એક સમયે વિશ્વ પર રાજ કરનાર યુરોપનાં વળતાં પાણી આવનારો સમય આ ચાર દેશોનો હશે...!

    ૦૭-નવેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
ભારતનું વિભાજન કરાવી હિંસા ભડકાવનાર અને કાયમ માટે ભારત-પાકિસ્તાનને લડતા કરી દેનાર બ્રિટનને કર્મના સિદ્ધાંતો મુજબ, બ્રૅક્ઝિટ વખતે વંશવાદી હિંસા, રોટી રમખાણોનો સામનો કરવો પડે તેવી ભીતિ છે. ત્યાં છેલ્લાં ત્રણ વર્ષમાં ત્રણ વડા પ્રધાન આવી ગયા છે. જર્મની હોય કે કેનેડા, કે પછી અમેરિકા બધે જ અત્યારે રાજકીય અસ્થિરતાનું વાતાવરણ છે.
બ્રિટનમાં જૂન ૨૦૧૬માં એક લોકમત લેવાયો હતો. બ્રિદાય (બ્રિટન+વિદાય, જો બ્રિટન + એક્ઝિટનું બ્રૅક્ઝિટ થઈ શકે તો ગુજરાતીમાં બ્રિદાય કેમ ન થઈ શકે? ગુજરાતી ભાષાએ જીવંત રહેવા આવા નવા શબ્દો બનાવવા પડશે) મુદ્દે લેવાયેલા આ લોકમતમાં ૫૧.૯ ટકા લોકોએ કહ્યું હતું કે બ્રિટન યુરોપીય સંઘની બહાર નીકળી જાય.
 
આનાં કારણોમાં એક કારણ હતું કે યુકેના લોકો ઈચ્છતા હતા કે યુકે વિશેનો નિર્ણય યુકેના લોકો જ લે. યુરોપના લોકો નહીં. બીજું કારણ સ્થળાંતર (ઇમિગ્રેશન) અને સરહદ હતું. લોકો ઈચ્છતા હતા કે સ્થળાંતર અને સરહદના નિર્ણય પણ યુકે દ્વારા જ થવા જોઈએ કારણકે યુરોપીય સંઘમાં હોવાના કારણે યુરોપીય સંઘના ૨૮ દેશોના કોઈ પણ નાગરિક યુકેમાં વિઝા વગર આવી શકતા હતા. પરિણામે તેઓ ઓછા ભાવમાં કામ કરતા હોવાથી મૂળ બ્રિટિશરો કામ વગરના થઈ ગયા હતા. ટૂંકમાં, ત્યાં એક રીતે રાષ્ટ્રવાદની ભાવના જાગૃત થઈ હતી.
 
બ્રિટન યુરોપીય સંઘમાં ૧૯૭૩માં જોડાયું હતું. તે વખતે તે યુરોપીયન ઇકૉનૉમિક કમ્યૂનિટી તરીકે ઓળખાતું હતું. પરંતુ કાળક્રમે બ્રિટનમાં ઉપર કહ્યાં તે પ્રમાણેનાં કારણોસર યુરોપીય સંઘમાંથી નીકળવાની ઈચ્છા તીવ્ર બની અને લોકોએ તેની તરફેણમાં મત આપ્યો.
 
હવે આ પરિણામના માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં બ્રિટનમાં ત્રણ વડા પ્રધાન આવી ગયા! સમજવા માટે કહેવું હોય તો ભારતમાં જેમ ૧૯૯૬થી ૧૯૯૮ના માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં, અટલબિહારી વાજપેયી, એચ. ડી. દેવેગોવડા અને આઈ. કે. ગુજરાલ એમ ત્રણ વડા પ્રધાન આવી ગયા હતા અને સ્થિતિ કથળી હતી, તેવી જ સ્થિતિ ભારતની થઈ છે. જોકે ભારતમાં અસ્થિરતાની શરૂઆત તો ૧૯૯૦થી થઈ ગઈ હતી, પરંતુ ૧૯૯૧થી ૧૯૯૫ સુધી કૉંગ્રેસની લઘુમતી સરકારને દેશહિતમાં ભાજપે સમર્થન ન આપ્યું હોત તો દેશમાં અરાજકતાની સ્થિતિ વ્યાપી ગઈ હોત.
 
