નોર્થ ઈસ્ટની અશાંત પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે ?

    ૩૧-ડિસેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

nrs and asam_1   
 
ભાવનગરનાં એબીવીપીના કાર્યકર શ્રી વિક્રાંત પંડ્યાનું અશાંત પૂર્વોત્તરના પ્રવાસ દરમિયાનનું અનુભવકથન
 
આઝાદી પછી ભારત સરકારની ઉપેક્ષાનું કેન્દ્ર બનેલા ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં ભારતવિરોધની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં મિશનરી અને વિદેશી તાકાતોએ મળીને નોર્થ ઈસ્ટને ભારતથી અલગ કરવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કર્યા હતા. આ તમામ પ્રયત્નો પછી પણ જો આજે નોર્થ ઈસ્ટનાં રાજ્યો ભારતમાં હોય તો એનું એક માત્ર કારણ આપણું સંઘકાર્ય છે. સંઘે ધીરે ધીરે પોતાના કાર્યનો વિસ્તાર કર્યો અને સંઘના વિવિધ ક્ષેત્રનાં સંગઠનોએ પોતાના ક્ષેત્રની બાબતમાં સમાજ ઉપયોગી સેવાકાર્યો દ્વારા ત્યાંની પ્રજાના મનમાંથી ભારત વિરોધની લાગણીને દૂર કરવા માટે આટલાં વર્ષોથી અથાગ પ્રયત્ન કર્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હોય કે વનવાસી કલ્યાણ આશ્રમ સંઘનાં સેવાકાર્યોથી ત્યાંના લોકો સારી રીતે પરિચિત થઈ ગયા છે. નાગાલેન્ડ કે જ્યાં જવા માટે ILP (ઈનર લાઇન પરમિટ) લેવી પડે છે એવા રાજ્યોમાં જ્યાં પ્રશાસનમાં પણ વિરોધી લોકો છે કે જે આપણા કાર્યકર્તાઓને પરમિટ પણ નથી આપતા ત્યાં અન્ય રીતે જઈને ત્યાં સ્થાનિક સંપર્ક ઊભા કરીને આપણા સંગઠનોના કાર્યાલયો પણ બન્યા છે. આ સંઘકાર્યની સિદ્ધિ છે.
 
આપણાથી વિરોધી વિદ્યાર્થી સંગઠન એટલે NSUI, SFI અને AISA જેવા સંગઠનો દેખાય છે. પણ આ બધાં સંગઠનો કોઈ ને કોઈ રાજકીય પક્ષની વિદ્યાર્થી પાંખ છે જેને પ્રત્યક્ષ રાજકારણ સાથે સંબંધ નથી પરંતુ નોર્થ ઈસ્ટમાં વિદ્યાર્થી સંગઠનોની તાકાત રાજકીય પક્ષ કરતાં પણ વધારે છે. CMથી પણ વધુ ! અને અહીંયાં વિદ્યાર્થી સંગઠનો અનેક છે. વિવિધ આદિવાસી જાતિ (ટ્રાઈબ)ના પોત-પોતાનાં સંગઠનો છે. અને એના સિવાય રાજ્યકક્ષાના પણ સંગઠનો અને સમગ્ર નોર્થઈસ્ટ માટે પણ સંગઠન છે. અને આ બધાં સંગઠનો કોઈ રીતે ડાબેરી (કોમ્યુનિસ્ટ) વિચારધારાના અથવા એનાથી પ્રભાવિત કે પ્રેરિત સંગઠનો છે. ત્રિપુરા તો હમણાં સુધી કોમ્યુનિસ્ટ રાજ્ય હતું. એટલે એમનો પ્રભાવ અને વર્ચસ્વ સમજી શકાય એવો છે.
 

