સરકારના નિર્ણયો સામેનો જનઆક્રોશ પોલીસે ક્યાં સુધી સહન કરવાનો ?

    ૨૭-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

police_1  H x W
નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધ પ્રદર્શનોમાં આંખમાં કાંટાની જેમ ભોંકાય તેવા દૃશ્યોમાં પોલીસ પર હુમલાઓ, અમદાવાદમાં પથ્થરમારો, કેટલાંયનાં માથાં લોહીજાણ, કાનપૂરમાં પોલીસ પર એસિડ એટેક, દેશી બોંબ ફેંકાયો, આસામમાં વાહનો સળગાવાયાં, દિલ્હીમાં પોલીસ સ્ટેશનો સળગાવાયાં, ક્યાંક વરદી ફાડી નંખાઈ, ટોળામાં ઘેરીને ટપલીઓ મરાઈ તો ક્યાંક વળી બીજી હેરાનગતિ. મહિલા પોલીસકર્મીઓ સાથેનો દુર્વ્યવહાર અક્ષમ્ય.
 
પોલીસ નાગરિકો અને કાયદાનું રક્ષણ કરે ! ન્યાયતંત્ર અને લોકો વચ્ચેની આ મજબૂત કડી પર જ કુઠારાઘાત થાય તે દેશની જનતા માટે કેવી શરમની વાત ! લોકોને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે, સરકારી નિર્ણય સામે વિરોધ નોંધાવે, રેલીઓ કાઢે, આવેદન પત્રો આપે પણ જો રેલી અને વિરોધના નામે, હિંસા કરે, દેશની મિલકતોને નુકસાન પહોંચાડે, કાયદાનું ઉલ્લંઘન થાય તો પોલીસને એમને રોકવાનો હક છે. તે જ પોલીસ પરના હુમલાઓ નિંદનીય જ નહીં, અક્ષમ્ય છે.
 

police_1  H x W 
 
 
કાશ્મીરમાં સીઆરપીએફ અને પોલીસ જવાનોએ ખૂબ અપમાન સહન કર્યું છે. અમુક સંજોગો સિવાય હથિયાર ચલાવવાના ઓર્ડર્સ ન હોવાથી આતંકી તત્ત્વો તેમની કેપ ઉછાળી દે, ગાળો આપે, પથ્થરો મારે. અપાર શક્તિ હોવા છતાં માત્ર કાયદાકીય બંધન હોવાથી પોલીસકર્મીઓ માર અને અપમાન બધું જ સહન કરી લે. તે અંગે તેના અધિકારીઓ, સરકાર અને ન્યાયપાલિકાએ વિચારવું રહ્યું. મુંબઈ બ્લાસ્ટ, અક્ષરધામ હુમલા જેવી ઘટનાઓ વખતે પોલીસની કામગીરી સરાહનીય રહી, પણ તેમણે ભોગવેલી મુશ્કેલીઓ ય ઓછી નહોતી. પોલીસ વિભાગમાં કામ કરવું એ તણાવપૂર્ણ હોય છે. મુંબઈ, યુ.પી. જેવા ઘણા ય વિસ્તારોમાં ગેંગસ્ટરો, સ્મગલરો, ડ્રગ્સ ડિલરોની ધમકીઓ, હિંસાઓ જેવા પડકારોનો સામનો કરીને ફરજ બજાવવાનું ય ઘણું અઘરું. ઘણી બાબતોએ સમજોતા કરીને કાયદા અને નાગરિકોનું રક્ષણ કરવું પડે. લંડન પોલીસ સાથે હરકતો એક ખાસ કોમ, ધર્મના લોકો કરે અને તેમના વિશે ખરાબ શબ્દોનો ઉપયોગ થાય છે તે ય સર્વવિદિત છે.
 
