આ પીડિત હિન્દુ શરણાર્થીઓ હિન્દુસ્થાન નહીં તો બીજે ક્યાં જાય ??

    ૨૮-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

hindu refugees _1 &n
 
નાગરિકતા સંશોધન વિધેયક `સીએબી'એ હવે નાગરિકતા સંશોધન એક્ટ `સીએએ'નું રૂપ લઈ લીધું છે ત્યારે પાકિસ્તાનથી ભારત આવેલા દેશભરના શરણાર્થીઓની ખુશીનો પાર નથી. વિશેષ કરીને દિલ્હીના મજનૂટીલા ખાતે પાકિસ્તાન કોલોની નામે મશહૂર વસ્તીમાં રહેતા પાકિસ્તાનથી હિન્દુ શરણાર્થીઓ માટે જાણે કે આ ઘડી નવજીવન સમાન છે. તેઓને હવે આશા જાગી છે કે છેવટે લાંબા સંઘર્ષ બાદ તેઓને આખરે ભારતની નાગરિકતા મળી જશે.
 

પોતાની દીકરીનું નામ નાગરિકતા રાખ્યું

 
છેલ્લાં સાત વર્ષથી ભારતમાં રહેતા હિન્દુ શરણાર્થી આરતીને પોતાને ત્યાં જન્મેલી દીકરીનું નામ જ નાગરિકતા રાખ્યું છે. આરતી કહે છે કે નાગરિકતા મળવાથી અમને આઝાદી મળશે. અમે નાનો-મોટો ધંધો કરી શકીશું. આખરે સાત વર્ષ બાદ એ દિવસ આવ્યો છે, જેની આશાએ અમે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. આરતી અને તેના પરિવાર પર પાકિસ્તાનમાં એટલા તો અત્યાચાર થયા છે કે, તેઓ ખુદને પાકિસ્તાની કહેવડાવવા પણ માંગતા નથી. આરતી કહે છે કે, અમને હિન્દુસ્તાની કહો, પાકિસ્તાની નહી. ત્યાં (પાકિસ્તાનમાં) હિન્દુઓની કોઈ ઇજ્જત જ નથી. તરસ લાગે તો અમને કોઈ ગ્લાસમાં પાણી પણ નહોતું આપતું. તેઓ (મુસ્લિમો) ઇચ્છે છે કે પાકિસ્તાનમાં માત્ર મુસ્લિમો જ રહે.
 

hindu refugees arati_1&nb 
 
નાગરિકતાની દાદી મીરાં કહે છે કે, અહીંયાં આવ્યા પછી લાગી રહ્યું છે કે અમે ખરેખર માણસ છીએ. ત્યાં (પાકિસ્તાનમાં) વહુ-દીકરીઓ બિલકુલ સુરક્ષિત નથી. તે કહે છે કે મહેરબાની કરીને અમને ઘૂસણખોરો ના ગણશો. અમે વિઝા લઈને ભારત આવ્યા છીએ અને સમયે સમયે અમે વિઝાને રીન્યુ પણ કરાવતા રહ્યા છીએ. તેઓ નાગરિકતા એક્ટ અંગે કહે છે કે, તેના જવાબમાં અમારી પૌત્રી નાગરિકતા જ કાફી છે. અમે એટલાં ખુશ થયા છીએ કે અમારી પૌત્રીનું નામ જ નાગરિકતા રાખી દીધું છે. પોતાની વાત કરતાં તેઓ વારંવાર નાગરિકતાને ચૂમ્યા કરે છે. હવે આપણને નાગરિકતા મળશે. તેઓ કહે છે કે પાકિસ્તાનમાં જ્યારે અમારે ત્યાં દીકરાનો જન્મ થયો ત્યારે અમે તેનું નામ ભારત રાખ્યું હતું. બસ ત્યારથી જ અમે મનોમન નક્કી કરી લીધું હતું કે એક દિવસ અમે અમારા દેશમાં, અમારા લોકો વચ્ચે, ભારતમાં જઈશું. અમારા ઘરમાં બીજી પૌત્રી આવી તેનું નામ અમે ભારતી રાખ્યું. અને હવી ત્રીજી પૌત્રીનું નામ નાગરિકતા રાખ્યું છે.
 