nrs and asam_1   
 
કોમ્યુનિસ્ટ વિચારધારા પોતે જ્યાં સત્તામાં આવી શકે એમ ન હોય ત્યાં સંઘ વિરોધીઓને સાથ આપતી જોવા મળી છે. CAB રજૂ થવાનું હતું એ પહેલાંથી દરેક ગામમાં એમના નેટવર્કનો ઉપયોગ કરીને એક માહોલ તૈયાર કરવામાં આવ્યો, જેમાં ગામના લોકોને સમજાવવામાં આવ્યું કે CAB આવવાથી તમારી જમીન, તમારા બાળકોની નોકરી / રોજગાર આ બાંગ્લાદેશીઓને આપી દેવાં પડશે. અસમની ભાષા અને સંસ્કૃતિ પણ લુપ્ત થઈ જશે. વળી બાંગ્લાદેશી ઘૂસણખોરો તરફ તો પહેલાંથી જ વિરોધનું વાતાવરણ હતું, જેના પરિણામે CAB રજૂ થાય એ પહેલાં જ CAB વિરોધી માહોલ બનાવવામાં એ લોકો સફળ થયા. આ માહોલને સમજી લઈ CABના સમર્થનમાં કાર્યક્રમો કરવાની યોજના બની જેમાં સૌથી પહેલા ABVPએ તારીખ ૭ ડિસેમ્બરના રોજ CABના સમર્થનમાં ગૌહાટીમાં રેલી કરી, પછી અન્ય સંગઠનોએ પોતાના કાર્યક્રમો કર્યા.
 
તારીખ ૯ ડિસેમ્બરના રોજ CAB લોકસભામાંથી પાસ થયું એ સાથે નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન (NESO) અને ઓલ અસમ સ્ટુડન્ટ યુનિયન (AASU) એ ૧૦મી ડિસેમ્બરના રોજ બંધ જાહેર કર્યો. અને આ બંધને ABVP સિવાયના તમામ વિદ્યાર્થી સંગઠનોએ સમર્થન આપ્યું. એવાં રાજ્યો કે જ્યાં ILP હોવાને લીધે CAB લાગુ પડવાનું નથી એવાં રાજ્યોના સંગઠનોએ પણ એકતા દેખાડવા માટે CABના વિરોધમાં બંધને સમર્થન આપ્યું. ભારતનાં અન્ય રાજ્યોના બંધ અને નોર્થ ઈસ્ટના બંધમાં એક મુખ્ય તફાવત છે. અહીંયાં બંધ એટલે જડબેસલાક બંધ હોઈ અને ઘણીવાર ૪૮ કલાક, ૭૨ કલાકથી લઈને એક એક મહિના સુધી બંધની સ્થિતિ હોય છે. એક માત્ર હાઈ-વે હોય છે જેને બંધ કરવાથી એનાથી આગળ આવતાં તમામ ગામ - શહેરો - રાજ્યોનો સંપર્ક તૂટી જાય છે જેથી જીવનજરૂરી વસ્તુનો પુરવઠો ન પહોંચતાં જનજીવનની ગતિ બંધ થઈ જાય છે. અસમના લોકો ભાવનાથી દોરવાતા હોય છે, જેથી અહીંયાં ગુસ્સો કે મારપીટ કરવાને બદલે બે-ચાર આંસુ તમારું કામ કરી આપે છે. તારીખ ૯ની રાતી અસમની એક છોકરીના રોતા અવાજમાં CABથી મારી અને તમારી બધાની જિંદગી બરબાદ થઈ ગઈ - એવો સંદેશો વ્હોટ્સએપ અને અન્ય માધ્યમો દ્વારા પ્રચારિત કરવામાં આવ્યો. વળી ૧૯૭૯થી ૧૯૮૫ વચ્ચે થયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોના વિરોધમાં થયેલા અસમ આંદોલનમાં મૃત્યુ પામેલા ૮૫૫ લોકોની યાદમાં ૧૦મી ડિસેમ્બરના રોજ અસમમાં શહીદ દિવસ ઉજવાય છે. આ દિવસે AASU એ આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના ઠેર ઠેર કાર્યક્રમો જાહેર કર્યા હતા. જેથી એ દિવસે લોકોના મગજમાં આસામ આંદોલનની લાગણી ભરપૂર હતી. એવામાં આવા સેન્ટિમેન્ટલ વોઈસ મેસેજથી લોકોની લાગણીને ભરપૂર ઉકસાવવામાં આવી.
 

