કેરળમાં ભારતનો યુવાન આતંકવાદી સંગઠનનો વાવટો ફરકાવે ત્યારે ચેતી જવા જેવું છે

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૯

 
 
 

કેરળ બીજું કાશ્મીર બનવા તરફ

કાશ્મીર ઘાટી બાદ હવે કેરળમાં પણ ઇસ્લામિક કટ્ટરવાદીઓ બેફામ બન્યા છે. આતંકવાદી સંગઠન આઈએસના વાવટા ફરકાવવાની જે ઘટનાઓ હમણાં સુધી કાશ્મીર ઘાટી પૂરતી જ સીમિત હતી, તે હવે કેરળમાં પણ બનવા લાગી છે. છતાં રાજ્ય સરકાર હાથ પર હાથ રાખી બેસી રહી છે, પરિણામે આવનાર સમયમાં કેરળમાં પણ કાશ્મીરવાળી થાય તો નવાઈ નહીં.
 
તાજેતરમાં કેરળના જનમ ટીવી પર અહીના વર્કલા સ્થિત સીએચ મુહમ્મદ કોયા મેમોરિયલના વિદ્યાર્થીઓને આતંકવાદી સંગઠન આઈએસનું ખુલ્લેઆમ સમર્થન કરતા બતાવવામાં આવ્યા. અહીંના વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ વિશ્ર્વના સૌથી ખતરનાક સંગઠન આઈએસના સમર્થનમાં ઝંડા લહેરાવી અને નારા લગાવી રહ્યા હતા. અહીંના વિદ્યાર્થીઓએ કોલેજના શૌચાલયની દીવાલો પણ અલકાયદા જેવાં આતંકવાદી સંગઠનોના સમર્થનમાં લખાયેલ નારાથી ભરી દીધી હતી. વિડિયો એક વાર્ષિક ઉત્સવ દરમિયાનનો છે. ટેલિવિઝન પર પ્રસારિત થયેલા દૃશ્યોમાં અહીંના વિદ્યાર્થીઓ અલકાયદા અને આઈએસના આતંકવાદીઓનો પહેરવેશ પહેરી સરેઆમ તેમના ઝંડા લહેરાવી રહ્યા છે અને તેમના સમર્થનમાં નારેબાજી કરી રહ્યાં છે.

કટ્ટરવાદીઓનું કેન્દ્ર

પાછલા એક દાયકામાં કેરળમાં જે રીતે એક પછી એક ઘટનાઓ બની રહી છે તે સાબિત કરે છે કે, કેરળ હવે આતંકનું કેન્દ્ર બની રહ્યું છે. આ રાજ્યની રાજનીતિ અને અહીંના મુસ્લિમ સમુદાયના મોટા ભાગની કટ્ટર ઇસ્લામિક વિચારધારાએ રાજ્યને જેહાદી પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવી દીધું છે. અહીં મુસ્લિમ યુવાનો હવે કાશ્મીરની આઝાદી માટે લડવા કાશ્મીર જાય છે.
રાજ્યમાં છેલ્લાં થોડાંક વર્ષોમાં સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા (સિમી) ઇન્ડિયન મુઝાહિદ્દીન અલકાયદા જેવાં આતંકવાદી સંગઠનોએ ખુલ્લેઆમ દેખા દીધી છે અને પોતાનો પ્રભાવ પણ વધાર્યો છે. હાલ અહીંના કટ્ટરવાદી યુવાઓ વધારેમાં વધારે સંખ્યામાં આઈએસ તરફ ઢળી રહ્યા છે. પાછલાં ત્રણ વર્ષોમાં જ અહીંના ૫૪ યુવાનો રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. તપાસમાં એ વાતના સંકેત પણ મળ્યા છે કે તે તમામ આઈએસની અફઘાની પાંખમાં સામેલ થઈ ગયા છે. ભારતની જાસૂસી સંસ્થાઓ પહેલેથી જ અહીં આતંકવાદનો પ્રભાવ વધી રહ્યો હોવાની ચેતવણી આપતી રહી છે.
હવે પાકિસ્તાનમાં થયેલા એક અધ્યયનમાં પણ કેરળ રાજ્યને આઈએસના સૌથી વધુ સમર્થકવાળા રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
 