અહીં રહેતા અન્ય એક હિન્દુ શરણાર્થી કહે છે કે, આ પળ અમારા માટે ખૂબ જ ભાવુક છે. તે દેશના રાજકીય પક્ષોને હાથ જોડતાં કહે છે કે ભગવાનને ખાતર આ કાયદાનો વિરોધ ના કરશો. પાકિસ્તાનમાં હિન્દુ હોવું એ અભિશાપ છે - ત્યાં હિન્દુની કોઈ હેસિયત જ નથી. ભારત એ દેશ છે જ્યાં અમે સુરક્ષિત છીએ.

hindu refugees sonadas_1& 

અમારો ધર્મ બચાવવા ભારત આવવું પડ્યું : સોનાદાસ

 
સોનાદાસ પાકિસ્તાનના સિંધ પ્રાંતના હૈદરાબાદમાં રહેતા હતા. તે કહે છે કે આમ જોઈએ તો ત્યાં અમારી પાસે શું નહોતું ? જમીન, જાયદાદ, ખેતર બધું જ હતું. પરંતુ અમારું તમામ ત્યાંના મુસ્લિમોએ હડપી લીધું. ફરિયાદ પણ કોને કરીએ ? ત્યાં હિન્દુની ફરિયાદ સાંભળે છે જ કોણ ? આ બધું તો અમે સહન કર્યું પરંતુ વાત જ્યારે અમારા ધર્મ પર આવી ત્યારે અમે પાકિસ્તાન છોડવાનું નક્કી કર્યું. અમારો ધર્મ અમારા માટે જરૂરી હતો માટે મેં પરિવાર સાથે પાકિસ્તાન છોડી દેવાનું નક્કી કર્યું.

hindu refugees baldevi_1& 

અમારા અનેક સંબંધીઓ ત્યાં રહી ગયા છે

 
સોનાદાસની માફક બલદેવી પણ પોતાના સાસરિયાંઓ સાથે ભારત આવી ગયાં છે. પરંતુ તેનાં પિયરીયાં પાકિસ્તાનમાં જ રહી ગયાં છે. તે કહે છે કે, ભારત આવ્યા પછી ક્યારેય મારા પિયરિયાંઓને મળવાનું થયું નથી. મને ડર હતો કે જો હું પાકિસ્તાન ગઈ તો મારે ભારત પાછું આવવું શક્ય બનશે નહીં. પરંતુ હવે આ કાયદો આવ્યા બાદ અમને ભારતની નાગરિકતા મળી જશે અને હું મારાં માતા-પિતા-ભાઈને મળી શકીશ. અને તે લોકો પણ ભારત આવી અમારી સાથે રહી શકશે.
 

hindu refugees sukhnand_1

અનેક મા પોતાનાં બાળકો છોડી અહીં આવી ગઈ છે

 
હિન્દુ શરણાર્થી બસ્તીના પ્રધાન સુખનંદ કહે છે કે, અનેક મહિલાઓને પોતાનાં બાળકો છોડી ભારત આવવું પડ્યું છે. તે કહે છે કે લગભગ સાત વર્ષ પહેલાં ૪૪૫ લોકો એક તીર્થયાત્રાનો વિઝા લઈ ભારત આવ્યા હતા. અને અહીં જ રહી ગયા. તેમાં એક બદનસીબ મહિલા પણ હતી, જેને ભારત આવવાનું હતું તેના એક દિવસ પહેલાં જ પ્રસૂતિ થઈ ગઈ. પરિણામે તે બાળકનાં કાગળિયાં થઈ શક્યાં નહીં. પરિણામે તેણે તેના દીકરાને પાકિસ્તાનમાં તેના સંબંધીઓ પાસે છોડવો પડ્યો. આવી તો અનેક મહિલાઓ છે જેઓને મજબૂરીવશ પોતાનાં બાળકોને પાકિસ્તાનમાં છોડી ભારત આવવું પડ્યું છે. હવે જ્યારે અમને નાગરિકતા મળવાના સંજોગો ઊજળા બન્યા છે ત્યારે તે તમામ બદનસીબ માતાઓને એક આશા જાગી છે કે, તેમનાં બાળકો હવે તેમની સાથે અહીં આવી રહી શકશે.