બ્રિટનમાં બ્રિદાય પછી ડેવિડ કેમેરોને અને થેરેસા મેએ ત્યાગપત્ર આપ્યા છે. આમ, બોરિસ જૉનસન ત્રણ વર્ષમાં ત્રીજા વડા પ્રધાન છે! જેમ ભારતમાં અત્યાર સુધી રાજ્યસભામાં કૉંગ્રેસ ત્રણ તલાક અને બીજા કેટલાક મુદ્દે પોતાના સંખ્યાબળના જોરે કામો અટકાવી રાખતી હતી તેમ ત્યાં બ્રિટનમાં પણ બહુમતી લોકોએ બ્રિદાયની તરફેણમાં મતદાન કર્યું તેમ છતાં આ અંગે સંસદમાં જે કાર્યવાહી કરવી પડે તેમાં લેબર પક્ષના સાંસદો રોડાં નાખી રહ્યા છે. આમ તો ૨૯ માર્ચ ૨૦૧૯ના રોજ બ્રિટને યુરોપીય સંઘમાંથી જુદા થઈ જવાની તારીખ નક્કી હતી, પરંતુ બ્રિદાયની તરફેણમાં લોકમત આવ્યા પછી ડેવિડ કેમેરોને ત્યાગપત્ર આપ્યું અને થેરેસા મે વડાં પ્રધાન થયાં. ત્યાર પછી સાંસદોએ બે વાર બ્રિદાયની તારીખ પાછી ઠેલાવવા વિવશ કર્યાં.
 
થેરેસા મેએ જે બ્રિદાયની સમજૂતી તૈયાર કરી હતી તેને સાંસદોએ સ્વીકારી નહીં. એટલે તેમણે ત્યાગપત્ર આપ્યો. જુલાઈ ૨૦૧૯માં બોરિસ જૉનસન નવા વડા પ્રધાન બન્યા. તેમના કાર્યકાળમાં પણ અત્યાર સુધી આ સમજૂતી પસાર થઈ શકી નથી. આનું કારણ એ છે કે ૮ જૂન ૨૦૧૭ના રોજ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પક્ષ સૌથી મોટો પક્ષ તો બન્યો, પણ તેને બહુમતી નથી મળી. આથી તેણે ઉત્તરીય આયર્લેન્ડના ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પક્ષ સાથે મોરચા સરકાર બનાવવી પડી. બોરીસ જૉનસને સંસદ સુષુપ્ત કરી દેવાની રાણીને ભલામણ કરી તો તેને પણ સર્વોચ્ચ ન્યાયાલયે નકારી કાઢી.
પોતાની બ્રિદાયની દરખાસ્ત પસાર કરાવવા માટે બોરીસ જૉનસને ચૂંટણી કરાવવાનો કીમિયો પણ અજમાવ્યો. તેઓ ચૂંટણી એટલા માટે કરાવવા માગે છે કે તેમના પક્ષને સંસદમાં બહુમતી મળી જાય તો વિરોધી સાંસદોની હેરાનગતિ ઓછી થઈ જાય. બોરીસના ત્રણ વારના પ્રયાસો નિષ્ફળ ગયા કારણકે ચૂંટણી કરાવવા માટે પણ સંસદના બે તૃત્તીયાંશ સાંસદોની અનુમતિ જોઈએ. જોકે હવે તેઓ સફળ થયા છે અને ૧૨ ડિસેમ્બરે બ્રિટનની સામાન્ય ચૂંટણી યોજાશે.
 

 
 
બ્રિદાય પર ટાળંટોળથી બ્રિટનના અર્થતંત્રને બહુ ખરાબ અસર થઈ છે. ૨૦૧૬માં બ્રિદાય પર લોકમત પછીથી અત્યાર સુધીમાં બ્રિટનનું ચલણ પાઉન્ડ અમેરિકી ડૉલર સામે ૧૩ ટકા ગગડી ગયો છે. તાજેતરના મહિનાઓમાં તે અનેક વર્ષોના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. લૉઇડ્સ બૅન્કિંગ ગ્રૂપ પીએલસી જેવી યુકેની બૅન્કો માટે ધિરાણનો ખર્ચ ખૂબ વધી ગયો છે. યુકેમાં અસ્થિરતાના કારણે ઉદ્યોગો પોતાના મૂડીરોકાણના નિર્ણયો મોકૂફ રાખી રહ્યા છે. ૨૦૧૭ના ચોથા ત્રિમાસથી યુકેનો વૃદ્ધિદર પણ ઘટી રહ્યો છે. યુકેમાં મુખ્ય બૅન્ચમાર્ક શૅર સૂચકાંક FTSE 100 પણ સતત ઘટી રહ્યો છે.
 
