રાજકોટ, અમદાવાદમાં PUBG ગેમ પર પ્રતિબંધ પછી અનેક યુવાનોની ધરપકડ! આવી ગેમ પર પ્રતિબંધ કેમ જરૂરી છે?

    ૧૪-માર્ચ-૨૦૧૯   

 

બાળપણ અને યુવાનીની ગેમ ઓવર કરી રહી છે PUBG Game

 
PUBG ગેમ ખરેખર યુવાનોને હિંસક બનાવી રહી છે. આ ગેમના અનેક ખરાબ પરિણામો સામે આવ્યા છે ત્યારે આ ગેમ પર પ્રતિબંધ જરૂરી છે. આ માટેની ઝુંબેસ શરૂ થઈ ગઈ છે
 
આજના યુવાનો મોબાઇલની દુનિયામાં ખોવાયેલા છે. એમા પણ જુદી જુદી ગેમ્સએ તો યુવાનો પર રીતસરનું અક્રમણ કર્યું છે. મોમો ચેલેન્જ હોય કે બ્લ્યુ વેલ હોય કે પબજી ગેમ હોય, આ સમાજને તેના ખરાબ પરિણામો મળ્યા છે અને જેના કારણે આવી ગેમ્સ પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠવા પણ લાગી છે. અનેક ગેમ્સ પર પ્રતિબંધ લગાવવામાં પણ આવ્યા છે. હાલ પબજી ગેમ્સનો પ્રભાવ છે. હમણાં જ રાજકોટમાં અને પછી અમદાવાદમાં પબજી ગેમ પર પ્રતિબંધ મૂકાયો છે. મહત્વની વાત એ છે કે આ વખતે માત્ર ગેમ પર પ્રતિબંધ જ નથી મૂકાયો પણ રમનારા યુવાનોની ધરપકડ પણ થઈ છે. આવો થોડું સમજીએ…
 

ગુજરાત શિક્ષણ વિભાગે કરી પહેલ…..

 
સૌથી પહેલા જાન્યુઆરીમાં બ્લુવેલ ગેમ બાદ પબજી ગેમ પર પ્રતિબંધ માટે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. આ ગેમના નુકશાનને ધ્યાને રાખીને ચંદ્રવદન ધ્રુવ નામના સામાજિક કાર્યકરની રજૂઆત બાદ શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો. શાળાના બાળકોમાં પબજી ગેમના નુકશાન અંગે જાગૃતિ કેળવવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે પબજી ગેમ પાછળ બાળકોની ઘેલછાને જોતા શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરી તમામ શાળાઓમાં જાણ કરવા આવી હતી. સાથે જ શિક્ષકોને પણ બાળકોને પબજી ગેમ ન રમવા માટે કેળવણીના પાઠ શિખવવા જણાવ્યું હતું.
 

પછી કરી રાજકોટ પોલિસે પહેલ…

 
રાજકોટમાં યુવાનોમાં પબજી ગેમનો વધતો વ્યાપ જોઇ ત્યાંના કમિશનર મનોજ અગ્રવાલે આ ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. અને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા. આ માટે કમિશનરે ૬ માર્ચ ૨૦૧૯ના રોજ એક નોટીફિકેશન બહાર પાડ્યું જેમાં લખવમાં આવ્યું કે,
“અમને ખબર છે કે પબજી ગેમ અને મોમો ચેલેન્જ રમવાથી યુવાનો હિંસક થઈ રહ્યા છે. અને આ ગેમના કારણે તેમના અભ્યાસ પર પણ ખરાબ અસર થઈ રહી છે. માટે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી PUBG ગેમ અને મોમો ચેલેન્જની રમત પર પ્રતિબંધ મૂકુ છું”

હવે અમદાવાદમાં પણ પ્રતિબંધ

 
રાજકોટ પછી આજથી અમદાવાદમાં પણ પબજી રમવા પર તથા મોમો ચેલેન્જ પર પ્રતિબંધ મૂકાયો છે. આ બન્ને ગેમ રમવાથી બાળકો અને યુવાનોમાં  હિંસક પ્રવૃતિનું પ્રમાણ વધી રહ્યું છે. જેની સીધી અસર તેમના અભ્યાસ પડતી હોવાથી અમદાવાદના કમિશનર એ.કે.સિઘએ ૧૩ માર્ચ ૨૦૧૯ના રોજથી આ ગેમ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. કમિશનરે લોકોને અપીલ પણ કરી છે કે જો કોઇ આ ગેમ રમતા નજરે પડે તો તરત નજીકના પોલિસ સ્ટેશને કે ચોકીએ જાણ કરે.

