબાપુ દ્વારા થઇ રહ્યું હતું. ઉત્તરકાશીના પર્વતના પાન પાન પર સાહિત્ય વિહરી રહ્યું હતું . કથા દરમિયાન અહીં વૃક્ષ કરતા કવિઓની સંખ્યા વધુ હતી. પ્રસ્થાપિત સર્જકો અને નવોદિત વચ્ચે અદભુત આદાન પ્રદાન થઇ રહ્યું હતું. કદી જોવા ન મળે એવા આ અદભુત દ્રશ્યને કાગળ પર લખી, માદળિયામાં મઢાવીને ગળામાં પહેરી રાખવા જેવા હતા....
 
સાહિત્યકાર દિવાળીનું વેકેશન કરવા ક્યાં જાય ?
A દીવ
B દમણ
C ગોવા
D ઉત્તરકાશી

‘D’ પે લોક કિયા જાય.

ઉત્તરકાશીમાં ગુજરાતી સાહિત્યની દિવાળી ઉજવાણી...

 
અમારી હોટેલ શિવલિંગ હતી. બારી ખોલીએ એટલે ખળખળ વહેતી ભાગીરથીની ભવ્યતા ભીંજવી જાય છે. દરવાજો ખોલો તો પહાડોમાં પથરાયેલા વૃક્ષોનું વૃંદગાન સંભળાય..
 
પ્રથમ દિવસે મોરારિબાપુએ માતૃભાષાને આ કથા સમર્પિત કરી હતી. બાપુએ એકવાર કહ્યું હતું કે 'મા, માતૃભાષા અને માતૃભૂમિના ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકીએ.'
 
બાપુની વાકધારાના વહેણમાં ભીંજાયા જ કરીએ. આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી આટલી સરળતા...સહજતા... બસ વારંવાર વંદન...
 
ઋષિકેશનું રજવાડું નિહાળ્યા બાદ ઉત્તરકાશીના ભવ્યાતિભવ્ય પહાડો પર સરકતા સર્પાકાર વળાંકોના મોહમાં તણાઈ ન જાઓ તો જ નવાઈ... ઊંચાઇ પર જતા હોઈએ ત્યારે સતર્કતા ખૂબ જરૂરી.. જીવનમાં પણ ઉંચે જઈએ ત્યારે તકેદારી રાખવી પડે છે. સહેજ નજરચૂક થઇ કે ગયા....પહાડની ઉંચાઈ પર આવેલા તેહરી લેકની સહેલગાહ શાનદાર.. જીવતા જીવ સ્વર્ગની અનુભૂતિનો ઓડકાર.... પહાડોની મુસાફરી દરમિયાન એક વૃક્ષને ટાટા કહીએ ત્યાં બીજું વૃક્ષ વેલકમ કરવા તૈયાર જ હોય.. એય ને જાણે લીલપની લીલાલહેર...
 

 
 
ગંગાના ખળખળ વહેતા પ્રવાહને આંખથી નિહાળીએ ત્યાં જ પાપ ધોવાઇ જાય છે...મોરારિબાપુની કથા દરમિયાનની આ પાવન પળોને સ્મૃતિની સંદૂકમાં તાળું મારીને મૂકી દીધી..
 
ગંગાને ફરી એકવાર મન ભરીને નિહાળી.. દરેક વખતે ગંગા નવી જ લાગે...ઊડતી નજરે ઋષિકેશનું રજવાડું નિહાળ્યા બાદ ઉત્તરકાશીના ભવ્યાતિભવ્ય પહાડોની પ્રકૃતિના પ્રેમમાં પડી જવાયું..... પહાડની ઉંચાઈ પર આવેલા તેહરી લેકની સહેલગાહ શાનદાર.. જાણે કે સ્વર્ગની સહેલાગ...અદભુત અનુભૂતિનો...અધધધધ ઓડકાર.... લીલપની લીલાલહેર અને પ્રકૃતિના પ્રસંગને ઉજવતા રહ્યા.
 
