જેએનયુના વિદ્યાર્થીઓનું આંદોલન, વિવાદ અને તમારે જે જાણવો જોઈએ એ ઇતિહાસ....

    ૨૫-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |
 
 

જે.એન.યુ.ના અલગાવવાદીઓનું સૂત્ર દેશ મેં પઢેંગે - દેશ સે લડેંગે

 
દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ નેશનલ યુનિવર્સિટી (જેએનયૂ)નાં ફી વિવાદ અને હિંસક પ્રદર્શનો બાદ પુન: એક વખત ચર્ચામાં આવી છે. ક્યારેક ભારત તેરે ટુકડે હોંગેના નારા તો ક્યારેક હિન્દુ દેવી-દેવતાઓના અપમાનને લઈ જેએનયૂ હંમેશા વિવાદમાં રહી છે. ત્યારે આવો, સામ્યવાદનો કિલ્લો બની ચૂકેલ જેએનયૂના તાજેતરના ફી વિવાદ અને રાષ્ટ્રવિરોધના લાલ ઇતિહાસ પર.
 

શું કામ અહીંના વિદ્યાર્થીઓ આંદોલને ચડ્યા હતા

 
જેએનયૂ એટલે કે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ ફીમાં વધારો અને હોસ્ટેલ સંબંધિત નિયમોમાં પરિવર્તનને લઈને અનેક દિવસો સુધી જેએનયૂ કેમ્પસ અને દિલ્હીના રસ્તાઓને પોતાની બાનમાં લઈ લીધા હતા. માધ્યમોમાં દર વખતની માફક આ વખતે પણ આ વામપંથી કોહરામને એક ક્રાંતિના રૂપે રજૂ કરવામાં આવ્યો. `જેએનયૂ પ્રશાસન દ્વારા હોસ્ટેલની ફીમાં ૩૦૦૦ ગણો વધારો!' `જેએનયૂ કેમ્પસથી માંડી દિલ્હીની સડકો સુધી વિદ્યાર્થીઓનું આ તઘલખી ફરમાન વિરુદ્ધ જોરદાર પ્રદર્શન...' `આખરે પ્રશાસને ઝૂકવું પડ્યું અને ફી વધારો પાછો ખેંચવાની જાહેરાત કરવી પડી છે.' વગેરે વગેરે...૩૦૦૦ગણો ફી વધારો આ સાંભળી કોઈને પણ આંચકો લાગવો સ્વાભાવિક છે. વિદ્યાલય અલગાવવાદીના ઉન્માદી વિદ્યાર્થીઓનાં પ્રદર્શનો અને હિંસાને મારીમચડી ન્યાયિક ઠેરવવાની હરીફાઈમાં પડેલાં માધ્યમોએ સાચી હકીકત જનતાને જણાવવાની તસદી લીધી નથી.
 

 
 
સૌ કોઈએ માધ્યમોમાં લાઇવ અને એક્સક્લુઝિવ શ્યોમાં જોયું હશે કે ગળામાં ગાળિયો (ફાંસી) લગાવી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને નવા નિયમ મુજબ હોસ્ટેલની ૩૦૦ રૂપિયા માસિક ફી સામે વાંધો હતો, કારણ કે આ નિયમ પહેલાં સુધી આ વિદ્યાર્થીઓને ૧૦ રૂપિયા. હા... હા... અહીં કંઈ જ ગેરસમજ થતી નથી, માત્ર મહિનાના ૧૦ રૂપિયાના ભાડામાં જ રહેવા મળતું હતું. વાચકોને જણાવી દઈએ કે, અહીંના વિદ્યાર્થીઓને આ ભાડું ત્યારે મોંઘું પડી રહ્યું છે જ્યારે જેએનયૂના આસપાસના કોઈપણ વિસ્તારમાં રહેવું હોય તો એક રૂમનું ભાડું લગભગ ૧૦ હજાર રૂપિયા દર મહિને ચૂકવવું પડે છે. એટલે કે દિલ્હીમાં રહેવા માટે જેએનયૂના વિદ્યાર્થીઓને મહિને ૩૦૦ રૂપિયા ખર્ચવા પણ મોંઘા પડી રહ્યા છે.
 
