આંધળો અનુભવ | એક સરસ ટૂંકી વાર્તા

    ૨૫-ડિસેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

gujarati short story anub 
એક વખત ભગવાન શંકર અને પાર્વતીજી આકાશમાર્ગે જઈ રહ્યા હતાં. પુષ્પક વિમાનમાં બેઠાં બેઠાં પાર્વતીજી પૃથ્વી પરના લોકોને જોઈ રહ્યા હતાં. એમની નજર જંગલમાંથી પસાર થઈ રહેલા એક ગરીબ વૃદ્ધ માણસ પર પડી. એ વૃદ્ધ માણસ ચીંથરેહાલ હતો. પાર્વતીજીને દયા આવી ગઈ. એમણે ભગવાન શંકરને કહ્યું, ‘ભગવાન, આ માણસ બહુ જ ગરીબ લાગે છે. એ ભૂખ્યો પણ લાગે છે. મહેરબાની કરી એને કોઈક મદદ કરો.
 
ભગવાને સમજાવ્યું, ‘પાર્વતીજી, સુખ, દુ:ખ, સંપતિ એ બધું જ માણસના નસીબ મુજબ જ મળે છે. આ માણસ કામચોર છે. એણે આખી જિંદગી આળસ જ કરી છે. માટે આજે એ ગરીબી અને ભૂખ સહન કરી રહ્યો છે. હું એને કશું જ આપી નહીં શકું. આપીશ તો પણ એના નસીબમાં નહીં લખેલું હોય તો એ નહીં જ ભોગવી શકે.
 
પાર્વતીજી ગુસ્સે થઈ ગયાં, ‘મારે કાંઈ નથી સાંભળવું. બસ એની મદદ કરો. તમે એક સાચું રત્ન એના રસ્તામાં ફેંકી દો. જેથી એ માણસનું નસીબ બદલાઈ જાય. ભગવાન શંકરે એ મુજબ કર્યું. એ ગરીબ એ રત્નથી માંડ દસેક ડગલાં જ દૂર હતો. પણ એકલા ચાલતાં ચાલતાં એને વિચાર આવ્યો કે, આ દુનિયામાં આંધળા માણસોને તો બહુ તકલીફ પડતી હશે. એ લોકો બિચારા કેવી રીતે અવરજવર કરતાં હશે. લાવને જોઉં તો ખરો કે આંધળા બની કેવી રીતે ચલાય છે. આમ વિચારીને એણે આંખો બંધ કરી આંધળાની જિંદગીનો અનુભવ કરતાં ચાલવા માંડ્યું. એ વીસેક ડગલાં એવી રીતે ચાલ્યો. એના કારણે રસ્તામાં પડેલું પેલું રત્ન એના ધ્યાનમાં ના આવ્યું.
 
પાર્વતીજી આધાતથી દિગ્મૂઢ બની ગયાં. ભગવાન શંકર મર્માળું હસતાં બોલ્યા, ‘દેવી, જોઈ લીધું ને. જે નસીબમાં નથી હોતું એ નથી જ મળતું. કર્મ કર્યા વિના નસીબ પણ સાથ નથી આપતું. માટે દુનિયામાં જેટલા દુ:ખી જીવો છે એ પોતાના કર્મના અધારે છે. નસીબના અધારે નહીં. એ લોકો જો કર્મ કરે તો નસીબ તો અજવાળું બનીને ઊભું જ છે.