કથા દરમિયાન ગંગોત્રીની યાત્રા માણી...ગઝલકારો સાથે સફર ઓર રંગીન અને સંગીન બની.. જાણે ગઝલગંગોત્રી... કોઈ પણ એંગલ રાખો બધા જ ફોટોગ્રાફ સુંદર આવે. કુદરતની કમાલ અને પ્રકૃતિની પરાકાષ્ઠા અનુભવી. બરફવર્ષા ધ્રૂજતા ધ્રૂજતા માણી... આખી સફરમાં ધીમી ધારે વરસતો વરસાદ અમને અંદરથી પણ ભીંજવતો હતો. ગરમપાણીના કુંડમાં નાહ્યા તો બધી ટાઢ ઊડી ગઈ. કેવી વ્યવસ્થા કુદરતે કરી ! અન્યથા આ મોસમમાં ઠંડા પાણીથી નવાઈ જ નહીં.. ઠંડીગાર ગંગાની અંજલિ માથે ચડાવીએ અદભુત અલૌકિક અનુભૂતિ થાય પણ એક પળ માટે તો થરથરાટી થઈ જાય... કુંડમાં નહાતા એક કવિમિત્રનું ટીશર્ટ ખોવાયું.. આખા રસ્તે એની ચિંતામાં જ રહ્યા...અંતે ખબર પડી કે એ એની બેગમાં જ હતી. અંદર રહેલી વસ્તુ બહાર શોધીએ તો એ કદી નથી મળતી.. આભાર બાપુ પાણી અને જળ વચ્ચેની પરખ કરાવવા બદલ અને આખેઆખું આકાશ બતાવવા બદલ....
 
નેપાળની બોર્ડર નજીક હોવાથી ઉત્તરકાશીમાં નાગરિકો કરતા CID ની સંખ્યા વધુ હોય છે. એક નાના એવા ગામમાં તો દવાખાનું હતું જ નહીં. પૂછતા જાણવા મળ્યું કે ‘ત્યાં કોઈ બીમાર પડતું જ નથી.’ અહીંનું પ્રાકૃતિક વાતાવરણ ચેતનવંતુ છે. આળસુ માણસ પણ દોડતો થઇ જાય એવું... રાત્રિની પાંચ કલાકની નીંદર પૂરતી છે. અહીના માણસો પ્રેમાળ છે. ઈમાનદાર પણ ખરા. મોટાભાગે ટુરિસ્ટ સેન્ટરમાં મુસાફરો પાસેથી વધુ પૈસા લેવાતા હોય છે. પણ અહીં સ્થાનિક અને યાત્રિકો માટે દરેક ચીજનો એક જ ભાવ. ચોરી જવલ્લે જ થાય. અહીંના લોકોની માન્યતા છે કે ‘બેઈમાની કરીએ તો કાશીવિશ્વનાથબાબા આકરામાં આકરી સજા કરે.’ અહીંનાં લોકોનું જીવન અભાવો અને હાડમારીથી ભરેલું. પણ લોકોએ હસતા મોંએ આ વાસ્તવિકતાને સ્વીકારી લીધી હતી. ખૂબ ઊંચાઈ પર સ્થિત હોવાથી દસ ડગલાં ચાલીએ ત્યાં ત્રીસ ડગલાં ચાલ્યાનો અહેસાસ મળે છે. જ્યાં પણ નજર કરીએ ત્યાં શિવની અદભુત લીલાના દર્શન થાય. યોગીઓ માટે પણ સાધના માટેનું આ ઉચિત સ્થળ હોવાથી અનેક આશ્રમો જોવા મળે છે. ગરવી ગુફાઓમાં વિચરણ કરો તો મસ્તમૌલા જટાધારી બાબાઓનો ભેટો થાય. એમને સાંભળીને તો સંસારત્યાગની ઈચ્છા જ ઘેરી વળે. એક અઘોરી બાબાએ જાણ્યું કે અમે મોરારિબાપુ સાથે આવ્યા છીએ તો એણે કહ્યું કે ‘સચ્ચે સંત કે સાથ અચ્છી જગહ પે આયે હો’
 
સંવેદનાનો પચ્ચીસમો કલાક એટલે બાપુ. વિશ્વખ્યાત હોવા સાથે વિનમ્રખ્યાત પણ છે. ઉત્તરકાશીમાં દરેક સર્જકના ઉતારે આવી એમને ‘કોઈ અગવડ તો નથીને’ એવી સહૃદય સંભાળ રાખી હતી. આટલા મોટા આયોજનની નાનામાં નાની વાત એમનું રડાર પકડી પાડતું હતું. એમનું આભામંડળ આકર્ષિત ન કરે તો જ નવાઈ !
 
