ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષેત્રે આગળ ધપતા ભારત અને દ. આફ્રિકા

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ ૭૦મા ગણતંત્ર દિવસે અતિથી રૂપે આવી બન્ને દેશોની સરકારો વચ્ચે ગાઢ સહકારની સંભાવના રેખાંકિત કરવા સાથે સાંસ્કૃતિક અને ભાવનાત્મક જોડાણની કડીઓને પણ મજબૂત બનાવી. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય આદાન-પ્રદાન, રાજદ્વારી સંબંધોની સ્પષ્ટતા, વ્યાપારિક નીતિઓ વિગેરે ઉજાગર થયાં.

૪૦૦ વર્ષથી વધુ જૂનો વ્યાપારિક સંબંધ 

ભારત અને દ. આફ્રિકા વચ્ચે ૪૦૦ વર્ષથી વધુ જૂનો વ્યાપારિક સંબંધ છે. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ મહાત્મા ગાંધીના સંઘર્ષની ગાથા બન્ને દેશના સંબંધોને શક્તિશાળી આધાર પૂરો પાડે છે. નેલ્સન મંડેલાના નેતૃત્વમાં ચાલેલા આંદોલનનો સંદર્ભ પણ એ જ. બન્ને દેશો ૧૯૯૭થી બહુઆયામી, સામરિક ભાગીદારી કરે છે. જે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષેત્રે આગળ ધપે છે. જોહાનિસબર્ગમાં બ્રાઝિલ, રશિયા, ચીન અને દ. આફ્રિકાના સમ્મેલનમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિથી વ્યાપારિક સંબંધ ગાઢ બન્યો અને બન્ને દેશો તરફથી ઉચ્ચસ્તરીય યાત્રાઓનો દોર ચાલ્યો. પરિણામે દ. આફ્રિકા સાથે વ્યાપાર કરનારા દેશોમાં ભારત પ્રથમ પાંચમાં સ્થાન પામ્યું છે.

દ. આફ્રિકામાં લગભગ ૧૫ લાખ ભારતવંશી રહે છે 

દ. આફ્રિકામાં લગભગ ૧૫ લાખ ભારતવંશી રહે છે. ત્યાં ૧૫૦થી વધુ ભારતીય કંપનીઓએ રોકાણ કર્યું છે. જે ૨૦,૦૦૦થી વધુ સીધી અને હજારો આડકતરી રોજગારી સ્થાનિક લોકોને આપવા નિમિત્ત બન્યું છે. ભારત વાહનો, પરિવહન ઉપકરણ, ઔષધિઓ, એન્જિનિયરિંગ ગુડ્સ, ફૂટવેર, ડાઈ, રસાયણ, ટેક્સ્ટાઇલ વગેરે વસ્તુઓની દ. આફ્રિકામાં નિકાસ કરે છે. જ્યારે સોનું, સ્ટીલ, કોલસો, કોપર, ફોસ્ફોરિક એસિડ, એલ્યુમિનિયમ વગેરે વસ્તુઓની આયાત કરે છે. તાતા, યુબી ગ્રુપ, મહિન્દ્રા અને કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ. આફ્રિકામાં પ્રમુખ ભારતીય રોકાણકારો છે. ૨૦૧૭-૧૮માં કુલ દ્વિપક્ષીય વ્યાપાર ૯.૩૮ અરબ અમેરિકન ડૉલરથી વધીને ૨૦૧૮-૧૯ના વર્તમાન સમય સુધી ૧૦.૬૫ અરબ અમેરિકન ડૉલર સુધી પહોંચ્યો. વર્ષ ૨૦૧૫માં દ. આફ્રિકાના ગૃહમંત્રી માલૂશી ગિગાબાએ ભારતની મુલાકાત લીધી અને સીમા શુલ્ક સહયોગ, વિજ્ઞાન પ્રૌદ્યોગિકી તથા રાજનૈતીક અધિકારીક પાસપોર્ટ ધારકો માટે વિઝા મુક્ત યાત્રાના ત્રણ મહત્ત્વના કરારો થયા.
વૈકલ્પિક પ્રશિક્ષણ અને ક્ષમતાસંવર્ધન વગેરે ક્ષેત્રોમાં બન્ને દેશો વચ્ચે નિકટ સહયોગ રહ્યો છે. અનેક વૈશ્ર્વિક મુદ્દા પર સમાન દૃષ્ટિકોણ ધરાવે છે. સંયુક્ત રાષ્ટ્ર, બ્રિક્સ, જી-૨૦, રાષ્ટ્રમંડળ, હિન્દ મહાસાગર રીમ સંગઠન અને આઈબીએસએ (ભારત, બ્રાઝિલ અને દ. આફ્રિકા) જેવા વિભિન્ન બહુપક્ષીય મંચો પર સહકારથી અડીખમ ઊભા છે. એ જ સુદૃઢ સંબંધો તરફ અંગુલીનિર્દેશ કરે છે.

