આ બહેને હોઠથી કમ્પ્યુટર પર લખ્યા છે ૧૮ લાખ શબ્દો

    ૧૫-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
ધારો કે તમારું શરીર કામ નથી કરતું, હાથ-પગ તમારી ઇચ્છા મુજબ હલાવી શકતા નથી. ગળાના સ્નાયુઓ સાથ ન આપતા હોવાથી મનમાં જે ચાલુ રહ્યું છે એ બોલી પણ નથી શકતા. માત્ર તમે ગરદન હલાવીને હા-ના કહી શકો છો. આવી હાલતમાં જિંદગી કેવી ઝેર જેવી લાગે ? જો કે ચીનના ઝેન્જિઆન્ગ શહેરમાં રહેતી ૨૬ વર્ષની વાંગ કિઆન્જિન નામની યુવતીએ આટલી કપરી કસોટીઓ છતાં જીવનથી હાર નથી માની. હાલી-ચાલી કે બોલી શકતી ન હોવાથી સ્કૂલમાં જવાનું તેને નસીબ નથી થયું. એમ છતાં તે ચાઈનીઝ અને જેપનીઝ ભાષા વાંચતા અને લખતાં શીખી ગઈ છે. હાથ ચાલતા ન હોવાથી તેણે લખવાનું કામ હોઠથી શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં વાંગે ૧૮ લાખ શબ્દોથી વધુ સાહિત્ય લખ્યું છે. તેણે લખેલી કેટલીક કૃતિઓને હજારો લાઇક્સ મળી હોવાથી હવે તેને લખવાના કોન્ટ્રેક્ટ પણ મળે છે.