ગત જૂનમાં પૂરા થયેલા ત્રિમાસમાં બ્રિટનનું અર્થતંત્ર ૦.૨ ટકા ઘટ્યું હતું. બ્રિટનના મેન્યુફૅક્ચરિંગ, બાંધકામ અને કૃષિ ક્ષેત્રમાં પણ મંદી છે.
 
બ્રિટનને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. ભાગલા પાડો અને રાજ કરોની કુનીતિથી પહેલાં ભારતમાં હિન્દુ-મુસ્લિમો તેમજ હિન્દુઓમાં સવર્ણો-દલિતોને અંદરોઅંદર લડાવનાર અને પછી ભારતના બે ભાગલા કરાવી હંમેશ માટે ભારત-પાકિસ્તાનને ઝઘડતા રાખનાર બ્રિટન જ્યારે યુરોપીય સંઘમાંથી વિદાય લેશે ત્યારે તેની હાલત ભારત વિભાજન વખતે જેવી હિંસા થઈ હતી તેવી થવાં અનુમાનો છે.
 
વંશવાદી (રેસિસ્ટ) હુમલાઓથી લઈને રોટી રમખાણો અને સરહદ પર અંધાધૂંધી સર્જાવા ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. નફરતસભર અપરાધો (હૅટ ક્રાઇમ), શેરીઓમાં રાડારાડી, બથંબથી, ઇન્ટરનેટ પર ઝઘડા, વગેરે વધી જશે તેમ રિસ્ક ઍડ્વાઇઝરી ગ્રૂપના વિશ્લેષક જેસ્પર કુલીનનું કહેવું છે. આ ગ્રૂપ કંપનીઓ અને સરકારોને રાજકીય અને સુરક્ષા જોખમોને સંભાળવા અંગે સલાહ આપવાનું કામ કરે છે.
 
તો તાજેતરમાં જેનાં વડાં પ્રધાન (ત્યાં તેને ચાન્સેલર કહે છે) એન્જેલા માર્કેલ ભારતની મુલાકાત લઈને ગયા તે જર્મનીમાં પણ રાજકીય અસ્થિરતાનું વાતાવરણ છે. ડાબેરી સૉશિયલ ડેમોક્રેટિક પાર્ટીનું ધોવાણ થઈ રહ્યું છે. એક વર્ષ પહેલાંની ચૂંટણીમાં કોઈને સ્પષ્ટ બહુમતી ન મળતાં ત્યાં મિશ્ર સરકાર રચવી પડી છે. અત્યાર સુધી એન્જેલા માર્કેલના નેતૃત્વમાં ત્રણ વાર સરકાર બની અને તે કાળ જર્મની માટે અર્થતંત્રની દૃષ્ટિએ સુવર્ણ ગણાય છે, પરંતુ હવે તેમની ચોથી અવધિમાં જર્મનીનો પણ ખરાબ સમય શરૂ થઈ ચૂક્યો છે. તાજેતરમાં બહાર આવેલા સમાચાર મુજબ, વર્ષના બીજા ત્રિમાસમાં જર્મન અર્થતંત્ર સંકોચાઈ રહ્યું છે. અને આ સંકેત છે આવનારી મંદીનો. ત્યાંના ઉદ્યોગો સરકાર પાસે પેકેજ માગી રહ્યા છે, પરંતુ એન્જેલા માર્કેલ હજુ મગનું નામ મરી પાડી રહ્યાં નથી.
 