વિરોધ પ્રદર્શન કરી રહેલાં આ કથિત બૌદ્ધિક લેવલના વિદ્યાર્થીઓને સરેઆમ પોલીસને ધક્કે ચડાવે છે, કારણ કે તેઓને રાત્રે ૧૧ વાગ્યા બાદ પણ હોસ્ટેલની બહાર રહેવું છે. જેએનયૂ હોસ્ટેલના નવા નિયમ પ્રમાણે દરેક વિદ્યાર્થીને રાત્રે ૧૧ વાગ્યા પહેલાં હોસ્ટેલમાં આવી જવું પડશે. અને જો કોઈ વિદ્યાર્થી તેનું ઉલ્લંઘન કરશે તો તેને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવશે. પરંતુ વિદ્યાર્થીઓને આ મંજૂર નથી. તેઓને હોસ્ટેલમાં પાછા ફરવાના સમયની પાબંદી મંજૂર નથી.
 
પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ ન માત્ર પ્રશાસન વિરુદ્ધ નારેબાજી કરી, બલકે જેએનયૂના અધ્યાપકો માટે અશ્લીલ ભાષા પણ વાપરી. હદ તો ત્યારે થઈ કે આ ગેંગની કેટલીક વિદ્યાર્થિનીઓએ મહિલા અધ્યાપિકા સાથે સરેઆમ મારપીટ કરી અને તેનાં કપડાં ફાડવાની કોશિશ કરી. આઘાતજનક રીતે જેએનયૂ કેમ્પસમાં સ્થાપિત સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પણ અપવિત્ર કરી ભગવા જલેગા જેવા અપશબ્દો લખી દીધા હતા.
 

સરકાર દ્વારા દર વર્ષે અધધ રૂપિયાની સહાય

 
૨૦૧૮માં પણ આવા જ એક વિરોધ પ્રદર્શનમાં જેએનયૂના વિદ્યાર્થીઓએ બાર કલાક સુધી અહીંના બે ઉપકુલપતિઓ સહિત કેટલાક અધિકારીઓ અને ત્યાં કામ કરતા કર્મચારીઓને બંધક બનાવી દીધા હતા. આમ અહીંના અલગાવવાદી વામપંથી વિદ્યાર્થીઓ પોતાની જાયજ - નાજાયજ માગણીઓને મનાવવા માટે ગમે તે હદે જઈ શકે છે.
 
હવે વાત અહીં ભણતા વિદ્યાર્થીઓ પાછળ કરવામાં આવતા ખર્ચની જેએનયૂને દર વર્ષે સરકાર તરફથી લગભગ ૫૫૦ કરોડ રૂપિયા ભંડોળ અને સબસિડી રૂપે આપવામાં આવે છે. અહીં લગભગ ૮,૩૧૦ વિદ્યાર્થીઓ ભણે છે. એટલે કે અહીં ભણતા એક વિદ્યાર્થી પાછળ સરકાર ૬,૮૮,૧૨૭ રૂપિયા ખર્ચે છે. છતાં અહીંના વિદ્યાર્થીઓને મહિને ૩૦૦ રૂપિયા હોસ્ટેલ ફી મોંઘી પડી રહી છે.
 