 
ગેમ રમનારાઓની ધરપકડ

 
આજ સુધી તમે એવું તો સાંભળ્યું હશે કે આ ગેમ કે પેલી ગેમ રમવા પર પ્રતિબંધ છે પણ તેના કારણે કોઇની ધરપકડ થઈ હોય તેવા સમાચાર તમે નહી સાંભળ્યા હોય. પણ આ વખતે આવા સમાચાર પણ આવ્યા છે. રાજકોટ પોલીસે પ્રતિબંધ છતાં PUBG ગેમ રમતા ૧૨ જેટલા યુવાનોની ધરપકડ કરી છે. આ માટે અહીંની પોલીસે રીતેસર ઝુંબેસ ચલાવી હતી. પોલીસના કહેવા પ્રમાણે પહેલા તો તેમના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા. મોબાઈલની હિસ્ટ્રી ચેક કરવામાં આવી અને અંતે તેમને જમાનત પર છોડવામાં પણ આવ્યા છે.
 

 
 

આ કાર્યવાહી કેમ જરૂરી છે?

 
આ ધરપકડ શું સૂચવે છે. ખરેખર પોલીસ અને સરકાર આ ગેમને લઈને ચિંતિત છે. યુવાનો હિંસક બની રહ્યા છે. જેના કારણે ક્રાઈમ વધી રહ્યા છે. અનેક માની ન શકાય તેવા બનાવો સામે આવ્યા છે. જુવો થોડા બનાવો….
 

પબજી રમવાની ના પાડતાં ઘર છોડ્યું

 
ગુજરાતના વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારનો કિસ્સો છે. જ્યાં મોબાઈલ પર સતત પબજી ગેમ રમવાની લતે ચડેલા એક ૨૦ વર્ષીય યુવાનને પિતાએ આ બાબતે ઠપકો આપતાં તેણે ઘર છોડી દીધું હતું. આ યુવાન કાંઈ સામાન્ય યુવાન ન હતો. તે અહીંની એમ. એસ. યુનિવર્સિટીમાં સાયન્સ વિભાગમાં બીસીએનો અભ્યાસ કરતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ તે છેલ્લા કેટલાક સમયથી સાવ બદલાઈ ગયો હતો. આખી રાત પોતાના મિત્રો સાથે ઓનલાઇન પબજી ગેમ રમ્યા કરતો હતો. પરિણામે તે ભણવામાં પણ પછડાઈ રહ્યો હતો. પરીક્ષાને કારણે તેનાં માતા-પિતાએ તેનો મોબાઈલ લઈ લેતાં તે ૨૯ નવેમ્બરના રોજ ઘર છોડી ક્યાંક ચાલ્યો ગયો.


ગેમ રમવાની ના પાડતાં વિદ્યાર્થીનો આપઘાત

 
ગુજરાતના જ રાજકોટ શહેરનો એક આઘાતજનક પ્રસંગ છે. અહીંના સામાકાઠા વિસ્તારમાં ફોનમાં ગેમ રમવાની ના પાડતાં ધો. ૯માં અભ્યાસ કરતા ૧૫ વર્ષના એક કિશોરે આત્મહત્યા કરી લીધી હતી. આ કિશોરે આવું પગલું શા માટે ભર્યું ? તેના પિતા કહે છે કે, તેમનો પુત્ર ભણવામાં ઘણો જ હોશિયાર હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે મોબાઈલ ફોનમાં ગેમ રમવાને રવાડે ચડી ગયો હતો. તે દિવસે સતત મોબાઈલમાં રચ્યોપચ્યો રહેતો અને મોડી રાત્રે પણ નેટ ચાલુ કરી ઓનલાઈન ગેમ રમ્યા કરતો હતો. તેની આ આદતે હદ વટાવી ત્યારે મેં તેને મોબાઈલના બદલે ભણવામાં ધ્યાન આપવાનું કહી ઠપકો આપતાં તેણે આ પગલું ભર્યું હતું.
 

