શું ભારતને બદનામ કરી રહી છે આ વેબસીરિઝ?

    ૩૦-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
 

વેબસીરિઝનો દેશવિરોધી એજન્ડા

 
શ્રીનગરના લાલ ચોકનું એક શ્ય. રાતનો સમય છે, કરફ્યુ લાગેલો છે. ભારતની તપાસ એજન્સી (એનઆઈએ)ના બે અધિકારીઓ ચા પીતાં પરસ્પર વાતો કરી રહ્યા છે. એક મહિલા અધિકારી દિલ્હીથી ગયેલા તેના પુરુષ સહકર્મીને કહે છે, `આપણે અહીં જુલ્મ-સિતમના નામે જશ્ન મનાવી રહ્યાં છીએ. સ્પેશિયલ પાવર એક્ટના દમ પર કાશ્મીરીઓને દબાવાઈ રહ્યા છે. આપણે તેમના ફોન ઇન્ટરનેટ બંધ કરી દીધા. અહીંના લોકો આપણી દયા પર જીવવા મજબૂર છે. કોઈને આઝાદીપૂર્વક જીવવા ના દેવા એ જુલ્મ નહીં તો બીજું શું છે ?' પુરુષ સહકર્મી પેલી મહિલા અધિકારીની આ વાતથી ખૂબ જ પ્રભાવિત થાય છે. મહિલા અધિકારી આગળ કહે છે, `તો પછી આપણા અને આતંકવાદીઓ વચ્ચે ફરક શો ?'
 

દેશની સેનાની આતંકવાદી સાથે સરખામણી

 
આ દૃશ્ય કોઈ પાકિસ્તાની ફિલ્મનું નહીં પણ તાજેતરમાં જ આપણે ત્યાં જે ધૂમ મચાવી રહી છે તે વેબસીરિઝ ધ ફેમિલી મેનનું છે અને દેશની સેનાને આતંકવાદી સાથે સરખાવવાનું કારનામું આપણા જ દેશના ફિલ્મકારોનું છે. અભિવ્યક્તિ અને કલ્પનાના આધારે ભારતની યુવાપેઢીના માનસને દેશના જ સૈન્ય વિરુદ્ધ ભડકાવવામાં આવી રહ્યું છે. પાછલા કેટલાક સમયથી ડાબેરી ફિલ્મકારો દ્વારા દેશવિરોધી એજન્ડા ચલાવવા માટે માધ્યમોનો ભયાનક હદે દુરુપયોગ થઈ રહ્યો છે અને આ જ કડીમાં હમણાં હમણાં નવું નામ ઉમેરાયું છે તે છે વેબસીરિઝ.
 

 
 
આ વેબસીરિઝ એટલે ફિલ્મ જેવી જ ધારાવાહિક જેને એમેઝોન પ્રાઈમ વીડિયો નેટફ્લિક્સ જેવી મોબાઈલ એપ મારફતે યુવાપેઢીમાં ધૂમ જોવાય છે. આ વેબસીરિઝ જોઈએ તો સ્પષ્ટ થાય છે કે અહીં મનોરંજનના નામે નર્યો રાષ્ટ્રદ્રોહ, અશ્લિલતા, હિંસા અને હિન્દુધર્મ વિરુદ્ધ દુષ્પ્રચાર જ પીરસાય છે. આ વેબસીરિઝ પર સેન્સર બોર્ડનું કોઈ જ નિયંત્રણ હોતું નથી, જેનો ચાલાકીપૂર્વક ડાબેરી ફિલ્મકારો દ્વારા બેફામ દુરુપયોગ કરવામાં આવે છે. અહીં શરૂઆતથી જ અશ્લીલતા અને ગાળા-ગાળીનાં શ્યોની ભરમારની રાવ તો હતી જ પરંતુ ધ ફેમિલી મેન નામની વેબસીરિઝે તો દેશવિરોધી તમામ હદો વટાવી દીધી છે.
 

આતંકવાદી માટે સહાનુભૂતિ પેદા કરો !

