વીરાંગના ઝલકારીબાઈ જેણે રાણી લક્ષ્મીબાઈના વેશમાં અંગ્રેજોની છાવણીમાં હાહાકાર મચાવ્યો

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
 

વીરાંગના ઝલકારીબાઈ

ભારતની ક્રાંતિકારી નારીઓમાં જેનું નામ ગૌરવપૂર્વક લેવાય છે તે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તો બધા ઓળખે છે, પરંતુ તેની જ હમશકલ અને ઝાંસી માટે પ્રાણની આહુતિ આપી દેનાર ઝલકારીબાઈ વિશે બહુ ઓછા લોકો જાણે છે. યુદ્ધકળામાં પ્રવીણ અને લક્ષ્મીબાઈની સાથે ખભેખભો મિલાવીને ઝઝૂમનાર ઝલકારીબાઈ સ્વતંત્રતા સંગ્રામનું એક ઝળહળતું નામ છે.
ઝાંસીની પાસે આવેલા ભોજલા ગામમાં તા. ૨૨ નવેમ્બર, ૧૮૩૦માં ઝલકારીબાઈનો જન્મ ગરીબ કોળી પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ સદોવર સિંહ અને માતાનું નામ જમુનાદેવી હતું. ઝલકારીબાઈ નાની હતી ત્યારે જ તેની માતાનું મૃત્યુ થયું. એટલે પિતાએ તેનું એક પુત્રની જેમ જ પાલનપોષણ કર્યું હતું. તેની નિર્ધન સ્થિતિને કારણે તે સારું શિક્ષણ તો નહોતી મેળવી શકી, પરંતુ ઘોડેસવારી અને શસ્ત્રો ચલાવવામાં તે ખૂબ પારંગત હતી.
 
બાળપણથી જ તે ખૂબ સાહસિક અને દૃઢ મનોબળવાળી હતી. તે ઘરનાં ઢોરઢાંખર ચરાવવા જતી અને જંગલમાંથી લાકડાં વીણી લાવતી. એકવાર તે જંગલમાં ઢોર ચરાવવા ગઈ ત્યાં ખૂંખાર દીપડો તેના પર ત્રાટક્યો. ઝલકારીએ પોતાના હાથમાં રહેલી કુહાડીથી પોતાનું રક્ષણ કર્યું અને દીપડા પર ઘા કરતાં જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું.
એકવાર ગામના એક વેપારીના ત્યાં ડાકુઓ ત્રાટક્યા. ઝલકારીને આ વાતની ખબર પડી એટલે તે પોતાની તલવાર લઈને નીકળી પડી. ગામમાંથી ડાકુઓનો બહાદુરીપૂર્વક સામનો કરી તેમને તગેડી મૂક્યા. આખા ગામમાં તેની બહાદુરીની પ્રશંસા થઈ.
 

 
 
ગામલોકોએ તેનાં લગ્ન ઝાંસી રાણી લક્ષ્મીબાઈની સેનાના એક બહાદુર સૈનિક અને તોપચી પૂરણ કોળી સાથે કરાવ્યાં. તે લક્ષ્મીબાઈનો જાંબાઝ સિપાહી હતો. એકવાર ગૌરીપૂજાના વ્રત નિમિત્તે અન્ય મહિલાઓ સાથે ઝલકારીબાઈ પણ લક્ષ્મીબાઈનું સન્માન કરવા ઝાંસીના કિલ્લામાં ગઈ. રાણી લક્ષ્મીબાઈ તેને જોઈને ચકિત થઈ ગયાં, કારણ કે તે આબેહૂબ લક્ષ્મીબાઈ જેવી દેખાતી હતી. તેની સાથે આવેલી સ્ત્રીઓ પાસેથી ઝલકારીનાં વખાણ સાંભળીને રાણી લક્ષ્મીબાઈ ખૂબ પ્રભાવિત થયાં.
 