નવ દિવસીય કથાની નવ વાત ગાંઠે બાંધીએ તો જીવનમાં કોઈ ગાંઠ રહે નહીં...
 
૧ – નિંદકના હૃદયમાં રામ વસતા નથી. નિંદકોથી દસ ફૂટ દૂર રહેવું ઘટે.
 
૨ – હાસ્ય હોઠનું ઘરેણું છે. જે માણસ પાસે હાસ્ય નથી એ ગરીબ છે. ગાંધીજી કહેતા કે ‘હાસ્ય વિનાનું ગાંભીર્ય અને ગાંભીર્ય વિનાનું હાસ્ય નકામું છે’.
 
૩ – ધર્મને સંકુચિત અર્થમાં ન લેવો. નિષ્ઠાથી કરેલું નાનામાં નાનું કામ પણ પ્રાર્થનાની ગરજ સારે છે. ઈશ્વરકૃપા આકાશમાંથી ઉતરે છે અને આપણે ઉન્નત બનવાનું હોય છે.
 
૪ – સફળતા પર કોઈનો ઈજારો હોતો નથી. સફળ થયા પછી એ સ્થાન પર ટકી રહેવું બહુ મુશ્કેલ છે. મહેનત સિવાય કોઈ આરો-ઓવારો નથી. શંકરાચાર્ય કહે છે કે ‘જ્યાં નીતિ અને બળ બંને કામમાં લેવાય છે ત્યાં સફળતા વાસ કરે છે.
 
૫ – ચારિત્ર્ય વગરનો અબજોપતિ પણ ગરીબ છે. જેમ સોનાએ અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે તેમ માણસે પણ અગ્નિપરીક્ષા આપવી પડે.
 
૬ – જેનામાં સાહિત્ય-કલા પ્રેમ નથી એનો વિશ્વાસ ન કરવો. પ્રકૃતિ એ ઈશ્વરનું અનુપમ સર્જન છે એમ કલા એ માણસનું શ્રેષ્ઠ સર્જન છે. મારી કથામાં સર્જકો નહીં બેસે તો ચાલશે પણ આ ઉત્તરકાશીની પ્રકૃતિ અને પહાડ વચ્ચે વિહાર કરી સર્જન કરો.
 
૭ – મંદિરે દર્શન કરવા જજો પણ દિલમંદિરને ભૂલી ન જતા. કવિતામાં ધર્મ ભળે તો ભજન થાય છે, પ્રવાસમાં ધર્મ ભળે તો યાત્રા બને છે, ખોરાકમાં ધર્મ ભળે તો પ્રસાદી બને છે અને ઘરમાં ધર્મ ભળે તો ઘર એક મંદિર બની જાય છે.
 
૮ – કોઈ વાતનું કદી અભિમાન ન કરવું. બ્રહ્માંડ સામે અણુથી પણ નાનું આપણું અસ્તિત્વ છે. રાવણ માત્ર અભિમાનને કારણે વિનાશ પામ્યો.
 
૯ – મરીઝ કહે છે તેમ ‘વચમાં જરાક તમે વધારે ગમી ગયા’. હું સ્વીકૃતિનો માણસ છું. ‘સર્વનો સ્વીકાર’ જીવનમંત્ર છે. વેરમાં વાંધો છે અને સ્નેહમાં સાંધો છે. જીવનનું અંતિમ સત્ય પ્રેમ છે.
 

આલેખન -હરદ્વાર ગોસ્વામી -રક્ષા શુક્લ