 
પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કંફિલકટ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝના નિર્દેશક અબ્દુલ્લાખાન દ્વારા આયોજિત દક્ષિણ એશિયામાં દાઈશ (આઈએસનું અરબી નામ)ના વિસ્તારની સંભાવનાઓ મુજબ વિલાયત-એ-હિંદ દાઈસનો નવો ચહેરો બની રહ્યું છે, જે ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શિક્ષિત યુવાઓને ખૂબ જ ઝડપથી પોતાના તરફ આકર્ષી રહ્યું છે. આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય નાગરિક મુખ્યત્વે કેરળના લોકો અન્ય બીજાં સંગઠનોની સરખામણીમાં આ એસઆઈએસ તરફ વધુ ને વધુ આકર્ષિત થઈ રહ્યા છે. આ સંશોધન ગત ત્રણ વર્ષોમાં કેરળના ૫૪ યુવકોના આઈએસમાં સામેલ થવાની ઘટના બાદ કરવામાં આવ્યું છે. કેરળમાં કટ્ટરવાદી અને આતંકવાદી સંગઠનો પ્રત્યે ઝોક વધી રહ્યો છે. કેરળ એ રાજ્ય છે જ્યાં પીએફઆઈ અને એસડીપીઆઈ જેવા કટ્ટરવાદી સંગઠન ખૂબ જ મજબૂત છે અને વ્યાપક રીતે તેમને રાજનૈતિક સંરક્ષણ મળે છે. આ જ સંગઠનો યુવાઓમાં કટ્ટરતા ફેલાવી રહ્યાં છે, પરિણામે અહીં સાઉદી અરબમાંથી આવનારા વહાબીઓની સુનામી આવી છે.

વહાબીવાદ

એક અનુમાન પ્રમાણે ગત કેટલાક સમયમાં રાજ્યમાં ૧૦૦૦ વહાબી ધાર્મિક-પ્રચારક આવ્યા છે અને પોતાની વિચારધારાને ફેલાવી છે. તેઓએ અહીં મોટા પાયે પૈસા પણ વેર્યા છે. રાજ્યોમાં મોટી મોટી મસ્જિદોના નિર્માણમાં પાણીની જેમ પૈસા વહાવ્યા છે. એ મસ્જિદો તેમની વિચારધારા પ્રસરાવી રહી છે. અહીંની નવી મસ્જિદો બરોબર સાઉદી અરબની ઢબે જ બનાવાઈ રહી છે. અહીંનો મુસ્લિમ યુવા વહાબીઓ દ્વારા પ્રસારિત કટ્ટરશૈલીનું પાલન કરવા-કરાવવા કોઈપણ હદે જઈ શકે છે. દેશનાં અન્ય રાજ્યોમાં સાઉદી દ્વારા ઠલવાતા ધન કરતાં કેરળમાં સૌથી વધુ ધન આવે છે. કેરળ એક એવું રાજ્ય છે જ્યાં ઓસામા બિન-લાદેનના મૃત્યુનો શોક મનાવતાં પોસ્ટરો લાગ્યાં હતાં અને અઝમલ કસાબને ફાંસીએ ચડાવ્યા બાદ તેના માટે ખુલ્લેઆમ દુઆ કરવામાં આવી હતી.
 

 
 
ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ મુજબ કેરળના યુવાઓ મોટી સંખ્યામાં ઇસ્લામના આ કટ્ટરપંથી ઘડામાં જોડાઈ રહ્યા છે. કેરળના મુસ્લિમ યુવાઓ દ્વારા અંસાર-ઉલ-ખિલાફા કેએલ નામનું સંગઠન શરૂ કરવામાં આવ્યું છે. જેનું કામ આઈએસના સમર્થક લોકોની ઓળખ કરી આઈએસમાં ભરતી કરવાનું છે. આનાથી એ સ્પષ્ટ સંકેત મળે છે કે, કેરળમાં આઈએસનો ઉન્માદ બેફામ બની રહ્યો છે, સમય રહેતાં આનો ઈલાજ જરૂરી છે. નહીં તો આવનાર સમયમાં દક્ષિણ ભારતનું આ રાજ્ય સમગ્ર ભારત માટે માથાનો દુખાવો બની જશે. કેરળના હિન્દુઓનો આરોપ છે કે, રાજ્ય સરકાર મતબેન્કને કારણે કટ્ટરવાદીઓ વિરુદ્ધ પગલાં લેતાં ડરે છે. રાજ્ય સરકારની આ નીતિને લઈ અહીંના લોકોમાં ભારોભાર રોષ છે જે સમયે સમયે બહાર પણ આવે છે. છતાં પણ કેરળ સરકાર હાથ પર હાથ રાખી બેસી રહી છે. જો આમ જ ચાલ્યું તો આવનારા દિવસો ન માત્ર કેરળ માટે બલકે સમગ્ર ભારત માટે મુસીબત બની રહેશે.
 
(કેરળ પ્રતિનિધિ)