hindu refugees baldevsinh 

ભારત માટે તો મારો જીવ પણ આપી દઉં

 
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાનના પક્ષ તહરીક-એ-ઇન્સાફના પૂર્વ વિધાયક બલદેવસિંહ કહે છે કે, ભારત મારો દેશ છે. ભારત માટે હું મારો જીવ પણ આપવા તૈયાર છું. સરકાર અમને નાગરિકતા આપવા જઈ રહી છે ત્યારે હું મારું શરીર હિન્દુસ્તાનને દાન કરું છું. હું ઇચ્છું છું કે મારા મર્યા બાદ પણ પણ આ શરીર હિન્દુસ્તાનના કામમાં આવે. બલદેવસિંહ હાલ પંજાબના ખન્નામાં રહે છે. એક સમયના વિધાયક બલદેવસિંહ આજે પોતાનું ગુજરાન ચલાવવા માટે એક કપડાની દુકાન પર મહિનાના ૭ હજાર રૂપિયામાં નોકરી કરી રહ્યા છે.
  

hindu refugees yashoda_1&

તે લોકો મારી નણંદને ઉઠાવી ગયા

 
યશોદા નામની મહિલા જ્યારે ભારતમાં શરણાર્થી બની આવ્યાં હતાં ત્યારે તેમના લગ્ન થયાં ન હતા. ભારત આવ્યા બાદ તેનાં લગ્ન થયાં હતાં. આજે તેને ત્રણ બાળકો છે.
 
તે કહે છે કે પાકિસ્તાનમાં મારાં માટે ભણવાનું શક્ય નહોતું પરંતુ હવે અહીં હું મારા બાળકોને ભણાવવા માંગું છું. તેઓએ શા માટે પાકિસ્તાન છોડીને ભારત આવવું પડ્યું તે અંગે તે કહે છે કે તે લોકો (મુસલમાન) મારી નણંદને ઉઠાવી લઈ ગયા. બે-ત્રણ મહિના સુધી તો તેનો કોઈ જ અતોપતો નહોતો. તેને મુસ્લિમ બનાવી દેવાઈ હતી. પાકિસ્તાનથી ભારત આવેલા આ લોકોને અનેક અભાવો વચ્ચે પણ લાગી રહ્યું છે કે, ભારત આવ્યા બાદ તેમની સ્થિતિ સુધરી છે.
 
સુખનંદ કહે છે કે અમે બધા સાથે ભારત આવી ગયા હતા. અમારું બધું જ પાકિસ્તાનમાં છૂટી ગયું હતું. પરંતુ અહીં ઇજ્જતની જિંદગી તો છે. રાત્રે ડર કે ચિંતા વગર આરામથી ઊંઘી તો શકીએ છીએ. અહીંના લોકો દરરોજ બસ્સો અઢીસો રૂપિયા કમાઈ લે છે તેમાં બે ટંકનું ખાવાનું તો નીકળી જ જાય છે.
 
અહીં રહેતા મોટાભાગના લોકો મજૂરીકામ કે નાની મોટી દુકાનો ચલાવી પરિવારમાં બે ટંક ખાવાની વ્યવસ્થા તો કરી જ લે છે.

hindu refugees _1 &n 

રામનામને નફરત કરે છે પાકિસ્તાનીઓ

 
૧૯૮૬માં જ્યારે મારા પિતાજીએ પાસપોર્ટ બનાવવા માટે અરજી કરી ત્યારે તેમના પિતાજી મીઠુરામ પાછળથી રામ હટાવી દેવાની ફરજ પાડવામાં આવી. તે લોકો રામને નફરત કરે છે. આ શબ્દો છે ૨૦૦૮માં પાકિસ્તાનથી ભારત આવેલા હરચંદના. તે કહે છે કે આજે પણ અમારા સંબંધીઓ ભારત આવવા માગે છે પણ વિઝાના કારણે આવી શકતા નથી. જ્યારથી અયોધ્યાનો ચુકાદો આવ્યો છે ત્યારબાદ તેમના ઉપર અત્યાચારો વધી ગયા છે.

