વેલેન્ટાઈન્સ ડે પર અમદાવાદનો આ ચાવાળો કેમ અને કોને મફતમાં ચા પીવડાવી રહ્યો છે!

    ૧૪-ફેબ્રુઆરી-૨૦૧૯   

 

Valentine's Day MBA Chai Wala' 

છેલ્લા થોડા વર્ષોમાં Valentine's Day ખૂબ મનાવાય છે. જો કે સાચા પ્રેમ માટે ઓછો પણ માર્કેટિંગ માટે વધારે આ દિવસનો ઉપયોગ થઈ રહ્યો છે, તે સચ્ચાઈ છે. વેલેન્ટાઈનને બ્રાન્ડ બનાવી માર્કેટીંગના માધાંતાઓ પોતાની અવનવી પ્રોડક્ટ માર્કેટમાં ખપાવવામાં લાગી ગયા છે અને કેટાલાક અંશે તેઓ સફળ પણ થયા છે. આજના યુવાનોએ આ સમજવું રહ્યું.
 

 

ચારે તરફ પ્રેમનું માર્કેટીંગ થઈ રહ્યું છે ત્યારે

આજે Valentine's Day છે. ચારે તરફ પ્રેમનું માર્કેટીંગ થઈ રહ્યું છે ત્યારે વાત કરવી છે આજના યુવાનોને ધંધો કઈ રીતે કરવો અને તેનું માર્કેટીંગ કઈ રીતે કરવું તેનું ઉદાહરણ પૂરું પાડતા યુવાનની. Valentine's Day નો વિરોધ કરવો જોઇએ કે તેને ઉજવવો જોઇએ તે વાત ને બાજુ પર મૂકો. તેની વાત બધા કરી રહ્યા છે. પણ આ દિવસનો ઉપયોગ ધંધામાં સફળાતા મેળવા કેવી રીતે કરવો તેની વાત આ યુવાનની યુક્તી પરથી શીખવા જેવી છે.
 

 

સબ્ર કા ફલ ચાય હોતા હૈ 

વાત છે MBAનો અભ્યાસ અધૂરો છોડી અમદાવાદમાં ચાની દુકાન ચલાવતા એક ૨૨ વર્ષના યુવાનની. નામ તેનું છે પ્રફૂલ બિલોરે. 'MBA Chai Wala' કેફેનો તે માલિક છે. આ કાફે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ છે. ખૂબ નાનુ છે. પણ અહીંનો નજારો ખૂબ ક્રિયેટીવ છે. અહીં ગમે ત્યાં તમે જુવો તમને કંઇક અલગ નજારો જોવા મળશે. જેમ કે દુકાનમાં એક ક્રીયેટીવ બોર્ડ બનાવીને લગાવાયું છે જેમાં લખ્યું છે “સબ્ર કા ફલ ચાય હોતા હૈ”. તેની ટ્રેથી લઈને કપ સુધી આ કાફેમાં તમને અલગ પણું જોવા મળશે.
 

 
 
આમ તો આ કાફે અહીંના યુવાનોમાં ચર્ચામાં છે જ પણ આ વેલેન્ટાઇન ડે પર વધું ચર્ચામાં છે. કેમ? કેમ કે આ યુવાને એક ઓફર આ દિવસે કરી છે. આ ઓફર હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. કઈ ઓફર?
 

 

 એકલા, સિંગલ યુવાનોને મફતમાં ચા

તો વાત જાણે એમ છે કે ૨૨ વર્ષના આ યુવાનને લાગ્યું કે આ વેલેન્ટાઈન ના દિવસ કંઇક અલગ કરીએ. તેને વિચાર આવ્યો કે યુવાનોમાં આ દિવસ લોકપ્રિય છે માટે તેમને આકર્ષવા આ દિવસે કંઇક કરવું જોઇએ. તેણે વિચાર્યુ કે સિંગલ યુવાનો વધારે છે. જેમની પાસે તેમનું પ્રિય પાત્ર નથી, જે એકલા જ છે એવા યુવાનો વધારે હોય છે. માટે આવા યુવાનોને આકર્ષવા તેણે એક ઓફર આપી અને તેને પોતાના ફેસબૂક પેજ mbachaiwala પર પોસ્ટ કરી દીધી. આ ઓફર હતી કે આ વેલેન્ટાઈન ડે પર જે સિંગલ હોય તેને અહિં મફતમાં ચા પીવડાવવામાં આવશે. બસ પછી શું? આ પોસ્ટ વાઈરલ થઇ ગઈ અને mbachaiwala અહિં પ્રખ્યાત થઇ ગયા છે.
 
 

કીટલી થી કાફે સુધી 

Mbachaiwala ની વાત કરતા પ્રફૂલ જણાવે છે કે બે વર્ષ પહેલા અમદાવાદની એક નાનકદી ચાલીમાં mbachaiwalaની શરૂઆત મેં કરી હતી. ત્યારે લોકો મારા પર હસતાં છતાં ત્યારે મેં માત્ર ૮ હજાર ખર્ચી આ વ્યવસાય શરૂ કર્યો. લોકોની વાતો સામે મેં ખૂબ સંઘર્ષ કર્યો. પણ મને ખબર છે કે આ એક ખૂબ મોટો વ્યવસાય છે. આજે હું કીટલી થી કાફે સુધી પહોંચ્યો છું અને અહીં ચાની ૩૫ વેરાયટી આજે મળે છે.
 
એકલા યુવાનોને વેલેન્ટાઇનના દિવસે મફતમાં ચા પીવડાવવાની પણ તેણે તૈયારી કરી રાખી છે. તે કહે છે કે ૫૦૦૦/૮૦૦૦ યુવાનો આવે તો પણ અમારી તૈયારી છે. ખોટું બોલીને કે સ્ટેટસ બદલીને કોઇ યુવાન મફતમાં ચા પી જાય તો પણ શું? તે તેમને નક્કી કરવાનું. અમે તો ચા પીવડાવવા અહી છીએ.