પાથેય । વત્સ, તુ મારી અંતિમ પરીક્ષામાં પાસ થઈ ગયો છે.

    ૨૯-નવેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
 

 શિષ્યોની પરીક્ષા

આચાર્ય બશ્રુતના આશ્રમમાંથી ત્રણ ગુરુકુમારોની શિક્ષા પૂર્ણ થઈ રહી હતી. તેમની વિદાયનો દિવસ નજીક આવી રહ્યો હતો. એ દિવસ આચાર્યએ ત્રણેય ઋષિકુમારોને બોલાવી કહ્યું, `કાલે વહેલી સવારે તમારી અંતિમ પરીક્ષા થશે. તમે સમયસર મારી કુટિરમાં આવી જજો.
 
'આચાર્ય બશ્રુતે રાત્રે જ તેમની કુટિરે પહોંચવાના રસ્તે કાંટા પાથરી દીધા. વહેલી સવારે ત્રણેય ઋષિકુમારો આચાર્યની કુટિરે જવા નીકા. રસ્તા પર કાંટા હતા. પરંતુ શિષ્યો પણ કમજોર ન હતા. પહેલો ઋષિકુમાર અનેક વેદના છતાં કાંટાઓ પરથી ચાલી આચાર્યની કુટિરે પહોંચી ગયો. બીજો કુમાર કાંટાઓથી સાવધાનીથી બચી આચાર્યની કુટિરે પહોંચી ગયો, પરંતુ ત્રીજો ઋષિકુમાર નિશ્ચિત સમયથી થોડો મોડો આચાર્ય બશ્રુતની કુટિરે પહોંચ્યો. આચાર્યે તેને કારણ પૂછતાં તેણે જવાબ આપ્યો, `માર્ગમાં કાંટા વિખરાયેલા હતા. તેને દૂર કરવામાં સમય લાગ્યો. જો હું કાંટાઓ દૂર ન કરત તો તે રસ્તે ચાલનારા અનેક લોકોને વાગત.' આચાર્ય બશ્રુતે છેલ્લે પહોંચેલા વિદ્યાર્થીને ગળે લગાવતા કહ્યું,
 
`વત્સ, તુ મારી અંતિમ પરીક્ષામાં પાસ થઈ ગયો છે. જ્ઞાન એ છે જે વ્યવહારમાં કામ આવે, પરોપકારમાં કામ આવે. તારું જ્ઞાન એ કક્ષાએ પહોંચી ગયું છે. માટે તું સંસારમાં જઈશ તો તારી જાતને અને અન્યોને પણ કાંટાઓથી બચાવી શકીશ. આચર્ય બશ્રુતે બાકીના બન્ને ઋષિકુમારોને કહ્યું, `તમારે હજી ગુરુકુળમાં રહેવું પડશે, કારણ કે તમારી વિદ્યા હજુ પણ અધૂરી છે'.