અહીં સરેરાશ ૧૫ વિદ્યાર્થીઓ પર એક પ્રોફેસર છે. જ્યારે દેશની અન્ય યુનિવર્સિટી અને કોલેજોમાં સરેરાશ ૨૬ વિદ્યાર્થીઓ પર એક પ્રોફેસર છે. ૨૦૧૮ના આંકડા મુજબ જેએનયૂ હોસ્ટેલમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી હોસ્ટેલ (છાત્રાલય) માટે અરજી કરી શકે છે. એમ.એ. કરનાર એક વિદ્યાર્થી બે વર્ષ સુધી હોસ્ટેલમાં રહી શકે છે જ્યારે પી.એચડી. કરનાર વિદ્યાર્થી ચાર વર્ષ સુધી હોસ્ટેલમાં રહી શકે છે. એટલે કે એમ.એ.થી પી.એચડી. કરવા સુધી કોઈ વિદ્યાર્થી આઠ વર્ષ સુધી હોસ્ટેલમાં રહી શકે છે. અને એ પણ મહિને ૧૦ રૂપિયામાં. માટે અત્યાર સુધી કનૈયાકુમાર, શેહલા રસીદ, ઉમર ખાલિદ જેવા લોકો વિદ્યાર્થી બની અહીં મફતના ભાવમાં પડી રહેતા અને પોતાની રાજનીતિ ચમકાવતા હતા.
 
વાચકોને જણાવી દઈએ કે ટુકડે ટુકડે ગેંગના સદસ્ય કનૈયાકુમારે ૭ વર્ષ જેએનયૂની હોસ્ટેલમાં વીતાવ્યાં છે. જ્યારે ઉમર ખાલિદે ૯ વર્ષ અને શેહલા રશીદ પણ પાછલાં ૮ વર્ષથી જેએનયૂ હોસ્ટેલમાં રહે છે. એટલે કે દર મહિને માત્ર ૧૦ રૂપિયા આપી આ લોકોએ માત્ર ને માત્ર પોતાની રાજનીતિ ચમકાવી છે. હવે જેએનયૂ પ્રશાસને આ ફી ૧૦ રૂપિયા મહિનાથી વધારી ૩૦૦ રૂપિયા કરી દેતાં અહીંના અલગાવવાદી વિદ્યાર્થીઓ રમખાણે ચડ્યા હતા. અને આપણાં માધ્યમોએ પણ તેમના એ ડદંગને ક્રાંતિમાં ખપાવવાના ધમપછાડા કર્યા. અને દેશના લોકોને સાચી હકીકત બતાવવાને બદલે જેએનયૂ દ્વારા હોસ્ટેલ ફીમાં ૩૦૦૦ગણો વધારોની રાડારાડ મચાવી હતી. જ્યારે જે ફી મહિનાની રૂપિયા ૧૦ રૂપિયા હતી તે વધારી ૩૦૦ કરી દેવાની હકીકતને યોજનાપૂર્વક છુપાવી હતી. ત્યારે સવાલ એ થાય છે કે જેએનયૂના મુઠ્ઠીભર વિદ્યાર્થીઓ દેશના આ મહત્ત્વના શિક્ષણ સંસ્થાનને ધર્મશાળા બનાવી રાખવા માંગે છે ? શું અહીં આવતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ જરૂરી છે કે પછી તેઓ જેએનયૂમાં પોતાની રાજનૈતિક કારકિર્દી બનાવવા આવે છે ? શું જેએનયૂને સરકાર જનતાની પરસેવાની કમણીની એટલે લ્હાણી કરે છે કે અહીંના વિદ્યાર્થીઓ પ્રદર્શનોના નામે ડદગ મચાવે?
 
વિશ્વવિદ્યાલયોમાં દેશના ભવિષ્યનું ઘડતર થાય છે પરંતુ જેએનયૂ જેવાં વિશ્વવિદ્યાલયો ટુકડે-ટુકડે ગેંગના ગઢ બની રહ્યા છે અને દેશમાં સૌહાર્દ એકતા અંખડિતતાને પડકારી રહ્યા છે.
 