આઝાદીથી લઈને અત્યાર સુધી ૩૩ હજાર પોલીસકર્મીઓએ દેશ અને નાગરિકોની સુરક્ષા કરતાં શહાદત વહોરી છે. તેવો આક્રોશ પ્રધાનમંત્રીએ ગત ૭ દિવસના લ્લડ કરતા તત્ત્વોને આડે હાથે લઈ કર્યો. પોલીસકર્મીઓ દેશની નિરંતર સેવા ધર્મ-જાતિ જોયા વગર જ કરે, આપણને સુરક્ષિત રાખવા માટે ગરમી, ઠંડી, વરસાદ કશાયની પરવા કર્યા વિના જીવ હથેળી પર લઈને ફરજ નિભાવે છે. તહેવારોમાં તો ફરજ ૨૪ કલાક કે તેથી યે વધુ. પોતાના પારિવારિક પ્રસંગોમાં ય તેમની ગેરહાજરી ફરજના કારણે. કાયદો- વ્યવસ્થા, કુદરતી આફત, એક્સિડન્ટ કે આતંકી મલો, પોલીસની બધા સંજોગોમાં મહત્તમ જવાબદારી.
 
સંયુક્ત રાષ્ટ્રના માનક મુજબ પ્રતિ એક લાખ લોકો પર ૨૩૦ પોલીસકર્મીઓ હોવા જોઈએ, એનસીઆરબીના આંકડાઓ મુજબ રાષ્ટ્રીય સરેરાશ ૧૪૧ છે. ગુજરાતમાં પ્રતિ એક લાખ નાગરિકે ૧૮૩ પોલીસકર્મીઓ, ઉત્તર પ્રદેશમાં ૭૮ પોલીસકર્મીઓ, બિહારમાં ૭૭, રાજસ્થાનમાં ૧૧૫ અને મધ્યપ્રદેશમાં ૧૧૨ છે. આ આંકડા તેમના કામનું ભારણ બતાવે છે. તેમ છતાં તહેવાર, યાત્રાઓ, રેલીઓ વગેરે સમયે તેમની ફરજ ખૂબ અગત્યની. આમીરખાનના શો `સત્યમેવ જયતે'માં પોલીસકર્મીઓની સ્થિતિ પર સવાલો ઊભા કરતાં કહેવાયેલું કે, પોલીસ ૨૪ કલાકની ડ્યૂટી નીભાવવા ઉપરાંત ક્યારેક રાજકારણીઓ અને અધિકારીઓના પ્યાદા બની કામ કરે. નાગરિકોના અપમાન સહન કરીને, કાયદો શીખવવા સહેજ કડક થાય તો માથે માછલાં ધોવાય છે. પોલીસ એક્ટ ૧૮૬૧માં બનેલો છે. સૌથી પહેલાં તેમાં બદલાવ લાવવો જોઈએ.
 
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ સીબીઆઈના છાપા અટકાવવા માટે રાજ્યની પોલીસનો દુરુપયોગ કર્યો હતો. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે અનેક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવા ય પોલીસનો જ સહકાર લેવો પડે. ક્યાંક નિષ્પક્ષ નથી રહેતા તેમ સુપ્રીમ કોર્ટને ય લાગે, અન્યથા મોટાભાગે પોલીસકર્મીઓ જનતાની રક્ષા માટે હંમેશાં ખડે પગે હોય છે અને ફરજ નિભાવે છે.
 
વિરોધ પ્રદર્શનોમાં પોલીસકર્મીઓ પર થયેલા હુમલાઓમાં પોલસની વર્દી પર રક્તનો જે દાગ પડ્યો છે એ દાગ માત્ર વર્દી પરનો નથી, પરંતુ ભારતીય નાગરિકોના સ્વમાન અને સ્વાભિમાન પરનો છે. તેમના બચાવમાં આવીએ. આપણે સૌ ક્યારેય આપણા રક્ષકોને શર્મશાર નહીં થવા દઈએ. રક્ષકની રક્ષા તે માત્ર તેનો અધિકાર નહીં, સરકાર અને ન્યાયતંત્રની ફરજ.
 
તોફાનોમાં સ્વબચાવ અને ન્યાયાધીશ દ્વારા ફાયરિંગના ઓર્ડર્સ વચ્ચે ખૂબ પાતળી રેખા હોય. લોકશાહી સામે તેના નિયમો વધારે પરિપક્વ થવા જોઈએ. અનેક દેશોમાં પોલીસ મિત્ર ખરો, પરંતુ કાયદાના ઉલ્લંઘન સમયે તેનો ડર નોંધપાત્ર છે. ભારતીય પોલીસતંત્ર અને સનદી અધિકારીઓએ વિચાર કરી રાજ્ય અને કેન્દ્રને આગ્રહ કરી સુધારા લાવવા રહ્યા.