કેનેડામાં ગયા મહિને ૨૨ ઑક્ટોબરે બહાર આવેલાં ચૂંટણી પરિણામોમાં જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીને બહુમતી મળી નથી. તેથી જસ્ટિન ટ્રુડોને લઘુમતી સરકાર ચલાવવી પડશે. આમ, અહીં પણ ન માત્ર અસ્થિરતાનું વાતાવરણ છે, પરંતુ સાથે જ લિબરલોની પીછેહઠ પણ છે. કેનેડાના ઇતિહાસમાં બીજી વાર એવું થયું છે કે કોઈ શાસક પક્ષ ૩૫ ટકા કરતાં પણ ઓછા મત સાથે સરકાર બનાવશે. કેનેડાના ઇતિહાસમાં લિબરલોને સૌથી ઓછા ટકા રાષ્ટ્રીય લોકપ્રિય મતો મળ્યા છે. જસ્ટિન ટ્રુડોએ જોકે આ પરિણામ છતાં પોતાના એજન્ડાને આગળ વધારવા ડિંગ મારી છે. તેમણે મિશ્ર સરકાર રચવા પણ ના પાડી છે. આની અસર પણ કેનેડાના અર્થતંત્ર પર થવાની જ છે.
 
અમેરિકામાં જ્યારથી રાષ્ટ્રવાદી ડૉનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા છે ત્યારથી, ચાહે તે ગેરકાયદે સ્થળાંતરિતોની વાત હોય કે મેક્સિકો સરહદે દીવાલ બાંધવાની વાત હોય ત્યાંના ડેમોક્રેટ સાંસદો, મિડિયા અને કેટલીક હદે સર્વોચ્ચ ન્યાયાલય પણ તેમના કાર્યમાં અડચણરૂપ બનતું રહ્યું છે. હવે તો વાત એ હદે પહોંચી છે કે ડૉનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ તોળાઈ રહ્યું છે. ટ્રમ્પ પર આક્ષેપ છે કે તેમણે તેમના હરીફ જૉ બિડેન અને તેમના દીકરા સામે યુક્રેન ગેસ કંપનીમાં ભ્રષ્ટાચારના કેસની તપાસ કરવા યુક્રેન પર દબાણ કર્યું. ત્યાં પણ કૉંગ્રેસ (આપણી લોકસભા)માં ડેમોક્રેટની બહુમતી છે. તેથી તેમણે મહાભિયોગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધના પરિણામે અને બીજાં કારણોસર અમેરિકાનું અર્થતંત્ર પણ ધીમું પડી ગયું છે.
 
આવી સ્થિતિમાં ભારતમાં ભલે અત્યારે અર્થંતંત્રની ગાડી ધીમી પડી હોય, પરંતુ ભારતમાં અત્યારે સ્પષ્ટ બહુમતીવાળી ભાજપ સરકાર છે. વળી, મોટા ભાગનાં રાજ્યોમાં પણ આ જ સરકાર છે. આવી રાજકીય સ્થિરતા અર્થતંત્રને ફરીથી દોડતું કરવામાં મદદરૂપ થશે. ‘ઇકૉનોમિસ્ટ’ ઇન્ટેલિજન્સ યૂનિટના રિપૉર્ટ પ્રમાણે, ભારત અને ચીનમાં આ વર્ષના ચોથા ત્રિમાસમાં વેગવાળો વૃદ્ધિદર નોંધાશે. આ રીતે, રાજકીય રીતે, સૈન્યની રીતે અને અર્થતંત્રની રીતે ભારતની તાકાત સતત વધતી જવાની છે. આ જ રીતે ચીનમાં એક જ પક્ષ-કમ્યૂનિસ્ટ પાર્ટી ઑફ ચાઇનાનું શાસન છે. શી જિનપિંગ તેના આજીવન વડા તરીકે ચૂંટાયા છે. તેઓ જીવશે ત્યાં સુધી ચીનમાં તેઓ જ તેના વડા રહેવાના છે. રશિયામાં પણ વ્લાદીમીર પુતીન મજબૂત છે. ઇઝરાયેલમાં વડા પ્રધાન મોદીના મિત્ર નેતાનયાહુને ફટકો જરૂર પડ્યો છે, પરંતુ ઇઝરાયેલ પહેલેથી ભારતનું રણનીતિની દૃષ્ટિએ મિત્ર રહ્યું છે. આ સ્થિતિમાં આવનારા સમયમાં આ ચાર દેશો પર બધાની નજર રહેશે.
 
- જયવંત પંડ્યા