અંગ્રેજો આપણા બજેટને સાંભળી શકે તે માટે આપણું બજેટ સાંજે રજૂ કરવામાં આવતું!

    ૦૧-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
 
કેન્દ્રની મોદી સરકારે તો પોતાનું છેલ્લું બજેટ આજે રજૂ કરી દીધું છે. ગરીબ, ખેડૂતો અને મધ્યમવર્ગ માટે આ આશાસ્પદ અને આનંદ આપનારું બજેટ છે. જે હોય તે પણ અહી બજેટની ખાસિયત નથી મૂકવી. વાત કઈક અલગ કરવી છે.
 
તમને ખબર છે. પહેલા આ દેશમાં સંસદમાં બજેટ દિવસે નહિ પણ સાંજે રજૂ કરવામાં આવતું! હા, વર્ષ ૧૯૯૯ સુધી આપણું બજેટ સંસદમાં સાંજે રજૂ કરવામાં આવતું. કેમ ખબર છે? કારણ ચોકાવનારું છે.
 
વાત એમ છે કે બજેટ રજૂ કરવાની પરંપરા ૧૯૪૭ પહેલાની છે. ત્યારે આપણા દેશમાં અંગ્રેજોનું રાજ હતું. ત્યારે પણ બજેટ તો રજૂ થતું જ હતું. પણ ત્યારનું બજેટ ગુલામ ભારતનું હતું. જે લંડનમાં બેઠેલી સરકાર નક્કી કરે તેમ બનતું હતું. આ સરકારને ખુશ રાખવાના દરેક પ્રયત્નો થતા હતા. આપણી સંસદમાં સાંજે બજેટ રજૂ કરવાનું અ પણ કારણ હતું. ભારતમાં જ્યારે સાંજે પાંચ વાગે બજેટ રજૂ થતું ત્યારે ઈગ્લેન્ડમાં સવારના ૧૧.૩૦ વાગતા. એટલે ભારતના બજેટ પર ત્યાની સંસદ (હાઉસ ઓફ કોમન) સવારે ધ્યાન રાખી શકે રેડિયો પર સાંભળી શકે તે માટે ભારતમાં બજેટ સાંજે રજૂ કરવામાં આવતું…અંગ્રેજો ગયા પછી પણ આ પરંપરા ચાલુ જ રહી.
 
પણ આ પરંપરા ૧૯૯૯માં અટલજીની સરકારે બદલી. તે વખતે યસવંત સિન્હા નાણાપ્રધાન હતા. તેમણે બજેટ રજૂ કરવાના આ સમય પર વિચાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો. બજેટ તૈયાર કરતા અધિકારીઓને અને ખૂદ અટલજીને પણ આ પ્રસ્તાવ ખૂબ ગમ્યો અને પહેલી વાર ૧૯૯૯માં આપણી સંસદમાં સાંજે પાંચ વાગ્યાની બદલે સવારે ૧૧ વાગે બજેટ રજૂ થયું.