માનસમર્મ । કન્યા સત્ય, પત્ની પ્રેમ અને મા કરુણા છે - મોરારિબાપુ

    ૨૮-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

moraribapu_1  H
 
સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું, ફૂટબોલને લાત મારવી એ તમને કેટલાય પ્રકારની પ્રાર્થના કરતાં દૈવી તત્ત્વની વધુ પાસે લઈ જશે. છુટ્ટા હાથે સાઇકલ ચલાવવી હોય તો પહેલાં તમને પાક્કી સાઇકલ આવડવી જોઈએ. એક કક્ષાએ પહોંચ્યા પછી ધર્મની આલોચના કરો. આજકાલ તો ધર્મ અને ધર્મગુરુઓની ટીકા કરવાની ફેશન ચાલે છે. હા, જે લોકો ધર્મની દુકાન ચલાવતા હોય એમને ચોક્કસ ખુલ્લા પાડવા જોઈએ. યુવા અવસ્થામાં નરેન્દ્ર રામકૃષ્ણ પાસે આવ્યા અને પૂછ્યું, તમે આખો દિવસ ભગવાન સાથે વાતો કરો છો. તો તેનું પ્રમાણ શું ? મને સાબિતી આપો.'' રામકૃષ્ણ એકદમ સરળ હતા. તેઓ સાક્ષર ન હતા, તેઓ સાધક હતા. તેથી તેમણે કહ્યું, ભગવાન છે એનું હું જ પ્રમાણ છું.''
 
નરેન્દ્ર બૌદ્ધિક જવાબની અપેક્ષા રાખતા હતા અને ન સમજાય એવો જવાબ મળ્યો. સ્વાભાવિક છે કે આ ઉંમરમાં આવી ગૂઢગહન વાત ન સમજાય. ત્રણ દિવસ પછી તેઓ પાછા આવ્યા અને પૂછ્યું, તમે મને ભગવાન બતાવી શકો ? રામકૃષ્ણે પૂછ્યું, તારામાં જોવાની હિંમત છે ? હિંમતવાન છોકરાએ હા પાડી. તેથી રામકૃષ્ણએ તેમનો પગ વિવેકાનંદની છાતી પર મૂક્યો અને વિવેકાનંદ થોડા સમય માટે સમાધિની અવસ્થામાં જતા રહ્યા. જ્યાં તેઓ મન-મનનની મર્યાદાની પાર હતા. ૧૨ કલાક સુધી તેઓ એમાંથી બહાર આવ્યા નહીં, અને જ્યારે બહાર આવ્યા ત્યારે તેઓ નરેન્દ્રમાંથી વિવેકાનંદ બની ગયા હતા. ગાંધીજીને ગોરાઓએ આફ્રિકામાં ટ્રેનની બહાર ફેંક્યા ત્યારે એ મોહનદાસ હતા અને ઊભા થયા ત્યારે એ મહાત્મા હતા.
 
દક્ષિણ ભારતમાં કન્યાકુમારી ખાતે સમુદ્રની મધ્યમાં સ્થિત વિવેકાનંદ શિલાસ્મારકમાં સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વ ધર્મપરિષદમાં જતા પહેલાં વર્ષ ૧૮૯૨માં ધ્યાન કર્યું હતું અને ભારતના ગૌરવની પુન:સ્થાપનાનો-પોતાના જીવનકાર્યનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.
 
મારા માટે આ રામચરિતમાનસ કન્યાકુમારી છે. હું એનો સ્વામી છું, એવું કોઈ નથી કહી શકતું. હજારો આવ્યા છે, આવ્યા હશે ને આવતા રહેશે. મોરારિબાપુ પણ કેટલાય જન્મો લેશે પરંતુ એ કહી નહીં શકે કે હું એનો માલિક બની ગયો. કેમ કે આ માનસ છે મારી કન્યાકુમારી અને આ કન્યાકુમારીની જે સાધના કરશે એમાં બ્રહ્મવિદ્યા આવશે. લોકબોલીનું શાસ્ત્ર માનસ એ મારી દૃષ્ટિએ માણસનું શાસ્ત્ર છે, જેમાં સત્યથી સંવેદનની યાત્રા છે. કન્યાકુમારીમાં ત્રણ સમુદ્રનું મિલન છે. અહીં અરબી સમુદ્ર છે, બંગાળની ખાડી છે, હિન્દ મહાસાગર છે. ત્રણ દરિયાનું મિલન તો અહીં છે જ. અસલમાં તો અહીં ત્રણ આધ્યાત્મિક સાગર છે, જે ત્રણ આધ્યાત્મિક ધારાઓ છે. એક માના તપની ધારા, બીજી સ્વામીજીના ત્યાગની ધારા અને ત્રીજી એક પહાડ અથવા તો આજુબાજુમાં રહેલી માની મૂર્તિ, અહીં જે માનું મંદિર છે, એ ત્રીજી ધારા છે તિતિક્ષા. મારી સમજ મુજબ ત્યાગ, તાપ અને તિતિક્ષાની તપોભૂમિનો આ સંગમ છે. એટલે જ અહીંની હવાથી આધ્યાત્મિક આબોહવા સર્જાય છે.
 
જન્મ સમયે બાળક રડવો જોઈએ. જો એ ન રડે તો એ ચિંતાનો વિષય છે. દુખથી ડરી અને ડગી જાય એ માણસ નહીં. જે ફિકરની ફાકી કરે એ ફકીર અને ચિંતાને ચાખી જુએ એ ચિંતક. પ્રાકૃતિક આબોહવામાં નિજાનંદી ઓલિયાઓ સાધના કરતા હોય છે. ભગવદ્ ગોમંડળમાં નિજાનંદનો એક અર્થ એવો આપેલો છે કે આત્માનો અવાજ, પોતાનામાં જ પરમ આનંદ માનવો એ. પોતાના પરમને ઓળખી અસ્તિત્વની ઉજાણી કરે એ નિજાનંદી. નિજાનંદ ક્યારેય કોઈને નુકસાન ન પહોચાડે. આનંદનો વિરોધ ન હોય અને એનો વિરુદ્ધાર્થી શબ્દ નથી. અફીણનો નશો કર્યા પછી મળે એ આનંદ નથી. દરિયાકિનારે સલૂણી સાંજે ધ્યાનસ્થ અવસ્થામાં દરિયો તમારામાં ખળભળવા લાગે એ નિજાનંદ છે. બુલ્લે શાહનો સૂફીઝમ હોય કે સતાર શાહનું ભજન હોય... અંતે તો સંવેદનાના સમ પર પહોચે છે. માનવતાનું માહાત્મ્ય કરે છે.
 
મુઝે મેરી મસ્તી કહાં લે કે આઈ,
જહાં મેરે અપને સીવા કુછ નાહીં.
 
- આલેખન : હરદ્વાર ગોસ્વામી