લક્ષ્મીબાઈએ ઝલકારીબાઈને પોતાની દુર્ગાસેનામાં સામેલ કર્યાં. ઝલકારીબાઈએ સેનામાં બીજી મહિલાઓ સાથે તોપ, બંદૂક અને તલવારબાજીની તાલીમ લીધી. અંગ્રેજો સામે યુદ્ધ કરવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલતી હતી. ઝાંસીનું રાજ્ય ખાલસા કરવાની લૉર્ડ ડેલહાઉસીની નીતિ સામે ભારે વિરોધ ઊભો થયો હતો. રાણી લક્ષ્મીબાઈની ગાદીના વારસદાર ન હોવાથી તેના દત્તકપુત્રને ગાદી પર બેસવાની અંગ્રેજોએ મનાઈ ફરમાવી હતી. ઝાંસીનું રાજ્ય હડપ કરવા અંગ્રેજોએ ચાલ રમી હતી. ઝાંસીની સેના અને લોકોએ બ્રિટિશ સેના સામે યુદ્ધ પોકાર્યું. બંને સેના વચ્ચે ભયંકર યુદ્ધ થયું. લક્ષ્મીબાઈના નેતૃત્વમાં યુદ્ધ ચાલતું હતું, ત્યાં જ તેની જ સેનાનો સૈનિક દુલ્હેરાવ અંગ્રેજો સાથે ભળી ગયો અને કિલ્લાનો મહત્ત્વનો દરવાજો અંગ્રેજ સેના માટે ખુલ્લો મૂકી દીધો. અંગ્રેજ સૈનિકો કિલ્લામાં ઘૂસી ગયા. ઝાંસીના સેનાપતિઓ અને ઝલકારીબાઈએ લક્ષ્મીબાઈને પ્રાણ બચાવવા કિલ્લો છોડીને ભાગી જવાની સલાહ આપી. લક્ષ્મીબાઈ પોતાના કેટલાક ચુનંદા સૈનિકોને લઈને ત્યાંથી દૂર નીકળી ગયાં.
 

 ફિલ્મ મણિકર્ણિકામાં કગંના રણોતે રાણી લક્ષ્મીબાઈ અને અંકિતા લોખંડેએ ઝલકારી બાઈની ભૂમિકા ભજવી છે
 
ઝલકારીબાઈનો પતિ પુરન કિલ્લાનું રક્ષણ કરતો હતો. ત્યાં જ અંગ્રેજ સૈનિકની ગોળીઓથી વિંધાઈને શહીદ થઈ ગયો. ઝલકારીબાઈએ પોતાના પતિને શહીદ થતો જોયો, પણ તે હિંમત હારી નહીં. ઝલકારીબાઈને ગમે તે ભોગે માતૃભૂમિનું રક્ષણ કરવું હતું. અંગ્રેજોને હંફાવવા માટે તેણે એક યોજના બનાવી. ઝલકારીબાઈએ રાણી લક્ષ્મીબાઈ જેવા જ કપડાં પહેરી લીધાં અને ઝાંસીની સેનાની કમાન સંભાળી લીધી. ત્યાર બાદ તે ઘોડા પર સવાર થઈને કિલ્લાની બહાર નીકળી. અંગ્રેજ સેનાપતિ જનરલ રોઝને મળવા માટે તે નીડરતાથી તેની છાવણી સુધી પહોંચી ગઈ. અંગ્રેજ સૈનિકોની છાવણી પાસે પહોંચીને તેણે સિંહની જેમ ગર્જના કરી અને કહ્યું, ‘મારે જનરલ રોઝને મળવું છે.’
 
રોઝ અને તેના સૈનિકો ખૂબ ખુશ થયા. તેમણે વિચાર્યું રાણી લક્ષ્મીબાઈ પોતે અંગ્રેજ સૈન્યને શરણે આવી ગઈ છે અને તે પણ જીવિત. ઝાંસીનો કિલ્લો અને લક્ષ્મીબાઈ હવે તેમના કબજામાં છે. સેનાપતિ રોઝે કહ્યું, ‘બોલ ઝાંસીની રાણી, હવે તને શું સજા કરવામાં આવે ?’
 

 
 
ત્યાં જ ઝલકારીબાઈએ પોતાની તલવારથી પ્રહાર કર્યો. અંગ્રેજ સૈનિકો તેના પર તૂટી પડ્યા. એકલે હાથે તેણે ઘણા સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા. છેવટે સેનાપતિ રોઝ અને તેના સૈનિકો ઓળખી ગયા કે આ રાણી લક્ષ્મીબાઈ નહીં પણ તેના વેશમાં દુર્ગાસેનાની વીરાંગના ઝલકારીબાઈ છે. ઝલકારીબાઈને ગિરફ્તાર કરી તેને ફાંસીની સજા આપવામાં આવી. ઝલકારીબાઈ માતૃભૂમિ માટે પોતાના પ્રાણનું બલિદાન આપી ઇતિહાસમાં અમર થઈ ગઈ.
તેના માટે ઇતિહાસકારોએ લખ્યું કે -
 
‘જા કર રણ મેં લલકારીથી
વહ તો ઝાંસી કી ઝલકારી થી,
ગોરોં સે લડના સિખા ગઈ
હૈ ઇતિહાસ મેં ઝલક રહી,
વહ ભારત કી હી નારી થી.’
 
આજે પણ આ વીરાંગના ઝલકારીબાઈની ભવ્ય પ્રતિમાઓ ગ્વાલિયર, આગ્રા અને અજમેરમાં જોવા મળે છે. સરકારે તેની શાનમાં ટપાલ ટિકિટ પણ પ્રસિદ્ધ કરી છે.