nrs and asam_1   
 
૧૦મી તારીખે બંધના દિવસે AASU સહિત અન્ય સંગઠનોએ વિવિધ રેલી કાઢી અને લોકોને ભેગા કર્યા. ૧૦મીએ જે જે લોકોએ અત્યાર સુધીમાં CABનું સમર્થન કર્યું છે એવા લોકોની ફેસબુક પ્રોફાઈલ ગંદી ગાળોથી ભરી મૂકી. CABના સમર્થનમાં કાઢવામાં આવેલી રેલીના ફોટોને એડિટ કરીને એમાં હાથમાં પકડેલા પ્લે-કાર્ડ પર અશ્લીલ શબ્દો લખીને એમને ટાર્ગેટ કરવામાં આવ્યા. નાના કાર્યકર્તાઓના ઘરે જઈને એમના વાલીઓને ધમકાવવામાં આવ્યા.
 
૧૧મીએ પણ બંધ ન હોવા છતાં સમગ્ર ગૌહાટીમાં બંધનો જ માહોલ જોવા મળ્યો. અને જેમ જેમ સાંજ પડી એમ એમ અલગ અલગ જગ્યા પર લોકો ભેગા થઈને રસ્તા પર ઊતરી પડ્યા. અને હિંસાનો ભોગ બન્યા નાના નાના વેપારીઓ જેમણે ૧૧મીએ બંધ ન હોવાને લીધે પોતાની દુકાનો ખોલી હતી. આ હિંસક ટોળા સ્વરૂપે વિદ્યાર્થીઓ બનીને નીકળેલા AASUના ગુંડાઓ અને બાંગ્લાદેશી મુસ્લિમોએ ટોળાને દિશા આપી અને આ ટોળાઓને પોતાનો એજન્ડા પૂરો કરવા માટે કામે લગાડ્યા.
 
આ પ્રકારે અસમના લગભગ તમામ ગામમાં સાંજે રસ્તા બંધ કરીને રસ્તા પર ટાયર કે લાકડાં બાળીને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો.
 
ABVPની ઓફિસ પાસે હિંસક ટોળાએ રોડ પર લગાવેલા ABVPના બોર્ડ પર ગુસ્સો ઉતાર્યો અને એને આગ લગાવી દીધી. ટોળાનો હેતુ ABVP કાર્યાલય પર તોડફોડ કરવાનો હતો પણ કોઈ કારણસર એ પૂરો ના થઈ શક્યો જેનો હું પોતે સાક્ષી છું. પોલીસ અને પ્રશાસન ધારે તો આ બધી ઘટના રોકી શકવા માટે સક્ષમ હતી પણ એ પણ ખૂલીને તોફાનોને સમર્થન કરતાં જોવા મળ્યા હતા.
 
સંગઠનના કાર્યકર્તાઓ અને વિવિધ અધિકારીઓને ૧૦૦ થી ૩૦૦ લોકોના ટોળા દ્વારા ઘેરાવ કરીને CABનો વિરોધ કરવા માટે દબાણ કરવામાં આવ્યું. ઘણા કાર્યકર્તાઓએ દબાણવશ થઈને ફેસબૂકમાં પોસ્ટ લખી તો કોઈએ સંગઠન છોડવાની વાત લખી દીધી. એમની પાસે બીજો કોઈ રસ્તો જ ન રહેવા દીધો હતો, કાર્યકર્તાઓ કરે તો કરે શું ! ૧૧મીએ મોડી રાત્રે સમાચાર આવ્યા કે દિબ્રૂગઢના સંઘ કાર્યાલયને આગ લગાડી દેવામાં આવી છે અને એ પછી એક પછી એક સંઘ અને ABVPના કાર્યાલયને તોડીને આગ લગાડી દેવાના સમાચાર આવવા લાગ્યા. અલગ અલગ સ્થળો પર સંગઠનોના કાર્યકર્તાઓ, અધિકારીઓ, MLA અને MP સહિત મુખ્યમંત્રી અને મંત્રીઓ પણ આ તોફાની ટોળાના નિશાન પર હતા. આજે પણ કોલેજોના વિદ્યાર્થીઓના બનાવેલા Whatsapp ગ્રુપોમાં ABVPના કાર્યકર્તાઓના ફોટો ફરે છે જેમાં એમને ઓળખી લેવા અને જ્યાં મળે ત્યાં મારવાનો સંદેશ હોય છે. કોમ્યુનિસ્ટોનો તો ઇતિહાસ જ રક્તરંજિત છે એટલે આપણા પ્રમુખ કાર્યકર્તાઓના તો જીવનું પણ જોખમ બની ગયું છે.
 