પ્રવાસી ભારતીય દિવસની શાનદાર ઉજવણી 

ભારત - દ. આફ્રિકા પ્રવાસન પણ વિકાસના પથ પર છે. ભારતીયો પહેલી વખત દ. આફ્રિકામાં પહોંચ્યા તેની ૧૫૦મી વર્ષગાંઠ ૨૦૧૦માં ઊજવાઈ. ૨૦૧૪નું વર્ષ દ. આફ્રિકાથી મહાત્મા ગાંધીએ પ્રસ્થાન કર્યું તેનું ૧૦૦મું વર્ષ હતું. ૯ જાન્યુઆરી, ૧૯૧૫માં મહાત્મા ભારત આવેલા તેની યાદમાં પ્રવાસી ભારતીય દિવસની શાનદાર ઉજવણી થઈ. ફળશ્રુતિ એટલે લગભગ ૧.૨ લાખ ભારતીયોએ દ. આફ્રિકાની મુલાકાત લીધી અને ૬૦ હજાર પર્યટકો ભારતની મુલાકાતે આવ્યા.
મંડેલાએ ૧૯૯૭માં ગણતંત્ર દિવસે મહેમાન બની અને તત્કાલીન એચ.ડી. દેવગૌડાની સરકાર સાથે વ્યૂહાત્મક ભાગીદારીની આધારશિલા મૂકેલી. રામાફોસા સાથેની નવી સમજૂતીથી આ સંબંધ હવે આગળ વધશે. ભારતીય કંપનીઓનું યોગદાન વધારવા માટે દક્ષિણ આફ્રિકા માટે વ્યાપારી વિઝા સંબંધી નિયમોમાં આવશ્યક સુધારા અને નરમાશ માટે વડાપ્રધાનશ્રીએ બાંહેધરી આપી આ સંબંધને નવી ઉષ્મા આપી છે. કૌશલ્યવિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રિટોરિયામાં ગાંધી-મંડેલા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાનો નિર્ણય પણ લેવાયો છે, જે દેશોની સંયુક્ત વિરાસત તરીકે આધુનિક સહયોગનો એક ઉત્કૃષ્ટ નમૂનો બની શકે છે. સમજૂતીઓ માત્ર ઘરેલું મામલાઓ પૂરતી સીમિત નથી. આમાં આંતરરાષ્ટ્રીય કૂટનીતિ અને સંરક્ષણ સંબંધિત સહકાર થકી પણ નજીક આવવા માટેની રૂપરેખા ય છે. જેની અસર હિંદ મહાસાગરમાં ઊભી થયેલ કૂટનૈતિક હલચલમાં પણ જોવાશે. સમુદ્રી વ્યાપાર માર્ગને અવરોધ રહિત, સુગમ અને સુરક્ષિત બનાવવાની પ્રતિબદ્ધતા ચીનના પ્રયાસોને ઢીલા કરશે.

દ્વિપક્ષીય સંબંધોનો આ નવો દોર વધારે પરિણામકારક ફળ આપે એવી આશા. 

ભારત-દ.આફ્રિકાના વધી રહેલા વ્યવસાયિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક સંબંધોની ફળશ્રુતિ અનેક પ્રકારે મળવાના સંકેતો દેખાઈ રહ્યા છે. વ્યાપાર અને રોકાણમાં વિસ્તાર, ઉચ્ચ ટેક્નોલોજી, સૂચના અને પ્રસારણ ક્ષેત્રે નવીન સંસ્કરણો બન્ને દેશને મજબૂતી પ્રદાન કરશે. માનવપૂંજીમાં સુધારો-વધારો થાય, શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે એકમેકની જરૂરિયાતના પોષક બને, નાના અને મધ્યમ વ્યાપારના વિકાસ માટેની ક્ષમતા વૃદ્ધિ પામે એવા અનેક લાભ પણ ખરા. સૌથી મોટી વાત રક્ષાક્ષેત્રે સુરક્ષાની છે. પરમાણુ આપૂર્તિકર્તા સમૂહમાં ભારતની દાવેદારીને દ. આફ્રિકાનું સમર્થન આવકાર્ય. બન્ને દેશોની કંપનીઓ મળીને રક્ષા ઉપકરણો અને પ્લેટફોર્મ વિકસિત કરશે અને દેશ અને દુનિયામાં ફેલાયેલા આતંકવાદ સામે સંયુક્તપણે લડશે એ પણ આ સંબંધોની મહત્ત્વની ફળશ્રુતિ બની રહેશે. દ્વિપક્ષીય સંબંધોનો આ નવો દોર વધારે પરિણામકારક ફળ આપે એવી આશા.