સ્વપ્નો પૂર્ણ કરવા જાગવાની સાથે પ્રચંડ પુરુષાર્થ કરવો પણ જરૂરી છે

    ૧૯-માર્ચ-૨૦૧૯

ભલે તમારી પાસે બધું જ હોય પણ આ વાતનું ધ્યાન રાખજો નહીંતર ગયા સમજો

જંગલ ભલે ને વીસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું હતું. ભલે ને આંબાના અને વડનાં, નાળીયેરીનાં અને, લીમડાનાં સેંકડો વૃક્ષોથી એ શોભતું હતું, ભલે ને સિંહ અને સસલાં, વાઘ અને ગાય, ભેંસ અને બકરી, શિયાળ અને દીપડો વગેરે સેંકડો પશુઓથી એ હર્યું-ભર્યું હતું, પણ એ જંગલમાં દાવાનળ પ્રસરી ગયો અને ગણતરીની પળોમાં એ જંગલ સ્મશાનમાં ફેરવાઈ જઈને રાખરૂપ બની ગયું. પરિવાર તમારો ભલેને વિશાળ છે. સમાજમાં તમારી ગુડવિલ ભલે ને જબરદસ્ત છે, સંપત્તિ તમારી પાસે ભલે ને ભલભલાને ઈર્ષ્યા જન્માવી દે એટલી છે અને શરીર તમારું ભલે ને સશક્ત છે, પણ તમે જો વ્યસનના શિકાર બની ચૂક્યા છો, પછી ચાહે એ વ્યસન ગુટખાનું છે કે દારૂનું છે, જુગારનું છે કે અનાચારનું છે. એ વ્યસન તમારા પરિવારને, તમારા જીવનને, તમારા ગુણવૈભવને, તમારી ગુડવિલને, તમારી પ્રસન્નતાને અને તમારી તંદુરસ્તીને ખતમ કરી ને જ રહેવાનું છે એ સતત આંખ સામે જ રાખજો.
 

અભાસને સમજવો કેટલો બધો મોડો પડકાર હશે!  

 
એક એક ગલીના દરેક ઘર પાસે બકરી જતી હતી અને જોરશોરથી બે બે નો અવાજ કરી રહી હતી, પણ કરુણતા એ હતી કે બકરીનો એ દર્દનાક અવાજ કોઈને ય સંભળાયો નહી, કોઈએ પણ ઘરનો દરવાજો ખોલ્યો નહી અને પાણીના અભાવમાં સખત તરસનો શિકાર બની ગયેલ એ બકરીના પ્રાણ ચાલ્યા ગયા. રણના સખત તાપમાં હરણ આમથી તેમ સતત ભટકતું રહ્યું પાણીની શોધમાં. એને પાણી દેખાતું તો હતું, પણ જ્યાં પાણી હતું જ નહી ત્યાં એને પાણી દેખાતું હતું. જેને ઝાંઝવાનાં જળ કે મૃગજળ કહેવાય છે, એની પાછળ એ દોડતું રહ્યું અને આખરે તરફડી તરફડીને મરી ગયું. પાણીની અલ્પતામાં ગાયે જાન ગુમાવ્યો. પાણીના અભાવમાં બકરી પરલોકમાં રવાના થઇ ગઈ, પણ હરણે તો પાણીના આભાસમાં પ્રાણ ગુમાવ્યા. આ જગતના મોટા ભાગના જીવોની અતૃપ્તિ અને અશાંતિ, અધિકને, અલ્પતાને કે અભાવને આભારી નથી, પણ આભાસને જ આભારી છે. જે પદાર્થો સુખનો અનુભવ કરાવવાની ક્ષમતા જ ધરાવતા નથી એ પદાર્થોમાં સુખબુદ્ધિ એ છે આભાસની વ્યાખ્યા! અનંત જીવો, અનંતકાળથી આભાસના અનંત અનુભવો પછી પણ એમાંથી જો કશો જ સમ્યક બોધપાઠ નથી લઇ શક્યા તો સમજવું જ પડશે કે અભાસને સમજવો કેટલો બધો મોડો પડકાર હશે! સાવધાન!
 
- આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