ભારતની સૌથી ખર્ચાળ ચૂંટણી! ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર ગાળિયો કસવો કેમ જરૂરી ?

    ૨૬-માર્ચ-૨૦૧૯   

 
 

2019 lok sabha elections and social media

 
 
ભારતમાં કુલ ૯૦ કરોડ મતદારો છે અને તેમાંથી ૪૫ કરોડ મતદારો સોશિયલ મીડિયા પર સક્રિય છે. આ કારણે જ ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ભારતમાં લોકસભાની ચૂંટણીનો જંગ ધીરે ધીરે જામી રહ્યો છે. ભારતના ઈતિહાસમાં પહેલાં કદી ના જોવા મળી હોય એટલી ઉત્સુકતા અને રોમાંચ આ ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે.
 
આ વખતની લોકસભા ચૂંટણીમાં અંદાજે ૫૦ હજાર કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થાય તેવી શક્યતા છે. એ રીતે ભારતની આ સૌથી ખર્ચાળ ચૂંટણી હશે. વિદેશી મીડિયા ભારતની ચૂંટણીનું કવરેજ કરતું જ રહ્યું છે પણ આ વખતે આ કવરેજ વિશેષ છે. ભારતની કોઈ ચૂંટણીને પહેલાં કદી ના મળ્યું હોય એવું જબરદસ્ત કવરેજ આ વખતે મળી રહ્યું છે. વિદેશ અને ખાસ કરીને અમેરિકા તથા પશ્ર્ચિમના દેશોનું મીડિયા તેમાં વધારે સક્રિય છે, વધારે રસ લઈ રહ્યું છે. ટીવી ચેનલો, અખબારો, રેડિયો વગેરે પર તો ભારતીય ચૂંટણીની ચર્ચા છે જ પણ સોશિયલ મીડિયા પર પણ ભારતીય ચૂંટણી છવાયેલી છે.
 

સોશિયલ મીડિયાનું મહત્ત્વ

 
જો કે પરંપરાગત મીડિયા કરતાં વધારે મહત્ત્વનું સોશિયલ મીડિયા છે. ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, યુ ટ્યુબ વગેરે સોશિયલ મીડિયાનો પ્રભાવ દુનિયામાં કેટલો છે તે કહેવાની જરૂર નથી. ભારત પણ તેના પ્રભાવથી બાકાત નથી. ભારતમાં કુલ ૯૦ કરોડ મતદારો છે અને તેમાંથી ૪૫ કરોડ મતદારો સોશિયલ મીડિયા પર સક્રિય છે. મતલબ કે, ભારતના પચાસ ટકા મતદારોને સોશિયલ મીડિયાથી પ્રભાવિત કરી શકાય છે. આ કારણે જ ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
 

ભારતમાં કુલ મતદારો ૯૦ કરોડ છે અને ૨૪ કરોડ ફેસબુક યુઝર્સ છે

 
સોશિયલ મીડિયામાં વિશ્ર્વમાં ટોચ પર ફેસબુક છે અને ભારતની ચૂંટણી પર સૌથી વધારે અસર પાડી શકે તેમ કોઈ હોય તો તે ફેસબુક છે. ભારતમાં ફેસબુકના ૨૪ કરોડથી વધારે યૂઝર્સ છે. ટકાવારીની રીતે ફેસબુકના કુલ યૂઝર્સના ૧૧ ટકા ભારતમાં વસે છે. સોશિયલ મીડિયાની ભાષામાં કહીએ તો સૌથી મોટું ડેટા બજાર ભારત છે. ભારતમાં કુલ સોશિયલ મીડિયા યુઝર્સના ૫૦ ટકા કરતાં વધારે યુઝર્સ ફેસબુકવાળા છે. ફેસબુક યુઝર્સ મોટા ભાગે યંગ જનરેશન છે. ભારતમાં કુલ મતદારો ૯૦ કરોડ છે અને ૨૪ કરોડ ફેસબુક યુઝર્સ છે. મતદાર બનવાની વય ના વટાવી હોય તેવા બે કરોડ યુઝર્સને કાઢી નાંખો તો પણ ૨૨ કરોડ મતદારો ફેસબુક યુઝર્સ હોય. મતલબ કે કુલ મતદારોના ૨૫ ટકા ફેસબુક યુઝર્સ હશે.
 