મૂળભૂત સુવિધાઓની વચ્ચે જિંદગી

 
અહીંના શરણાર્થીઓ આજે પણ કાચાં ઘરો - ઝૂંપડામાં રહે છે. ઉબડ-ખાબડ રસ્તા અને કીચડ સામાન્ય છે. અહીં પ્રવેશતાં જ બહાર એક સાર્વજનિક શૌચાલય દેખાય છે. બલદેવી નામની એક મહિલા કહે છે કે, અહીં ન તો વીજળી છે કે ન તો પાણીની સુવિધા. પાંચ-છ વાર તો આ આખી ઝૂંપડપટ્ટી બળી ગઈ હતી. યમુનાનું પાણી દર ચોમાસે અમારાં ઘરોને ડુબાડી દે છે. ત્યારે અમારે દિવસો સુધી રસ્તાઓ પર રહેવું પડે છે. આમ છતાં મને ભારત સરકાર સામે કોઈ જ ફરિયાદ નથી. તેઓ અમને અહીં રહેવા દે છે એટલું જ પૂરતું છે. અને સરકાર હવે જ્યારે અમને નાગરિકતા આપવા જઈ રહી છે ત્યારે અમને તો બધું જ મળી ગયું હોય તેવું લાગે છે. સોના દાસ નામના એક શરણાર્થી કહે છે કે, ગૃહમંત્રી અમિત શાહ અમારા માટે સંસદમાં લડ્યા. અમારી દુવા છે કે તેઓ અને મોદીજી સો વર્ષ જીવે અને દેશનું નેતૃત્વ કરતા રહે.

અમે બહુ જુલ્મો વેઠ્યા, ત્યાં અમારા માટે કશું જ નથી

 
નાગરિકતા સંશોધન કાયદાથી ગદ્ગદ્ મીરાં નામની એક મહિલા કહે છે કે લગભગ છ-સાત વર્ષ થઈ ગયાં અહીં આવે. અહીં જ ઝૂંપડું બાંધીને રહીએ છીએ. મારા દીકરાઓ લારી ખેંચે છે. મેટ્રો સ્ટેશન નીચે બેસી મોબાઈલનાં કવર વેચે છે, શાકભાજી વેચે છે. અહીં ભલે વીજળી નથી, પાણી નથી છતાં હવે ભારત જ અમારો દેશ છે. ભલે ગમે તે થાય હવે પાકિસ્તાન નહીં જઈએ. ત્યાં અમે એ લોકો (મુસલમાનો)ના ખૂબ જ અત્યાચાર વેઠ્યા. અમારાં બાળકોને બળજબરીથી કલમા પઢાવવામાં આવ્યા.
 
૭૦ વર્ષના દેવા ૩૦ વર્ષની લતા. ન જાણે કેટકેટલા હિન્દુ શરણાર્થી આ દેશનાં વિવિધ રાજ્યોમાં રહેતા હશે. પ્રત્યેક હિન્દુ શરણાર્થીએ એક પીડાદાયક ઇતિહાસ વેઠ્યો છે. પ્રત્યેકની એક દુ:ખ અને અત્યાચારભરી કહાની છે. દેશમાં જ્યારે નાગરિક સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ શરણાર્થી કેમ્પોમાં ક્યાંક ઢોલ-નગારાં વાગી રહ્યાં છે તો ક્યાંક ભારત માતા કી જય. વંદે માતરમ્, જય હિન્દના નારા સાથે ઉજવણી થઈ રહી છે, તો ક્યાંક દીવા પ્રગટાવી દિવાળી મનાવાઈ રહી છે. કારણ આ દેશના મીડિયાના કૅમેરા દેશભરના ચાલી રહેલા વિરોધી પ્રદર્શનોની સાથે સાથે પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓની વસ્તી તરફ વળ્યા હોત.