૯ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ જેએનયૂમાં દેશવિરોધી નારેબાજીનો વીડિયો સામે આવ્યો હતો. થોડા દિવસો પહેલાં જ સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિ વિવાદ મુદ્દે ચુકાદો આપ્યો અને કોર્ટના આ ચુકાદાને દેશમાં હિન્દુ હોય કે મુસ્લિમ બંને પક્ષો દ્વારા સહર્ષ સ્વીકારી લેવામાં આવ્યો હતો, પરંતુ અહીંની ટુકડે ટુકડે ગેંગે ફરી વાર પોતાનું પોત પ્રકાશ્યું અને ચુકાદાને અમાન્ય ગણાવ્યો હતો. અને સમાજમાં સામાજિક સદ્ભાવનાનું વાતાવરણ ડહોળાય એવા નારા લગાવ્યા હતા.
 

 
 

રાષ્ટ્રવિરોધનો લાલ કિલ્લો

 
જેએનયૂ કહેવા ખાતર તો આંતરરાષ્ટીય સ્તરનું એક સ્વતંત્ર શૈક્ષણિક સંસ્થાન છે, પરંતુ અહીં જે પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે તે એક શૈક્ષણિક સંસ્થાનને દાગદાર કરનારી છે. એવા અનેક પ્રસંગો વખતે અહીંના સામ્યવાદી અલગાવવાદી વિદ્યાર્થીઓએ ભારતની સંસ્કૃતિ, ન્યાયાલય, એકતા અને અખંડિતતાને પડકાર ફેંક્યો છે. દેશવિરોધીઓનું ખુલ્લેઆમ સમર્થન કરવું જાણે કે આ યુનિવર્સિટીની પ્રવૃત્તિ બની ગઈ છે. આતંકી ઈસરત જહાનો મામલો હોય કે સંસદ પર હુમલાના આરોપી અફઝલ ગુરુ કે મુંબઈ હુમલાના જવાબદાર યાકુબ મેમણની ફાંસીનો સવાલ દરેક કેસમાં અહીં માત્ર ને માત્ર આતંકના સમર્થનમાં અને ભારતના વિરોધમાં જ નારા ગુંજ્યા છે. પરંતુ જ્યારે ચીની સૈન્ય ભારતમાં ઘૂસણખોરી કરે છે, પાકિસ્તાન પ્રેરિત સરહદ પર અને દેશની અંદર આતંકવાદી ઘટનાઓના સમયે એક હરફ સુધ્ધાં ઉચ્ચારતા નથી. જેએનયૂ કથિત હિન્દુવિરોધી જ નહીં હિન્દુસ્તાનવિરોધી આયોજનોની લાંબી યાદી છે * ભારતના રાષ્ટ્રીય પ્રતીકો, હિન્દુ દેવી-દેવતાઓનાં અપમાન અહીં સામાન્ય વાત છે. ૨૦૦૨માં કારગીલ યુદ્ધ લડનારા શહીદોનાં વિરુદ્ધમાં અહીં સરેઆમ કાર્યક્રમ યોજાયો, જેનો કાર્યક્રમમાં હાજર ભારતીય સૈનિકે વાંધો ઉઠાવ્યો તો તેના પર હુમલો કરી તેને માર મારવામાં આવ્યો.
 
* જ્યારે નવરાત્રિ દરમ્યાન સમગ્ર દેશ દુર્ગાપૂજાની આરાધના કરી રહ્યો હતો તે જ સમયે અહીં મા દુર્ગાનું અપમાન કરતાં ચોપાનિયાં વહેંચવામાં આવ્યાં અને સરેઆમ અહીંના કેમ્પસમાં ચિત્ર લગાવવામાં આવ્યાં. એટલું જ નહીં નવરાત્રિમાં અહીં મહિષાસુરનું મહિમામંડન કરી મહિષાસુર શહાદત દિવસનું આયોજન કરવામાં આવ્યું.
 
* ૨૬ જાન્યુઆરી, ૨૦૧૫માં ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલના બહાને અહીં જમ્મુ-કાશ્મીરને એક અલગ દેશ ગણાવી તેનો સ્ટોલ નાખવામાં આવ્યો.
 