 
થોડા સમય પહેલાં જ `સેક્રેડ ગેમ્સ' અને `ઘોલ' નામે એક વેબસીરિઝ આવી હતી, જેને તમે સીધેસીધા જ હિન્દુઓને બદનામ કરવાના ષડયંત્ર સાથે જોડી શકો. સેક્રેડ ગેમ્સમાં હિન્દુ ધર્મને એવી રીતે રજૂ કરવામાં આવ્યો હતો જે ધરતીને નષ્ટ કરવા માંગે છે. ધ ફેમિલી મેનની વાર્તામાં સીરિયાથી આતંકવાદની તાલીમ લઈ આવેલા આઈએસ અને કાશ્મીરી આતંકવાદીઓના માનવીય પક્ષોને મારીમચડી ઊભા કરવામાં આવ્યા છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે બધા જ આતંકવાદી હિન્દુઓ, પોલીસ કે પછી ભારતીય સેનાના અત્યાચારથી પરેશાન થઈને હથિયાર ઉઠાવવા મજબૂર બને છે. ભારતમાં મુસ્લિમો પર દરેક પ્રકારના અત્યાચાર થઈ રહ્યા છે. તેમને દબાવવામાં આવી રહ્યા છે. કચડવામાં આવી રહ્યા છે.
યાદ કરો જ્યારે કાશ્મીરમાં ખૂંખાર આતંકવાદી બુરહાન વાની માર્યો ગયો હતો ત્યારે દેશની એક તથાકથિત અગ્રણી પત્રકારે સોશિયલ મીડિયા પર તેના અંગે લખ્યું હતું કે, `તે કાશ્મીરી યુવાઓ માટે નાયક હતો. તેના પિતા બિચારા શાળામાં એક સામાન્ય શિક્ષક હતા. વગેરે વગેરે...' બસ આ જ પરંપરાને હવે વેબસીરિઝના માધ્યમ થકી આગળ વધારાઈ રહી છે. આ લોકો મારીમચડી ભારતની યુવાપેઢીમાં એવું ઠસાવવા મથી રહ્યા છે કે દરેક આતંકવાદી ખરાબ નથી હોતો. એ તો બિચારો પરિસ્થિતિવશ હથિયાર ઉઠાવવા મજબૂર બને છે. બાકી તેના પરિવારમાં પણ મા, બહેન અને પિતા હોય છે, જેમની યાદમાં તેનું દિલ તડપે છે. તે આતંકવાદી હોય છે, પરંતુ પ્યાર પણ કરી જાણે છે અને મોટાભાગના કિસ્સાઓમાં આ આતંકવાદીઓને બિનમુસ્લિમ એટલે કે હિન્દુ કે ઈસાઈ યુવતી સાથે જ પ્રેમ થઈ જાય છે અને તે એ આતંકવાદીની હકીકત જાણતી હોવા છતાં તેને પ્રેમ કરતી હોય છે અને જ્યારે તે માર્યો જાય છે ત્યારે તેને ન્યાય અપાવવા કેંડલમાર્ચ કાઢે છે. ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. ભારતની આમજનતા અને વિશેષ કરીને યુવાપેઢીના મનમાં ગમે તેમ કરી આતંકવાદીઓ માટે સહાનુભૂતિ પેદા કરો.'
 

 
 

આતંકનું સૌથી મોટુ કારણ ગુજરાતનાં રમખાણો ?

 
`ધ ફેમિલી મેન' મુજબ ઇસ્લામિક આતંકવાદનું સૌથી મોટું કારણ ૨૦૦૨નાં ગુજરાત રમખાણો હતાં. દેશમાં મોટાભાગના આતંકવાદીઓ રમખાણોની પૃષ્ઠભૂમિમાં જ તૈયાર થયા હતા અને તેઓ આતંકવાદી એટલા માટે બન્યા કે તે રમખાણોમાં તેમના પરિવારના કોઈકનું મૃત્યુ થયું હતું. પરંતુ રાષ્ટ્રવિરોધમાં અંધ બનેલા આ લોકો એ વાતને કેમ ધરાર નજરઅંદાજ કરે છે કે ગુજરાત રમખાણોની શરૂઆત ગોધરાકાંડથી થઈ હતી, જેમાં ૫૮થી વધુ નિર્દોષ હિન્દુઓને જીવતા ભૂંજી નાંખવામાં આવ્યા હતા. અરે ત્યાર બાદનાં રમખાણોમાં પણ ઓછામાં ઓછા ૩૦૦ હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. ગોધરાકાંડમાં અને ત્યાર બાદનાં રમખાણોમાં માર્યા ગયેલા હિન્દુઓના પરિવારમાંથી કેમ કોઈએ હથિયાર ન ઉઠાવ્યાં? જે જમ્મુ-કાશ્મિરની પરિસ્થિતિ પર સીરિઝ બની છે તે જમ્મુ-કાશ્મિરમાં ૯૦ના દાયકામાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા થયેલી પંડિતોની કત્લેઆમ આ લોકોને યાદ નથી ? ૪ લાખ હિન્દુ પંડિતોને ઘરબાર છોડવું પડ્યું અને સૈંકડો હિન્દુ મહિલાઓ પર બળાત્કાર થયાં ત્યારે તો કોઈ હિન્દુએ હથિયાર ના ઉઠાવ્યાં ? એ પરિવારનો કોઈ હિન્દુ કેમ અત્યાર સુધી આતંકવાદી નથી બન્યો ? જો દેશમાં આતંકવાદ વકરવાનું એક માત્ર કારણ ગુજરાત રમખાણો હોય તો શું ૨૦૦૨ પહેલાં દેશમાં આતંકવાદ ન હતો?
 


