આવતી કાલે યોજાશે ‘શ્રી રમણભાઈ શાહ - ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કાર’ સમારોહ

    ૨૩-માર્ચ-૨૦૧૯   
 
 

 
પૂ. ભાઇશ્રીના હસ્તે અપાશે શ્રી રમણભાઈ શાહ - ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કાર

સમાજમાં રાષ્ટ્રીયતાના વિચારોનો પ્રચાર- પ્રસાર સાથે છેલ્લા ૬૧ વર્ષથી સામાજિક પત્રકારત્વના ધ્યેયને લઈને અવિરત રીતે આગળ વધતા સાધના સાપ્તાહિકે પત્રકારત્વ ક્ષેત્રે એક નવી પહેલ કરી છે. સાધના સપ્તાહિક દર વર્ષે પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરવા બદલ ‘શ્રી રમણભાઈ શાહ - સાધના પત્રકારિતા ગૌરવ પુરસ્કાર’ અર્પણ કરીને પત્રકારનું સન્માન કરે છે. જેની શરૂઆત વર્ષ ૨૦૧૪થી થઈ છે.
 

 
 

સમ્માનિત પત્રકાર ૨૦૧૮

 
૨૪ માર્ચના રોજ કર્ણાવતી ખાતે પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે વરિષ્ઠ પત્રકાર તથા દિવ્ય ભાસ્કરના પૂર્તિ એડિટર કૃષ્ણકાંત ઉનડકટને શ્રી રમણભાઈ શાહ - ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. સાથેસાથે ‘સાધના’ના કાર્યકર્તાઓનું પણ સન્માન કરવામાં આવશે..
 

 વર્ષ ૨૦૧૪માં પહેલો પુરસ્કાર ઇન્ડિયા ટૂડેના શૈલેશભાઈ રાવલને એનાયત કરવામાં આવ્યો
 

સમ્માનિત પત્રકારો

 
વર્ષ ૨૦૧૪માં પહેલો પુરસ્કાર ઇન્ડિયા ટૂડેના શૈલેશભાઈ રાવલને, પછી ૨૦૧૫માં પોસિટીવ મીડિયા ઇન્સ્ટીટ્યુટના રમેશભાઈ તન્નાને તથા ૨૦૧૭માં ગુજરાતના પ્રસિદ્ધ લેખક, વક્તા જય વસાવડાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષે ૨૦૧૮નો પુરસ્કાર દિવ્ય ભાસ્કરના પૂર્તિ એડિટર કૃષ્ણકાંત ઉનડકટને એનાયત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં સાધના દ્વારા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો, જે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર વિદ્યુત ઠાકરને એનાયત કરવામાં આવ્યો હતો.
 

 વર્ષ ૨૦૧૫માં શ્રી રમેશભાઇ તન્નાને આ પુરસ્કાર એનાયત કરાયો

સ્વ. રમણભાઈ શાહના સ્મરણાર્થે પુરસ્કારની શરૂઆત

 
છેલ્લા ૬૧ વર્ષથી અવિરત પ્રકાશિત થતા ‘સાધના’ સાપ્તાહિકના પ્રમુખ પૂર્વ ટ્રસ્ટીશ્રી સ્વ. રમણભાઈ શાહના સ્મરણાર્થે પત્રકારિતા ક્ષેત્રે પ્રોત્સાહન માટે ૨૦૧૪થી ગુજરાતી ભાષાના પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર પત્રકારને રૂપિયા ૫૧ હજારના પુરસ્કારથી પ્રતિ વર્ષ સન્માનિત કરવામાં આવે છે.
 

 ‘સાધના’ સાપ્તાહિકના પ્રમુખ પૂર્વ ટ્રસ્ટીશ્રી સ્વ. રમણભાઈ શાહ
 

ધખતી ધૂણી જેવા પત્રકારત્વના કાર્યને બિરદાવવું એ સમગ્ર સમાજની ફરજ છે

 
કલમમાં શ્યાહીને બદલે તેજાબ ભરીને નિર્ભિક અને સત્યનિષ્ઠ પત્રકારત્વ નિભાવનારા મુર્ધન્ય પત્રકાર અને લેખક શ્રી ચંદ્રકાન્ત બક્ષી કહેતા હતા કે, ‘વાચકોની વફાદારી જાળવવી એ પત્રકારત્વ અને પત્રકારનું પ્રથમ કર્તવ્ય છે.’ પત્રકારત્વના આ જગતમાં બક્ષી સાહેબના આ વિચારને વળગીને વાચકોની વફાદારી જાળવતા પત્રકારો ખૂબ ઓછા છે. કાગળના એક નાના ટૂકડાં પર એક રોટીજીવી પત્રકાર એની કલમ વડે કંઈક લખે પછી એ છપાય અને પછી એ કાળા અક્ષરો સમાજ માટે સોનેરી કિરણ બની જાય ત્યારે એ પત્રકારત્વ સાચુ. ભય, લોભ અને આત્મસિદ્ધિના આ જમાનામાં બહું ઓછા પત્રકારો સામાજિક નિસબત નિભાવીને એમનો વ્યવસાય કરી શકે છે. આવા પત્રકારોની કલમ જ્યારે જ્યારે ઉઠે છે ત્યારે ત્યારે સમાજને કંઈક નક્કર દિશા બતાવે છે. તેમના શબ્દો તલવારની ધાર કરતાં પણ વધારે ધારદાર હોય છે અને અનિષ્ટોનો સંહાર કરી સમાજનું ઉત્થાન કરે છે.
 

 વર્ષ ૨૦૧૭માં પ્રસિદ્ધ વક્તા, લેખક જયભાઇ વસાવડાને આ પુરસ્કાર એનાયત કરાયો
 
સમાજ માટે લખનાર જ નહીં જીવનાર પત્રકાર એના રૂંવાડેથી, શબ્દે શબ્દથી વાચકોની અને સમાજની વફાદારી જાળવતો હોય ત્યારે એની વફાદારી જાળવવી એ પણ સમાજનું કર્તવ્ય થઈ જાય છે. ધખતી ધૂણી જેવા એના આ કાર્યને બિરદાવવું એ સમગ્ર સમાજની ફરજ છે. સમાજની જ નહીં પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા તમામે તમામની ફરજ છે. સાધના સાપ્તાહિક રાષ્ટ્રીયતાનું વિચાર પત્ર છે, સામાજિક વિચાર પત્ર સાધના સાપ્તાહિક પત્રકારોને સમ્માન આપવાની દિશામાં એક નૂતન પગલું ભરીને એની સામાજિક ફરજને પૂરી કરવા માટે એક પહેલ આ પુરસ્કાર થકી કરી રહ્યુ છે. ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા પત્રકારને દર વર્ષે ‘શ્રી રમણભાઈ શાહ - સાધના પત્રકારિતા ગૌરવ પુરસ્કાર’ અર્પણ કરવાના એક નવા ઉપક્રમની શરૂઆત વર્ષ ૨૦૧૪થી થઈ છે.
 

 લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો, જે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર વિદ્યુત ઠાકરને એનાયત