* આ પહેલાં પણ ૨૪ ઓક્ટોબર ૨૦૧૧ના કાવેરી છાત્રાલયમાં `લૅાર્ડ મેકોલે ઔર મહિષાસુર એક પુનર્પાઠ' વિષય પર સેમિનારનું આયોજન કરી મા દુર્ગા વિરુદ્ધ જાહેરમાં અપમાનજનક રીતે નિવેદન કરવામાં આવ્યા.
 
* જ્યારે ૧૦ એપ્રિલ ૨૦૧૦ના રોજ સમગ્ર દેશ દંતેવાડામાં નકસલી હુમલામાં શહીદ થયેલા ૭૬ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો હતો ત્યારે જેએનયૂના કેટલાક રાષ્ટ્રવિરોધી વિદ્યાર્થીઓ આ હુમલાને લઈને જશ્ન મનાવ્યો હતો. જ્યારે અન્ય વિદ્યાર્થીઓએ આનો વિરોધ કર્યો ત્યારે માઓવાદ પ્રત્યે સહાનુભૂતિ રાખતા વિદ્યાર્થીઓએ તેમના પર હુમલો કરી દીધો, જેમાં અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા. છત્તીસગઢ, ઝારખંડ સહિતનાં રાજ્યોના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાદળો દ્વારા ચલાવવામાં આવેલા `ઓપરેશન ગ્રીન હંટ' અભિયાનનો પણ અહીં જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. અને તેની વિરુદ્ધમાં સરેઆમ ચોપાનિયાં વહેંચાયાં હતાં અને જાહેર મીટીંગો યોજી હતી.
 
* ૨૦૦૫માં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહના ભાષણ દરમિયાન અહીંના વિદ્યાર્થીઓએ ભારે ડદગ મચાવી કાર્યક્રમને ખોરવી નાખ્યો હતો. ૨૦૦૮માં અહીંના સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ વિભાગમાં અમેરિકાના સચિવ રિચર્ડ બાઉચર ભારત-અમેરિકા પરમાણુ સંબંધો અંગેના એક સેમિનારમાં ભાગ લેવા આવ્યા હતા ત્યારે પણ લાલ ઝંડા લહેરાવી અમેરિકા હાય હાય પરમાણુ સમજૂતી રદ કરો જેવા નારા લગાવી કાર્યક્રમને ખોરવી નાંખવાનો પ્રયત્ન થયો હતો અને કાર્યક્રમને સ્થગિત કરવો પડ્યો હતો.
 
* ૫ માર્ચ, ૨૦૧૧ના રોજ અરુંધતી રોયના એક સેમિનારમાં ભારત સરકાર અને સંવિધાન વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા અને ચોપાનિયાં વહેંચ્યાં હતાં, જેમાં ભારતીય ધ્વજને પગતળે રગદોળાતું ચિત્ર છાપવામાં આવ્યું હતું.
 
* ૩૦ માર્ચ, ૨૦૧૧ અને ૨૦૧૫માં ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ દરમિયાન સરેઆમ પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા અને ભારતનું સમર્થન કરી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
 
* ૨૪ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ અન્ના આંદોલન વખતે પણ સરેઆમ ભારતના રાષ્ટ્રધ્વજને ફાડી પગ તળે રગદોળવામાં આવ્યો હતો.
 