 

માધ્યમોમાં ચર્ચાથી ઘટનાઓની પ્રભાવિત કથાવાર્તા

 
આ પ્રકારની વેબસીરિઝ બનાવનાર ડાબેરી ફિલ્મકારો આખરે ઇચ્છે છે શું ? એ વાતને સમજવા માટે આપણે સમગ્ર રાષ્ટ્રીય પરિશ્યને સંદર્ભમાં લેવું પડશે. ધ્યાનથી જોઈએ તો એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે મોટાભાગની વેબસીરિઝ માધ્યમોમાં ચાલી રહેલા સમાચારો અને ઘટનાઓથી પ્રભાવિત હોય છે. તેની વાર્તા કહેવામાં તો કાલ્પનિક હોય છે, પરંતુ તેમાં દેશમાં ચાલતી તાજી ઘટનાઓને મારીમચડી બેસાડવાના પ્રયાસો થાય છે.
 
ઉદા. થોડા સમય પહેલાં દેશનાં એક વિસ્તારમાં એક મહિલાને સરેઆમ મારવામાં આવી તેને ગૌમાંસ ખાવા માટે મજબૂર કરવામાં આવી અને તેનું મતાંતરણ કરવામાં આવ્યું. આ આખી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો, પરંતુ ઘટનામાં આરોપી મુસ્લિમ હતા માટે માધ્યમોમાં એવી સક્રિયતા જોવા ન મળી જેવી સક્રિયતા આરોપી હિન્દુ હોય છે ત્યારે જોવા મળે છે. છતાં પણ લોકલાજે આ ઘટનાને બતાવવી તો પડે જ. માટે માધ્યમોએ ઘોર સેક્યુલર રસ્તો કાઢ્યો અને દર્શાવવામાં આવ્યું કે એક આદિવાસી મહિલાને સરેઆમ ગામ વચ્ચે માર મારવામાં આવ્યો, પરંતુ તેને સરેઆમ મારનારા લોકો કોણ ? એ અંગે તમામ માધ્યમો મિયાંની મીંદડી બની ગયાં. આ ઘટનાને એવી રીતે રજૂ કરવામાં આવી કે આખો મામલો જાતિવાદી હિંસાનો બની ગયો, જેથી આમજનતાને લાગ્યું કે જરૂર તેના પર કોઈ ઉચ્ચ વર્ગના દબંગ લોકોએ અત્યાચાર કર્યો હશે.
 
માધ્યમો દ્વારા વાવેલો આ જ પાક હવે નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો દ્વારા લણાઈ રહ્યો છે. સમાચારોમાં જે રીતે તથ્યોને તોડીમરોડી હકીકતોને છુપાવી લોકોને ભ્રમિત કરવાની કોશિશ થાય છે. બરોબર એ જ કોશિશ વેબસીરિઝના નિર્માતાઓ દ્વારા થઈ રહી છે.
 

 
 

દીકરી પોતાના બાપની સામે જ ગાળો બોલે છે 

 
`ધ ફેમિલી મેન'માં કરીમ નામના એક વિદ્યાર્થીનું પાત્ર છે, જે કોલેજની હોસ્ટેલમાં રહે છે. તે એક કાર્યક્રમમાં આવેલા હિન્દુ મહેમાનોને કપટપૂર્વક ગૌમાંસ ખવડાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ આખા શ્યને ઉશ્કેરણીજનકને બદલે એક સત્યાગ્રહની જેમ રજૂ કરવામાં આવ્યું છે. કરીમ માટે હિન્દુઓની ધાર્મિક લાગણીઓનું કોઈ જ મૂલ્ય નથી. બની શકે વેબસીરિઝના આ શ્યમાંથી પ્રેરણા લઈ કોઈ કટ્ટરવાદી હિન્દુઓને કપટપૂર્વક ગૌમાંસ ખવડાવી દેવાનું દુસાહસ કરે. આ પ્રકારના દુસાહસના કેવા પ્રત્યાઘાતો પડી શકે છે, એની કલ્પનાં આ ડાબેરી ફિલ્મસર્જકોએ કદાચ જ કરી હશે. આવી ઘટના હકીકતમાં બને ત્યાર બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી તો તેની જવાબદારી કોની ?
 