પબજીની લતે યુવકે માતા-પિતા અને બહેનની હત્યા કરી

 
માત્ર ગુજરાતમાં જ નહીં, ગુજરાત બહાર પણ પબજી ગેમ કેવો હાહાકાર મચાવી રહી છે તેનો દાખલો તાજેતરમાં દિલ્હીમાં જોવા મળ્યો. અહીંના વસંતકુંજના કિશનગઢમાં ૧૯ વર્ષના સૂરજ નામના એક યુવકે પોતાનાં માતા-પિતા અને બહેનની હત્યા કરી દીધી. પોલીસની પૂછતાછમાં જે બાબત સામે આવી તે સાંભળી પોલીસ પણ ચોંકી ઊઠી હતી કે કોઈ ગેમની લત કોઈ યુવાનને આટલી હદે ક્રૂર કેવી રીતે બનાવી શકે ? આ યુવાએ કબૂલ્યું હતું કે, તેને ઓનલાઈન પબજી ગેમ રમવાની લત હતી અને આ માટે તેણે મહરૌલી વિસ્તારમાં ભાડે રૂમ પણ રાખ્યો હતો, જ્યાં તે અને તેના મિત્રો શાળામાં ગેરહાજર રહી આખો દિવસ પબજી ગેમ રમતા હતા. પિતાને આ વાતની જાણ થતાં તેઓએ તેને ધમકાવ્યો હતો, પરિણામે ગુસ્સામાં તેણે આખા પરિવારની હત્યા કરી દીધી હતી.
 

 
 

અને છેલ્લે...

 
એક તારણ મુજબ પબજી ગેમ યુવાનોનું જીવન બરબાદ કરી નાંખે છે ગેમના વળગણે યુવાનોને રીતસર ગાંડા કરી મૂક્યા છે. બાળકો-યુવાનો કલાકો સુધી ગ્રુપમાં રચ્યા-પચ્યા રહે છે. આ ગેમથી યુવાનો માયકાંગલાપણા તરફ ધસી રહ્યા છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ તાજેતરમાં જ પોતાના રિપોર્ટમાં જાહેર કર્યું હતું કે મોબાઈલ ગેમનું એડિક્શન એક માનસિક બીમારી છે. બહુ જ ટૂંકા ગાળામાં પબજી ગેમનું પ્રમાણ ચારે તરફ ફેલાઈ ગયું છે. પબજી ગેમનું પ્રમાણ વધવાને કારણે રમનારના શારીરિક વિકાસને અસર થઈ રહી છે. ચોંકાવનારું તારણ તો એ બહાર આવ્યું છે કે પબજી ગેમ રમનાર લોકો પોતાની એક અલગ દુનિયામાં જીવતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. તે ઉપરાંત તબીબોના જણાવ્યા અનુસાર પબજી ગેમ રમનાર વ્યક્તિનો સ્વભાવ ચીડિયો અને વાત-વાતમાં ગુસ્સે થઈ જાય છે એટલે જ હવે આ ગેમ ઉપર પ્રતિબંધ મૂકવા સરકારને ગંભીરતાથી વિચાર કરવાની જ‚ર છે.
આપણે આપણા યુવાસમાજને વધુ માનસિક રીતે સ્વસ્થ અને સ્થિર બનાવવા સ્ક્રીન આશ્રિત પેઢીની જગ્યાએ સ્વતંત્ર પેઢી તૈયાર કરવા સંકલ્પ કરીએ અને પોતાનાં તથા અન્યોના બાળકોને મોબાઈલ મેનિયામાંથી બહાર કાઢીએ.