ફેસબુક માટે પણ આ કમાણીનો મોકો

 
આ કારણે ફેસબુક પર ખાસ નજર રાખવી પડે કેમ કે ફેસબુક માટે પણ આ કમાણીનો મોકો છે. આ વાતને ધ્યાનમાં રાખીને ફેસબુકે તો ગયા વર્ષથી જ ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે વિશ્ર્વભરમાં પોતાની ટીમને મજબૂત બનાવવાનું કામ શરૂ કરી દીધેલું. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીને પ્રભાવિત કરવાના આરોપોનો સામનો કરી રહેલી ફેસબુકે પોતાના સોશિયલ નેટવર્કિંગની વિશ્ર્વસનીયતા ફરી સ્થાપિત કરવા ભારતની ચૂંટણીનો ઉપયોગ કર્યો છે. ફેસબુક દ્વારા ભારતની ચૂંટણીનો ઉપયોગ પોતાના સૌથી મોટા સ્ટ્રેટેજિક લોન્ચિંગ તરીકે કરાયો છે. ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ, ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડ્બર્ગ અને અન્ય બીજા મોટા અધિકારીઓ સતત લોક્સભા ચૂંટણી પર નજર રાખીને બેઠા છે.

અમેરિકાના કર્મચારીઓ લોકસભાની ચૂંટણી પર કામ કરી રહ્યા છે.

 
ભારતમાં ફેસબુકની ટીમ ઉપરાંત અમેરિકામાં કેલિફોર્નિયાના મેનલો પાર્કના ફેસબુકના હેડકવાર્ટરમાં હજારો કર્મચારીઓ લોકસભાની ચૂંટણી પર કામ કરી રહ્યા છે. ફેસબુકના ડાયરેક્ટર (ગ્લોબલ પોલિસી એન્ડ ગવર્નમેન્ટ આઉટરીચ) કેટી હાબર્ટે પોતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભારતની ચૂંટણી અમારા માટે ટોપ પ્રાયોરિટી છે. માર્ક ઝુકરબર્ગ આ ચૂંટણી પર નજર રાખી રહ્યા છે. આ તો એક ઉદાહરણ આપ્યું પણ બીજાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ એટલાં જ સક્રિય છે.
 

 
 

સોશિયલ મીડિયા પર પણ આચારસંહિતા લાગુ

 
આ વખતની આચારસંહિતામાં પહેલી વાર સોશિયલ મીડિયાને આવરી લીધું છે. સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝનું પૂર જ આવ્યા કરે છે ને તેના પર નિયંત્રણ લગાવવા માટે ચૂંટણી પંચે ફેસબુક, ટ્વિટર અને ગૂગલના પ્રતિનિધિઓને બોલાવીને વાતચીત કરી હતી. આ કંપનીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચૂંટણી દરમિયાન પોસ્ટ કરનારા તમામ રાજકીય ક્ધટેન્ટ પર નજર રાખવા અને ફેક ન્યૂઝને પ્રોત્સાહન આપનારી પોસ્ટને ૨૪ કલાકમાં જ ખસેડવા કહી દેવાયું છે. ચૂંટણી પંચે આ કંપનીઓને એ વાતનું ધ્યાન રાખવા માટે આદેશ પણ આપ્યો છે કે, ચૂંટણીપ્રચાર પૂરો થવાથી લઈને મતદાન સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ પાર્ટી કોઈ પણ પ્રકારનો રાજકીય પ્રચાર નહીં કરી શકે. મતદાન પહેલાં રાજકીય પક્ષો સોશિયલ મીડિયાને નાણાં આપીને પ્રચાર કરવાનો પ્રયાસ કરી શકે છે અને એ પણ તમારે રોકવું પડશે.
 
અત્યારે તમામ રાજકીય પક્ષ પોતાના પ્રચાર માટે મોટા પાયે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે કે જેથી સરળતાથી લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકે. તેના કારણે તેનો દુરૂપયોગ ના થાય એટલે સોશિયલ મીડિયા માટે કેટલાક નિયમો પણ બનાવાયા છે. આ નિયમો પ્રમાણે સોશિયલ મીડિયામાં તમામ જાહેરાતો આપતાં પહેલાં ચૂંટણી પંચની મંજૂરી લેવાની રહેશે. સોશિયલ મીડિયા પર જાહેરખબર માટે ઉમેદવારે તેનો પોતાનો પાન નંબર ફોર્મમાં દર્શાવવો પડશે. ગૂગલ, ફેસબૂક, ટ્વિટર અને યૂ ટયૂબને રાજકીય પક્ષો દ્વારા મળનારી જાહેરાતોની ચકાસણી કરવાની રહેશે ને ઉશ્કેરણીજનક, બદનક્ષીકારક કે વાંધાજનક ક્ધટેન્ટ નહીં લઈ શકાય.
 
ઉમેદવારે સોશિયલ મીડિયા માટે કરેલો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં જ ગણાશે. તમામ ઉમેદવારે ફોર્મ ભરતી વખતે જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી આપવાની રહેશે કે જેથી ભવિષ્યમાં પોતાનું એકાઉન્ટ નથી તેમ કહીને હાથ ના ખંખેરી શકે.
 

અમેરિકામાં ૮.૭૦ કરોડ જેટલા યૂઝર્સનો ડેટા ચોરાયો હતો.