 

કોંગ્રેસે જ આ ભષ્માસુરને ઊભો કર્યો

 
વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે ૨૦૧૪ પહેલાં જેએનયૂ કેમ્પસમાં ઇઝરાયલના કોઈપણ વ્યક્તિને અરે ત્યાંના રાજદૂતને પણ પ્રવેશવા પર પ્રતિબંધ હતો. મજાની વાત એ છે કે જેએનયૂની સ્થાપના ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ સરકારે પોતાને અનુકૂળ બૌદ્ધિક વાતાવરણ ઊભું કરવા, પોતાના મત મુજબ અને વિચારસરણી મુજબના ઇતિહાસ બનાવવા કરવામાં માટે આવી હતી. સમયાંતરે શ્રીમતી ગાંધીને પોતાની વિરાસત બચાવવા વામપંથીઓની મદદ લેવાની ગરજ પડી જેનો ભરપૂર ઉપયોગ વામપંથીઓએ શિક્ષણ સંસ્થાનો પર કબજો જમાવવા માટે કર્યો. ઇન્દિરા ગાંધીના સમયમાં જ ડાબેરી વિચારધારાવાળાં આ સંસ્થાનોમાં મહત્ત્વપૂર્ણ પદો પર બેસાડી દેવામાં આવ્યા, તેને કોઈ જ નકારી શકે નહીં, પરંતુ ધીરેધીરે જેએનયૂ વિદ્યાર્થી સંગઠનની તાકાતમાં વધારો થતો ગયો અને પરિણામ એ આવ્યું કે એક વખત અહીં ખુદ ઇન્દિરા ગાંધીને પણ જેએનયૂના દરવાજેથી જેએનયૂ વિદ્યાર્થી સંગઠને પાછા જવા મજબૂર કર્યાં હતાં. લાલકૃષ્ણ અડવાણીને પણ જેએનયૂના દરવાજા પર જ રોકી દેવામાં આવ્યા હતા. ત્યારથી માંડી આજ દિન સુધી જેએનયૂમાં વૈચારિક પ્રતિનિધિત્વના નામે સામ્યવાદી લાલ વિચારધારાનો જ કબજો રહ્યો છે. પછી કાશ્મીરનો મુદ્દો હોય કે ઉત્તરપૂર્વમાં નકસલ માઓવાદ ક્ષેત્રમાં હિંસા ફેલાવતી દેશદ્રોહી અલગાવવાદી તાકાતોને સમર્થન આપવાની જેએનયૂ વિદ્યાર્થી સંગઠને હંમેશાં ભારત સરકાર વિરોધી જ રાગ આલાપ્યો છે.
 

જેએનયૂના અલગાવવાદીઓ પોતાને ભારતથી પર માને છે

 
જેએનયૂના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનાં ભાષણો અને વિચારો આપણે સૌએ ટીવી પરની ચર્ચા અને તેમના દ્વારા યોજાતાં ધરણાં પ્રદર્શનો દરમિયાન સાંભાં હશે. તેઓના દરેક ભાષણોમાં હિન્દુ વિરોધ અને ભારતવિરોધ હોય છે. આ લોકો બેશરમીપૂર્વક મોહમ્મદ અફઝલ, યાકુબ મેમણ અને અજમલ કસાબનો જયજયકાર કરે છે અને ભારત તેરે ટુકડે હોંગેના નારા લગાવે છે. પરિણામે ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે જેએનયૂ ભારતની અંદર જ કોઈ અલગ દેશ હોય. ભારતમાં કોઈ આતંકી મલો થાય ત્યારે બેશરમીપૂર્ણ ઉજવણી, આતંકીઓને નિર્દોષ ગણાવી વિરોધ પ્રદર્શન અને આ બધામાં અહીંનાં ઉન્માદી તત્ત્વોને સાથ મળે છે, ભારતના જ કેટલાક રાજકીય પક્ષોનો મતબેન્ક અને સત્તાપક્ષના વિરોધમાં અંધ રાલ ગાંધી અને કેજરીવાલ જેવા નેતાઓ ટુકડે ટુકડે ગેંગના વિરોધ પ્રદર્શનોમાં જઈ તેમનું ખુલ્લેઆમ સમર્થન કરવાના દાખલા આપી સમક્ષ જ છે.
 

