કુછ દાગ અચ્છે હોતે હૈં...પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

    ૧૦-એપ્રિલ-૨૦૧૯   

 
 
 

મતદાનમાં આંગળી પરના દાગનું ગૌરવ થાય છે :

 
પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે વરિષ્ઠ પત્રકાર તથા દિવ્ય ભાસ્કરના પૂર્તિ એડિટર કૃષ્ણકાંત ઉનડકટને ૨૪ એપ્રિલના રોજ શ્રી રમણભાઈ શાહ - સાધનાપત્રકારિતા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે ભાઈશ્રીએ  પોતાના પ્રાચનમાં જે કહ્યું તેના કેટલાંક અંશો અહી રજૂ કરવામાં આવ્યા છે...
 
રાજનીતિ આપણા જીવનનું એક અનિવાર્ય અંગ છે. હું હંમેશાં એક વાત સહુને કહું છું કે આપ જેટલા ભાવથી કથામાં આવો છો તેટલા જ ભાવથી મતદાન કરવા પણ જજો જ. ગત લોકસભાની ચૂંટણી દરમિયાન હું સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામમાં કથા કરી રહ્યો હતો. મારું મતદાન કેન્દ્ર મુંબઈમાં છે. બીજા દિવસે બપોરના સત્રની કથા હતી. હું મતદાનના આગલા દિવસે સાંજના સત્રની કથા પૂરી કરી રાતોરાત જામનગરથી મુંબઈ પહોંચ્યો. વહેલી સવારે ઊઠી મારા મતદાન કેન્દ્રમાં સૌથી પહેલો મતદાતા હું હતો. માતા યશોદા જેમ કૃષ્ણને શ્રૃંગાર કરી નજર ન લાગે તે માટે કાળું ટપકું કરે તેમ મેં આપણી લોકશાહીને નજર ન લાગે તે માટે આંગળી પર ટપકું કરાવ્યું. ભારતની આજુબાજુના દેશોના તાજા ઇતિહાસ પર નજર કરીએ છીએ તો આપણે આપણા દેશના પ્રજાતંત્ર પર ગર્વ થાય છે. લોકો ક્યારેક ક્યારેક કહેતા હોય છે કે તમને નથી લાગતું કે દેશમાં પરિસ્થિતિ બગડી છે ? ત્યારે એવા લોકોને હું કહું છું કે, તંદુરસ્ત શરીરમાં પણ ક્યારેક તાવ આવે છે ત્યારે આપણે કડવું કડિયાતું પી લેતા હોઈએ છીએ. માણસ ક્યારેક માંદો પણ પડે ! મરી તો નથી ગયો ?
 

મત આપવા હું મુંબઈથી સૌ પહેલાં મતદાન કરી જામનગર પહોંચ્યો 

 
હું મુંબઈથી સૌ પહેલાં મતદાન કરી જામનગર પહોંચ્યો ત્યાંથી કથાસ્થાને પહોંચ્યો. ૧૦ વાગે કથાનો સમય હતો અને મેં કથા સમયસર ચાલુ કરી અને સૌથી પહેલાં કથાના જીવંત પ્રસારણમાં મેં મારી આંગળી દેખાડી. સામાન્ય રીતે દાગ આપણને ગમતા નથી. પરંતુ કુછ દાગ અચ્છે હોતે હૈં મતદાન દરમિયાન લગાવાતા આંગળી પરના દાગનું ગૌરવ થાય છે.
 
એક ભાઈ સાથે હું વાત કરતો હતો ત્યારે તેમણે મને કહ્યું કે, ‘ભાઈશ્રી, મને રાજનીતિમાં રસ નથી. મેં તેઓને કહ્યું, ‘ભાઈ રસની ક્યાં વાત કરો છો ? રાજનીતિ તમારા રસોડા સુધી પહોંચી છે. તમારાં પત્ની ક્યારેક અચાનક જ તમારું ભાવતું ભોજન બનાવી તમને આગ્રહપૂર્વક ખવડાવે તો તેની પાછળ કંઈક આવે છે કે નહીં?’
 
તે ભાઈએ વિચાર કરી મને કહ્યું કે, "લગભગ તો આવ્યું છે ભાઈજી ! જ્યારે શહેરમાં કોઈ સાડીઓનો સેલ હોય કે દીવાળીએ એને દાગીના લેવાના હોય ત્યારે અચૂક મને ભાવતા ભોજન જમાડે.
મેં તેમને કહ્યું, "બસ, એ જ રાજનીતિ છે ભાઈ.
 
હું સ્પષ્ટ માનું છું કે બગડેલી રાજનૈતિક વ્યવસ્થાની ટીકા કરવાનો નૈતિક અધિકાર જે લોકો મતદાન કરતા નથી તેઓને બિલકુલ નથી. તમને જે પક્ષ ગમે તેને તમારી વિચારધારા પ્રમાણે, તમારા વિવેક પ્રમાણે મતદાન અચૂક કરવું જોઈએ. મતદાતાઓની વિચારધારાઓને હું પ્રભાવિત કરવા માંગતો નથી, પરંતુ પ્રેરિત તો કરવા માગું છું. મતદાન એ માત્ર આપણો અધિકાર નથી. પ્રજાતાંત્રિક લોકવ્યવસ્થા પ્રત્યેની આપણી જવાબદારી પણ છે અને એ જવાબદારી સૌએ બરાબર નિભાવવી જોઈએ.

 
સાંભળો.....