 
ચૂંટણી પંચે સોશિયલ મીડિયા ફરતે ગાળિયો કસ્યો છે એ બરાબર છે કેમ કે સોશિયલ મીડિયા બીજા દેશોની ચૂંટણીમાં ચંચુપાત કરવા માટે કુખ્યાત છે. અમેરિકામાં ૨૦૧૬માં થયેલી પ્રમુખની ચૂંટણીમાં સોશિયલ મીડિયાએ ખરાબ ભૂમિકા ભજવી હતી. એ વખતે રશિયાના હેકરોએ ભજવેલી ભૂમિકા અંગે બહુ હોબાળો થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયાના જોરે જીત્યા હોવાના આક્ષેપ પણ થયા હતા. રશિયાએ પોતાને પસંદ હોય તેવા ટ્રમ્પને પ્રમુખપદે બેસાડવા સોશિયલ મીડિયાનો દુ‚પયોગ કર્યાના આક્ષેપો પણ થયા હતા. અમેરિકાના પ્રમુખની ચૂંટણી બાદ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠવા શરૂ થયા અને સોશિયલ મીડિયા શંકાના દાયરામાં આવી ગયું. આ ઓછું હોય તેમ અમેરિકાના પ્રમુખની ચૂંટણી દરમિયાન ફેસબુકના યૂઝર્સનો ડેટા કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપનીએ તફડાવ્યો હોવાનું ગયા વર્ષે બહાર આવ્યું. એ પછી ફેસબુક સામે આંગળી ચીંધાવાની શરૂઆત થઈ હતી. કેમ્બ્રિજ એનાલિટિકાના ડેટાચોરી સ્કેન્ડલ બાદ ફેસબુકની પ્રતિષ્ઠા ધોવાઈ છે. એ વખતે અનુમાન હતું કે ફેસબુકના પાંચ કરોડ જેટલા યુઝર્સના ડેટા ચોરાયા હતા. પછી ખબર પડી કે વાસ્તવમાં કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલના કારણે ૮.૭૦ કરોડ જેટલા યૂઝર્સનો ડેટા ચોરાયો હતો. આ યુઝર્સમાં અમેરિકા ૭ કરોડ યૂઝર્સ સાથે પ્રથમ ક્રમે છે તો ભારત બ્રિટન બાદ ત્રીજા સ્થાને છે. ફેસબુક ઉપર આરોપ મૂકાયો હતો કે, તેણે ડેટાની ચોરી રોકવા કોઇ પગલાં ન લીધાં. એ મામલામાં ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે બ્રિટનની સંસદીય સમિતિ તેમજ અમેરિકી સંસદ સમક્ષ હાજર થઈને ખુલાસા કરવા પડ્યાં છે.
 

ભારતમાં ફેસબૂક ચૂંટણી પર પ્રભાવ પાડી શકે?

 
ભારતમાં પણ ફેસબુકે ચૂંટણી પ્રક્રિયા પર પ્રભાવ પાડ્યો હોવાનું બહાર આવેલું જ છે. ડેટા ચોરીના કૌભાંડમાં સામેલ કેમ્બ્રિજ એનાલિટિકાએ સ્વીકાર્યું છે કે, તેણે ભારતના રાજકીય પક્ષો માટે પણ કામ કર્યું છે. કેમ્બ્રિજ એનાલિટિકાએ ભારતની પોતાની સહાયક કંપની ઓવલિન બિઝનેસ ઇન્ટેલિજન્સ સાથે મળીને ૨૦૧૦માં બિહાર વિધાનસભા ચૂંટણી વખતે નીતિશ કુમારની જેડીયુ માટે કામ કર્યું હતું. આ કંપનીએ જેડીયુને જે બેઠકો અંગે માહિતી આપી હતી તેમાંથી ૯૦ ટકા બેઠકો પર જેડીયુને જીત મળી હતી.
 
આ વિગત પછી બહાર આવી પણ ફેસબુક ડેટાચોરીનું કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલ બહાર આવ્યું ત્યારથી જ ચૂંટણી પંચે ફેસબુક કે વ્હોટ્સએપ જેવા સોશિયલ મીડિયા દ્વારા બહારના લોકો કે શંકાસ્પદ લોકો દેશની ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત ન કરી શકે એ દિશામાં વિચારવા માંડેલું. તેના ભાગરૂપે આ વખતે ગાળિયો કસવામાં આવ્યો છે. જો કે આ બધામાં મુખ્ય ભૂમિકા મતદારો જ ભજવી શકે. મતદારો પોતે આ પ્રકારના સોશિયલ મીડિયા પરના પ્રચારથી પ્રભાવિત ના થાય તો ચૂંટણીપ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ રહી જ શકે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકશાહીને મજાક ના બનાવી દે એ જોવાની લોકોની પહેલી ફરજ છે.