ક,ખ,ગ,ઘ એ માત્ર કક્કો નહીં, પણ જીવનશૈલી છે’પૂ.રમેશભાઈ ઓઝા

    ૧૪-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
 
શિક્ષણને આપણે ક્યાં પહોંચાડી દીધું છે. બિનસાંપ્રદાયિકતા સારી વાત છે, સારી વિભાવના છે, પણ તેની અતિશયતાએ અનેક વિકૃતિ પેદા કરી છે. આજનું શિક્ષણ માનવને સાચો માનવ નથી બનાવી શકતું. આજના શિક્ષણમાં આપણે ડોક્ટર, એન્જિનિયર બનાવી રહ્યા છીએ, પરંતુ આ ટોળામાં માનવ ખોવાઈ રહ્યો છે. વિદ્યા વેચાવા માંડી ત્યારથી વિકૃતિ આવવા લાગી. જાણે શિક્ષણના હાટડાં થવા લાગ્યા છે. ધાન્ય વેચાય, અન્ન નહીં, અન્નનું દાન હોય તેમ વિદ્યાનું દાન હોય. બાળક સાચો માનવ બને તેની જવાબદારી રાખવાની છે.

‘ક,ખ,ગ,ઘ એ માત્ર કક્કો નહીં, પણ જીવનશૈલી છે’

શિક્ષણમાં પ્રવેશ થાય ત્યારે કક્કો શીખવવામાં આવે છે. અમે જે રીતે કક્કો શીખ્યા હતા, તે તમને કહું છું ક કલમનો ક, ગાતાં-ગાતાં રિધમ સાથે શીખતા, ખ ખડિયાનો ખ, કલમને ખડિયામાં બોળવાની પછી શું લખશો તો? ગ ગણપતિનો ગ. હવે તમે નિશાળ જાવ છો તો જીવનમાં નિયમિતતા આવવા લાગી છે. એટલે ઘ ઘડિયાળનો ઘ. ચ ચકલીનો ચ. જૂન મહિનાથી શાળા શરૂ થાય. એટલે વરસાદ શરૂ થાય એટલે આવે છ છત્રીનો છ. આ માત્ર કક્કો નથી, પણ જીવનશૈલી છે.