 
 

સામ્યવાદી જમાત ઊભું કરવાનું શિક્ષણ

 
ઇતિહાસ સાક્ષી છે કે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા જ પહેલાં કોંગ્રેસને અનુરૂપ બૌદ્ધિક વિચારકો ઊભા કરવા જેએનયૂની સ્થાપના થઈ અને શરૂઆતના ટૂકા જ ગાળામાં આખી સંસ્થા પર સામ્યવાદીઓનો વાવટો ફરકવા લાગ્યો. અહીં ભારતના ઇતિહાસ, રાજનીતિ, સાહિત્ય જેવા વિષયોને લાલ રંગે રંગી નાખવામાં આવ્યાં, જેનું પરિણામ આજે દેશ જાેઈ રહ્યો છે. દેશદ્રોહી અને આતંકવાદનું સમર્થન કરતાં વક્તવ્યોને અહીં બૌદ્ધિકતાના બહાને માનવામાં આવે છે.
 
અહીં શિક્ષણના બહાને બૌદ્ધિકતા એક મત કે વિચારધારા બાબતે આગ્રહી બનાવવા ભારતની પેઢીનું બ્રેઈનવોશ થઈ રહ્યું છે. ચર્ચ-મિશનરી સંસ્થાઓ દ્વારા ચલાવાતાં શોધ સંસ્થાનો જે દલિત ઉદ્ધાર, આદિવાસી શોધ તથા માનવ અધિકારના નામે ખોટું અને અતિશંયોક્તભર્યું સાહિત્ય તૈયાર કરે છે અને આના મૂળમાં હિન્દુ સમાજના ટુકડા ટુકડા કરી નબળો બનાવી તેમને હિન્દુ ધર્મથી દૂર લઈ જવાનું ષડયંત્ર હોય છે. આવી મોટાભાગની સંસ્થાઓ સાથે જેએનયૂના સમાજવિજ્ઞાન, શિક્ષણ વિભાગના નિકટના સબંધો રહ્યા છે.
 
આ બાબતે શ્રી અરવિંદના શબ્દો આપણને ઘણું બધું સૂચવી જાય છે. તે કહે છે કે કોઈપણ દેશનું પતન હંમેશા તેના ત્રણ ગુણોના હનનથી થાય છે. એક વિવેકપૂર્ણ વિચાર કરવા ક્ષમતા, બે તુલના અને વિશ્લેષણની ક્ષમતા અને અભિવ્યક્તિની ક્ષમતા. જેએનયૂની રાષ્ટવિરોધી લોબી આ જ ગુણોનો હથિયાર બનાવી ભારતના આ જ અધિકારો પર મલો કરી નેસ્તો નાબૂદ કરવાના પ્રયાસો કરી રહી છે. શ્રી અરવિંદની ચેતવણી એટલા માટે પણ યાદ રાખવા જેવી છે કારણ કે ઇતિહાસમાં જંગલી અને
લૂંટારૂ પ્રકારની પ્રજાતિ અને સંસ્કૃતિએ આક્રમણ કરી વિશ્વની સૌથી ઉન્નત એવી સભ્યતા સંસ્કૃતિ ધરાવતા આપણા લોકો પર રાજ કર્યું છે. વર્તમાન પરિસ્થિતિને જાેતાં એ વાત કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે જેએનયૂમાં આવા જ રંગે-ધર્મે આપણા જ દેશના લોકો પરંતુ વર્તન વાણી અને કર્મે બીજા ઘોર અલગાવવાદી વિચારધારાનાં લોકો પગદડો જમાવતા જઈ રહ્યા છે. અહીંના વિદ્યાર્થીઓ પ્રોફેસરોના બુદ્ધિહિન નિવેદનો અને પ્રદર્શનો ભારતીય ધર્મ-આસ્થા સંસ્કૃતિ વિરોધી ચળવળો આ વાતની ચાડી ખાય છે.
 