કરીમ નામનો આ આતંકી પાકિસ્તાનમાં બેઠેલા તેના આકાઓ સાથે ફોન પર વાત કરે છે. પોલીસની ગાડી જ્યારે તેને રોકવાનો પ્રયત્ન કરે છે તો તે અને તેના મિત્રો પોલીસ પર ફાયરિંગ કરે છે. જવાબી કાર્યવાહીમાં તે તમામ માર્યા જાય છે, પરંતુ વેબસીરિઝમાં આને પણ મુસલમાનો પરના અત્યાચાર તરીકે દર્શાવ્યું છે. આ અથડામણ બાદ તમામ પોલીસો શોકમાં ગરકાવ થઈ જાય છે. તમામને અફસોસ થાય છે કે, તેઓએ ખોટું કામ કર્યું છે. આ આખી ઘટનાને એવી રીતે રજૂ કરવામાં આવી છે કે, કોઈપણને લાગે છે `એનઆઈએ' જેવી સંસ્થાઓ આતંકવાદી હુમલા રોકવામાં નિષ્ફળ છે અને તે માત્ર નિર્દોષ મુસ્લિમોને જ પકડી રહી છે. તેમની હત્યા કરી રહી છે. વેબસીરિઝમાં આતંકવાદી હુમલા દરમિયાન ભારતીય મુસ્લિમો ઉજવણીને પણ ન્યાયોચિત ઠેરવવામાં આવી છે.
 

 
 
આ પ્રકારની વેબસીરિઝો માત્ર રાષ્ટ્રીય સુરક્ષા પર જ નહીં આપણા પારિવારિક અને સામાજિક માળખા પર પણ જોરદાર હુમલો કરે છે. ધ ફેમિલી મેનના એક શ્યમાં શાળાએ જતી એક કિશોરી પોતાના પિતાની સામે જ ગર્ભનિરોધક ગોળીઓ લે છે અને જ્યારે તે શાળામાં પકડાઈ જાય છે તો તેના પિતા તેનો પક્ષ લઈ તેને યોગ્ય ઠેરવતાં કહે છે, આમાં શી મોટી વાત છે, તેણે કાંઈ ડ્રગ્સ થોડું લીધું છે ? દીકરી પોતાના બાપની સામે જ ગાળો બોલે છે અને પિતા પણ દીકરી સામે જ ગાળો બોલે છે. આવી જ રીતે સેક્રેડ ગેમ્સમાં ગુરુ-શિષ્યના સંબંધોને પણ આપત્તિજનક રૂપે દર્શાવવામાં આવ્યા છે. તેમાં ઉપનિષદોના મહાવાક્ય `અહં બ્રહ્માસ્મિ'ને કલંકિત કરવાની કોશિશ કરવામાં આવી છે.
 

 
 

દેશવિરોધી વિચારધારાવાળી વેબસીરિઝો પાછળ કોનું ભેજું ? 

 
આ પ્રકારની વેબસીરિઝ પાછળ કોનું દિમાગ છે ? આગળ જણાવ્યું તેમ ઘૃણા અને અશ્લીલતાનો આ આખો ઉદ્યોગ ઘોષિત સ્વરૂપે ડાબેરી વિચારધારાને વરેલા ફિલ્મકારો દ્વારા ચલાવાઈ રહ્યો છે. એક તરફ આ વેબસીરિઝમાં ભારત સરકાર અને સુરક્ષા એજન્સીઓથી લઈ ભારતીય સૈન્યને ખલનાયક તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ આતંકવાદીઓનું મહિમા મંડન કરી અપ્રત્યક્ષ રીતે પાકિસ્તાનના વલણને ખુલ્લેઆમ સમર્થન અપાઈ રહ્યું છે અને પાકિસ્તાની સેનાને એક જવાબદાર સેના તરીકે દર્શાવાઈ રહી છે. તેથી એ વાત સમજવી અઘરી નથી કે વેબસીરિઝની આ વાર્તાઓ પાછળ જરૂર કોઈક મોટું ષડયંત્ર છે. આશા રાખીએ કે ભારત સરકાર અને સુરક્ષા એજન્સીઓની નજર આ નવો ખતરો પડકાર બને તે પહેલાં જ તેની તરફ જાય અને ખૂબ જ ઝડપથી દેશની જનતા સમક્ષ આ ષડયંત્ર બેનકાબ થાય...