ABVPએ ચાલુ શૈક્ષણિક સત્રમાં થયેલી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખેલા અને વિશાળ માત્રામાં આ ઉમેદવારો જીત્યા હતા. આમાંથી ઘણાખરા વિદ્યાર્થીઓને પરિષદ સાથે છેડો ફાડવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. અને ઘણા લોકો જાતે જ છોડીને બીજી તરફ ઊભા રહીને આંદોલનનું નેતૃત્વ પણ લઈ રહ્યા છે. આવી જ હાલત અન્ય સંગઠનોની પણ હશે. આ તમામ તોફાનો અસમના લોકોની ભાવના સાથે રમીને એમને એક ચોક્કસ એજન્ડા પૂરો કરવા માટે કરવામાં આવ્યા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે,. એની પાછળ કોણ હોઈ શકે એ સમજાવવાની જરૂરત નથી. સંઘ અને વિવિધ ક્ષેત્રોનો વ્યાપ અને પ્રભાવ વધવા સાથે સમગ્ર નોર્થઈસ્ટમાંથી ભારત વિરોધી લાગણી દૂર થતી જતી હતી જે ઘણાને પસંદ નથી પડવાનું એ સ્વાભાવિક છે. અને વળી આપણા દ્વારા કરવામાં આવતા ચૂંટણી સંદર્ભના લોકજાગૃતિના અભિયાની ભાજપને પણ ફાયદો થતો હતો જેના લીધે ઘણાની રોજી-રોટી અટકી ગઈ હતી. એવું બિલકુલ નથી કે આ સમગ્ર તોફાનો અને પ્રદર્શનો માત્ર AASU જેવાં સંગઠનો, બાંગ્લાદેશી મુસ્લિમો જ કરી રહ્યા છે. આ તોફાનોમાં અસમના સ્થાનિક લોકો પણ એટલા જ સક્રિય છે. CAB અંતર્ગત ભારતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી મુસ્લિમોને નાગરિકતા મળવાની થતી નથી પણ `ઉમ્મત/ઉમ્માહ' અંતર્ગત બાજુમાં રહેતો કાફિર નહિ પરંતુ વિશ્વના કોઈપણ ખૂણે રહેતો મુસ્લિમ પહેલો સગો છે એટલે અસમ સહિત ભારતના મુસ્લિમોને CAB ખટકે એ સમજી શકાય. એટલે એમનું આ તોફાનોમાં પદાર્પણ સમજી શકાય એવું છે.
 
`સંઘ અસમ વિરોધી છે', `સંઘ નોર્થઈસ્ટ વિરોધી છે' એવો આખો માહોલ તૈયાર કરવામાં આવ્યો છે. આ માહોલમાં એવું પણ બની શકે કે પ્રચારક ભોજન માટે જવાનો કાર્યકર્તાને ફોન કરે તો કદાચ ભોજનની પણ ના કહી દે તો અતિશયોક્તિ નથી. આવા માહોલમાં નવેસરથી વિચારીને નવી યોજનાથી અલગ રીતે કામ કરવાની જરૂરત પડશે એ નક્કી છે. લોકોને સમજાવવા સરકાર એમના સ્તરથી એમનું કામ કરશે જ્યારે વિવિધ સંગઠનોએ પોતાના કાર્યકર્તાઓના મનમાં ફરીથી સ્થાન મેળવવા ખૂબ જ પ્રયત્નો કરવા પડશે એ ચોક્કસ છે.
 
***
 
(વર્ષમાં ૧૦૦ દિવસ નોર્થ ઈસ્ટને આપવા અંગે મેં ૨૦૧૫માં સંકલ્પ લીધો હતો તે અંતર્ગત તારીખ ૫ ડિસેમ્બર ૨૦૧૯ થી ૧૩મી ડિસેમ્બર, ૨૦૧૯ સુધીના મારા નોર્થ ઈસ્ટના પ્રવાસના અનુભવને આધારે લેખ લખ્યો છે. : લેખક)