અભિવ્યક્તિની સ્વતંત્રતા મુદ્દે બેવડાં વલણો

 
જેએનયૂમાં આલમ એ છે કે એક તરફ અહીં અભિવ્યક્તિની સ્વતંત્રતા મુદ્દે હિન્દુ ધર્મ અને દેવી દેવતાઓ વિશે, મહાપુરુષો વિશે, ભારતીય સંસ્કૃતિ વિશે બેફામ બોલવામાં આવે છે. દેશ વિદેશ ભારતવિરોધી લોકોને શોધી શોધી લાલમંચ પૂરો પાડવામાં આવે છે. જ્યારે બીજી તરફ દેશના ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્ને બોલવા દેવામાં આવતા નથી એટલે સુધી કે તેમના આગમનના વિરુદ્ધ પણ આંદોલન કરવામાં આવે છે. બાબા રામદેવ અને સુબ્રમણ્યમ્‌ સ્વામીના આગમનનો પણ વિરોધ થાય છે. અરુણ શૌરીના વ્યાખ્યાન દરમિયાન કોમ્યુનિસ્ટ વિદ્યાર્થીઓની ગાળાગાળી બધાને યાદ જ હશે. યોગેન્દ્ર યાદવ સામે એટલા માટે હોબાળો કરવામાં આવ્યો હતો કારણ કે તેઓએ માત્ર એટલું જ કીધું કે કાશ્મીર દેશના મુખ્ય પ્રવાહમાં જાેડાઈ રહ્યું છે. તેમના આ નિવેદન બાદ અલગાવવાદીઓએ એટલી ધમાલ મચાવી કે તેઓને પોતાનું એ નિવેદન પાછું ખેંચવું પડ્યું હતું. જ્યારે આ જ લોકો ભારતના ટુકડે ટુકડા કરવાની નારાને મા દુર્ગા સહિતના હિન્દુ દેવી દેવતાઓ માટેની અપમાનજનક વાતોને, રાષ્ટીય પ્રતિકોનાં અપમાનને અભિવ્યક્તિની આઝાદી ગણાવે છે.
 
***
 
આમ "જેએનયૂ"નો ઇતિહાસ જાેઈએ તો અહીંના કેમ્પસમાં શરૂઆતથી જ એક અલગાવવાદી વિચારધારાનો દબદબો રહ્યો છે. બેસક અહીં સમયાંતરે એવી પણ પ્રવૃત્તિઓ થઈ છે જે વખાણવા લાયક પણ છે. શીખવિરોધી રમખાણો વખતે શીખોને આસરો આપવાની વાત હોય કે મહિલા સ્વાતંત્ર્યના મુદ્દાઓને આ જ કેમ્પસમાં ધાર મળી છે. પરંતુ બીજી બાજુ દેશને એક ચોક્કસ વિચારધારામાં મારી મચડી બેસાડી દેવાના હિંસક પ્રયાસો આ યુનિવર્સિટીને દાગદાર પણ કરી છે. જેએનયૂમાં ફી વધારવી કે પાછી ખેંચવી એ જેએનયૂ પ્રશાસનનો આંતરિક મામલો હોઈ શકે, પરંતુ જ્યારે દેશના કરોડો કરદાતાઓનાં પરસેવાની કમાણી અહીં ભંડોળ રૂપે ફળવાતી હોય ત્યારે અહીં ભારતનાં ટુકડે ટુકડા કરવાની વિચારધારા ખુલ્લેઆમ પ્રસરે. દેશના ચોક્કસ સંસ્કૃતિ - ધર્મને નિશાન બનાવી તેનું નામો નિશાન મિટાવી દેવાના હોકારા - પડકારા થાય. દેશના સૈન્ય, રાષ્ટવાદ, સંસ્કૃતિ, મહાપુરુષોને સતત નિશાન બનાવી તેના પર મલા કરવામાં આવે તે કોઈપણ સંજોગોમાં ચલાવી ન જ લેવાય.