માનસમર્મ । મોજ એ વિશ્વની સૌથી મોટી ખોજ છે । મોરારિબાપુ

    ૧૯-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

moraribapu_1  H 
 
એન્ટીઓશની નદી પર પુલ બાંધવાનું નક્કી થયું. નદીની સામે પારના લોકો પણ નગરના સંપર્કમાં સરળતાથી આવી શકે એ મૂળ હેતુ હતો. ત્યાં સુધી સામાન પહોંચાડવાનું કામ થોડું મુશ્કેલ હતું, પણ ખચ્ચરોએ સરળ કરી નાખ્યું. ખચ્ચરોએ બધો સમાન પહોચાડ્યો. પુલ બંધાઈ ગયો ત્યારે લખવામાં આવ્યું કે આ પુલ રાજા એન્ટીઓકસે બંધાવી આપ્યો છે.
 
હવે પુલ પારના લોકો સહજતાથી એમની વસ્તુ નગરમાં આવી વેચી શકતા હતા અને નગરના લોકોને પણ એ સસ્તામાં મળવા લાગી હતી. બંને પક્ષને ફાયદો થયો. સમાજમાં પણ બે વ્યક્તિ વચ્ચે અણબનાવ થાય ત્યારે આવા પુલ જોડવાની જરૂર છે.
 
એકવાર એક અર્ધપાગલ જેવા માણસે પુલ પરનું લખાણ ભૂંસી અને લખ્યું કે આ પુલ રાજાએ નહીં ખચ્ચરોએ બનાવ્યો છે.
કેટલી સીધીસાદી વાત છતાં અનેક અર્થોના આકાશને તાકે છે. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા....ની પરંપરા સાથેનું અનુસંધાન થાય છે. બધા રાજા કે રાજકારણી ખરાબ હોય એવું માનવું આત્યંતિક છે. તાજેતરમાં જ હું ઉત્તરકાશી રામકથા માટે જઈ રહ્યો હતો. મારું ટૂંકું રોકાણ દહેરાદૂન એરપોર્ટ પર હતું. ત્યાં મને જાણ કરવામાં આવી કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહજી કોશિયારી પણ વીઆઈપી લોન્જમાં છે. ત્યારે મેં કહ્યું કે ચાલો એમને મળીએ. બીજી તરફ રાજ્યપાલના કાને પણ વાત પહોંચી કે હું અહીં છું અને એમને મળવા આવી રહ્યો છું. એમણે કહ્યું બાપુને હું જ મળવા આવી રહ્યો છું અને મને મળ્યા...
મેં કહ્યું કે આપ ગવર્નર છો, હોદ્દાને મારે સન્માન આપવું જોઈએ. મારે મળવા આવવું જોઈએ.
 
એમણે અદભુત જવાબ આપ્યો કે ગવર્નર તો ઠીક છે, નર બનું તોય ઘણું.. અમારો હોદ્દો પાંચ વર્ષ પૂરતો મર્યાદિત અને સંતનો હોદ્દો તો આજીવન છે.
 
હોદ્દાનો સહેજ પણ ભાર નહીં... આવા ગવર્નર તો `ગર્વ'નર છે.
 

moraribapu_1  H 
 
જીવનના અનેક પડાવ હોય છે. એક પડાવનું નામ જંગલ છે. એક સમયે આપણે આદિમાનવના રૂપમાં જંગલી હતા. આજે તો આપણે અમીબાથી અણુબોમ્બ સુધી પહોંચી ગયા છીએ. ખૂબ લાંબી યાત્રા કરી છે, એમાં પ્રગતિ અને પછડાટ બન્ને છે. બીજો પડાવ વન છે. ડાર્વિને જે ઉત્ક્રાંતિવાદની વાત કરી એને એક બાજુ રાખીએ. પણ જીવનસાધનાનો જે ઉત્ક્રાંતિવાદ છે એ પ્રમાણે વ્યાસપીઠને લાગે છે કે બીજો મુકામ વન છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ ઉત્તિષ્ઠ થા, જાગૃત થા અને એ લક્ષને પ્રાપ્ત કર. ત્રીજો પડાવ ઉપવન છે. વનથી થોડો સારો પડાવ છે. જ્યાં મા હોય છે. ઘણા જન્મોની મંગલયાત્રા કરીને, વનમાંથી પસાર થઈને ઉપવનનો સ્વાદ લઈને માના ઘરમાં આવ્યા છીએ. કન્યાકુમારી(તમિલનાડુ) કથામાં મેં કહેલું કે માનસમાં કન્યા શબ્દ તો અનેકવાર પ્રયોજાયો છે. જાનકી, પાર્વતી ઇત્યાદિના સંદર્ભમાં... ક્યારેક દક્ષકુમારી, ક્યારેક વ્રજેશકુમારી...
 
न त कन्या बरु रहउ कुमारी |
कंत उमा मम प्राणपिआरी ||
 
ભવાનીની માતા મહારાણી મેનાનું વચન છે. એ નગાધિરાજ હિમાલયને કહે છે કે આપણી પુત્રીને જો વર અને ધન અનુકૂળ નહીં મળે તો આપણી આલોચના થશે. એના કરતાં બહેતર છે કન્યા કુમારી રહી જાય. અહીં કન્યાકુમારીમાં ભવાનીએ તપ કર્યું. હિમાલયકન્યાએ પણ તપસ્યા કરી છે. બંનેના કેન્દ્રમાં નારદ છે અને તપ છે. અર્થાત્ શિવને પામવા સંત અને સાધનાનો સુમેળ થવો જોઈએ. ભવાનીએ એક પગે ઊભા રહીને તપ કર્યું છે. આપણાં પુરાણો,આખ્યાનો અને ગ્રંથોમાં એક પગે ઊભા રહીને સાધનાનાં ઘણાં ઉદાહરણ છે. ધ્રુવ, મહાત્મા ઋષિ માર્કંડેય, પરશુરામના પિતા જમદગ્નિજી વગેરેએ એક પગે તપ કર્યું છે. એક પગ અર્થાત્ એક નિષ્ઠા. પગને પદ પણ કહેવાય છે. પદ એટલે કવિતા. પદ એટલે વચન પણ થયું. પદ એટલે કોઈ સ્થાન, સ્ટેટસ થયું. આપણે ભલે બે પગે ઊભા રહીએ. જીવનના જાગરણને ઉજાગર કરવા ગુરુના વચનને પકડીને, એકવચને શ્વાસ સમર્પિત કરીએ એનું નામ એક પગે તપ કરવું... કવિ દાદ કહે છે...
 
દત્ત જેવા જોગીની જો ફૂંક લાગે તો,
હજુ ધૂણા તપના તપતા નીકળે.
 
- આલેખન : હરદ્વાર ગોસ્વામી